કોણ સાચુ? તોગડિયાના દાવાનું ક્રાઇમ બ્રાન્ચે કર્યું ‘એન્કાઉન્ટર’

પ્રવિણ તોગડીયાની તસવીર

અમદાવાદમાં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પ્રવીણ તોગડિયાએ તેમના કથિત એન્કાઉન્ટરના પ્રયાસના દાવાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેમણે કરેલી તપાસની વિગતો રજૂ કરીને નકારી કાઢ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર જે કે ભટ્ટે મંગળવાર સાંજે કરેલી પ્રેસ કૉન્ફરન્સમાં ગઈ કાલના ઘટનાક્રમની તપાસનાં કથિત તથ્યો રજૂ કરીને તોગડિયાએ તેમનું અપહરણ થયું હોવાના દાવાને નકારી કાઢ્યો છે.

શું કહ્યું સંયુક્ત પોલીસ કમિશન જે કે ભટ્ટે?

 • કોઈપણ અપહરણ નહોતું થયું. તેઓ જાતે ગયા હતા. જે પ્રવીણભાઈ પણ જણાવી ચૂક્યા છે
 • કોઈ જ પ્રકારનું રૂમમાં સર્ચ કરવામાં આવ્યું નથી. ક્રાઇમબ્રાંચ ઘણી જ ભરોસાપાત્ર શાખા છે.
 • જ્યાં પણ ગયા ત્યાં ઝેડ પ્લસ સિક્યોરિટી લઈને કેમ ન ગયા એ અમારા માટે પણ આશ્ચર્યજનક બાબત છે.
 • એનકાઉન્ટરની કોઈ જ શક્યતા નથી, ઉપજાવી કાઢેલી વાત છે.
 • તમામ બાબતોની તપાસ કરવામાં આવશે.
 • તેમને 108 મારફતે સીવિલ હોસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે તેમને ચંદ્રમણિ હોસ્પિટલમાં ખસેડવા માટે તેમના મિત્રએ જણાવ્યું.
 • 108ના ટેક્નિશિયને જણાવ્યું હતું કે જ્યારે તે પ્રવીણ તોગડિયા પાસે પહોંચ્યા ત્યારે તે શાંતિથી બેઠેલા હતા અને સ્વસ્થ હતા.
 • અમે ટેક્નિકલ સર્વેલન્સની જે તપાસ કરી તે અને પ્રવીણ તોગડિયાના નિવેદનોમાં વિરોધાભાસ છે.

વાંચો તોગડિયાએ સવારે શું કહ્યું હતું?

અમદાવાદની ચંદ્રમણિ હોસ્પિટલમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાએ પત્રકારો સાથે વાત કરી હતી.

તોગડિયાએ આરોપ લગાવ્યો, "મારું એન્કાઉન્ટર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે મને જાણ થઈ તો મારી પાસે રહેલી ઝેડ પ્લસ સિક્યોરિટીને જણાવી હું એરપોર્ટ જવા માટે નીકળી ગયો. મેં સાલ ઓઢી રાખી હતી કારણ કે કોઈ મને ઓળખી ના શકે. મને હોસ્પિટલમાં કોણ લાવ્યું તેની મને ખબર નથી. હું હિંદુ એકતા માટે જે પ્રયાસો કરી રહ્યો છું તેને દબાવવાની કોશિશ થઈ રહી છે."

 • હવે વીસ વર્ષ જૂના કેસો કાઢી મને ડરાવવામાં આવે છે.
 • કાલે રાજસ્થાનનો પોલીસ કાફલો બિનજામીનપાત્ર વોરંટ લઈને મને પકડવા આવ્યો હતો.
 • આરએસસના ભૈયાજી જોશી સાથે એક કાર્યક્રમ બાદ હું રાત્રે એક વાગ્યે કાર્યાલયે આવ્યો.
 • સવારે હું પૂજાપાઠ કરતો હતો ત્યારે એક વ્યક્તિ મારા રૂમમાં આવ્યો અને કહ્યું કે તરત કાર્યાલય છોડી દો તમારું એન્કાઉન્ટર થવાનું છે.
 • મેં તેની વાત પર ધ્યાન ના આપ્યું. હું મોતથી નથી ડરતો.
 • પરંતુ મારા ફોન પર તરત જ કૉલ આવ્યો જેથી મને શંકા ગઈ. તમારી ધરપકડ કરવા સોલા પોલીસ સ્ટેશનથી રાજસ્થાન પોલીસનો કાફલો આવ્યો છે.
 • મેં તરત જ જે કપડાં પહેર્યાં અને પાકિટ લીધું જેમાં થોડા પૈસા હતા અને મેં મારી સિક્ટોરિટીમાં રહેલા પોલીસને કહ્યું હું કાર્યાલય છોડીને જાઉં છું.
 • હું ઓટો રિક્ષામાં બેસી થલતેજ બાજુ નીકળ્યો, રસ્તામાં મેં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો સંપર્ક કર્યો.
 • તે બંનેએ કહ્યું કે અમારી તરફથી કોઈ પોલીસ નથી આવી અને અમને તેની જાણકારી પણ નથી.
 • ત્યારબાદ મેં ફોન બંધ કરી દીધા જેથી મારું લોકેશન ટ્રેસ કરી શકાય નહીં.
 • હું એક કાર્યકર્તાના ઘરે ગયો અને વકીલોનો સંપર્ક કર્યો. જાણકારી મળી કે પોલીસ ધરપકડનું બિનજામીનપાત્ર વોરંટ લઈને આવ્યા છે. વકીલોએ કહ્યું કે કોર્ટનું વોરંટ છે રદ્દ થઈ શકે તેમ નથી.
 • જો હું રાજસ્થાન પોલીસના હાથે પકડાવું તો હું ક્યાંયનો ના રહું. તેથી મેં જયપુર જવાનો નિર્ણય કર્યો.
 • હું ઓટો રીક્ષામાં બેસીને એરપોર્ટ જવા માટે નીકળ્યો. ત્યાંથી જયપુર કે દિલ્હીનું જે પ્લેન મળે તેમાં બેસી જયપુર પહોંચવાનો ઇરાદો હતો.
 • રીક્ષામાં બેઠા બાદ અચાનક તબિયત બગડી, મને પરસેવો વળવા લાગ્યો અને ચક્કર આવવાં લાગ્યાં. શું થઈ રહ્યું છે તેની ખબર ના પડી. પછી બેભાન થઈ ગયો.
 • પછી શું થયું તેની જાણ નથી હું રાત્રે જાગ્યો તો હું હોસ્પિટલમાં હતો. કઈ હોસ્પિટલમાં હતો તેની પણ ખબર મને ખબર ન હતી.
 • હજી મારી પરિસ્થિતિ સારી નથી. જ્યારે ડૉક્ટર રજા આપશે ત્યારે હું કોર્ટમાં જઈને આત્મસમર્પણ કરીશ. હું કાયદાથી ભાગતો નથી.
 • મારે ગુજરાત પોલીસને એટલું કહેવું છે કે મારા રૂમનું સર્ચ શા માટે કરવા ઇચ્છો છો? હું ક્રિમિનલ છું?
 • મારું જીવન રહે કે ના રહે હું રામ મંદિર, ખેડૂતો માટે લડતો રહીશ. હું હંમેશા બધાં હિંદુ સંગઠનોની એકતા માટે કામ કરતો રહીશ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો