મોદી અને તોગડિયા દોસ્તમાંથી દુશ્મન કેમ બન્યા?

  • પ્રશાંત દયાળ
  • બીબીસી ગુજરાતી માટે
રડતા તોગડિયાની તસવીર

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

શનિવારે વિશ્વ હિન્દુ પરિષદમાંથી ઔપચારિક રીતે 'તોગડિયાયુગ'નો અંત આવ્યો. વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે યોજાયેલી ચૂંટણીમાં જસ્ટિસ (રિટાયર્ડ) વિષ્ણુ સદાશીવ કોકજેએ તોગડિયાના વિશ્વાસુ જી. રાઘવ રેડ્ડીને પરાજય આપ્યો હતો.

તેમણે કહ્યું, "સત્તાના મદમસ્તોએ કરોડો હિંદુઓનો અવાજ અને ધર્મને દબાવ્યા છે."

મતદાન બાદ તોગડિયાએ વિહિપ છોડી દીધું હતું. તેમણે ખેડૂતો, યુવાનો તથા મહિલાઓ માટે મંગળવારથી અનિશ્ચિતકાલીન અનશન હાથ ધરવાની જાહેરાત કરી હતી.

તોગડિયા 32 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા હતા.

વિશ્વ હિન્દુ પરિષદની બેઠક હરિયાણાના ગુરુગ્રામ ખાતે મળી હતી. જેમાં કુલ 192 પદાધિકારીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે.

જોકે, સાડા ત્રણ દાયકા પહેલાં અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની શાખામાં સંઘના યૂનિફૉર્મમાં એક સાથે કતારમાં ઊભા રહી ‘નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ'ની પ્રાર્થના કરનાર નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયાની દોસ્તીમાં દરાર કેવી રીતે પડી?

આ અંગે ભાજપ કાર્યાલયના પૂર્વ મંત્રી જનક પુરોહિતે જુના દિવસો યાદ કરતા બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે 1978નાં વર્ષમાં પ્રવીણ તોગડિયા પોતાના વતન ગારીયાધારથી મેડિકલનો અભ્યાસ કરવા માટે અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં આવ્યા હતા.

તોગડિયા પહેલાંથી જ હિંદુત્વના રંગે રંગાયેલા હતા

ઇમેજ સ્રોત, Getty Images

મેડિકલના વિદ્યાર્થી પ્રવીણ તોગડિયાને પહેલાંથી જ હિંદુત્વનું ગૌરવ અને આકર્ષણ હતું.

તેમની સંઘી વિચારધારાને કારણે તેઓ સંઘમાં જવા લાગ્યા હતા. ત્યાં તેમની પહેલી મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઈ હતી.

1980ના દાયકાની શરૂઆતથી તેઓ મિત્ર બની ગયા હતા. મોદી અને તોગડિયા એક જ વિચારધારા ધરાવતા હોવાને કારણે તેમની મિત્રતા ગાઢ બની હતી.

મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરી તોગડિયાએ ડૉકટર તરીકે પ્રેકટીસ શરૂ કરી પણ તેમની સંઘમાં અવરજવર ચાલુ રહી.

વર્ષ 1985માં અમદાવાદમાં કોમી તોફાન શરૂ થયાં ત્યારે પ્રવીણ તોગડિયાને વિશ્વ હિંદુ પરિષદની જવાબદારી સોંપવામાં આવી હતી.

વીડિયો કૅપ્શન,

ભારતમાં આગામી સમયમાં નોકરીઓનું ભવિષ્ય કેવું રહેશે?

કોમી તોફાન દરમિયાન હિંદુ અસરગ્રસ્તોને મદદ કરવા ઉપરાંત અનેક જવાબદારી ડૉ. પ્રવીણ તોગડિયાએ ઉપાડી લીધી હતી.

તોગડિયા પરિષદમાં અને મોદી સંઘમાં હતા પણ તેમનાં દરેક પગલાં એક સાથે એક જ દિશામાં ઉપડતાં હતાં.

કોમી તોફાનોને કારણે પરિષદની ભૂમિકા મહત્ત્વની બનવા લાગી અને હિંદુઓને વિશ્વ હિંદુ પરિષદમાં સામેલ કરવાનું મહત્ત્વનું કામ તોગડિયાએ ઉપાડી લીધું હતું.

તોગડિયાના કામથી સંઘ અને પરિષદ બંન્ને પ્રભાવિત હતાં. જેના કારણે મંત્રીમાંથી ગુજરાતના પ્રમુખ અને ત્યાર બાદ રાષ્ટ્રીયસ્તરે તેઓ અત્યંત ઝડપથી પહોંચી ગયા હતા.

વર્ષ 1990ના દાયકામાં રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત થઈ અને ચારે તરફ પ્રવીણ તોગડિયાનો જય જયકાર થવા લાગ્યો.

મોદી-તોગડિયાની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, તે પહેલાં એટલે કે 1987માં નરેન્દ્ર મોદી પણ સંઘમાંથી ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે આવી ગયા હતા.

આમ નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયાનું એક જ લક્ષ્ય હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર બને.

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર નરેન્દ્ર શર્માએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યુ હતું કે ગુજરાતમાં ભાજપને 1990 અને 1995-1998માં સત્તા મળી.

તેમાં નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયાની મહત્ત્વની ભૂમિકા હતી.

ત્યાં સુધી તેમના વચ્ચે કોઈ અંતર નહોતું પડ્યું.

ભાજપ અને કેશુભાઈની સરકારમાં પ્રભાવ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

1995માં પહેલી વખત ભાજપની સરકાર રચાઈ તેમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા પણ નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયાનો દરેક નાના મોટા નિર્ણયોમાં અભિપ્રાય લેવાતો.

તોગડિયાના અમદાવાદના સોલા ખાતે આવેલા બંગલા બહાર લાલ લાઇટવાળી કારની કતાર લાગી રહેતી હતી.

આમ મોદી અને તોગડિયા સરકારનો ભાગ નહીં હોવા છતાં સત્તાનાં સૂત્રો તેમની પાસે હતાં તે ગુજરાતના અધિકારીઓને ખબર હતી.

પ્રવિણ તોગડિયાનું કદ વધવા લાગ્યુ હતું, તેમને સેન્ટ્રલ ફોર્સની ઝેડ પ્લસ સિક્યૉરિટી ફાળવવામાં આવી હતી.

જેમ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાફલાા સાથે હોય તેમ પોલીસના ચાર-પાંચ વાહનો, ઍમ્બ્યુલન્સ કાર અને ફાયર બ્રિગેડ તેમની સાથે રહેતી હતી.

1998માં ફરી વખત ભાજપની સરકાર આવી ત્યારે પણ તેમનો દબદબો તેવો જ રહ્યો હતો.

ડિસેમ્બર 2002માં તોગડિયાએ ભાજપ માટે 100થી વધુ જનસભાઓ કરી હતી.

મહત્ત્વકાંક્ષાને કારણે દોસ્તીમાં તિરાડ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2002માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનતા પ્રવીણ તોગડિયા પાસે રહેલી તમામ સત્તાઓ આંચકી લેવાઈ હતી.

વરિષ્ઠ પત્રકાર નરેન્દ્ર શર્માના શબ્દોમાં કહીએ તો ભાજપની (નરેન્દ્ર મોદીની) સરકારમાં 'મને કોઈ પૂછતું નથી' તેવા ભાવને કારણે પ્રવીણ તોગડિયા નારાજ થયા હતા.

આમ તેમના સંબંધોમાં 2002નાં વર્ષથી તિરાડ પડવાની શરૂઆત થઈ હતી.

તેમના વચ્ચે અંતર તો ત્યારે વધ્યું જયારે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા. ત્યારે પ્રવીણ તોગડિયાને મળતી ઝેડ પ્લસ સિક્યૉરિટી હટાવી લેવામાં આવી હતી.

પણ ગુજરાતના સિનિયર પત્રકાર અને ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના અખબારના પૂર્વ તંત્રી ડૉ. હરી દેસાઈએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યુ હતું કે નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયા બન્ને હોદ્દા માટે અત્યંત મહત્ત્વકાંક્ષી મિત્રો હતા.

તેમનું બન્નેનું લક્ષ્ય વડાપ્રધાન થવાનું હતું, જેમાં નરેન્દ્ર મોદી તે ખુરશી સુધી પહોંચી ગયા અને તોગડિયા રહી ગયા તે સત્તા તેમની દુશ્મનીનું કારણ બની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો