ઇઝરાયલ અને ગુજરાત પાસે એકબીજા માટે શું છે? જાણો પાંચ મુદ્દામાં

ઇઝરાયલમાં ફિલ્માવવામાં આવી રહેલી કોઈ ફિલ્મની અભિનેત્રીની શૂટિંગ સમયની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન ઇઝરાયલની ફિલ્મ અભિનેત્રીઓ ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી શકે

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ ગુજરાતની મુલાકાત કરી.

બન્ને દેશના વડાપ્રધાનોની ગુજરાત મુલાકાતથી ગુજરાતને શું ફાયદો થઈ શકે?

ગુજરાત ઇઝરાયલ પાસેથી શું મેળવી શકે? અને ઇઝરાયલને શું આપી શકે?

આ મુદ્દે ‘ઇન્ડિયા ઇઝરાયલ વર્કિંગ ગૃપ ઓન સ્ટાર્ટ અપ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ’નાં આમંત્રિત સભ્ય અને વિવિધ ઉદ્યોગગૃહોના સ્ટ્રેટેજિક એડ્વાઇઝર સુનિલ પારેખે બીબીસી ગુજરાતીના પારસ કે જ્હા સાથે વાત કરી


ભારત-ઇઝરાયલના વેપારનું કદ

Image copyright Getty Images

ઇઝરાયલ સાથે આપણા ઘનિષ્ઠ સંબંધો છે અને આ વખતે એવી અપેક્ષા છે ભવિષ્યમાં આ સંબંધો વધુ મજબૂત થાય.

ભારત અને ઇઝરાયલ વચ્ચેનો કુલ વેપાર લગભગ પાંચ અબજ અમેરિકન ડૉલર્સ (319 અબજ રૂપિયા) જેટલો છે.

ધારણા એવી છે કે આ વેપાર આગામી પાંચ વર્ષમાં બમણો એટલે કે 10 અબજ અમેરિકન ડૉલર્સ જેટલો થાય.

તમને આ વાંચવું પણ ગમશે:

તેમાં ડિફેન્સ સેક્ટર (સંરક્ષણ ક્ષેત્ર) સમાવિષ્ટ નથી, જે ખૂબ જ મોટું છે. પરંતુ આ લક્ષ્યાંક માત્ર સિવલ અને કોમર્શિયલ સેક્ટર માટેનું જ છે.

એટલે કહી શકાય કે ઇઝરાયલ સાથેના ભારતના વ્યાપારિક સંબંધો ખૂબ જ મોટાપાયાના છે.


ખેતીમાં ઇઝરાયલની ટેક્નોલૉજી

Image copyright Getty Images

ઇઝરાયલે અત્યાર સુધી ભારતમાં કુલ 40 અબજ ડૉલર્સ જેટલું રોકાણ કરેલું છે.

જેમાં નોંધપાત્ર 22 એગ્રિકલ્ચરલ રિસર્ચ સેન્ટર્સની સ્થાપના ઇઝરાયલે કરી દીધી છે.

આવા કુલ 28 એગ્રિકલ્ચરલ રિસર્ચ સેન્ટર્સ બનાવવાના છે.

જેમાંથી બે રિસર્ચ સેન્ટર્સ ગુજરાતમાં કચ્છ અને સાબરકાંઠામાં પણ સ્થાપવામાં આવશે. કચ્છમાં ખારેકની ખેતી માટેનું સંશોધન કેન્દ્ર કચ્છમાં બનશે.

સાબરકાંઠામાં પોસ્ટ હાર્વેસ્ટિંગ મેનેજમેન્ટ ટેક્નોલૉજી સેન્ટર બનશે.

એક અંદાજ મુજબ આખા યુનાઇટેડ કિંગડમ (યુકે)માં ફળો અને શાકભાજીના વપરાશ જેટલું નુકસાન આખા ભારતમાં થાય છે.

આપણા દેશમાં શાકભાજી અને ફળોનું ખૂબ જ મોટા પાયા પર નુકસાન થઈ રહ્યું છે.

એટલે જો પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ ટેક્નોલૉજી ગુજરાત અને ભારતના ખેડૂતો માટે ખૂબ જ લાભકારી સાબિત થાય તેમ છે.

એટલે સાબરકાંઠામાં એનું એક સંશોધન કેન્દ્ર ખોલવામાં આવશે.

આ ઉપરાંત તેમની પાસે ડિસેલિનેશન પ્લાન્ટ્સ અને વૉટર કંઝર્વેશનની ઘણી ટેક્નોલૉજીસ છે, જેની ગુજરાતમાં ખૂબ જ જરૂર છે અને એ આપણને ઉપલબ્ધ બની શકે તેમ છે.


ડિફેન્સ ક્ષેત્રમાં તકો

Image copyright Getty Images

ખેતી ઉપરાંત ગુજરાતના ઉદ્યોગો માટે ઇઝરાયલની ડિફેન્સ ટેક્નોલૉજી છે.

તેમની પાસે શીલ્ડ (કવચ - ઢાલ) ટેક્નોલૉજી છે. તેમાં કોઈ દુશ્મન દેશ તરફથી છોડવામાં આવેલી મિસાઇલને હવામાં જ કાઉન્ટર મિસાઇલ છોડીને તોડી પાડી શકાય.

એટલી ઝડપથી તેનું સેન્સિંગ, મોનિટરિંગ અને હુમલાની સામે હુમલો કરી શકાય.

ગુજરાતની ડિફેન્સ ક્ષેત્ર માટેની પોલિસી અને ડિફેન્સ પાર્કની વ્યવસ્થા તૈયાર થઈ ગઈ છે.

જો આ ટેક્નોલૉજી ગુજરાતમાં આવે તો આખા દેશને ખૂબ જ ફાયદો થઈ શકે છે.


ઇઝરાયલમાં કેવો વેપાર છે?

Image copyright Getty Images
ફોટો લાઈન ઇઝરાયલ પાસેની કુલ જમીનના 60 ટકાભાગમાં રણ છે અને બાકીના 40 ટકા ભાગમાં જ ખેતી, ઉદ્યોગો અને રહેઠાણની વ્યવસ્થા કરવી પડે છે

ઇઝરાયલ એક આયાત પ્રધાન દેશ છે. ત્યાંની કુલ જમીનમાંથી 60 ટકા તો રણ છે.

જેને કારણે બાકીની 40 ટકા જમીન પર જ એ લોકોને ખેતી, ઉદ્યોગો અને રહેઠાણો વગેરેની વ્યવસ્થા કરવી પડે છે.

આથી તેઓ માત્ર અત્યંત ઉચ્ચકક્ષાની ટેક્નોલૉજી આધારિત વસ્તુઓ જ બનાવે છે. તેમની બાકીની જરૂરિયાતની વસ્તુઓ જેમ કે વાહનો, કપડાં, વગેરે એ લોકો બહારના દેશોમાંથી આયાત કરી લે છે.

ભારત-ઇઝરાયલ વચ્ચે પાંચ અબજ ડૉલરનો જે વેપાર છે, તેમાંથી કુલ ત્રણ અબજ ડૉલર્સનો માલ-સામાન તો ઇઝરાયલ ભારતમાંથી આયાત કરે છે.

દ્વિપક્ષીય વેપારમાં 60 ટકા જેટલો હિસ્સો ભારતમાંથી થતી નિકાસનો છે.


ગુજરાત ઇઝરાયલને શું આપી શકે?

Image copyright Getty Images

ગુજરાતમાંથી જેમ્સ એન્ડ જ્વેલરી અહીંથી તૈયાર થઈને ત્યાં જાય છે. આ ઉપરાંત ઘણા કેમિકલ્સ, સ્પેશ્યલાઇઝ્ડ ટેક્સ્ટાઇલ જેવી વસ્તુઓ ગુજરાતમાંથી નિકાસ થાય છે.

આ ઉપરાંત ગુજરાતમાંથી બે ક્ષેત્રો ફિલ્મ્સ અને આયુર્વેદમાંથી ઇઝરાયલમાં નિકાસ થવાની ઉજ્જ્વળ તકો છે. ઇઝરાયલના લોકો આયુર્વેદમાં કામ કરવા માગે છે. આપણા ગુજરાતના જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટી ઇઝરાયલ માટે 'નોલેજ સેન્ટર' તરીકે કામ આપી શકે તેમ છે.

આ ઉપરાંત ઇઝરાયલ અને ગુજરાતના ફિલ્મ નિર્માતાઓ જોઇન્ટ પ્રોડક્શનમાં ફિલ્મો બનાવી શકે તેમ છે. એટલે ઇઝરાયલની એક્ટ્રેસ હોય અને ગુજરાતનો હીરો હોય તેવી ફિલ્મો પણ બની શકે છે. અહીંના ફિલ્મ નિર્માતાઓ ઇઝરાયલ જઈને તેમની ફિલ્મનું શૂટિંગ થઈ શકે તેવા કરાર પણ થાય તેવી શક્યતાઓ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ