દૃષ્ટિકોણ : 'હજ સબસિડી ઇંદિરા ગાંધીના મગજની ઊપજ હતી'

મક્કા Image copyright EPA

આ વાત ખરેખર પ્રશંસનીય છે કે હજ સબસિડી બંધ થઈ ગઈ છે. જોકે, કેટલાક પ્રાથમિક તથ્યો હજ સબસિડી સાથે સંબંધિત ચર્ચાનો ભાગ નથી.

સૌથી પહેલી વાત તો એ છે કે, ભારતમાં ક્યારેય મુસ્લિમ સમાજે હજ સબસિડીની માગ કરી નહોતી.

સૈયદ શહાબુદ્દીનથી માંડીને મૌલાના મહમૂદ મદની સુધી અને અસદુદ્દીન ઓવૈસીથી માંડીને ઝફરુલ-ઇસ્લામ ખાન સુધીના ઘણાં મુસ્લિમ નેતા અને વિદ્વાન સતત હજ સબસિડીને ખતમ કરવાની માગ કરતા રહ્યા છે.

બીજી વાત એ કે વર્ષોથી હજ સબસિડી મુસ્લિમ સમાજને સીધી રીતે મળી રહી નથી. ભારત સરકાર સાઉદી અરેબિયાની મુસાફરી માટે હવાઇ ટિકિટ પર એર ઇન્ડિયાને સબસિડી આપતી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

પ્રત્યેક હજ યાત્રિકો માટે સરકાર દ્વારા સ્વીકૃત આ રકમ આશરે દસ હજાર રૂપિયા હતી.

પરંતુ વ્યવહારિક રૂપે ક્યારેય આ રકમ હજ યાત્રિકોને આપવામાં આવી નથી. આ રકમ સીધી એર ઇન્ડિયાના બૅન્ક ખાતામાં પહોંચી જતી હતી.


'અલ્પસંખ્યકોનું તુષ્ટીકરણ'

Image copyright AFP

બીજા શબ્દોમાં કહીએ તો આ નાણાંકીય મદદનો ઉપયોગ એર ઇન્ડિયાનું ભારણ ઓછું કરવા માટે કરાયો હતો, હજ યાત્રિકો માટે નહીં.

આ એ સમય હતો જ્યારે ક્રૂડ તેલના સંકટના કારણે હજ યાત્રા ખૂબ મોંઘી થઈ ગઈ હતી અને વિમાન યાત્રાનું ભાડું મોંઘું થઈ ગયું હતું.

આ સબસિડીને સ્ટૉપગેપના રૂપમાં રજૂ કરવામાં આવી હતી અને આ રીતે હંમેશા માટે 'અલ્પસંખ્યકોના તુષ્ટિકરણ'નું લેબલ ચોંટી ગયું.

ઇંદિરા ગાંધી અને કોંગ્રેસ ભારતીય મુસ્લિમોના આર્થિક વિકાસ માટે કોઈ નક્કર પગલાં લેવાને બદલે 'ટૉકનિઝ્મ'થી ખુશ હતાં.

રાજકીય ચશ્માંથી જોવામાં આવે તો હજ સબસિડી ઇંદિરા ગાંધીના મગજની જ ઊપજ હતી, જેનો દાવ તેમણે કટોકટી દરમિયાન મુસ્લિમ વોટબેંકને કોંગ્રેસ પક્ષની મુઠ્ઠીમાં હંમેશ માટે સમાવી લેવા માટે રમ્યો હતો.

કોંગ્રેસના નેતૃત્વમાં ઝાકીર હુસૈન અને ફખરુદ્દીન અલી અહેમદને રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ બંધારણીય પદની જવાબદારી સોંપવામાં આવી હતી.

પરંતુ સાથે જ રામ સહાય આયોગ, શ્રીકૃષ્ણ આયોગ, ગોલ સિંહ આયોગ અને સચ્ચર આયોગની અરજીઓ પર કોંગ્રેસે મૌન પાળ્યું.


હજ સબસિડીને મુસ્લિમો વિરુદ્ધ રજૂ કરાઈ

Image copyright Getty Images

દેશમાં દક્ષિણપંથી વિચારધારાએ ઝડપથી પગપેસારો કર્યો હતો. હજ સબસિડીને મુસ્લિમો વિરુદ્ધ રજૂ કરવામાં આવી હતી.

અફવાઓ અને લોકોની વાતોના માધ્યમથી, વૉટ્સએપ સંદેશાઓથી, પેમ્પલેટના માધ્યમથી એવું સાંભળવા મળે છે કે 'ધર્મનિરપેક્ષ' પાર્ટીઓ આજકાલ દુષ્કાળ, શિક્ષણ, સ્વાસ્થ્ય, અને માળખાકીય વિકાસ માટે કરદાતાઓના પૈસા મુસ્લિમો પર લૂંટાવતી રહી છે.

તેનો તર્ક એ હતો કે સરકારી ખર્ચ પર કોઈ પ્રકારની ચર્ચા થતી નથી.

પછી તે હિંદુ અને શીખ તીર્થયાત્રિકો માટે સરકારી સબસિડીનો મામલો હોય કે પછી મંદિરોની દેખરેખ તેમજ તેના પુજારીઓના પગારની ચૂકવણીનો મામલો હોય.

મહાકુંભ અને અર્ધકુંભ જેવા આયોજનો પર થતા સરકારી ખર્ચ અંગે કોઈ વાતચીત થતી નથી.

હિંદુઓને કૈલાસ માનસરોવરની યાત્રા માટે વિદેશ મંત્રાલય પાસેથી તેમજ ઉત્તર પ્રદેશ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ અને બીજા રાજ્યોમાંથી સબસિડી મળે છે.

Image copyright Getty Images

વર્ષ 1992-94 વચ્ચે કેન્દ્ર સરકારની ઇચ્છા અનુસાર સમુદ્ર માર્ગે હજ માટે જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.

કોંગ્રેસના વડાપ્રધાન પીવી નરસિંહ રાવ અને અલ્પસંખ્યક મામલાઓના મંત્રી અબ્દુલ રહેમાન અંતુલેએ ભારતમાં મુસ્લિમો માટે હજ સબસિડીને છૂટ રૂપે રજૂ કરી હતી.

રસપ્રદ વાત એ છે કે, ખુદાથી ડરતા મુસ્લિમ હજ યાત્રા પર જતા પહેલા એ સુનિશ્ચિત કરે છે કે જે પૈસા પર તેઓ હજ યાત્રા પર જઈ રહ્યા છે તે ઋણ કે વ્યાજના માધ્યમથી ન પ્રાપ્ત કર્યું હોય.

હજ ઇબાદતનું પવિત્ર કાર્ય છે અને મુસ્લિમો માટે અનિવાર્ય છે કે જેઓ આર્થિક રૂપે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ જીવનમાં એક વખત એમ કરવા માટે સક્ષમ હોય.

હાજીઓ માટે સરકાર પાસેથી નાની એવી રકમ લેવાનો સવાલ ક્યાં છે, જ્યારે તેઓ પોતાના રહેવા, જમવા, મોબાઇલ ફોન, ફરવા અને સિમ કાર્ડ સુધીનો ખર્ચ પોતાની મહેનતની કમાણીથી ખુશી ખુશી ઉપાડે છે.

સરકાર તેના પર કેમ ચૂપ છે? દિલ્હી-જેદ્દાહ- દિલ્હી, કે મુંબઈ-જેદ્દાહ-મુંબઈની ટિકિટનું ભાડું 55 હજાર કરતા વધારે કેમ છે?

સામાન્ય ભાડું તો 28થી 30 હજાર રૂપિયા છે.


200 કરોડ રૂપિયા પર પહોંચી હજ સબસિડી

ફોટો લાઈન જમાત ઉલેમા-એ-હિંદના મહાસચિવ મૌલાના મહેમૂદ મદની

વર્ષ 2006માં, જમાત ઉલેમા-એ-હિંદના મૌલાના મહમૂદ મદનીએ ઘોષણા કરી હતી, "હજ કરવા માટે કોઈની મદદ લેવી તે શરિયત વિરુદ્ધ છે. કુરાનના આધારે, માત્ર એ જ મુસ્લિમો હજ પર જઈ શકે છે કે જેઓ વયસ્ક હોય, આર્થિક રૂપે સક્ષમ હોય અને નિરોગી હોય."

ઝફરુલ ઇસ્લામ ખાને કહ્યું, "સામાન્યપણે મુસ્લિમ હજ સબસિડીના પક્ષમાં નથી. અમે સબસિડીને એર ઇન્ડિયા કે સાઉદી એરલાઇન્સને સબસિડીના રૂપમાં માનીએ છીએ, મુસ્લિમો માટે નહીં."

"આ માત્ર સાધારણ અને સામાન્ય મુસ્લિમ મતદારો સમક્ષ એ દેખાડો કરવા માટે શરૂ કરાઈ હતી કે તેઓ તેમને ફાયદો પહોંચાડી રહ્યા છે."

અંતે સુપ્રીમ કોર્ટે હજ સબસિડીને ખતમ કરવા નિર્દેશ આપ્યા છે અને સરકારને તેને દસ વર્ષની સમયમર્યાદામાં નાબૂદ કરવા કહ્યું છે.

પોતાના નિર્ણયમાં સર્વોચ્ચ ન્યાયાલયને જાણવા મળ્યું હતું કે દર વર્ષે સબસિડીની રકમ વધી રહી છે.

આ રકમ વર્ષ 1994માં 10 કરોડ 51 લાખથી વધીને 2011માં 685 કરોડ થઈ ગઈ હતી.

અત્યારે હજ સબસિડી 200 કરોડ રૂપિયા હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો