નેતન્યાહૂએ મિત્ર મોદીને ભેટમાં આપેલી 'જીપ' ખાસ કેમ છે?

જીપ સાથે મોદી-નેતન્યાહૂની ઇઝરાયલમાં લેવાયેલી તસવીર Image copyright TWITTER/@NARENDRAMODI

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતની મુલાકાતે ખૂબ ચર્ચા જગાવી છે. નેતન્યાહૂએ આ પ્રવાસમાં મોદીને ભેટ પણ આપી છે.

નેતન્યાહૂએ અમદાવાદ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીને જીપ ભેટમાં આપી હતી. આ જીપ સામાન્ય જીપ નથી.

જીપની મદદથી દરિયાના ખારા પાણીને મીઠું અને ગંદા પાણીને સ્વચ્છ કરીને પીવાલાયક બનાવી શકાય છે.

વડાપ્રધાનએ આ ખાસ જીપને ભારત-પાકિસ્તાન સરહદ પર બનાસકાંઠા જીલ્લાના સુઈ ગામના લોકોને સમર્પિત કરી દીધી છે.

આ જીપથી કઈ રીતે ખારા પાણીને મીઠું કરી શકાય તે પણ વીડિયો કોન્ફરન્સિંગથી સુઈ ગામના લોકોને બતાવવામાં આવ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું "ગયા વર્ષે જ્યારે હું ઇઝરાયલ ગયો ત્યારે મને એક વાહન બતાવવામાં આવ્યું હતું."

"જે ગંદા પાણીને સાફ કરી શકે છે. તે જ વાહન વડાપ્રધાન નેતન્યાહૂએ મને ભેટમાં આપ્યું છે."

વડાપ્રધાન મોદીએ આ ખાસ ભેટ માટે દેશના લોકો તરફથી ઇઝરાયલના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.


સુઈ ગામને મળશે સાફ પાણી

Image copyright PMO

આ જીપનો ઉપયોગ સુઈ ગામના લોકો અને ત્યાં સરહદ પર તૈનાત સેનાના જવાનોને સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે કરવામાં આવશે.

આ જીપની કિંમત 1,11,000 અમેરિકી ડોલર છે. પૂર, ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓમાં કામ કરતી સેનાને સ્વચ્છ પાણી આપવા માટે તેનો ઉપયોગ થાય છે.

આ જીપને ઉચ્ચ ગુણવત્તાનું પીવાલાયક પાણી બનાવવા માટે બનાવાઈ છે.

તે દરરોજ 20,000 લિટર દરિયાઈ પાણી અને 80,000 લિટર ગંદા અથવા દૂષિત પાણીને સાફ કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ધોરણો અનુસાર આ પાણી શુદ્ધ હોય છે.


જીપ વિશે જાણવા જેવું

Image copyright TWITTER/@NARENDRAMODI

આ ગેલ મોબાઇલ જળ શુદ્ધિકરણ વાહન ઇઝરાયલે બનાવ્યું છે. આ વાહન સ્વતંત્ર રીતે અને ઑટોમેટિક બન્ને રીતે કામ કરે છે.

આ વાહન ખૂબ જ હલ્કું છે. 1540 કિલોની આ જીપને સહેલાઇથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે.

તે કોઈ પણ સંભવિત પાણીના સ્ત્રોતો જેવા કે નદીઓ, સરોવરો, મહાસાગરો, કુવાઓ વગેરે સાથે જોડાઈ શકે છે.

તેને બે લોકો ત્રીસ મિનિટથી પણ ઓછા સમયમાં શરૂ કરી શકે છે. તે એડવાન્સ કન્ટ્રોલ સિસ્ટમ્સ પર કામ કરે છે અને તે કોઈપણ ઋતુમાં કામ કરવા માટે સક્ષમ છે.

આ જીપમાં એક સમયે ઓછામાં ઓછું એક હજાર લિટર પાણી સંગ્રહી શકાય છે.

ખાસ કોઈ વીજળીની પણ જરૂર નથી. માત્ર 12 વોલ્ટ પર તે કામ કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો