#HerChoice: સ્ત્રી હોઈ શકે છે વેશ્યા, પત્ની અને પ્રેમિકા?
- દિવ્યા આર્યા
- બીબીસી સંવાદદાતા

'તુમ, જો પત્નીઓં કો અલગ રખતે હો, વેશ્યાઓં સે
ઔર પ્રેમિકાઓં કો અલગ રખતે હો પત્નીઓં સે
કિતના આતંકિત હોતે હો
જબ સ્ત્રી બેખૌફ ભટકતી હૈ, ઢૂંઢતી હુઈ અપના વ્યક્તિત્વ
એક હી સાથ વેશ્યાઓં ઔર પત્નીઓં ઔર પ્રેમિકાઓં મેં!'
વિખ્યાત હિંદી કવિ આલોક ધન્વાએ લગભગ 40 વર્ષ પહેલાં તેમની કવિતા 'ભાગી હુઈ લડકિયાં...'માં આ પંક્તિઓ લખી ત્યારે તેમણે મને અને તમને જ સંબોધિત કર્યાં હતાં.
વાત સાચી પણ છે. સ્ત્રી જ્યારે નિડર બનીને ફરે છે, ત્યારે હું અને તમે કેટલાં આતંકિત થઈ જઈએ છીએ.
તેનાથી સ્ત્રીઓનું ફરવાનું બંધ થયું નથી, એ આપ જાણો છો?
તમે આંખો બંધ કરી રાખી છે, નજર ફેરવી લીધી છે અને કેટલીક સ્ત્રીઓ તેમની જિંદગીમાં ચૂપચાપ ક્રાંતિ લાવી છે.
તેથી અમે વિચાર્યું કે આ છૂપા બળવા પર પ્રકાશ ફેંકવો જોઈએ.
તમારી મુલાકાત એવી સ્ત્રીઓ સાથે કરાવવી જોઈએ, જેઓ સામાજિક દાયરાને પાર કરીને, પોતાની ઇચ્છાઓ તથા અરમાનોને મહત્ત્વ આપીને પોતાનું વ્યક્તિત્વ શોધી રહી છે.
એ સ્ત્રીઓ આપણી વચ્ચે રહે છે. દેશની ઉત્તર, પૂર્વોત્તર, દક્ષિણ, પશ્ચિમ, શહેરી, ગ્રામ્ય વિસ્તારોમાં એ સ્ત્રીઓ પોતાની મરજીથી, #HerChoice થી જીવી રહી છે.
12 સત્ય કથાઓ
અલગ-અલગ વિસ્તારો અને વર્ગની 12 સ્ત્રીઓની સત્યકથાઓ આગામી દોઢ મહિનામાં અમે રજૂ કરીશું.
એ વાતની ખાતરી રાખજો કે આ સત્યકથાઓ તમને ચોંકાવી દેશે. ભારતીય યુવતીઓ અને આધેડ વયની સ્ત્રીઓ વિશેની તમારી સમજનો વ્યાપ વિસ્તારશે.
અમે તમને એક એવી સ્ત્રીની કથા જણાવીશું, જેને લગ્ન પછી ખબર પડી હતી કે તેનો પતિ નપુંસક છે.
એ શારીરિક સંબંધ પણ સ્થાપી શકે તેમ નથી, કે પ્રેમ કરવા ઇચ્છુક પણ નથી.
પુરુષે તો સમાજના દબાણ હેઠળ ખોટું બોલીને લગ્ન કરી લીધાં, પણ એ અધૂરા સંબંધમાં આ સ્ત્રીએ શું કર્યું?
તમને આ વાંચવું પણ ગમશે:
એક એવી યુવતી છે, જેને એ બાળકી હતી ત્યારે તેના ગામડિયાં માતા-પિતાએ તેમના પ્રેમસંબંધ માટે ત્યજી દીધી હતી.
માતા-પિતા હોવા છતાં અનાથ બનેલી એ યુવતીની મરજી શું છે?
સમલૈંગિક સંબંધો વિશે તમે બહુ સાંભળ્યું-વાંચ્યું હશે, પણ બે સ્ત્રીઓ કોઈ પ્રેમસંબંધ વિના દાયકાઓ સુધી સાથે રહેતી હોય એવું જોયું છે?
આઝાદ વિચારો ધરાવતાં એ બે પંખીઓને મળવાનું ગમશે?
છૂટાછેડા પામેલી સ્ત્રીને બિચારી ગણતાં લોકો માટે એ સ્ત્રીની કથા ખાસ બની રહેશે, જે સ્ત્રીએ પતિનો પ્રેમ ગુમાવ્યા બાદ ખુદને પ્રેમ કરવાનું અને સ્વમાનભેર જીવવાનું શિખ્યું છે.
પોતાની મરજીથી એકલી રહેવાનો નિર્ણય કરી ચૂકેલી સ્ત્રીઓની કથાઓ પણ દિલચસ્પ છે.
લગ્ન નહીં કરવાનો નિર્ણય પરિવાર અને સમાજ સામે જંગ જીતવાથી ઓછો ક્યારેય નથી હોતો. એવી સ્ત્રીઓ ખુશ છે.
કોઈ એકલી મજામાં છે. કોઈએ બાળક દત્તક લીધું છે અને તેના ઉછેરમાં મશગૂલ છે.
કોઈક સ્ત્રી વધારે હિંમતવાન છે અને તેણે લિવ-ઈન રિલેશનશીપમાં ગર્ભવતી થયા બાદ, એ સંબંધ તૂટ્યો.
ત્યાર પછી પણ બાળકને જન્મ આપવાનો, તેના એકલપંડે ઉછેરનો નિર્ણય કર્યો છે.
માતા-પિતાના દબાણને કારણે લગ્ન કર્યાં, પણ એ સંબંધમાં માત્ર પતિની હિંસાનો શિકાર બનેલી એક સ્ત્રીની વાત પણ હશે.
એ સ્ત્રીએ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કર્યો? લગ્નસંબંધ જોડાયેલો રાખ્યો કે તોડી નાખવાનું સાહસ કર્યું?
પતિ માર ન મારે પરંતુ પ્રેમ પણ ન કરે તો શું કરવું? નીરસ લગ્નને રસપ્રદ બનાવવાનો કોઈ ઉપાય છે?
પત્ની અને માની ભૂમિકામાં ગૃહિણીને અધૂરપનો અનુભવ થતો હોય છે?
એ અધૂરપને બીજા પુરુષના સહવાસ વડે પૂરવાની હિંમત એ સ્ત્રી કરે તો?
સ્ત્રીઓને તેમના જ પતિઓથી દૂર ભાગવાનું મન કેમ થતું હોય છે?
તેનું કારણ અને સંબંધ તોડ્યા વગર તેમાં શ્વાસ લેવાની જગ્યા બનાવવા માટે સ્ત્રીએ શોધેલા રસ્તાની વાત પણ એક કથામાં જાણવા મળશે.
સ્ત્રી વિકલાંગ હોય તો એ તેના પતિ અને પતિના પરિવારની નજરમાં 'પૂર્ણ' કઈ રીતે બને?
એક એવી સ્ત્રીની કથા હશે, જેમાં લગ્ન પહેલાં સંબંધ બાંધવાની હિંમત અને પછી એ સંબંધમાં પોતાની ક્ષમતાની ખાતરી કરાવવાનો સંઘર્ષ હશે.
ઓછું ભણેલી, પણ સબળ સ્ત્રીની એ કથા પણ અમે રજૂ કરીશું, જે સ્ત્રી તેના બેજવાબદાર પતિ સાથે રહે છે.
તેનો પતિ કમાતો નથી, પણ શરીરસંબંધ બળજબરીથી બાંધે છે.
બાળકો પેદા કરવા પર નિયંત્રણ નથી, સ્ત્રીનું શરીર નબળું થઈ રહ્યું છે, પણ તેનામાં સંબંધ તોડવાની હિંમત નથી.
એવી સ્ત્રી શું કરતી હોય છે? એવી સ્ત્રીની ઇચ્છા શું છે અને તેની પાસે શું વિકલ્પ છે?
બીબીસીની વિશેષ સીરિઝ #HerChoiceમાં આગામી દરેક શનિ-રવિવારે આરામથી વાંચજો આ 12 સત્યકથાઓ અને વિચારજો.
વિચારવું અને સમજવું સૌથી વધુ જરૂરી છે, કારણ કે આ બધું આપણા સમાજમાં બની રહ્યું છે.
કોઈ સ્ત્રી વિચારી રહી છે, કોઈ ઈચ્છા મુજબ આગળ વધી રહી છે.
આ એ સ્ત્રીઓને જાણવાની તક છે.
'ભાગી હુઈ લડકિયાં'માં કવિ આલોક ધન્વાએ આગળ લખ્યું હતું તેમ...
'કિતની-કિતની લડકિયાં, ભાગતી હૈં મન હી મન
અપને રતજગે, અપની ડાયરી મેં
સચમુચકી ભાગી લડકિયોં સે, ઉનકી આબાદી બહુત બડી હૈ.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો