વિરાટ કોહલી કો ગુસ્સા ક્યોં આતા હૈ?

વિરાટ કોહલી Image copyright AFP
ફોટો લાઈન વિરાટ કોહલી

પાંચમી જાન્યુઆરી પહેલાં એક સ્પોર્ટ ટીવી ચેનલ પર એક જાહેરાત પ્રસારીત કરવામાં આવતી હતી.

એ જાહેરાતમાં કહેવામાં આવતું હતું કે આપણે 25 વર્ષનો બદલો લેવાનો છે, વારંવાર સિરીઝ હારવાથી થયેલાં જખમનો બદલો લેવાનો છે.

હવે એ જાહેરાત કદાચ ફરી પ્રસારિત નહીં થાય.

પાંચમી જાન્યુઆરીએ સિરીઝ શરૂ થઈ હતી અને 17 જાન્યુઆરીએ બે ટેસ્ટ મેચ પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે 'બદલા-ફદલા' જેવું કંઈ હોતું નથી.

અમે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમી રહેલી ટીમ ઇંડિયાની વાત કરી રહ્યાં છીએ. ભારતીય ટીમ 2-0થી સિરીઝ હારી ચૂકી છે.

આ પ્રવાસ શરૂ થયો એ પહેલાં કહેવામાં આવતું હતું કે આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવાની આ સુવર્ણતક છે, કારણ કે પ્રતિસ્પર્ધી ટીમની 20 વિકેટો ઝડપી શકે તેવા બોલરો ભારત પાસે છે.

તમને આ પણ વાંચવું ગમશે


બોલરોની મહેનત બેટ્સમેનોએ વેડફી

Image copyright Getty Images
ફોટો લાઈન ભુવનેશ્વર કુમાર

અરધી વાત સાચી સાબિત થઈ છે. ભારતીય બોલરોએ આ સિરીઝમાં અત્યાર સુધીમાં ઉત્તમ દેખાવ કર્યો છે.

બોલરો ભારતીય ટીમ માટે અનુકૂળ વાતાવરણ સર્જયું હતું એટલું જ નહીં, મેચોને જીતી શકાય એવી પરિસ્થિતિ પણ બનાવી હતી, પરંતુ ભારતીય બેટ્સમેનોએ દગો આપ્યો હતો.

કેપ્ટન વિરાટ કોહલી માટે આ જોરદાર આંચકો છે તે સ્પષ્ટ છે.

સેંચુરિયન ટેસ્ટ હાર્યા બાદ કોહલીએ કહ્યું હતું, "બોલરોએ વધુ એકવાર તેમનું કામ કર્યું હતું, પણ બેટ્સમેનોએ નિરાશ કર્યા એટલે અમે અહીં ઊભા છીએ."

એ મેચની ટીમમાંથી ભુવનેશ્વર કુમારને બહાર રાખીને પહેલી મેચમાં નિષ્ફળ રહેવા છતાં રોહિત શર્માને તક આપવા બદલ કોહલીએ સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે.


કોહલી ગુસ્સે શા માટે?

Image copyright AFP

મેચ હાર્યા પછીની નિરાશા વચ્ચે વધુ એકવાર આ સવાલ કોહલીને પૂછવામાં આવ્યો ત્યારે એ પોતાનો ગુસ્સો રોકી શક્યા ન હતા.

તેમને પૂછવામાં આવ્યું હતું કે સાતત્યસભર ફોર્મ ટેસ્ટ મેચ જરૂરી હોય છે, પણ તમે અત્યાર સુધીમાં જેટલી મેચમાં કેપ્ટનશિપ કરી છે તેમાં દરેક વખત ટીમમાં ફેરફાર કર્યો છે.

ગુસ્સે થયેલા કોહલીએ આ સવાલના જવાબમાં કહ્યું હતું, "અમે 30માંથી કેટલી મેચો જીત્યા? 21 જીત્યા, બે હાર્યા."

તેના અનુસંધાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે "તેમાંથી કેટલી મેચો ભારતમાં રમ્યા હતા?"

કોહલીએ જવાબ આપ્યો હતો, "તેનાથી કોઈ ફરક નથી પડતો. અમે દરેક વખતે જીતવાના પ્રયાસ કરીએ છીએ. હું અહીં તમારા સવાલોના જવાબ દેવા આવ્યો છું, લડવા નહીં."

કોહલીએ એક અન્ય સવાલના જવાબમાં જણાવ્યું હતું, "આપણે બેસ્ટ છીએ એવું માનીને આગળ વધવાનું છે.

"અહીં આવીને સિરીઝ જીતવાનો આત્મવિશ્વાસ આપણને ન હોય તો અહીં આવવાનો ફાયદો શું છે.

"ભારતમાં રમતી વખતે દક્ષિણ આફ્રિકા કેટલી વખત જીતની નજીક પહોંચ્યું છે? એ ગણીને કહી શકાશે.

"કોહલીના આ જવાબ સામે એક પત્રકારે કહ્યું હતું, "એવું તો પિચોને કારણે થયું હતું."


"અમે કોઈ ફરિયાદ નથી કરી"

Image copyright Getty Images
ફોટો લાઈન વિરાટ કોહલી અને શિખર ધવન

કોહલીએ કહ્યું હતું, "અમે કેપટાઉન બાબતે કોઈ ફરિયાદ કરી ન હતી. અમે પિચ બાબતે કંઈ કર્યું ન હતું.

"બન્ને મેચો જીતવા માટે અમારી પાસે બરાબર તક હતી. હું મારા બધા ખેલાડીઓને ખુદને સવાલ કરવા કહી રહ્યો છું."

કોહલીનો ગુસ્સો સમજી શકાય તેમ છે, કારણ કે તેમને દરેક મેચ જીતવા ઇચ્છતો ખેલાડી ગણવામાં આવે છે.

કોહલી મેચ જીતવા પોતાના તરફથી બધા પ્રયાસ કરે છે. તેમની બેટિંગ ફિલ્ડિંગ અને કેપ્ટનશિપમાં પણ એ વાત નજરે ચડે છે.

સેંચુરિયન ટેસ્ટમાં માત્ર કોહલીનું બેટ બોલ્યું, બાકીના બેટ્સમેન નિષ્ફળ રહ્યા.

પહેલી ઇનિંગ્ઝમાં કોહલીએ એકલાએ 153 રન ફટકાર્યાં હતાં, જ્યારે બાકીના દસે ભેગા મળીને 142 રન નોંધાવ્યાં હતાં.

બીજી ઇનિંગ્ઝમાં બાકીના દસ બેટ્સમેનોએ 141 રન નોંધાવ્યાં, જ્યારે કોહલી માત્ર પાંચ રન જ બનાવી શક્યા હતા. પરિણામે ભારત 135 રનથી ટેસ્ટ હારી ગયું હતું.


ગુસ્સા કરતાં આંકડા બળકટ

Image copyright Getty Images

વિરાટ કોહલી પત્રકારોના સવાલોથી ધૂંધવાઈ શકે છે, પણ તેને નજરઅંદાજ કરી શકે તેમ નથી. તેનાં ઘણાં કારણ છે. તેમના માટે આંકડા પણ મદદગાર નથી.

કડવું સત્ય એ છે કે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં એકેય સિરીઝ જીતી શકી નથી.

છેલ્લા આઠ વર્ષના આંકડા સેંચુરિયનમાં થયેલી હારને વધારે નિરાશાજનક બનાવે છે.

ભારતીય ટીમે 2011-12માં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો અને એ સિરીઝ 1-1થી બરાબર રાખવામાં સફળ થઈ હતી.

2013-14માં દક્ષિણ આફ્રિકા ગયેલી ભારતીય ટીમ 1-0થી સિરીઝ હારી હતી.

બીજા દેશોની વાત કરીએ તો ભારતીય ટીમે 2011માં ઇંગ્લૅન્ડમાં 4-0થી અને 2011-12માં ઓસ્ટ્રેલિયામાં પણ 4-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમ 2013-14માં ન્યૂઝીલૅન્ડમાં 1-0થી, 2014માં ઇંગ્લૅન્ડમાં 3-1થી અને 2014-15માં ઓસ્ટ્રેલિયામાં 2-0થી હારી હતી.


એશિયા બહાર ખરાબ હાલત

Image copyright Getty Images

2015માં શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમે સિરીઝ જીતી હતી, પણ સેંચુરિયનમાં પાસું પલટાઈ ગયું હતું.

એશિયા બહાર હારવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. વેસ્ટ ઇંડિઝને બાદ કરીએ તો ભારત નવ પૈકીની આઠ સિરીઝ એશિયા બહાર રમ્યું છે અને એકેયમાં જીત્યું નથી.

વર્તમાન સિરીઝની વાત કરીએ તો સેંચુરિયનમાં કોહલીના 153 રનને બાદ કરતાં ભારતનો એકેય સ્પેશ્યલિસ્ટ બેટ્સમેન અરધી સદી પણ ફટકારી શક્યો નથી.

ટોચના છ બેટ્સમેનોની એવરેજ 20.45ની છે. કોહલીના 153 રનની ઇનિંગ્ઝને તેમાંથી બાદ કરીએ તો સરેરાશ 14.08ની થઈ જાય છે.

દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં આ અગાઉ ભારતના ટોચના છ બેટ્સમેનોનું પ્રદર્શન આટલું કંગાળ ક્યારેય રહ્યું નથી.

1992-93માં તેમની સરેરાશ 24.42ની હતી, જ્યારે 2013-14ના પ્રવાસમાં તે સરેરાશ 44.78ની હતી. તેમાં બે સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે.


રહાણેનો રેકોર્ડ કેવો છે?

Image copyright Getty Images
ફોટો લાઈન અંજિક્ય રહાણે

કોહલીના ટીમ સિલેક્શન બાબતે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. તેમણે અંજિક્ય રહાણેને બદલે બન્ને મેચોમાં રોહિત શર્માને તક આપી હતી.

રોહિત શર્માનો રેકોર્ડ ઘરઆંગણાની વન-ડેમાં શાનદાર છે, પણ વિદેશમાં કંગાળ છે.

વિદેશની 16 ટેસ્ટમાં તેની સરેરાશ માત્ર 25.35ની છે, જ્યારે ઘરઆંગણાની નવ ટેસ્ટમાં એ 85.44ની છે.

બીજી તરફ વિદેશમાં રહાણેનો રેકોર્ડ ઘણો સારો છે. ઘરઆંગણાની 19 ટેસ્ટ મેચોમાં તેની બેટિંગ સરેરાશ 33.63ની, જ્યારે વિદેશમાં 53.44ની છે.

રહાણેએ તો ઘરઆંગણાની ત્રણ અને વિદેશની છ ટેસ્ટમાં સદીઓ પણ ફટકારી છે.


બેદરકારી પણ હારનું કારણ?

Image copyright AFP

ભુવનેશ્વર કુમાર અને રહાણેનો ટીમમાં સમાવેશ ન કરવાના નિર્ણય સામે સુનીલ ગાવસ્કરે પણ સવાલ ઉઠાવ્યા હતા.

જોકે, કોહલીની હતાશા સમજી શકાય એવી છે. તેમણે કહ્યું હતું તેમ, દરેક કેપ્ટન તેની બેસ્ટ ટીમ સાથે મેદાનમાં ઉતરતો હોય છે.

મેચના પરિણામ બાદ એ બેસ્ટ ટીમ સામે સવાલ ઉઠાવવામાં આવે એ થોડું અજબ લાગે છે. સિરીઝની હારમાં કોહલીના સાથીઓનું મોટું યોગદાન છે.

ચેતેશ્વર પુજારા બન્ને ઇનિંગ્ઝમાં રન આઉટ થઈને પોતાની વિકેટ ગૂમાવે, હાર્દિક પંડ્યા પિચ પર ટહેલતાં આઉટ થઈ જાય અને ઓપનિંગ બેટ્સમેન ભેટમાં વિકેટ આપી દે તો કેપ્ટનની સાથે-સાથે ટીમની ગંભીરતા બાબતે પણ સવાલ થવા જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો