પદ્માવત ફિલ્મના ચૂકાદા બાદ હવે શું કરશે વિરોધ કરનારી કરણી સેના?

પદ્માવતીનો વિરોધ Image copyright Getty Images
ફોટો લાઈન આ પહેલા ફના, જોધા અકબર જેવી ફિલ્મ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાં કર્ફ્યૂ લાગ્યા હતા

ભાજપ શાસિત ચાર રાજ્યોમાં 'પદ્માવત'ને રિલીઝ કરવા પર સરકારોએ પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ પ્રતિબંધ ઉઠાવી લીધો.

મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં ભાજપ સરકારોએ ફિલ્મ 'પદ્માવત' પર પ્રતિબંધ લાવ્યો હતો.

જોકે, સેન્સર બોર્ડે કેટલાક ફેરફાર સાથે ફિલ્મને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ ફિલ્મને 25મી જાન્યુઆરીએ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

'પદ્માવત'નો વિરોધ કરનારાઓમાં કરણી સેના અગ્રેસર હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અંગે કરણી સેનાએ શું પ્રતિક્રિયા આપી?

આ અંગે બીબીસી સંવાદદાતા મોહનલાલ શર્માએ કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર કાલ્વી સાથે વાત કરી હતી.


વાંચો, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર શું બોલ્યા લોકેન્દ્ર કાલ્વી?

Image copyright Getty Images
ફોટો લાઈન લોકેન્દ્ર કાલ્વીએ કહ્યું છે કે ફિલ્મની રિલીઝના દિવસે જનતા કર્ફ્યૂ લગાવવામાં આવશે

અમે અગાઉ જ જનતાની અદાલતમાં ગયા હતા. જે દિવસે ફિલ્મ 'પદ્માવત' રિલીઝ થશે, એ દિવસે અમે ફિલ્મની સામે જનતા કર્ફ્યૂ લાદીશું.

દેશભરના સિનેમાઘરોને લોહીથી લખેલા પત્ર મળશે. જેમાં લખેલું હશે કે ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરવામાં તમે સહભાગી ન બનો.

અગાઉ 'ફના'ની રિલીઝ વખતે ગુજરાતમાં અને 'જોધા-અકબર'ની રિલીઝ વખતે રાજસ્થાનમાં જનતા કર્ફ્યૂ લાગ્યો હતો.

અમને અગાઉ અને હાલ પણ ફિલ્મ 'પદ્માવત' સામે વાંધો છે. જ્યારે સરકારોએ આ ફિલ્મ પર પ્રતિબંધ નહોતો મૂક્યો ત્યારે અને અત્યારે પણ ફિલ્મ સામેનો અમારો વાંધો યથાવત છે.

અમે સુપ્રીમ કોર્ટના આદેશનું વિશ્લેષણ કરીશું. શુક્રવારે આ અંગે મુંબઈમાં મીટિંગ યોજવામાં આવી છે.

બોમ્બે, અલ્લાહબાદ તથા રાજસ્થાન હાઈકોર્ટોએ બીજું જ કાંઇક કહ્યું હતું. ત્રણ અદાલતોએ બીજી વાત કરી છે,જ્યારે સુપ્રીમ કોર્ટે કાંઈક બીજું જ કહ્યું છે.

ત્યારે અમારું જે વલણ હતું, તે અત્યારે છે. અમે ફિલ્મ 'પદ્માવત' રિલીઝ નહીં થવા દઈએ.

મેં ફિલ્મ 'પદ્માવત' જોઈ નથી, પરંતુ પદ્માવતીના પરિવારના અરવિંદ સિંહ, કપિલ કુમાર, ચંદ્રમણિસિંહે ફિલ્મ જોઈ છે.

એ ત્રણેયનું કહેવું છે કે ફિલ્મ રજૂ ન થવી જોઈએ.


'અલ્લાઉદ્દીન ખિલજીએ જ રહે'

Image copyright Getty Images

'પદ્માવતી'નું નામ બદલીને 'પદ્માવત' કરી દેવાથી કોઈ ફેર નથી પડતો. પદ્માવતી, જોહર અને ચિતોડ એ જ રહે છે.

હું કોઈ ઇંટ, પથ્થર, ગધેડા, ઘોડા કે ઘૂવડ પર ભરોસો કરી શકું, પરંતુ સંજય લીલા ભણસાલી પર વિશ્વાસ ન મૂકી શકું.

'પદ્માવત' ફિલ્મ અંગે તમે કે હું કોઈ ચુકાદો ન આપીએ, તે જ યોગ્ય રહેશે. આ અંગે જનતા જ ચુકાદો આપશે.

આપ અગાઉ રિલીઝ થયેલી ફિલ્મો 'જોધા-અકબર' તથા 'ફના'ના દાખલા જુઓ. રાજસ્થાનમાં 'જોધા-અકબર' તથા ગુજરાતમાં 'ફના' ચાલ્યાં ન હતાં.

આ બંને ફિલ્મો પર સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા હતા અને સેન્સર બોર્ડે પાસ કરી હતી.

પરંતુ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સિનેગૃહોમાં ફિલ્મ લાગવા દીધી ન હતી. રાજસ્થાનમાં 'જોધા-અકબર' અમે અટકાવી હતી.

હજુ પણ વડાપ્રધાન પાસે સિનેમેટોગ્રાફી એક્ટની ધારા છ હેઠળ સત્તા છે કે તેઓ સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવેલીની રજૂઆતને અટકાવી શકે.

સુપ્રીમ કોર્ટે પણ અસામાન્ય સંજોગોમાં કોઈ ફિલ્મની રજૂઆતને અટકાવવાની સત્તા કેન્દ્ર સરકારને આપેલી છે.

ફિલ્મ રજૂ નહીં થાય તો શું થશે ? અમારી ભાવનાઓનું કશું નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ