'લગ્ન પછી મને ખબર પડી કે મારા પતિ નપુંસક છે'

સાંકેતિક ચિત્રાંકન

#HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાની શ્રેણી છે. મહિલાઓની આ કથાઓ 'આધુનિક ભારતીય નારી', તેની પસંદગી, આકાંક્ષા, અગ્રતા અને ઈચ્છાઓ વિશેની કલ્પનાને પડકારે છે તથા વિસ્તારે છે.

એ મારી સુહાગરાત હતી. હું પહેલીવાર કોઈ પુરુષના ગાઢ આશ્લેષમાં સરવાની હતી.

મારી સખીઓ સાથે થયેલી ઘણીબધી વાતચીત અને મેં જે પોર્ન વીડિયોઝ નિહાળ્યા હતા તેનાં ઝાંખાં દૃશ્યો, સપનાંઓ અને તીવ્ર અભિલાષાઓ મારાં મનમાં હતી.

હાથમાં દૂધનો ગ્લાસ લઈ, મસ્તક ઝૂકાવીને મેં રૂમમાં પ્રવેશ કર્યો હતો. એ બધું એકદમ પરંપરાગત, મારી કલ્પના અનુસારનું હતું.

અલબત, એક સખત આઘાત, પ્રચૂર નિરાશા મારી રાહ જોઈ રહ્યાં છે એ હું જાણતી ન હતી.

મેં એવી કલ્પના કરેલી કે હું સુહાગરાતે અમારા રૂમમાં પ્રવેશ કરીશ, પછી મારા પતિ મને ગાઢ આશ્લેષમાં લઈ લેશે, મારા પર ચુંબનોની વર્ષા કરશે અને પછી રાતભર ઉત્કટતાપૂર્વક પ્રેમ કરશે.

વાસ્તવમાં હું રૂમમાં પ્રવેશી એ પહેલાં જ મારા પતિ ઊંઘી ગયા હતા.

હું 35 વર્ષની અને અક્ષતા સ્ત્રી હતી. મારા પતિનું વર્તન મને પીડાદાયક ધિક્કાર જેવું લાગ્યું હતું.

મારે પણ પ્રેમાળ સાથી ન હોય?

કોલેજના દિવસોમાં અને ઓફિસમાં મેં ઘણા યુવક-યુવતિઓને ફ્રેન્ડશીપ કરતા નિહાળ્યા હતા.

તેઓ તેમના પાર્ટનરના ખભા પર હાથ મૂકીને, એકમેકના હાથ પકડીને ચાલતા હતા અને મને તેમની ઈર્ષા થતી હતી.

મારો પણ આવો એક સાથી હોય એવી ઈચ્છા મને ન હોય?

ચાર ભાઈઓ, એક બહેન અને વયોવૃદ્ધ માતા-પિતાનો બનેલો મારો મોટો પરિવાર હતો, છતાં હું તેમાં હંમેશા એકલતા અનુભવતી હતી.

મારાં ભાઈઓ-બહેનનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં અને તેમના પોતપોતાના પરિવાર હતા.

ક્યારેક હું એવું વિચારતી હતી કે મારી વય વધી રહી છે અને હું કુંવારી છું તેની દરકાર મારા પરિવારના લોકોને છે કે નહીં?

મારું હૈયું પ્રેમ પામવાની આકાંક્ષાથી ટળવળતું હતું, પણ હું એકલતાથી ઘેરાયેલી હતી.

જાડી હોવાથી અપરિણીત?

ઘણીવાર મને એવું લાગતું હતું કે હું જાડી છું એટલે જ આવું થઈ રહ્યું છે.

શું પુરુષો જાડી મહિલાને ધિક્કારતા હોય છે? હું જાડી હોવાને કારણે મારો પરિવાર મારા માટે યોગ્ય જીવનસાથી શોધી શકતો નથી?

હું કાયમ કુંવારી રહીશ? હું ક્યારેય કૌમાર્ય ગૂમાવીશ નહીં?

આ બધા સવાલો મારા દિમાગને સતત ધમરોળતા રહેતા હતા.

આખરે હું 35 વર્ષની થઈ ત્યારે 40થી થોડા વધુ વર્ષનો એક પુરુષ મને પરણવા તૈયાર થયો હતો.

મારા મનની વાત મેં તેમને મારી સગાઈ દરમ્યાન જ જણાવી દીધી હતી.

અલબત્ત, તેમણે તેના પર ધ્યાન આપ્યું ન હતું કે તેનો પ્રતિસાદ પણ આપ્યો ન હતો. તેઓ ગભરાયેલા લાગતા હતા.

તેઓ નીચી નજર કરીને ચૂપચાપ બેઠા રહ્યા હતા અને માત્ર માથું હલાવતા રહ્યા હતા.

મેં એવું ધારેલું કે આજકાલ મહિલાઓ કરતાં પુરુષો વધુ શરમાળ હોય છે અને મારા ભાવિ પતિ પણ તેમાં અપવાદ નથી.

પણ મારી સુહાગરાતે જે થયું તેનાથી હું ગૂંચવાઈ ગઈ હતી. તેમણે મારી સાથે એવું વર્તન શા માટે કર્યું હતું એ હું જાણતી ન હતી.

સુહાગરાત પછીની સવારે

બીજા દિવસે સવારે મેં તેમને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમની તબીયત સારી ન હતી.

બીજી, ત્રીજી અને એ પછીની સંખ્યાબંધ રાતોએ પણ તેમનું વર્તન બદલાયું ન હતું.

મેં આ વિશે મારાં સાસુ સાથે વાત કરી હતી.

સાસુમાએ તેમના દીકરાનો બચાવ કરતાં કહ્યું હતું, "એ શરમાળ વ્યક્તિ છે.

એ બાળપણથી જ છોકરીઓ સાથે વાત કરતાં ખચકાતો રહ્યો છે.

એ બોય્ઝ સ્કૂલમાં ભણ્યો હતો અને તેની કોઈ બહેન પણ નથી કે કોઈ છોકરી તેની દોસ્ત પણ નથી."

સાસુમાના આ ખુલાસાથી મને કામચલાઉ રાહત થઈ હતી, પણ હું એ બાબતે સતત વિચારતી રહેતી હતી.

મારી આકાંક્ષાઓ, સપનાંઓ અને અરમાનો રોજેરોજ તૂટતાં જતાં હતાં.

મારી અકળામણનું એકમાત્ર કારણ સેક્સ ન હતું.

દબાણને લીધે લગ્ન કર્યાં હશે?

મારા પતિ મારી સાથે ભાગ્યે જ વાત કરતા હતા. તેમણે મને ક્યારેય સ્પર્શ કર્યો ન હતો કે મારો હાથ સુદ્ધાં પકડ્યો ન હતો.

કોઈ મહિલા તેનો ડ્રેસ જરાક એડજસ્ટ કરતી હોય ત્યારે પણ પુરુષો તેની ભૂખાળવી નજરે જોતા હોય છે.

હું રાતે સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈ જતી એ વખતે મારા પતિ મારી સામે નજર સુદ્ધાં કરતા ન હતા.

મારું વજન વધારે હતું એટલે તેઓ આવું વર્તન કરતા હશે? તેમણે મારી સાથે કોઈ દબાણ હેઠળ લગ્ન કર્યાં હશે?

આ બધી વાતો મારે કોની સાથે કરવી એ મને ખબર ન હતી. હું મારા નવા જીવનમાં ખુશ છું એવું મારો પરિવાર ધારતો હતો. હું તેમની સાથે પણ આ વાત કરી શકું તેમ ન હતી.

દિવસે-દિવસે મારી ધીરજ ખૂટતી જતી હતી. તેનું નિરાકરણ જરૂરી હતું.

સામાન્ય રીતે રજાના દિવસે પણ મારા પતિ ઘરમાં રહેતા ન હતા. તેઓ તેમના દોસ્તોના ઘરે જતા અથવા તો મારા સાસુ-સસરાને ફરવા લઈ જતા હતા.

રજાના દિવસે તક ઝડપી

અલબત, રજાના એ દિવસે તેઓ સદભાગ્યે ઘરમાં હતા.

તેમના રૂમમાં પ્રવેશીને મેં દરવાજો બંધ કરી દીધો હતો. તેઓ પલંગમાંથી લગભગ ઊછળી પડ્યા હતા.

તેમની નજીક સરકીને મેં સવાલ કર્યો હતો, "હું તમને નથી ગમતી? આપણે એકાદીવાર પણ શરીરસંબંધ બાંધ્યો નથી. તમે તમારી ઈચ્છા ક્યારેય વ્યક્ત કરી નથી. શું પ્રોબ્લેમ છે?"

તેમણે તરત કહ્યું હતું, "મને કોઈ પ્રોબ્લેમ નથી."

તેમણે જવાબ આપ્યો એટલે મેં વિચાર્યું હતું કે હું તેમનું ધ્યાન મારા ભણી ખેંચી શકી છું અને આ તકનો લાભ લઈને તેમને મારી તરફ આકર્ષવા જોઈએ.

મારો જુસ્સો વધ્યો અને હું તેમના લિંગને સ્પર્શ કરવા સુધી પહોંચી ગઈ હતી.

મેં એવું વિચાર્યું હતું કે પંપાળવાથી તેમના લિંગનું કદ વધશે, પણ તેમના લિંગનું કદ અત્યંત નાનું જણાતાં મને પારાવાર નિરાશા થઈ હતી.

હું ગૂંચવાઈ ગઈ હતી કે તેમના લિંગનું વાસ્તવિક કદ આટલું જ હશે? મેં પોર્ન વીડિયોમાં જે લિંગ નિહાળ્યાં હતાં તેને ગ્રાફિક્સની મદદ વડે મોટાં દેખાડવામાં આવ્યાં હશે?

આ સવાલના જવાબ ક્યાંથી મેળવવા એ હું જાણતી ન હતી. હું પારાવાર શરમ અનુભવતી હતી, પણ હું તેનાથી ચિંતિત જરૂર હતી.

જે રીતે પુરુષો મહિલાઓના સૌંદર્યનું આકલન કરતા હોય છે એ રીતે હું મારા પતિ અંગ-ઉપાંગનું આકલન શા માટે ન કરી શકું? મને તેમની પાસેથી કોઈ અપેક્ષા હોય તો તેમાં ખોટું શું છે?

પારાવાર પીડાદાયક ઘટસ્ફોટ

મને પછી ખબર પડી હતી કે મારા પતિ નપુંસક હતા અને એ હકીકત પર ડૉક્ટરોએ અમારાં લગ્ન પહેલાં મહોર મારી દીધી હતી.

મારા પતિ અને તેમના માતા-પિતા બધું સારી રીતે જાણતા હતાં, પણ મને અંધારામાં રાખીને તેમણે મારી સાથે છેતરપીંડી કરી હતી.

હું સત્ય જાણી ગઈ હતી તેથી તેઓ શરમ જરૂર અનુભવતા હતા, પણ પોતામાંની ખામીનો સ્વીકાર કરતા ન હતા.

સ્ત્રી કોઈ ભૂલ કરે તો સમાજ તેને જંગી સ્વરૂપ આપતો હોય છે, પણ દોષ પુરુષનો હોય તો પણ આંગળી માત્ર સ્ત્રી સામે જ ચીંધવામાં આવે છે.

મારાં સગાંઓએ મને સલાહ આપી હતી, "જીવનમાં માત્ર સેક્સ જ મહત્વનું નથી હોતું. તું બાળક દત્તક લેવાનું શા માટે નથી વિચારતી?"

મારા પતિના પરિવારે આજીજી કરતાં કહ્યું હતું, "લોકો સચ્ચાઈ જાણશે તો એ આપણા બધા માટે શરમજનક હશે."

"આ મારું નસીબ છે," એવું મારા પરિવારે મને યાદ અપાવ્યું હતું.

પતિના શબ્દોથી સૌથી વધુ પીડા

આ બધામાં મારા પતિએ જે શબ્દો કહ્યા હતા તેથી મને સૌથી વધારે પીડા થઈ હતી.

તેમણે કહ્યું હતું, "તને જે ગમે તે કરી શકે છે. તું ગમે તેની સાથે સહશયન કરી શકે છે. હું તને કંઈ કહીશ નહીં કે એ બાબતે કોઈને વાત પણ નહીં કરું."

"કોઈ અન્ય પુરુષ સાથેના સંબંધથી તું ગર્ભવતી થઈશ તો એ બાળકના પિતા તરીકે હું મારું નામ આપવા તૈયાર છું."

પોતાના પતિ પાસેથી આવી ભયંકર, નિર્દયતાભરી વાત કોઈ મહિલાએ ન સાંભળવી પડે.

મારા પતિએ મને છેતરી હતી અને પોતાની તથા પોતાના પરિવારની આબરૂ બચાવવા તેઓ મને આવું કરવા કહેતા હતા.

તેઓ મારા પગે પડ્યા હતા અને રડતાં-રડતાં વિનંતી કરી હતી, "મારી નપુંસકતાની વાત કોઈને કરશો નહીં, મારાથી છૂટાછેડા પણ લેશો નહીં."

શું કરવું એ મને સમજાતું ન હતું, કારણ કે મારી પાસે બે જ વિકલ્પ હતાઃ તેમને છોડી દેવા અથવા તો જીવનમાં પ્રેમાળ પ્રિયજનનનો સંગાથ પામવાની આકાંક્ષાને છોડી દેવી.

આખરે મારી લાગણીનો વિજય થયો હતો. મેં મારા કહેવાતા પતિનું ઘર છોડી દીધું હતું.

મારાં માતા-પિતાએ મારો સ્વીકાર કર્યો ન હતો.

નવજીવનનો પ્રારંભ

દોસ્તોની મદદથી મને એક લેડીઝ હોસ્ટેલમાં આશરો મળ્યો હતો અને મેં નોકરી શોધી કાઢી હતી.

મારા જીવનની ગાડી ફરી પાટે ચડવા લાગી હતી. પછી મેં છૂટાછેડા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

મારા પતિનો પરિવાર બેશરમ થઈ ગયો હતો. તેમણે મારા પર વ્યભિચારનો આક્ષેપ કર્યો હતો.

અમારાં લગ્ન તૂટી પડવા પાછળું ખરું કારણ મારો વ્યભિચાર હોવાનું આળ તેમણે મૂક્યું હતું.

મેં બરાબર ટક્કર ઝીલી હતી અને મેડિકલ પરીક્ષણની વ્યવસ્થા કરાવી હતી.

લડાઈ ત્રણ વર્ષ ચાલી હતી, પણ આખરે હું તેમનાથી છૂટાછેડા મેળવી શકી હતી.

મને એવું લાગ્યું હતું કે મારો ફરી જન્મ થયો છે.

પુરુષોની સંકુચિત સમજ

હવે હું 40 વર્ષથી થોડીક મોટી છું અને અક્ષતા સ્ત્રી છું. પાછલાં વર્ષોમાં ઘણા પુરુષોએ મારી સાથે સંબંધ બાંધવાના પ્રયાસ કર્યા હતા.

એ પુરુષો એવું ધારતા હતા કે સેક્સમાં સંતોષ ન મળવાને કારણે મેં મારા પતિને છોડ્યા હતા. તેથી તેઓ મારી સાથે સેક્સ માણવા ઈચ્છતા હતા.

મારા વિશેની એ સદંતર ખોટી અને સંકુચિત સમજ હતી. એવા પુરુષોથી હું દૂર રહી છું.

એ પૈકીનો એકેય પુરુષ મને પરણવા કે કાયમી સંબંધ ઈચ્છતો ન હતો.

પ્રેમાળ પુરુષની પ્રતિક્ષા

મારી પોતાની આકાંક્ષાઓ, સપનાંઓ અને લાગણીઓ છે, પણ મને પ્રેમ કરે, મારી કાળજી લે, મારી લાગણીને સમજે અને આજીવન મારી સાથે રહે એ પુરુષ સામે જ હું વ્યક્ત કરીશ.

એ પુરુષની હું રાહ જોઈ રહી છું. એ પુરુષ મારા જીવનમાં નહીં આવે ત્યાં સુધી મારી સખીઓ સાથે તેમની સેક્સ લાઈફ વિશે અંગત વાતચીત કરીને મારી ઈચ્છાને સંતોષતી રહીશ.

હું સેક્સ વિશે વિચાર કરું છું, ત્યારે વેબસાઇટ્સ મારી બેસ્ટ ફ્રેન્ડ્ઝ બને છે.

મેં જે કર્યું છે એ બદલ મારા વિશે વાતો કરતા લોકોની કમી નથી. સ્ત્રી નિર્જીવ ચીજ નથી હોતી, તેનામાં પણ પ્રચૂર લાગણી હોય છે એ વાત તે લોકો સમજશે એવી મને આશા છે.

(આ દક્ષિણ ભારતમાં રહેતાં એક મહિલાની સત્યકથા છે, જે બીબીસી સંવાદદાતા ઐશ્વર્યા રવિશંકર સાથે વાતચીત પર આધારિત છે . મહિલાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ શ્રેણીનાં નિર્માતા દિવ્યા આર્યા છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો