#HerChoice: ‘મેં બીજી સ્ત્રી સાથે રહેવાનો નિર્ણય શા માટે કર્યો?’

સાંકેતિક ચિત્રાંકન

#HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાની શ્રેણી છે. મહિલાઓની આ કથાઓ 'આધુનિક ભારતીય નારી', તેની પસંદગી, આકાંક્ષા, અગ્રતા અને ઇચ્છાઓ વિશેની કલ્પનાને પડકારે છે તથા વિસ્તારે છે.

હું અને મારી સખી લેસ્બિયન નથી. એટલે કે અમે એકમેકના શારીરિક સ્વરૂપથી આકર્ષિત નથી.

અમારું આકર્ષણ આત્માનું છે. તેથી અમે ચાલીસેક વર્ષથી સાથે રહીએ છીએ.

હવે અમારી વય 70 વર્ષની થઈ છે. સાથે રહેવાનો નિર્ણય કર્યો ત્યારે અમે ત્રીસેક વર્ષનાં હતાં.

યુવાનીના એ દિવસોમાં રોમાંચને બદલે માનસિક શાંતિની જરૂર વધારે હતી. મને પણ અને એમને પણ.

મારો અને મારી સખીનાં સાથે રહેવાના નિર્ણયનું સૌથી મોટું કારણ આ છે.

અમે બન્ને એકમેકથી એકદમ અલગ છીએ.


પોતાની રીતે જીવવાની આઝાદી

મને આ ઉંમરે પણ ચમકતા રંગો પસંદ પડે છે. લિપસ્ટિક લગાવવી ગમે છે, પણ તેમને ફિક્કી ચીજો વધારે પસંદ છે.

70 વર્ષના થવા છતાં હું હીલવાળાં સેન્ડલ પહેરું છું, જ્યારે એ હંમેશા ડૉક્ટર્સ સ્લીપર પહેરીને ફર્યા કરે છે.

હું ટીવી જોઉં છું ત્યારે એ મોબાઇલમાં ઘૂસેલાં રહે છે. મને કહે છે, "વૃદ્ધાવસ્થામાં તને આ કેવો રોગ થયો છે."

આ અમારી જિંદગી છે. થોડીક નોક-ઝોંક અને પોતાની રીતે જીવવાની સંપૂર્ણ આઝાદી.

અમે બન્ને એક ઘરમાં રહીએ તો છીએ, પણ એકબીજાની દુનિયામાં ક્યારેય પ્રવેશ્યાં નથી.

અમારી વચ્ચે જે મોકળાશ છે એટલી મોકળાશ તો આજકાલનાં લગ્નોમાં પણ કદાચ નહીં હોય.

અપેક્ષાઓ વધારે પડતી હોય તો તેના બોજા તળે નબળા થઈને સંબંધ તૂટી જતા હોય છે.

મારાં લગ્ન એવી રીતે જ તૂટ્યાં હતાં, પણ જીવનનો એ અધ્યાય હવે પૂરો થઈ ગયો છે. તેના પાનાં ફરી પલટવાં મને પસંદ નથી.

બાળકો મોટાં થઈ ગયાં છે અને પોતાનાં જીવનમાં આગળ વધી ચૂક્યાં છે.


આકર્ષણ કેમ જળવાઈ રહ્યું છે?

મારી સખી તો હંમેશા એકલી રહેવામાં વિશ્વાસ રાખતી હતી. અત્યારે પણ રાખે છે. અમે સાથે છીએ પણ અને નથી પણ.

આટલાં વર્ષો પછી ઘણીવાર એવું થાય છે કે અમને એકમેકની નવી આદતની ખબર પડી જાય છે.

અમારા સંબંધની સુંદરતા આ જ છે. અમે આજે પણ એકમેકને સંપૂર્ણપણે જાણતા નથી અને એ કારણે જ આકર્ષણ જળવાઈ રહ્યું છે.

લોકો અમને પૂછે છે કે માત્ર એકમેકને જોતાં રહીને તમે કંટાળી નથી જતાં?

હકીકત એ છે કે અમે એકમેકની સાથે બહુ ઓછી વાત કરીએ છીએ.

અમે એક ઘરમાં રહીએ છીએ, પણ ઘણીવાર એવું થાય છે કે અમારી મુલાકાત ભોજન વખતે ડાઇનિંગ ટેબલ પર જ થાય છે. પછી અમે પોતપોતાના કામે લાગી જઈએ છીએ.

અમે નોકરી કરતાં હતાં ત્યારથી આ બધી આદત પડેલી છે, જે આજે પણ એવીને એવી જ છે.


કામવાળીની મૂંઝવણ

શરૂઆતમાં જે કામવાળી આવતી હતી એ મૂંઝવણમાં રહેતી હતી.

એ રોજ પૂછતી હતી કે અમારાં કોઈ સગાં નથી? એવું કોઈ સગું જે યુવાન હોય અને અમારી સાથે રહી શકે? હું તેની સાથે ચર્ચા કરવા ઇચ્છતી ન હતી.

સગાંસંબંધી અને દોસ્તોની બાબતમાં અમે બહુ શ્રીમંત છીએ, પણ એકમેકની સાથે રહેવાનું અમે બહુ વિચારીને પસંદ કર્યું છે એ વાત તેને શું સમજાવું.

કોઈ હત્યા કરીને ચાલ્યું જશે, ઘરમાં ચોરી થશે...એવું કહીને કામવાળી અમને રોજ ડરાવતી હતી. હું તેની વાતો સાંભળીને હસતી હતી.

એક દિવસ તેને પાસે બેસાડીને જણાવી દીધું હતું કે અમારી પાસે એવું કંઈ જ નથી કે ચોર અહીં આવે અને ખુશ થઈને જાય.

ચોર આવશે તો પણ સફેદ-ભૂરા રંગે રંગેલી અમારા ઘરની દિવાલોને જોઈને સમજી જશે કે અહીં કેવા લોકો રહે છે.

મારી વાત તેને કેટલી સમજાઈ હતી કે નહીં એ ખબર નથી, પણ અમે જે રીતે રહીએ છીએ એ વિશે કામવાળી સમયાંતરે અફસોસ જરૂર વ્યક્ત કરતી હતી.

સાચી વાત એ છે કે અમે જેવું વિચાર્યું હતું એવી જ અમારી જિંદગી છે.


જાતની જવાબદારી

હું સવારે આરામથી ઊઠું છું. અમારી જિંદગીમાં કોઈ દોડધામ નથી.

સવારે પથારીમાંથી ઊઠું ત્યારે મારા સિવાયની બધી બાબતોનું ટેન્શન મારા દિમાગમાં રહે એવું મેં ક્યારેય ઇચ્છ્યું નથી.

તેનો અર્થ એવો હરગીઝ નથી કે સંબંધની જવાબદારીથી બચવા માટે અમે બન્ને સખીઓએ આ નિર્ણય કર્યો છે.

અમારાં ઘરે આવતાં લોકો કે અમે જેને મળીએ છીએ એ લોકોને લાગે છે કે અમારાં પર કોઈ જવાબદારી નથી.

તેથી અમે મજામાં છીએ, પણ જાતની જવાબદારી ઓછી હોય છે?

અમે બન્ને પોતાની જરૂરિયાત માટે બીજા પર આધાર રાખતાં નથી. પોતાની જવાબદારી અમે પૂર્ણપણે નિભાવીએ છીએ.

પહેલાં લોકોને એવું લાગતું હતું કે અમે સાથે રહીએ છીએ એટલે કંઈક ગડબડ તો જરૂર હશે. અમારી વચ્ચે બીજું કંઈક હશે.

જોકે, લોકો સમજાવવાનું કે તેને મહત્વ આપવાનું મારા સ્વભાવમાં નથી.


જિંદગી પસાર કરવા અને જીવવા' વચ્ચેનો ફરક

હું સિંદુર લગાવું છું, વિછિંયા પહેરું છું, નાકમાં ચૂંક પણ પહેરું છું.

મજા આવશે ત્યાં સુધી પહેરતી રહીશ. મન ભરાઈ જશે પછી નહીં પહેરું.

આ સંબંધમાં રહીને એક વાત સમજાઈ છે કે તમે કોઈની પણ સાથે જિંદગી પસાર કરી શકો છો, પરંતુ તમારી સાથે રહેવા છતાં તમારામાં ઘૂસે નહીં તેની સાથે જ જિંદગી 'જીવી' શકો.

લોકોને અમારું સમતોલ જીવન બહુ અજબ લાગે છે.

બે સખીઓ છે, પોતાની કમાણીનું ખાઈ રહી છે, સાથે રહે છે. કોઈની પાસેથી કંઈ માગતી નથી. કંઈ કહેતી નથી. પોતાનામાં મસ્ત રહે છે. તેમાં ખોટું શું છે, એમાં આશ્ચર્યજનક શું છે, એ તેમને સમજાતું જ નથી.

(આ ઉત્તર ભારતમાં રહેતી એક મહિલાની સત્યકથા છે, જે બીબીસી સંવાદદાતા ભૂમિકા રાય સાથે વાતચીત પર આધારિત છે . મહિલાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ શ્રેણીનાં નિર્માતા દિવ્યા આર્યા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો