શિક્ષિકાથી ગવર્નર પદ સુધી આનંદીબહેનની સફર

આનંદીબેન પટેલની તસવીર Image copyright PIB

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે.

રાષ્ટ્રપતિએ ટ્વિટર પર તેની જાહેરાત કરી હતી.

વિશ્લેષકોના મતે, ગુજરાત ભાજપમાં આંતરિક જૂથબંધી ખાળવા માટે તેમને ગુજરાતમાં મોકલવામાં આવ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

હાલ ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સંભાળે છે.


જૂથબંધી ખાળવા આનંદીબહેનને બહાર મોકલાયાં?

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં આંતરિક જૂથબંધી નિવારવા માટે તેમને ગુજરાતમાંથી 'બહાર' મોકલવામાં આવ્યા છે."

ગુજરાત ભાજપના સત્તાવાર પ્રવક્તા ભરત પંડ્યાના કહેવા પ્રમાણે, "આનંદીબહેન પટેલ ગુજરાત ભાજપમાંથી રાજ્યપાલ બનનારા પ્રથમ મહિલા નેતા છે."

જોકે, ગુજરાત ભાજપમાં આંતરિક જૂથબંધીને ખાળવા માટે તેમને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હોવાની વાતને પંડ્યાએ નકારી કાઢી હતી.

77 વર્ષીય આનંદીબહેન પટેલે ઓગસ્ટ 2016માં રાજીનામું આપી દીધું હતું. એ વખતે આનંદીબહેને ઉંમરનું કારણ આપ્યું હતું.

આનંદીબહેને ફેસબુક પર રાજીનામાની જાહેરાત કરીને ભાજપમાં નવો ચીલો ચાતર્યો હતો.

પાટીદાર, ઓબીસી તથા દલિત આંદોલનોને કાબુમાં ન લેવામાં નિષ્ફળ રહ્યાં હોવાથી તેમની ઉપર રાજીનામું આપવાનું કથિત દબાણ પણ હતું.

અગાઉ ગુજરાતના પૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળાને પણ રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેઓ કર્ણાટકના રાજ્યપાલ છે.

એવી પણ ચર્ચા હતી કે આનંદીબહેન તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મતભેદ હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે વધુ એક વખત આ વાત ચર્ચામાં આવી હતી.


શિક્ષિકાથી રાજ્યપાલ સુધીની સફર

Image copyright AP AFP

આનંદીબહેન પટેલ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતાં.

એક ગાંધીવાદી પરિવારમાં જન્મેલાં આનંદીબહેન શિક્ષિકા તરીકે ફરજ બજાવ્યાં બાદ રાજકારણમાં આવ્યાં હતાં.

શાળાના પ્રવાસ દરમિયાન થયેલી દુર્ઘટનાનાં કારણે આનંદીબહેને 1987માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

શાળાના પ્રવાસ દરમિયાન બે વિદ્યાર્થિની નર્મદા નદીમાં પડી ગઈ હતી.

તેમને ડૂબતી જોઈ નદીનાં ઝડપી વહેણમાં આનંદીબહેન કૂદી પડ્યાં અને બંને વિદ્યાર્થિનીઓનાં જીવ બચાવ્યાં હતાં.

એ માટે આનંદીબહેનને વીરતા પુરસ્કાર પણ મળ્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન તેઓ ભાજપના સંપર્કમાં આવ્યાં હતાં.


મોદી ગુરુ અને આનંદીબહેન શિષ્યા

Image copyright Getty Images

આનંદીબહેન સંઘની નજીક છે તથા તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.

શંકરસિંહ વાઘેલા (તેઓ એ સમયે ભાજપમાં હતા) તથા નરેન્દ્ર મોદીએ તેમને ભાજપની મહિલા પાંખમાં જોડાવા પ્રોત્સાહિત કર્યાં હતાં.

તેઓ ભાજપની મહિલા પાંખના અધ્યક્ષ પણ બન્યાં હતાં. એ સમયે ગુજરાત ભાજપમાં મહિલાઓ ઓછી હોવાથી આનંદીબહેન ઝડપભેર પ્રગતિ કરી શક્યાં હતાં.

1994માં આનંદીબહેન રાજ્યસભાના સાંસદ બન્યાં હતાં. 1998માં માંડલ બેઠક પરથી ધારાસભ્ય બન્યાં હતાં.

કેશુભાઈ પટેલની સરકારમાં આનંદીબહેનને શિક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યાં હતાં. એ તબક્કે પણ તેમને મોદીની નજીક માનવામાં આવતાં.

1995માં શંકરસિંહના બળવા વખતે તથા 2001માં કેશુભાઈને હટાવવાની માગ ઉઠી ત્યારે પણ આનંદીબહેન મોદીની સાથે રહ્યાં હતાં.

કેશુભાઈ બાદ મોદી મુખ્યપ્રધાન બન્યા, ત્યારે તેઓ થોડો સમય માટે શિક્ષણ પ્રધાન રહ્યાં. બાદમાં તેમને મહેસૂલ ખાતું સોંપવામાં આવ્યું હતું.

આનંદીબહેને પણ નર્મદા નહેર માટે જમીનની જરૂર હોય કે ટાટાને જમીન ફાળવવાની હોય, તમામ કામો સુપેરે પાર પાડ્યાં હતાં.


ભાજપ માટે મધ્યપ્રદેશ મહત્ત્વપૂર્ણ

Image copyright Getty Images

2003થી મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન છે. નવેમ્બર 2005થી વર્તમાન મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પદભાર સંભાળી રહ્યાં છે.

ચાલુ વર્ષે મધ્યપ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થશે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામે વધુ એક વખત ગઢને જીતવાનો પડકાર છે.

ગત લોકસભા ચૂંટણી વખતે ભાજપને અહીં 29માંથી 27 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને બે બેઠક પર વિજય મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મે 2014માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા, ત્યારે તેમણે ગુજરાતના મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.

મોદીના રાજીનામા બાદ આનંદીબહેન પટેલે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો