બ્લૉગ: મુસલમાનોમાં યહૂદીવિરોધી વલણનું કારણ શું?

મુસલમાનોમાં યહૂદી વિરોધી વલણ Image copyright EPA/FAZRY ISMAIL

શુક્રવારે સવારે હું ઇઝરાયલથી પરત ફર્યો એટલે સૌ પ્રથમ મારા માતાએ મને ફોન કર્યો. તેમણે મને પૂછ્યું, 'યહૂદીઓએ મારી સાથે કેવું વર્તન કર્યું હતું?'

એ સવાલ સાંભળીને મને ખાસ આશ્ચર્ય ન થયું, કારણ કે સામાન્ય મુસ્લિમોમાં એવી ધારણા પ્રવર્તે છે કે મુસ્લિમો અને યહૂદીઓ કટ્ટર દુશ્મન છે.

કોઈ પણ મુસલમાન જે કોઈ દિવસ ઇઝરાયલ ગયો નથી કે ક્યારેય કોઈ યહૂદીને મળ્યો નથી, તેણે પણ મને આ જ સવાલ પૂછ્યો હોત.

અમને નાનપણથી જ શીખવવામાં આવે છે કે, યહૂદીઓ ભરોસાપાત્ર નથી. એટલે તેમની સાથે મિત્રતા ન કરવી જોઈએ.

હું દુનિયાભરમાં અનેક યહૂદીઓને મળ્યો છું. કેટલાક મારા મિત્ર પણ છે. જોકે, ક્યારેય ઇઝરાયલના યહૂદીને મળ્યો ન હતો.

તમને આ પણ વાંચવું ગમશે

યાત્રા પહેલા પણ મારા મનમાં પણ આ વિશે કેટલીક શંકાઓ હતી.

મને શંકા હતી કે જ્યારે સ્થાનિક યહૂદીઓને જાણ થશે કે હું મુસલમાન છું, તો તેઓ મારી સાથે કેવું વર્તન કરશે.


શંકાનું સમાધાન

Image copyright Getty Images

ઇઝરાયલમાં દસ દિવસ રહ્યો અને ડઝનબંધ યહૂદીઓને મળ્યા પછી કહી શકું કે તેમણે મને સહજતાથી અપનાવ્યો.

હું મુસલમાન છું, એ બાબત તેમના માટે ગૌણ હતી. એટલે સુધી કે તેમના ધર્મગુરુઓ એટલે કે રબ્બીને પણ મળ્યો. તેમનું પણ મારા પ્રત્યેનું વલણ નરમ જ રહ્યું.

માત્ર એમને એટલું કહેવું પડતું કે હું ભારતથી આવ્યો છું. ઇઝરાયલમાં ભારતીયોને સરળતાથી સ્વીકારી લેવામાં આવે છે.

ઇઝરાયલના આરબ હજુ પણ ભારત પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે. તેમણે મારામાં એક મુસલમાનને નહીં પણ એક ભારતીયને જોયો.


મુસલમાનોમાં યહૂદી વિરોધી ધારણાનું કારણ?

Image copyright EPA

વર્તમાન સમયમાં પેલેસ્ટાઇનવાસીઓ સામે ઇઝરાયલની સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે, તેના કારણે મુસલમાનોમાં યહૂદીવિરોધી માનસિક્તા ઊભી થઈ છે.

1920ના દાયકામાં યહૂદીઓ અને મુસલમાનો વચ્ચે અનેક હિંસક અથડામણો થઈ હતી, જેમાં અનેક લોકો માર્યાં ગયાં હતાં.

પરંતુ, 1400 વર્ષના ઇતિહાસ દરમિયાન બંને સમુદાયો સાથે જ રહ્યા છે.

મુસ્લિમ સ્પેનમાં દસમી સદીથી 1492 સુધીનો સમય યહૂદી સંસ્કૃતિનો સુવર્ણકાળ માનવામાં આવે છે.

યહૂદી ધર્મના ઇતિહાસકારોના કહેવા પ્રમાણે, મહત્ત્વપૂર્ણ ધર્મગુરુઓ, વિદ્વાનો, કવિઓ, તત્વચિંતકો, ખગોળવિદો તથા તબીબી નિષ્ણાતો મુસ્લિમ શાસનકાળમાં જ થયા હતા.

તેઓ અરબી ભાષા બોલતા હતા એટલે આરબો સાથે પણ તેમના સંબંધ હતા.


ઇઝરાયલ-આરબ ઝગડો એ બે ભાઈઓ જેવો

Image copyright EPA

અનેક યહૂદીઓ સાથે ચર્ચા દરમિયાન સ્વીકાર્યું કે ઇઝરાયલ અને આરબો વચ્ચેનો ઝગડો એ બે ભાઈઓ વચ્ચેના ઝગડા જેવો છે.

બંને પયગંબર ઇબ્રાહીમના વંશજો છે. તેમના એક પુત્ર ઇસ્માઇલના વંશજો આરબ તથા બીજા પુત્ર ઇસ્હાકના વંશજો યહૂદી કહેવાયા.

જો આ ઝગડો બે ભાઈઓ વચ્ચેનો હોય તો આપણે શું? હજારો કિલોમીટર દૂર રહેતા મુસલમાનો શા માટે વ્યગ્ર થાય છે?

જો ગાઝા કે વેસ્ટ બેન્કમાં રહેતા પેલેસ્ટાઇનવાસીઓ ઇઝરાયલ સામે ફરિયાદ કરે, તો તેમની વાત સમજી શકાય. ઇઝરાયલમાં રહેતા ઇઝરાયલી આરબો ભેદભાવની વાત કરે, તો તે પણ સમજી શકાય તેમ છે.

પરંતુ દૂર રહેતા મુસલમાન એ વાત નથી જાણતા કે ઇઝરાયલમાં જ અનેક યહૂદીઓ પેલેસ્ટાઇનવાસીઓનાં અધિકારો માટે અભિયાન ચલાવી રહ્યાં છે.


લોકો શું ઇચ્છે છે?

Image copyright Reuters

એક અંદાજ મુજબ, 30-40 ટકા ઇઝરાયલીઓ માને છે કે, પેલેસ્ટાઇવાસીઓ સાથે મળીને શાંતિપૂર્વક રીતે રહેવું જોઈએ. પેલેસ્ટાઇનને અલગ રાષ્ટ્રનો દરજ્જો મળવો જોઈએ.

અનેક યહૂદીઓનું માનવું છે કે મુસલમાનોએ ઇઝરાયલની સરકાર અને સામાન્ય જનતા વચ્ચેનો તફાવત સમજવો પડશે. અનેક યહૂદીઓ ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીની નાકાબંધીનો વિરોધ કરે છે.

આ યહૂદીઓ સ્વીકારે છે કે ગાઝા ખુલ્લી જેલ જેવું છે.

દસ દિવસના પ્રવાસ દરમિયાન મેં જોયું કે પેલેસ્ટાઇનવાસીઓ માટે અનેક યહૂદીઓ સંવેદના ધરાવે છે.

મેં એ પણ જોયું કે વર્ષોથી અનેક ઇઝરાયલીઓ અને પેલેસ્ટાઇવાસીઓ મળીને શાંતિપૂર્ણ રીતે આ સમસ્યાના ઉકેલ માટે પ્રયત્નશીલ છે.


‘ઇતિહાસ બનાવશે જેરૂસલેમનું ભવિષ્ય’

કેટલાક ઇઝરાયલી આરબોના કહેવા પ્રમાણે, બંને પક્ષો વચ્ચે બહુ થોડી વાતચીત થાય છે, ઉપરાંત અવરજવર પણ ઓછી છે. જેનાં કારણે ગેરસમજણો ઊભી થાય છે.

મને ઇઝરાયલમાં અહેસાસ થયો કે જે જેરૂસલેમના ભાવિ અંગે પણ બંને દેશોમાં ખાસ કોઈ ઉહાપોહ નહોતો.

ઇઝરાયલ હંમેશા આ શહેરને તેની રાજધાની માને છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એના પર અમેરિકાની મંજૂરીની મહોર લગાવી દીધી છે.

આ જૂના શહેરના અરબોનું કહેવું છે કે, અમેરિકાએ આવું નહોતું કરવાનું. એકે કહ્યું, "ઇતિહાસ આ શહેરનું ભવિષ્ય નક્કી કરશે."

જેરૂસલેમ છેલ્લા 1400 વર્ષોમાં 103 વર્ષને બાદ કરતા (જ્યારે એ ખ્રિસ્તી શાસનમાં હતું) મુસલમાનોના હાથોમાં રહ્યું છે.

સ્થાનિક અરબ કહે છે કે યહૂદીઓનો આ શહર પર દાવો ધાર્મિક ચોપડીઓનાં આધારે નથી, પરંતુ ઇતિહાસ તેનો ગવાહ છે.

જેરૂસલેમનાં ભવિષ્યને લઈને મામલો વધારે ગૂંચવાઈ રહ્યો છે.

આ મુદ્દે આશા માયૂસીમાં બદલાઈ જાય છે, પરંતુ બન્ને પક્ષે શાંતિ માટે કામ કરનારાં માયૂસી શબ્દ નથી સાંભળવા માંગતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો