17 લોકોના મોત, પણ ભાજપના મેયરને રાજકારણની ચિંતા

બે વ્યકિતની તસવીર Image copyright SAJJAD HUSSAIN/AFP/GETTY IMAGES

રાજધાની દિલ્હીમાં આવેલા બવાના ઔદ્યોગિક ક્ષેત્રમાં કારખાનામાં આગમાં 17 લોકોના મૃત્યુ થયા હતા.

આ સમગ્ર દુર્ઘટના પર રાજકારણ ગરમાયું છે. અગ્નિશામક દળના અધિકારીનું કહેવું છે કે ઘટનાસ્થળ બે માળની ઇમારત હતી અને પહેલા માળ પર ફટાકડાં રાખવામાં આવ્યા હતા.

પહેલાં ફટાકડામાં આગ લાગી અને ત્યાર પછી આગ ઝડપથી બીજા માળ પર આવેલા રબરના કારખાના સુધી પહોંચી ગઈ હતી.

આ સંબંધે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે.

જેમાં ભાજપના એક નેતા એવું કહેતા જોવા મળે છે કે 'આ બનાવ અંગે તેઓ કંઈ કહી ન શકે કારણ કે લાઇસન્સ આપવાની સત્તા સ્થાનિક નિગમ પાસે છે.'

જોકે, આ વીડિયોની સત્યતા મામલે કોઈ પુષ્ટિ નથી મળી. તેની તપાસ હજી બાકી છે.

બીજી તરફ, આ વીડિયો બહાર આવતા દિલ્હી સરકાર અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

અત્રે નોંધવું રહ્યું કે, દિલ્હી સરકાર ચલાવવાની સત્તા આમ આદમી પાર્ટી પાસે છે, પણ સ્થાનિક નિગમના સંચાલનની સત્તા ભાજપ પાસે છે.


વીડિયોને પગલે આરોપ-પ્રત્યારોપ શરૂ થયા?

Image copyright SAJJAD HUSSAIN/AFP/GETTY IMAGES

સમાચાર એજન્સી એએનઆઈનો એક વીડિયો વાઇરલ થયો છે.

જેમાં ઉત્તર દિલ્હી મહાનગર પાલિકાના મેયર પ્રીતિ અગ્રવાલ તેમની પાસે ઊભી રહેલ વ્યક્તિને કહી રહ્યા છે, "આ ફેક્ટરીને લાઇસન્સ આપવાની સત્તા અમારી પાસે હોય છે. આથી આ બનાવ અંગે અમે કંઈ કહી ન શકીએ."

સોશિયલ મીડિયા પર કેટલાંક લોકો આ દુર્ઘટના અને વીડિયો મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પત્રકાર અનુરાગ ઢાંડાએ આ વીડિયોને તેમના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે.

જેમાં તેમણે લખ્યું, "રાજનીતિમાં આનાથી શરમજનક કંઈ ન હોઈ શકે કે, 17 લોકોની લાશ પર કોઈ નેતા એટલા માટે ચુપકીદી સેવી રાખે,

"કારણ કે લાઇસન્સ તેમના જ પક્ષની એમસીડી દ્વારા આપવામાં આવ્યું છે."

આ ટ્વીટને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ રિ-ટ્વીટ કર્યું છે.

વીડિયો પ્રકાશમાં આવ્યાની ગણતરીની મિનિટોમાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ ટ્વીટ કર્યું.

જેમાં તેમણે આરોપ લગાવ્યો કે, ફેક્ટરીનું લાઇસન્સ આપવાનું કામ દિલ્હી સરકાર અને તેના હેઠળના ઔદ્યોગિક વિભાગનું છે.

Image copyright ANURAG DHANDA @TWITTER

ત્યાર બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીએ આ વીડિયોને રી-ટ્વીટ કરતા લખ્યું 'આ પુરાવો છે કે લાઇસન્સ ગેરકાનૂની રીતે આપવામાં આવ્યું હતું.'

બીજી તરફ મનોજ તિવારીના ટ્વીટના જવાબમાં પત્રકાર પૂનમ પાંડેએ લખ્યું, "રાજકારણનો આ કેવો ચહેરો છે.

"ખૂબ જ શરમજનક...અમે કંઈ બોલી નથી શકતાં...આ લોકો માટે રાજનીતિમાં કોઈના જીવનું મહત્ત્વ જ નથી."

Image copyright MANOJ TIWARI @TWITTER

પત્રકાર આશુતોષ મિશ્રાએ લખ્યું, "શહેરોમાં ઇમારતના નકશા પાસ કરવાથી લઈને દુકાન અથવા ફેક્ટરીને લાઇસન્સ આપવાની સત્તા માત્ર નિગમ અથવા સ્થાનિક વહીવટીતંત્ર પાસે હોય છે."

વળી સોશિયલ મીડિયા પર નદીમ રામ અલીએ લખ્યું, "મનોજ તિવારી કહી રહ્યા છે કે, એએનઆઈ દ્વારા રેકોર્ડ કરવામાં આવેલ વીડિયો બનાવટી છે. હદ થઈ ગઈ!"

Image copyright ASHUTOSH MISHRA @TWITTER

પ્રીતમ કોઠાડિયાએ લખ્યું, "તિવારી સાહેબ..તમે કયા સમયના નેતા છો? તમે વીડિયોને બનાવટી કહી રહ્યા છો.

"આજે એવી રાજનીતિની જરૂર છે, જે સત્યને સત્ય કહે અને અસત્યને અસત્ય કહે તથા તેના પર કાર્યવાહી કરે.

"હું કેજરીવાલનો સમર્થક નથી, પણ તમે આ પ્રકારની નિવેદનબાજી કરશો, તો હાંસીને પાત્ર જ બનશો.

"પ્રદેશ અધ્યક્ષ તરીકે કંઈક કાર્યવાહી કરો."

Image copyright SOMNATH BHARTI @TWITTER

સરકારી મદદની જાહેરાત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોડી રાત્રે હોસ્પિટલની મુલાકાત લઈને દુર્ઘટનાના પીડિતોના ખબર-અંતર પૂછ્યા હતા.

તેમણે રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને પાંચ લાખનું વળતર અને ઈજાગ્રસ્તોને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.

જેમાં તપાસ કરવામાં આવશે કે ફેક્ટરીને કોણે લાઇસન્સ આપ્યું હતું અને કયા સંજોગોમાં આગ ફાટી નીકળી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું કે જે પણ લોકો જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો