દૃષ્ટિકોણ : જીએસટીમાં ઉતાવળના લીધે વધુ એક ગડબડ?

નરેન્દ્ર મોદી અને અરૂણ જેટલીની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન જીએસટીના દરોમાં વાંરવાર ફેરફાર કેમ?

18 જાન્યુઆરી, 2018ના રોજ જીએસટી પરિષદે 29 વસ્તુ અને 53 સેવાઓ પર જીએસટીના દર ઘટાડવાનો નિર્ણય લીધો હતો.

મીડિયાએ પણ આ સમાચારને ખૂબ જ મોટા ગણાવી તેને મહત્ત્વ આપ્યું હતું.

બીજી તરફ, ભારતમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો તેને સાત મહિના પણ નથી થયા.

આ સાત મહિનાના સમયગાળા દરમિયાન અનેક વખત જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ વાતનો અંદાજ એ બાબત પરથી આવી શકે કે જીએસટીના દરોમાં ફેરફાર કરવા સંબંધિત જીએસટી પરિષદની 25 વખત બેઠકો મળી ચૂકી છે.

પરંતુ હજી સુધી જીએસટીના દરની એક ટકાવારી નક્કી કરી શકાઈ નથી.

Image copyright Getty Images
ફોટો લાઈન તાજેતરમાં જ 29 વસ્તુઓના દરમાં ફેરફાર કરાયો

અત્રે નોંધવું રહ્યું કે, વિશ્વભરમાં જ્યાં પણ જીએસટી અથવા 'વેટ'(વેલ્યૂ એડેડ ટેક્સ) લાગુ કરવામાં આવ્યા છે ત્યાં ટેક્સના દર આટલા ઝડપથી બદલવામાં નથી આવતા.

આ તમામ દેશોમાં એવી કોશિશ કરવામાં આવે છે કે જીએસટીના દરો સાથે શક્ય હોય ત્યાં સુધી ફેરફાર કરવામાં ન આવે.

જોકે, આ બાબત પાછળ ઘણાં કારણો જવાબદાર છે.

જો પરિષદ દર મહિને બેઠક કરીને દરમાં ફેરફાર કરશે તો વેપારી વર્ગને એવો સંદેશ જાય છે કે રાજનેતાઓ સાથે 'લૉબિંગ' કરીને જીએસટીના દરોમાં ફેરફાર કરાવી શકાય છે.

Image copyright Getty Images
ફોટો લાઈન 53 સેવાઓના દરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો

શું ખરેખર આવું થઈ રહ્યું છે? તે કહેવું મુશ્કેલ છે પણ વારંવાર દરમાં ફેરફાર કરવાથી વેપારી વર્ગને ઉપરોક્ત સંકેત મળશે.

ભારત જેવા દેશમાં જ્યાં રાજનેતા અને વેપારીઓ વચ્ચેના સંબંધો ગાઢ હોય છે, ત્યાં આવા સંકેત સારા ન કહેવાય.

વળી દરોમાં વારંવાર ફેરફાર કરવાથી જીએસટી સિસ્ટમમાં રહેલા લોકોને પણ તકલીફનો સામનો કરવો પડે છે.

આ એવા લોકો છે જે સામાન અને સેવાઓની ખરીદી ઉપર સરકારને જીએસટી આપે છે.

તદુપરાંત આ એવા લોકો પણ છે જેઓ સામાન અને સેવાઓ વેચતી વખતે સરકાર વતી જીએસટી વસૂલે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન જીએસટીના રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા જટિલ

હવે, પ્રશ્ન ઊભો થાય છે કે જીએસટીના દર સાથે આટલી હદે પરિવર્તન કેમ કરવામાં આવે છે?

જેનો સરળ જવાબ એ છે કે જીએસટીને ઘણી ઉતાવળમાં લાગુ કરવામાં આવ્યો હતો.

સરકાર અને નોકરશાહી દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ પૂરતી ન હતી.

આનું પરિણામ એવું આવ્યું કે જીએસટીના પાલન માટે જે સિસ્ટમ બનાવવામાં આવી તે ખૂબ જ જટિલ નીવડી.


એક કરતા વધુ દરની જટિલતા

આ જટિલતા પાછળ એક કરતાં વધુ દરો પણ જવાબદાર છે. જીએસટીમાં 0, 0.25%, 5%, 12%, 18%, 28% અને તેથી પણ વધુના દરનું એક જટિલ માળખું બન્યું.

વિશ્વમાં જ્યાં પણ જીએસટી લાગુ છે, ત્યાં વધુમાં વધુ ત્રણ દર લાગુ કરવામાં આવ્યા છે.

તદુપરાંત 28%થી વધુ દર લગભગ કોઈ પણ દેશમાં નથી. જીએસટી પરિષદ હવે આ મૂળ ભૂલને સુધારવાના પ્રયાસો કરી રહી છે.

પરંતુ કેટલીક ભૂલ એવી હોય છે જે થવી જ ન જોઈએ અને આ પણ એવા જ પ્રકારની ભૂલ છે.

Image copyright Getty Images
ફોટો લાઈન એક કરતાં વધુ દરનું માળખું પણ સમસ્યા

વિજય કેલકરની અધ્યક્ષતા ધરાવતા 13મા નાણાપંચે કહ્યું હતું કે, જીએસટીનો એક સમાન દર હોઈ શકે છે, જેને 12% પર સ્થિર રાખી શકાય.

જીએસટી લાગુ થતા પૂર્વે ઘણા લોકોએ લખ્યું અને કહ્યું હતું કે આટલા બધા દર ધરાવતો જીએસટી નહીં ચાલે અને જટિલતા પણ સર્જાશે.

વળી થયું પણ એવું જ. જો સરકારે આ વાત પર ધ્યાન આપ્યું હોત, તો અત્યારે દેશના લોકોએ જીએસટીના કારણે આટલી તકલીફ ઉઠાવવી પડી ના હોત.

દરની સાથે સાથે વળી સરકારે બનાવેલી રિટર્ન ભરવાની પદ્ધતિના લીધે પણ લોકોને મુશ્કેલી થઈ રહી છે. જે ઉતાવળમાં થયેલી ગડબડનું જ ઉદાહરણ છે.


જીએસટીની આવક ચિંતાનો વિષય?

Image copyright Getty Images
ફોટો લાઈન સરકારને દર મહિને 91000 કરોડ રૂપિયા આવકની આશા

કોઈ પણ સિસ્ટમને શરૂ કરતાં પહેલાં થોડા સમય સુધી તેનું પરીક્ષણ કરવામાં આવે છે.

પરીક્ષણ દરમિયાન કોશિશ કરવામાં આવે છે કે જેટલી પણ ભૂલ હોય તેને સુધારીને સિસ્ટમને વધુ સરળ બનાવવામાં આવે.

સરકારી કામોમાં જોવા મળતી સામાન્ય બાબત મુજબ જીએસટી રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાના સરળ બનાવવા એક સમિતિ બનાવી દેવાઈ છે.

આ તમામ કારણોને લીધે નવેમ્બર 2017માં કુલ 80808 કરોડ રૂપિયાની જીએસટીની વસૂલાત થઈ હતી.

જ્યારે ઑક્ટોબર મહિનામાં 83,346 કરોડ રૂપિયાની વસૂલાત થઈ હતી.

સરકારને આશા હતી કે દર મહિને 91000 કરોડ રૂપિયાની આવક થશે. જુલાઈ બાદ કેટલાક મહિનાઓ સુધી આટલી આવક થઈ હતી.

જોકે. આ એક ચિંતાનો વિષય છે, કેમ કે જીએસટીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે.

આથી જો સરકારને આવક નહીં થાય, તો ખર્ચ કેવી રીતે નીકળશે?


99.01 લાખ કરદાતા

Image copyright Getty Images
ફોટો લાઈન નવેમ્બરમાં 53 લાખ કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યું

અત્રે એક વાત મહત્ત્વની છે કે 99.01 લાખ કરદાતા જીએસટી હેઠળ નોંધાયેલા છે.

પણ તેમાંથી માત્ર 53.06 લાખ કરદાતાઓએ જ નવેમ્બરમાં જીએસટી રિર્ટન ભર્યું હતું.

જેમાંથી 16.6 લાખ કરદાતાઓએ કમ્પોઝિટ યોજના પંસદ કરેલી છે.

હવે સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં લોકો જીએસટી રિટર્ન કેમ નથી ભરતા? તેનું એક કારણ જીએસટી રિર્ટનની જટિલતા છે.

આથી વધુ લોકોને એક ડર છે કે જીએસટી રિટર્ન ભરવાથી પાછલાં વર્ષોનો હિસાબ ભારત સરકારને ખબર પડી જશે.

જોકે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેદ્ર મોદીએ વિશ્વાસ અપાવ્યો હતો કે પાછલા વર્ષોનો હિસાબ માંગવામાં નહીં આવે.

તેમ છતાં જેમણે જીએસટી રિટર્ન ભરવાના હતા તેમણે નરેન્દ્ર મોદીની આ વાત પર હજી સુધી વિશ્વાસ નથી કર્યો.

ઉપરાંત ભારતના જીએસટીના માળખામાં મહત્તમ સુધારાની જરૂર છે.

વળી જીએસટીના દરોમાં વારંવાર ફેરફાર કરવાથી આ સુધારો નહીં થાય.

(વિવેક કૌલ India's Big Government -- The Intrusive STate and How It is Hurting Us,ના લેખક છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ