કોણ હતો અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો કથિત માસ્ટર માઇન્ડ?

સાંકેતિ્ક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી પોલીસે સોમવારની રાત્રે વર્ષ 2008ના અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટના કથિત શંકાસ્પદની ધરપકડનો દાવો કર્યો છે.

દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલના નાયબ કમિશનર પી.એસ. કુશવાહાએ જણાવ્યું કે બન્ને તરફથી થયેલા ફાયરિંગ બાદ સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (સિમી) અને ઇન્ડિયન મુજાહિદ્દીનના એક મોસ્ટ વોન્ટેડ ઉગ્રવાદી અબ્દુલ સુભાન કુરેશીની ધરપકડ કરી લેવામાં આવી છે.

પી.એસ.કુશવાહાનો દાવો છે કે, "અબ્દુલ સુભાન કુરેશી ગુજરાતમાં થયેલા વર્ષ 2008ના સીરિયલ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ હતા."

તમને આ પણ વાંચવું ગમશે

મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે NIAએ કુરેશી પર 4 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું.

પોલીસનો દાવો છે કે ગુપ્ત ઇનપુટ મળ્યા બાદ અબ્દુલ સુભાન કુરેશીની દિલ્હીના ગાઝીપુર વિસ્તારથી શનિવારના રોજ પિસ્તોલ અને કારતૂસ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

અબ્દુલ સુભાન કુરેશી વિશે કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ IT કંપનીમાં નોકરી કરી ચૂક્યા છે.

'એન્જિનીયર હતા'

ઇમેજ સ્રોત, Getty Images

નાયબ કમિશનરે જણાવ્યું છે કે કુરેશી એન્જિનીયરીંગમાં પોતાનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ ઘણી પ્રતિષ્ઠિત IT કંપનીઓમાં કામ કરી ચૂક્યા છે.

કુરેશીએ ત્યારબાદ સિમીના નાણાંકીય સચિવની જવાબદારી ઉઠાવી હતી અને તેઓ સિમી માટે ફંડ એકત્રિત કરનારા પ્રમુખ વ્યક્તિ હતા.

કુશવાહાએ જણાવ્યું કે કુરેશી લાંબા સમયગાળા સુધી નેપાળમાં છૂપાયેલા હતા. તેઓ પોતાના એક સાથીને મળવા માટે દિલ્હી આવ્યા હતા.

જોકે, તેમણે એ વાતની સ્પષ્ટતા કરી છે કે કુરેશી દિલ્હીમાં કોઈ ષડયંત્રને અંજામ આપવાના ઇરાદાથી આવ્યા ન હતા.

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ

ઇમેજ સ્રોત, AFP

તે 26 જુલાઈ 2008ની તારીખ હતી.

અમદાવાદમાં 70 મિનિટની અંદર એકબાદ એક 21 બૉમ્બ બ્લાસ્ટ થયા હતા.

આ સીરિયલ બ્લાસ્ટમાં 56 લોકોનાં મૃત્યુ થયા હતા જ્યારે 200 કરતા વધુ લોકો ઘાયલ થયા હતા.

આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામના ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.

ગુજરાત ATSએ ધમાકામાં શંકાસ્પદ મુફ્તી અબુ બશીર સાથે નવ લોકોની ધરપકડ કરી હતી.

વર્ષ 2016માં લગભગ આઠ વર્ષો બાદ ધમાકાના વધુ એક આરોપી, નાસિર રંગરેઝની પણ ધરપકડ કરવામાં આવી હતી.

બ્લાસ્ટના તુરંત બાદ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હુસૈન ઇબ્રાહિમ, હાસિલ મોહમ્મદ અને અબ્દુલ કાદિર સામેલ છે.

આ ધમાકા મામલે જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાં સિમીના મુફ્તી બશર, સફદર મંસૂરી અને સફદર નાગોરી સિવાય વધુ 50 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.

બ્લાસ્ટના મામલે ગુજરાત પોલીસની સ્પેશ્યલ ફોર્સે કુલ 70 આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના આરોપ પત્ર અનુસાર 16 આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર છે. તેમાં ધમાકાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ સુભાનનો પણ સમાવેશ થયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો