RAW : વિશ્વની ટોચની પાંચ ખુફિયા એજન્સીના પ્રમુખોમાં 'શુમાર' રામેશ્વરનાથ કાવ

ઇંદિરા ગાંધી અને રામેશ્વરનાથ કાવની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન ઇંદિરા ગાંધીની પાછળ ઊભેલા રામેશ્વરનાથ કાવ

વર્ષ 1996માં ભારતમાં બાંગ્લાદેશના સર્જનની 25મી વર્ષગાંઠની ઉજવણી થઈ રહી હતી. આ પ્રસંગે કેટલીક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

એક બેઠકમાં એક બાંગ્લાદેશી પત્રકારે હોલમાં પાછળની ખુરશી પર બેઠેલી લાંબી, સ્માર્ટ અને આકર્ષક વ્યક્તિને નિહાળી. પત્રકારે આ વ્યક્તિની પાસે જઈને કહ્યું, "સર તમારે તો મંચ પર બેસવું જોઇએ. તમારા કારણે જ તો 1971 શક્ય બન્યું."

ત્યારે એ આકર્ષક અને શરમાળ વ્યક્તિએ જવાબ આપ્યો, "મેં કઈ નથી કર્યું. મંચ પર બેઠેલા લોકોની પ્રશંસા થવી જોઇએ."

પછી એ વ્યક્તિ ઓળખ છતી થઈ જવાને લીધે પરેશાન થઈને પોતાની જગ્યાથી ઊભી થઈને ચૂપચાપ હોલની બહાર નીકળી ગઈ.

આ વ્યક્તિનું નામ હતું રામેશ્વરનાથ કાવ- ભારતની ખુફિયા એજન્સી 'રૉ' (RAW)ના જન્મદાતા.

તમને આ પણ વાંચવું ગમશે

1982માં ફ્રાંસની (બાહ્ય) ખુફિયા એજન્સી 'એસડીઈસીઈ'ના પ્રમુખ કાઉંટ એલેક્ઝાડ્રે દે મેરેંચને જ્યારે કહેવામાં આવ્યું હતું કે, તે 70ના દાયકાના વિશ્વના પાંચ સર્વશ્રેષ્ઠ ખુફિયા એજન્સી પ્રમુખોના નામ ગણાવે, ત્યારે તેમણે આ પાંચ નામોમાં કાવનું નામ પણ સામેલ કર્યું હતું.


પોલીસ સેવાના અધિકારી

Image copyright Getty Images
ફોટો લાઈન વિયેતનામના રાષ્ટ્રપતિ હો ચી મિન્હ ચઉ અન લાઈની સાથે

તે સમયે તેમણે કાવ વિશે કહ્યું હતું, "આ વ્યક્તિ(કાવ) શારીરિક અને માનસિક સુઘડતાનું અદભુત સંમિશ્રણ છે."

"તેમ છતાં પોતાના વિશે, પોતાના મિત્રો અને સફળતાઓ વિશે વાત કરવામાં તે ખૂબ જ શરમાળ છે."

રામેશ્વરનાથ કાવનો જન્મ 10 મે, 1918 ના રોજ વારાણસીમાં થયો હતો.

1940માં તેમણે ભારતીય પોલીસ સેવા જેને તે સમયે આઈપી કહેવામાં આવતી હતી તેની પરીક્ષા પાસ કરી હતી અને તેમને ઉત્તર પ્રદેશ કૅડર મળ્યું હતું.

1948માં જ્યારે ઇન્ટેલિજન્સ બ્યુરોની સ્થાપના થઈ ત્યારે તેમને તેમાં સહાયક ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

તેમને વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી.


કારકિર્દીની શરૂઆતનું ઓપરેશન

તેમની કારકિર્દીની શરૂઆતમાં જ તેમને ખૂબ જ ઝીણવટભરેલા ખુફિયા ઓપરેશન હાથ ધરવાની તક મળી.

1955માં ચીનની સરકારે એર ઇન્ડિયાનું એર વિમાન 'કાશ્મીર પ્રિંસેઝ' ચાર્ટર કર્યું હતું.

આ વિમાન હૉંગકૉંગથી જકાર્તા જવાનું હતું અને તેમાં બેસીને જ ચીનના વડાપ્રધાન ચૂ એન લાઇ 'બાંડુંગ સંમેલન'માં ભાગ લેવા જવાના હતા.

પંરતુ અંતિમ સમયે 'એપેંડિસાઇટિસ'ની તકલીફને કારણે દુખાવો થતા તેમણે પ્રવાસ રદ કરી દીધો.

આ વિમાન ઇન્ડોનેશિયાના દરિયા કિનારે ક્રેશ થઈ ગયું હતું.

વિમાનમાં બેઠેલા મોટાભાગના ચીનના અધિકારીઓ અને પત્રકારો આ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યા હતા.

રામનાથ કાવને આ દુર્ઘટનાની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી.

કાવે તપાસ કરીને જાણકારી મેળવી હતી કે આ દુર્ઘટના પાછળ તાઇવાનની ખુફિયા એજન્સીનો હાથ હતો.


RAWના પ્રથમ ડાયરેક્ટર

Image copyright Getty Images
ફોટો લાઈન ભારતના વડાપ્રધાન નહેરુ સાથે ચીનના વડાપ્રધાન ચૂ એન લાઈ

કાવને સારી રીતે ઓળખતા આર કે યાદવે બીબીસીને જણાવ્યું કે વડાપ્રધાન ચૂ એન લાઈ તેમની તપાસથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે કાવને ઓફિસે બોલાવ્યા હતા.

ત્યાર બાદ યાદગીરી તરીકે કાવને પોતાની એક મહોર ભેટમાં આપી હતી.

આ અંત સુધી કાવના ટેબલ પર શોભતી રહી.

1968માં ઇંદિરા ગાંધીએ સીઆઇએ અને એમઆઇ-6 જેવી ખુફિયા એજન્સી બનાવનાનો નિર્ણય કર્યો.

દેશ બહારની ખુફિયા બાબતો માટે એક એજન્સી 'રિસર્ચ ઍન્ડ એનૅલિસિસ વિંગ(રૉ)'ની રચના કરવામાં આવી અને કાવને તેના પ્રથન ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

'રૉ'એ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેની ઉપયોગિતા સિદ્ધ કરી દીધી.

કાવ અને તેમના સાથીની દેખરેખમાં એક લાખથી વધુ મુક્તવાહિનીના જવાનોને ભારતમાં તાલીમ આપવામાં આવી.

કાવનું ખુફિયા તંત્ર એટલું બધું મજબૂત હતું કે તેમને એ વાતની પણ ખબર હતી કે કયા દિવસે પાકિસ્તાન ભારત પર હુમલો કરવાનું છે.

Image copyright Getty Images

'રૉ'ના પૂર્વ ડારેક્ટર અને કાવને નજીકથી ઓળખતા આનંદ કુમાર વર્મા કહે છે, "યાહ્યા ખાનની ઓફિસમાં અમારા એક સૂત્રએ અમને ચોક્કસ માહિતી આપી દીધી હતી કે, કયા દિવસે હુમલો થવાનો છે."

"આ સૂચના વાયરલેસ મારફતે આવી હતી. જ્યારે આ ગુપ્ત કોડવર્ડવાળી સૂચનાને 'ડીકોડ' કરવામાં આવી, તો ભૂલથી નિર્ધારિત તારીખ કરતા બે દિવસ આગળની તારીખની સૂચના આપવામાં આવી હતી."

"વાયુસેનાને તૈયાર રહેવા કહી દેવાયું હતું. બે દિવસ સુધી કંઈ ન થયું. આ લોકો હાઈ ઍલર્ટ પર હતા"

જ્યારે વાયુસેનાના અધ્યક્ષે કાવને કહ્યું કે આટલા બધા દિવસો સુધી વાયુસેનાને હાઈ ઍલર્ટ પર ન રાખી શકાય.

ત્યારે કાવે જવાબ આપ્યો હતો કે, એક દિવસ વધુ રાહ જોઈ લો.

ત્રીજી ડિસેમ્બરે પાકિસ્તાને હુમલો કર્યો અને ભારતીય વાયુસેના આ હુમલાનો જવાબ આપવા માટે એકદમ સજ્જ હતી.

આ જે પણ એજન્ટ હતો તે એક હ્યુમન એજન્ટ હતો. તેની લોકેશન પણ સારી હતી અને તેની પાસે માહિતી મોકલવા માટે વાયરલેસ પણ હતું.


સિક્કીમનાંવિલીનીકરણની યોજના

Image copyright Getty Images

ભારતમાં સિક્કીમના વિલયમાં પણ કાવની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.

તેમણે ચાર અધિકારીઓના સહયોગથી આ કામને પાર પાડ્યું હતું.

આ અભિયાનમાં એટલી બધી હદે ગુપ્તતા જાળવવામાં આવી હતી કે કાવના સૌથી નિકટતમ વ્યક્તિ શંકરન નાયરને પણ આ અંગે કોઈ જાણ ન હતી.

આર કે યાદવ કહે છે, "સિક્કીમ યોજના આર એન કાવની જરૂર હતી પણ ત્યાં સુધી ઇંદિરા ગાંધી આ ક્ષેત્રના નિર્વિવાદીત નેતા બની ચૂક્યા હતા."

"બાંગ્લાદેશ માટેના યુદ્ધ બાદ તેમનામાં આત્મવિશ્વાસ આવી ગયો હતો અને તે વિચારતા હતા કે હવે આસપાસની સમસ્યાનું નિરાકરણ લાવવાની જવાબદારી પણ તેમની છે."

"સિક્કીમ સમસ્યાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચોગ્યાલે એક અમેરિકી મહિલા સાથે લગ્ન કરી લીધા હતા."


ચીનની સેનાની હાજરી છતા સિક્કીમનું વિલય

"આથી સીઆઈએ દ્વારા એ ક્ષેત્રમાં હસ્તક્ષેપ શરૂ થઈ ગયો હતો."

"આર કે યાદવ વધુમાં કહે છે, "કાવ સાહેબે ઇંદિરા ગાંધીને સલાહ આપી હતી કે સિક્કીમનો ભારતમાં વિલય થઈ શકે છે."

"આ યોજના લોહી વહાવ્યા વગર તખ્તો પલટવાની હતી. તેની મુખ્ય વાત એ હતી કે આ બધું જ ચીનની જાણ બહાર થયું હતું."

"ચીનની સેના પણ હાજર હતી તેમ છતાં ગાંધીએ તેની પરવાહ ન કરી."

"3000 વર્ગ કિલોમીટરના ક્ષેત્રનું ભારતમાં વિલય કરાવવાનો શ્રેય કાવને જ જાય છે. તેમના કારણે સિક્કીમ ભારતનું 22મું રાજ્ય બન્યું."


ઇંદિરા ગાંધીના પર્સ અને છત્રી સંબંધિત ઘટના

Image copyright Getty Images

ઇંદિરા ગાંધીની સુરક્ષાની જવાબદારી કાવ પાસે હતી. ઇંદર મલ્હોત્રા એક રસપ્રદ કિસ્સો યાદ કર્યો જે તેમના રામેશ્વર કાવે જ કહ્યો હતો.

તેમણે કહ્યું, "કાવે જણાવ્યું કે કોમનવેલ્થ સંમેલનમાં ભાગ લેવા માટે ભારતનું પ્રતિનિધિ મંડળ મેલબર્ન(ઑસ્ટ્રેલિયા) ગયું હતું."

"એક દિવસ મને જાણ થઈ કે ઑસ્ટ્રેલિયાની સુરક્ષા ટીમની એક વ્યકિત મને મળવા માંગે છે."

"તે વ્યક્તિએ મારી પાસે આવીને કહ્યું કે હું તમને એક વાત કહેવા માંગું છું."

"તમારા વડાપ્રધાન એક મહાન દેશના મહાન નેતા છે અને અહીં ઑસ્ટ્રેલિયાની ધરતી પર તેમની સુરક્ષાની જવાબદારી મારી છે."


ભારત પરત ફરતા પર્સ-છત્રી પકડાવવાનું ફરી શરૂ

આ કિસ્સા વિશે તેમણે વધુમાં જણાવતા કહ્યું, તમને લોકોને અહીંની સિસ્ટમ નથી ખબર. જ્યારે તે કારમાંથી તે ઉતરે છે, ત્યારે તેમનું પર્સ ને છત્રી મને પકડાવી દે છે."

"હું તેમને તો ન કહી શકું પણ તેમને કહી રહી રહ્યો છું કે, કોઈ નેતા જ્યારે કારમાંથી નીચે ઉતરે છે ત્યારે જ આતંકવાદી પાસે તેમના પર ગોળી ચલાવવાની તક રહેતી હોય છે."

"આવી સ્થિતિમાં મારા બન્ને હાથ ખાલી હોવા જોઈએ જેથી હું તેમની સુરક્ષા કરી શકું."

"આ માટે કારમાં એક વધારાની વ્યક્તિ પણ બેસાડી શકાય છે."

તેમણે વધુમાં ઉમેર્યું, "કાવે જ્યારે ઇંદિરા ગાંધીને આ વાત સમજાવી, તો તેમણે આ વાત માની લીધી અને તેમણે પર્સ અને છત્રી પકડાવાનું બંધ કરી દીધું."

"પરંતુ જ્યારે તેઓ ભારત પરત આવ્યા ત્યારે ફરીથી પોતાની જૂની આદતનું પુનરાવર્તન શરૂ કરી દીધું."


બેસ્ટ ડ્રેસ્ડ મૅન

ફોટો લાઈન રો માટે કામ કરી ચૂકેલા આર કે યાદવે Mission R&AWના ટાઇટલ સાથે એક કવિતા લખી છે

કાવને ખૂબ જ સારા કપડાં પહેરવાનો શોખ હતો. આર કે યાદવ કહે છે, "મેં તેમને નિવૃત્તિ બાદ પણ હંમેશા સૂટ અને ટાઈમાં જ જોયા હતા.

"પરંતુ ક્યારેક ક્યારેક તે ખાદીનો કુર્તો પણ પહેરતા અને તેઓ એવું પણ કહેતા કે હું આ કુર્તો ખાદી ભંડારમાંથી લાવ્યો છું."

"વળી આ પોશાક તેમના પર શોભતા પણ હતા કેમકે તેમની કદકાઠી પણ એવી જ હતી."

"તેમનું પેટ અંદર હતું અને શરીર રચના એક રમતવીર જેવી હતી."

"તે યુવાન હતા ત્યારથી જ ઘોડો રાખતા હતા. તે મને કહ્યા કરતા કે મારો અડધો પગાર ઘોડાની પાછળ જ ખર્ચાઈ જાય છે."

"તેમના શાનદાર કપડાં પહેરવાની આદતના લીધે કેટલાક અધિકારીઓને તેમનાથી ઈર્ષા પણ થતી હતી."

Image copyright Getty Images
ફોટો લાઈન જ્યોર્જ બુશ જ્યોર્જ બુશ સિનિયર

'રૉ'ના પૂર્વ એડિશનલ ડાયરેક્ટર રાણા બેનર્જી પણ કાવને ઘણી સારી રીતે ઓળખતા હતા.

રાણાએ બીબીસીને જણાવ્યું, "તે એક ખાસ પ્રકારની બનિયન પહેરતા હતા. તે એક જાળીવાળી બનિયન હતી અને તેની બાંય પણ જાળી રહેતી હતી.

"આ બનિયન ફક્ત કોલકાતાની ગોપાલ હોઝિયરીમાં બનતી હતી. પરંતુ પછી તે કંપની બંધ થઈ ગઈ.

"તેમ છતાં તે કાવ સાહેબ માટે વર્ષમાં તેમની જરૂરિયાત પ્રમાણે દસથી બાર બનિયન બનાવી આપતી હતી."

તેમણે વધુમાં ઉમેર્યુ, "જ્યારે મારી કોલકાતામાં 'પોસ્ટિંગ' થઈ ત્યારે મારા સિનિયરોએ મને કહ્યું કે હવે આ તમારી જવાબદારી છે કે કાવ સાહેબ પાસે ગોપાલ હોઝિયરીની બનિયન પહોંચવાનું ચાલુ રહે."

"એક વખત કાવ સાહેબનો ફોન આવ્યો, તો મેં કહ્યું કે બનિયન મોકલાવી દીધી છે."

"વળી બનિયન તેમની પાસે પહોંચે તે પહેલાં તો તેના 25 રૂપિયા મારા સુધી પહોંચી ગયા હતા. તેઓ આ બાબતોનું આટલું બધું ધ્યાન રાખતા હતા."


જનતા સરકારની તપાસ

Image copyright PN DHAR
ફોટો લાઈન આર એન કાવ અને ઇંદિરા ગાંધીના પ્રધાન સચિવ પીએન ઘર

1977માં જ્યારે ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં અને મોરારજી દેસાઈ સત્તામાં આવ્યા, તો તેમને એક વાતનો ભ્રમ હતો કે, ઇમરજન્સી લાગુ કરવામાં કાવ સાહેબનો પણ હાથ હતો.

તેમણે આ વાત કાવ સાહેબને સ્પષ્ટ રીતે કહી હતી. કાવે આ આરોપોનું ખંડન કર્યું અને કહ્યું કે તમે આ બાબતની તપાસ કરાવી શકો છો.

ત્યાર બાદ એક એસપી સિંહ સમિતિ રચવામાં આવી એમના માટે જે ચરણ સિંહના જમાઈ થતા હતા. આ સમિતિએ છ મહિનામાં રિપોર્ટ આપી હતી અને 'રૉ'ને ક્લિનચીટ આપી અને એવું પણ કહ્યું કે ઇમરજન્સી સાથે કાવને કોઈ લેવાદેવા નહોતી.

'રૉ'ના લગભગ તમામ અધિકારી કાવની ઉદારતાને આજે પણ યાદ કરે છે.

Image copyright Getty Images

જ્યોતિ સિંહા 'રૉ'ના એડિશનલ સેક્રેટરી (અધિક સચિવ) રહી ચૂક્યા છે.

તે કહે છે, "તેમની વાતચીત કરવાની રીત અને સ્ટાઇલ ખૂબ જ પ્રભાવક હતી. "

"તે કોઈને પણ એવી વાત ક્યારેય નહીં કહેતા જેનાથી વ્યક્તિને દુઃખ પહોંચે."

"તેમનું એક સૂત્ર મને ખૂબ જ પંસદ છે. તે કહેતા કે, જો કોઈ તમારો વિરોધ કરે છે, તો તેને ઝેર આપીને શા માટે મારવું...કેમ ન આ વ્યક્તિને ખૂબ જ મધ આપીને મારવામાં આવે."

"કહેવાનો અર્થ એ હતો કે, કેમ ન તેને મીઠી રીતે આપણી તરફ લાવી દઈએ."

"અમે લોકો એ સમયે યુવા હતા અને અમે બધા જ તેમને હીરોની જેમ પૂજતા હતા."

વિદેશી ખુફિયા પ્રમુખોની સાથે કાવના સંબંધોને લીધે ભારતને કેટલો ફાયદો થયો, તેની જાણકારી કદાચ જ લોકોને ક્યારેક મળી શકશે.

એક વાર અમેરિકાના પૂર્વ પ્રમુખ અને સીઆઇએના પ્રમુખ રહી ચૂકેલા જ્યોર્જ બુશ સિનિયરે તેમને અમેરિકી 'કાઉ બોય'ની નાની મૂર્તિ ભાટ આપી હતી.

બાદમાં જ્યારે તેમના હાથ નીચે તૈયાર થયેલા જાસૂસોને 'કાવ્સ બોયઝ' કહેવામાં આવતા, ત્યારે તેમણે આ મૂર્તિની એક ફાઇબર ગ્લાસની નકલ બનાવડાવીને તેને 'રૉ'ના મુખ્યમથકના સ્વાગત કક્ષમાં લગાવી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો