બાલ ઠાકરેના રાજકીય પક્ષનું નામ શિવસેના કેવી રીતે પડ્યું?

બાલ ઠાકરે Image copyright Getty Images
ફોટો લાઈન મહારાષ્ટ્રના રાજકારણમાં અને ખાસ કરીને રાજધાની મુંબઈમાં બાલ ઠાકરેનો ખાસ પ્રભાવ હતો

લગભગ 46 વર્ષ સુધી જાહેર જીવનમાં રહી ચૂકેલા શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ ક્યારેય કોઈ ચૂંટણી લડી ન હતી કે કોઈ રાજકીય પદ સ્વીકાર્યુ ન હતું. તેમને તો વિધિપૂર્વક શિવસેનાના અધ્યક્ષ તરીકે પણ ચૂંટવામાં આવ્યા ન હતા.

છતાં મહારાષ્ટ્રના રાજકારણમાં અને ખાસ કરીને રાજધાની મુંબઈમાં તેમનો ખાસ પ્રભાવ હતો. તેમની રાજકીય યાત્રા પણ અનોખી હતી.

વ્યવસાયે તેઓ એક કાર્ટૂનિસ્ટ હતા અને શહેરનાં એક દૈનિક 'ફ્રી પ્રેસ જર્નલ'માં કામ કરતા હતા. જોકે, ત્યારબાદ તેમણે નોકરી છોડી દીધી હતી.

બાલ ઠાકરેએ વર્ષ 1966માં શિવસેનાનું નિર્માણ કર્યું હતું અને 'મરાઠી માણુસ'નો મુદ્દો ઉઠાવ્યો હતો.

તે સમયે નોકરીઓની અછત હતી અને બાલ ઠાકરેનો દાવો હતો કે દક્ષિણ ભારતીય લોકો મરાઠીઓની નોકરીઓ છીનવી રહ્યા છે.

તેમણે મરાઠી બોલનારા સ્થાનિક લોકોને નોકરીમાં મહત્ત્વ આપવાની માગ સાથે આંદોલનની શરૂઆત કરી હતી.


દક્ષિણ ભારતીયોની વિરુદ્ધ

મુંબઈ (તે સમયે મુંબઈ શહેર બૉમ્બે તરીકે ઓળખાતું હતું) સ્થિત કંપનીઓ પર તેમણે નિશાન સાધ્યું હતું, પરંતુ ખરેખર તેમનું આ અભિયાન મુંબઈમાં રહેતા દક્ષિણ ભારતીયો વિરુદ્ધ હતું.

કેમ કે શિવસેના અનુસાર જે નોકરીઓ મરાઠીઓને મળવી જોઇતી હતી, તેના પર દક્ષિણ ભારતીયોનો કબજો હતો.

બાલ ઠાકરે માનતા હતા કે જે લોકો મહારાષ્ટ્રના છે, તેમને નોકરી મળવી જોઈએ. આ મુદ્દાને મરાઠીઓએ હાથો-હાથ ઉપાડ્યો.

શિવસેના પર રાજકારણમાં હિંસા અને ભયના ઉપયોગનો વારંવાર આરોપ લાગ્યો છે.

પરંતુ બાલ ઠાકરે કહેતા હતા, "હું રાજકારણમાં હિંસા અને બળનો ઉપયોગ કરીશ, કેમ કે ડાબેરીઓને એ જ ભાષા ખબર પડે છે."

"કેટલાક લોકોને હિંસાનો ડર બતાવવો જોઈએ. ત્યારે જ તેઓ પાઠ ભણશે."


હિંસાનો સહારો

Image copyright Getty Images
ફોટો લાઈન બાલ ઠાકરેએ જમીની સ્તર પર પોતાની પાર્ટીનું સંગઠન બનાવવા માટે હિંસાનો સહારો લેવાનું શરૂ કર્યું

દક્ષિણ ભારતીયોના વ્યવસાય, સંપત્તિને નિશાન બનાવવામાં આવી અને ધીરે-ધીરે મરાઠી યુવા શિવસેનામાં સામેલ થવા લાગ્યા.

બાલ ઠાકરેએ પોતાની પાર્ટીનું નામ શિવસેના 17મી શતાબ્દીમાં એક પ્રખ્યાત મરાઠા રાજા શિવાજીના નામ પર રાખ્યું હતું.

શિવાજી મુગલો વિરુદ્ધ લડાઈ લડી રહ્યા હતા.

બાલ ઠાકરેએ જમીની સ્તર પર પોતાની પાર્ટીનું સંગઠન બનાવવા માટે હિંસાનો સહારો લેવાનું શરૂ કર્યું.

રાજકીય પ્રતિદ્વંદ્વીઓ, અપ્રવાસીઓ અને મીડિયાકર્મીઓ સુધીના લોકો પર શિવસૈનિકોના હુમલા સામાન્ય વાત બનવા લાગી.

ધીરે-ધીરે મુંબઈના દરેક વિસ્તારમાં સ્થાનિક માથાભારે યુવા શિવસેનામાં સામેલ થવા લાગ્યા.

એક 'ગૉડફાધર' તરીકે બાલ ઠાકરે દરેક વિવાદનું નિરાકરણ લાવવા લાગ્યા.

લોકોને નોકરીઓ અપાવવા લાગ્યા અને તેમણે આદેશ આપી દીધા કે દરેક મામલે તેમની સલાહ લેવામાં આવે.

ફિલ્મોની રિલીઝ મામલે પણ તેમની મુનસફી ચાલવા લાગી.


ધીરે ધીરે તાકાતમાં વધારો

Image copyright Getty Images
ફોટો લાઈન બાલ ઠાકરેનો 80 અને 90ના દાયકામાં ઝડપથી ઉદય થયો હતો

બાલ ઠાકરેના જીવન સાથે જોડાયેલી કલ્પિત કહાણીઓ પ્રચલિત થવા લાગી. કહેવામાં આવ્યું કે તેઓ જર્મનીના પૂર્વ સરમુખત્યાર હિટલરના પ્રશંસક હતા.

એક પત્રિકામાં 'માહિતી અનુસાર' એ સમાચાર આપવામાં આવ્યા હતા. જોકે, તેમણે તે સમાચારની પુષ્ટિ પણ કરી ન હતી કે તેનું ખંડન પણ કર્યું ન હતું.

ધીરે-ધીરે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં તેમની પાર્ટીનું પ્રદર્શન સારૂ થવા લાગ્યું, પરંતુ હજુ સુધી પાર્ટીને વ્યાપકસ્તરે રાજકીય સફળતા મળી શકી નથી.

શિવસેનાનો પ્રભાવ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો સુધી જ મર્યાદિત રહ્યો છે. રાજ્યના બીજા વિસ્તારો પર પાર્ટીની કોઈ ખાસ અસર જોવા મળી નથી.

બાલ ઠાકરેનો 80 અને 90ના દાયકામાં ઝડપથી ઉદય થયો હતો, કેમ કે તે સમયે હિંદુત્વનો મુદ્દો ખૂબ ચગી રહ્યો હતો અને ઠાકરે કટ્ટર હિંદુત્વના સમર્થક હતા.


હિંદુત્વનો દામન

Image copyright Getty Images
ફોટો લાઈન 80ના દાયકા દરમિયાન શિવસેના એક મોટી રાજકીય શક્તિ બની ગઈ હતી

રાજકીય વિશ્લેષકો માને છે કે શરૂઆતી સમયગાળા દરમિયાન સત્તાધારી કૉંગ્રેસે શિવસેનાની અવગણના કરી હતી અથવા તો ડાબેરીઓ જેવા પોતાના રાજકીય વિરોધીઓને સમાપ્ત કરવા માટે શિવસેનાને પ્રોત્સાહિત કરી હતી.

પરંતુ 80ના દાયકા દરમિયાન શિવસેના એક મોટી રાજકીય શક્તિ બની ગઈ હતી. તે રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરવા માટે પોતાની દાવેદારી રજૂ કરી રહી હતી.

આ દરમિયાન બાલ ઠાકરેએ દક્ષિણપંથી મતદારોને લલચાવવા માટે હિંદુત્વનો હાથ પકડી લીધો હતો.

1992માં ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં બાબરી મસ્જિદ તૂટ્યા બાદ મુંબઈમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક હિંસા ફેલાઈ હતી, જે ઘણાં અઠવાડિયા સુધી ચાલી હતી.

આ હિંસામાં શિવસેના અને બાલ ઠાકરેનું નામ વારંવાર લેવામાં આવ્યું હતું. હિંસામાં કુલ 900 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

મોટી સંખ્યામાં લોકો મુંબઈ છોડીને ભાગી ગયા હતા અને તેઓ ક્યારેય પરત ન ફર્યા.


અયોધ્યા વિવાદ

વર્ષ 1992માં જ્યારે અયોધ્યાનો વિવાદીત ઢાંચો ધ્વસ્ત કરવામાં આવ્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તો જવાબદારી સ્વીકારી નહીં.

લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે રાષ્ટ્રીય સ્વયંસેવકોને આ ઘટના સાથે કોઈ લેવા દેવા જ નથી.

પરંતુ બાલ ઠાકરે સમક્ષ જ્યારે આ સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, "અમારા લોકોએ આ કામ કર્યું છે અને તેના પર મને ગર્વ છે."

તેમણે તો એક સમયે એમ પણ કહી દીધું હતું, "હિંદુ હવે માર ખાશે નહીં, અમે તેમને અમારી ભાષામાં જવાબ આપીશું."

તેમને ખબર હતી કે આ પ્રકારની ભાષાથી તેમને લોકોનું સમર્થન મળી શકે છે.

અનેક ટીકાકારો માને છે કે આ જ ભાષાએ તેમના રાજકીય ભવિષ્યને સ્થાપિત કરવામાં મોટી ભૂમિકા નિભાવી છે.

એ જ કારણ હતું કે લોકો તેમની અંદર વધારે રસ બતાવવા લાગ્યા હતા.


સત્તાની ચાવી

Image copyright Getty Images
ફોટો લાઈન બાલ ઠાકરે કટ્ટર હિંદુત્વના સમર્થક હતા

તેમણે કટ્ટર હિંદુત્વ અને પાકિસ્તાન પ્રત્યે જે કટ્ટરવાદી વલણ અપનાવ્યું, તેના કારણે પણ સમાજના કેટલાક વર્ગો પાસેથી તેમને સમર્થન મળ્યું હતું.

તેમણે મુસ્લિમોના વિરોધમાં નિવેદનો આપ્યા હતા. કટ્ટર હિંદુત્વની વાતો કરી હતી. ભારત- પાકિસ્તાન ક્રિકેટ મામલે પણ કડક વલણ અપનાવ્યું હતું.

માત્ર ત્રણ વર્ષ બાદ શિવસેના અને ભારતીય જનતા પાર્ટી સંયુક્ત રૂપે રાજ્યમાં પોતાની સરકાર રચવામાં સફળ થયા હતા.

બાલ ઠાકરેએ પોતાના એક ખૂબ જ નજીકના નેતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને સત્તાની ચાવી પોતાની પાસે રાખી હતી.

છેલ્લા એક દાયકામાં શિવસેનાનું અભિયાન ઉત્તર ભારતથી મુંબઈ આવીને સ્થાયી થયેલા સમાજો અને ધાર્મિક અલ્પસંખ્યકો વિરુદ્ધ શરૂ થઈ ગયું હતું.


સારા વક્તા

Image copyright Getty Images
ફોટો લાઈન એક કાર્ટૂનિસ્ટ તરીકે બાલ ઠાકરે બ્રિટિશ કાર્ટૂનિસ્ટ ડેવિડ લોને ખૂબ પસંદ કરતા હતા

ઠાકરે એક ખૂબ સારા વક્તા હતા અને લોકોને પોતાની વાતોથી આકર્ષિત કરતા હતા.

મુંબઈના શિવાજી પાર્કમાં દશેરાના અવસર પર તેમના દ્વારા આપવામા આવતા ભાષણની તેમના સમર્થકો રાહ જોતા હતા.

જીવનના અંતિમ વર્ષે સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે તેઓ શિવાજી પાર્ક તો જઈ શક્યા ન હતા, પરંતુ પોતાના સમર્થકો માટે તેમને વીડિયો રેકોર્ડેડ સંદેશ મોકલ્યો હતો.

તેમાં તેમણે પોતાના પ્રશંસકોને અપીલ કરી હતી કે તેઓ તેમના પુત્ર અને શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને પણ તેટલો જ પ્રેમ અને સન્માન આપે જેટલો તેમને મળ્યો હતો.

એક કાર્ટૂનિસ્ટ તરીકે બાલ ઠાકરે બ્રિટિશ કાર્ટૂનિસ્ટ ડેવિડ લોને ખૂબ પસંદ કરતા હતા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડેવિડ લોના કાર્ટૂન ખૂબ લોકપ્રિય બન્યા હતા.

મૃત્યુના થોડા સમય પહેલાં સુધી ઠાકરે પોતાના મરાઠી સાપ્તાહિક 'માર્મિક' માટે ખૂદ કાર્ટૂન બનાવતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ