પદ્માવત : ડૂબશે કે કમાણી કરી શકશે સંજય લીલા ભણસાલીની 'પદ્માવત'?

પદ્માવતી ફિલ્મનું દૃશ્ય Image copyright PDMAAVAT/FACEBOOK

એવી માન્યતા છે કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જો 'કોન્ટ્રોવર્સી' એટલે કે વિવાદ થઈ જાય, તો ફિલ્મ સફળ થઈ જાય છે. આ વાત કેટલીક હદ સુધી સાચી પણ લાગે છે, પરંતુ 'પદ્માવત' વિશે આ વાત પાક્કા પાયે કરી શકાતી નથી.

પદ્માવત વિવાદ : શું શું થયું?

ફિલ્મ પર જબરદસ્ત વિવાદ થઈ રહ્યો છે. ફિલ્મના શુટીંગની શરૂઆતમાં જ કરણી સેનાના સભ્યોએ સેટ પર તોડફોડ કરી હતી.

વાત તો એટલી હદે વધી ગઈ હતી કે તેમણે સંજય લીલા ભણસાલીને થપ્પડ પણ મારી હતી.

ત્યારબાદ તેમણે રાજસ્થાનથી હટવું પડ્યું હતું. સંજય લીલા ભણસાલીએ આ મામલે સ્પષ્ટતા પણ આપી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

જોકે, વિવાદ ત્યાં સમાપ્ત ન થયો, પણ વધતો જ ગયો.

ફિલ્મમાં રાણી પદ્માવતીની છબીને નુકસાન પહોંચાડવાના આરોપસર કરણી સેના અને રાજપૂત સંગઠનોએ ખૂબ હોબાળો મચાવ્યો.

Image copyright T-SERIES/YOU TUBE

હારીને, ભણસાલીએ ફિલ્મનો એ મહત્ત્વનો 'ડ્રીમ સીકવેન્સ' હટાવી દીધો જેમાં રાણી પદ્માવતી (દીપિકા પાદુકોણ) અને અલાઉદ્દીન ખિલજી (રણવીર સિંહ) વચ્ચે રોમાન્સ બતાવવામાં આવ્યો હતો.

CBFCએ ફિલ્મમાં પાંચ દૃશ્યો કાપ્યા અને ફિલ્મનું નામ 'પદ્માવતી'થી બદલીને 'પદ્માવત' કરી દેવામાં આવ્યું.

ત્યારબાદ સમાચારપત્રોમાં ફુલ પેજ ડિસ્ક્લેમર આપવામાં આવ્યું જેમાં તમામ આરોપોને ફગાવતા જણાવવામાં આવ્યું કે ફિલ્મ કેવી રીતે રાજપૂતી શાનને વધારે છે.

એટલું જ નહીં, ફિલ્મના લોકપ્રિય ગીત 'ઘૂમર'માં દીપિકા પાદુકોણની કમર પણ ઢાંકી દેવામાં આવી.

આટલું બધું થયા બાદ મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત રાજ્યની સરકારોએ 'કાયદાની સ્થિતિ' બગડવાનું કારણ બતાવી ફિલ્મ રિલીઝ કરવાની ના પાડી દીધી.

Image copyright T-SERIES/YOU TUBE

જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે જો સેન્સર બોર્ડે કોઈ ફિલ્મને પાસ કરી દીધી છે તો રાજ્ય સરકારો પાસે તેને રોકવાનો કોઈ હક નથી.

ઘણી જગ્યાએ એવા સમાચાર પણ આવ્યા કે સિનેમાઘરોના માલિક ડરેલા છે અને તેના માટે તેમણે ફિલ્મને ન બતાવવાનો નિર્ણય લીધો છે.


શું ડૂબી જશે ફિલ્મના પૈસા?

Image copyright T-SERIES/YOU TUBE

આમ તો સંજય લીલા ભણસાલી અને વિવાદોનો સંબંધ જૂનો છે. પરંતુ આ વખતે કંઈક વધુ જ થઈ ગયું છે.

હવે સવાલ એ છે કે આ વિવાદના કારણે તેમને ફાયદો થશે કે નુકસાન?

લગભગ 200 કરોડ રૂપિયાના બજેટથી બનેલી આ ફિલ્મ બોલીવૂડની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક છે. શું આ ફિલ્મ પોતાની કૉસ્ટ રિકવર કરી શકશે?

બૉક્સ ઑફિસના આંકડાઓ પર નજર રાખનારા કોમલ નાહટા કહે છે, "હું પાક્કા પાયે કહી શકું છું કે આ ફિલ્મ સારી કમાણી કરશે."

તેઓ ઉમેરે છે, "રિલીઝને લઈને હમણાં આશંકા છે પરંતુ એક વખત ફિલ્મ રિલીઝ થશે તો આગળનો રસ્તો સાફ થઈ જશે."

તેમણે કહ્યું કે લોકો ફિલ્મ જોવા જશે અને તેમને લાગશે કે તેમાં કંઈ પણ આપત્તિજનક નથી. ત્યારબાદ વિરોધીઓનું મોઢું પણ બંધ થઈ જશે.

Image copyright T-SERIES/YOU TUBE

કોમલ નાહટાના જણાવ્યા અનુસાર, "જો ભારતમાં કેટલીક જગ્યાએ ફિલ્મ રિલીઝ ન થાય, તો પણ તેની કોઈ ખાસ અસર જોવા નહીં મળે. બીજા ઘણાં દેશોમાં તો રિલીઝ થશે જ."

તેમણે જણાવ્યું કે આ સિવાય પણ કમાણીના માધ્યમ છે. જેમ કે- સેટેલાઇટ રાઇટ્સ, મ્યૂઝિક રાઇટ્સ અને બ્રાન્ડ પ્લેસમેન્ટથી.

ઇતિહાસ બોલે છે...

  • ભણસાલીની ફિલ્મ 'રામલીલા' પર પણ હિંદુઓની ધાર્મિક ભાવના દુભાવવાના આરોપસર હોબાળો થયો હતો. ત્યારબાદ ફિલ્મનું નામ બદલીને 'ગોલીયોં કી રાસલીલા- રામલીલા' કરવું પડ્યું હતું. એ ફિલ્મે 113 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
  • બે વર્ષ પહેલા પંજાબમાં ડ્રગ્સની સમસ્યા પર બનેલી ફિલ્મ 'ઉડતા પંજાબ'ને લઇને પણ ખૂબ હોબાળો મચ્યો હતો. આખરે ફિલ્મ રિલીઝ થઈ હતી અને સારો બિઝનેસ પણ કરી ગઈ હતી. લગભગ 40 કરોડના બજેટથી બનેલી આ ફિલ્મે આશરે 100 કરોડનો બિઝનેસ કર્યો હતો.
  • વર્ષ 2006માં આમિર ખાન અને કાજોલની ફિલ્મ 'ફના' ગુજરાતમાં રિલીઝ થઈ શકી ન હતી કેમ કે આમિર ખાને નર્મદા બાંધથી વિસ્થાપિત લોકોનાં મુદ્દા પર રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશે કંઈક ટિપ્પણી કરી હતી. તે છતાં નાના બજેટની આ ફિલ્મે માત્ર ભારતમાં જ 72 કરોડ કરતા વધારે કમાણી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો