ઘાસચારા કૌભાંડના ચાઈબાસા ટ્રેઝરી મામલે લાલુ- જગન્નાથને 5-5 વર્ષની સજા

લાલૂ પ્રસાદ યાદવ Image copyright SOMNATH SEN/BBC

જેલમાં બંધ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રને 5-5 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

રાંચી સ્થિત CBIના વિશેષ ન્યાયાધીશ એસ એસ પ્રસાદે આરસી 68A/96 અંતર્ગત ચાઈબાસા કોષાગારમાંથી 33 કરોડ 67 લાખ 534 રૂપિયા ગેરકાયદેસર રીતે ઉપાડવા સંબંધિત કેસમાં ચુકાદો આપ્યો હતો.

દસ જાન્યુઆરીના રોજ આ મામલે સુનાવણી પૂર્ણ થઈ હતી. આ મામલે લાલૂ યાદવ સિવાય પૂર્વ મુખ્યમંત્રી ડૉ. જગન્નાથ મિશ્ર સહિત 56 આરોપી હતા.


હાઈકોર્ટમાં જશે તેજસ્વી

Image copyright NIRAJ SINHA/BBC

આ પહેલા છઠ્ઠી જાન્યુઆરીના રોજ દેવઘર કોષાગારથી ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડવા સંબંધિત ઘાસચારા કૌભાંડના એક મામલે લાલુ યાદવને સાડા ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.

એ જ મામલે ગત વર્ષે 23 ડિસેમ્બરના રોજ દોષિત સાબિત થયા બાદ તેમને બિરસા મુંડા સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદ સિંહ પણ કોર્ટ પહોંચ્યા હતા.

લાલુ યાદવ દોષિત સાબિત થયા બાદ તેમણે કહ્યું, "હવે હાઈકોર્ટ જઈશું. અમે સંઘર્ષ કરવા માટે જન્મ લીધો છે. જ્યાં સુધી અમારી અંદર લોહી રહેશે, ત્યાં સુધી લડતા રહીશું."

બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને લાલુ યાદવના દીકરા તેજસ્વી યાદવે ચાઈબાસા કોષાગાર કૌભાંડ મામલે CBIની સ્પેશિયલ કોર્ટનું ષડયંત્ર હોવાની વાત કરતા હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવવાની વાત કરી છે.


શું છે મામલો?

Image copyright SOMNATH SEN/BBC

ચાઈબાસાનું આ કૌભાંડ 21 વર્ષ જૂનું છે. આ મામલે CBIએ 76 લોકો વિરુદ્ધ FIR દાખલ કરી હતી.

ટ્રાયલ દરમિયાન 14 લોકોનાં મૃત્યુ થઈ ગયા હતા. ત્રણ લોકો સરકારી સાક્ષી બનાવવામાં આવ્યા અને એકે નિર્ણય પહેલા જ દોષ સ્વીકાર કરી લીધો હતો.

CBIએ આ મામલે ચાઈબાસા કોષાગારથી નકલી બિલ બનાવી રકમની નિકાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

લાલુ પ્રસાદ યાદવ પર કૌભાંડની જાણકારી હોવા છતાં તેના પર રોક ન લગાવવાનો આરોપ છે.

જ્યારે ડૉ. જગન્નાથ મિશ્ર પર પશુપાલન વિભાગના એ અધિકારીઓની સેવા વિસ્તારની અરજી કરવાનો આરોપ છે, કે જેઓ આ કૌભાંડમાં સામેલ હતા.


ચાબાસાનો ચક્રવ્યૂહ

Image copyright NIRAJ SINHA/BBC

ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબર 2013ના રોજ રાંચી સ્થિત CBIના વિશેષ ન્યાયાધીશ પ્રવાસ કુમાર સિંહની કોર્ટે કેસ નંબર આરસી 20A/96માં ચુકાદો આપ્યો હતો.

ચાઈબાસા કોષાગારમાંથી કથિતરૂપે રૂ. 37.7 કરોડ ગેરકાયદેર રીતે ઉપાડવા સંબંધિત ઘાસચારા કૌભાંડ મામલે પાંચ વર્ષની સજા સંભળાવી હતી.

સાથે જ કોર્ટે 25 લાખનો જુર્માનો ચૂકવવા આદેશ આપ્યો હતો. ચાઈબાસા ત્યારે અવિભાજિત બિહારનો ભાગ હતું.

જોકે, એ મામલે લાલુ પ્રસાદ હાલ જામીન પર છે, પરંતુ સજા બાદ તેઓ સંસદ તરીકેનું સભ્યપદ ગુમાવી ચૂક્યા છે અને તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય ઉમેદવાર છે.

જ્યારે આ મામલે લાલુ પ્રસાદ યાદવ સિવાય ડૉ. જગન્નાથ મિશ્રને ચાર વર્ષની કેદ અને 21 લાખના જુર્માનાની સજા સંભળાવવામાં આવી હતી.


સુપ્રીમ કોર્ટનો આદેશ

Image copyright NIRAJ SINHA/BBC

મહત્ત્તવનું છે કે ગત વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે CBIની અપીલને મંજૂર કરવાની સાથે લાલુ પ્રસાદ વિરુદ્ધ ઘાસચારા કૌભાંડ સાથે સંબંધિત અલગ અલગ મામલે કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના નિર્ણયને રદ કરતા કહ્યું હતું કે પ્રત્યેક અપરાધ માટે પૃથક સુનાવણી થવી જોઈએ.

સાથે જ સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને આ મામલે નવ મહિનામાં સુનાવણી પૂર્ણ કરવા કહ્યું છે.

નવેમ્બર 2014માં ઝારખંડ હાઈ કોર્ટે લાલુ પ્રસાદને રાહત આપતા કહ્યું હતું કે આ મામલે દોષિત સાબિત થયેલા એક વ્યક્તિ વિરુદ્ધ આ જ ધારાઓ અંતર્ગત એકજેવા અન્ય કેસમાં સુનાવણી થઈ શકતી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો