પ્રેસ રિવ્યુ : અમદાવાદમાં થયેલી હિંસાનું કાવતરું સાણંદમાં ઘડાયું હતું?

અમદાવાદ ખાતે કરણી સેના દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાહનોને આગ લગાવવામાં આવી હતી Image copyright Getty Images
ફોટો લાઈન પોલીસ તપાસ મુજબ અમદાવાદમાં થયેલી હિંસા પહેલાં સાણંદમાં મીટિંગ થઈ હતી

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ અમદાવાદમાં 'પદ્માવત' ફિલ્મના વિરોધમાં જે હિંસા થઈ તેનું કાવતરું સાણંદમાં ઘડાયું હોવાની માહિતી સામે આવી છે. આ માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે.

અમદાવાદમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં નીકળેલી રેલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા અનેક વાહનોને સળગાવી ત્રણ મૉલમાં તોડફોડ કરી હતી.

અખબારના અહેવાલ પ્રમાણે આ સમગ્ર બનાવમાં કરણી સેનાના આગેવાનોએ સાણંદમાં મીટિંગ યોજી હતી. આ મીટિંગ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યાં હતાં.

આ મીટિંગમાં જ કેન્ડલ માર્ચ દરમિયાન થિયેટરોને સળગાવવાનું કાવતરું ઘડાયું હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે.

વસ્ત્રાપુર પોલીસે તોડફોડ અને આગ ચાંપવાના બનાવો મામલે ત્રણ ફરિયાદો નોંધ્યા બાદ ૧૮ આરોપીઓની ધરપકડ કરી છે.


સેલ્ફી લેવા જતા ટ્રેન સાથે અથડાયો

Image copyright Getty Images
ફોટો લાઈન હૈદરાબાદ સ્થિત શીવા નામના યુવકને માલગાડી સાથે સેલ્ફી લેવાનું ભારે પડ્યું

એનડીટીવીના અહેવાલ પ્રમાણે હૈદરાબાદ સ્થિત શીવા નામના યુવકને ટ્રેન સાથે સેલ્ફી લેવાનું ભારે પડી ગયું.

પાટાની પાસે જ ઊભી પાછળ આવતી ટ્રેન સાથે સેલ્ફી લેવા જતા યુવક ટ્રેન સાથે જ અથડાયો હતો.

આ અકસ્માતમાં શીવાને માથામાં ઈજાઓ થઈ છે અને હાલ તેને હૈદરાબાદ સ્થિત હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

પાછળથી આવી રહેલી માલગાડીની ગતિ અને પવનની દિશા નક્કી કરવામાં થાપ ખાઈ જતા શીવા માલગાડી સાથે અથડાયો હતો.

સેલ્ફી લેતાં પહેલાં સેલફોનમાં શૂટ કરવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં શીવા કેવી રીતે ઘાયલ થયો છે તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.


પૅટ્રોલ-ડીઝલના ભાવ બેકાબૂ

Image copyright Getty Images
ફોટો લાઈન પૅટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે પૅટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જે ભાવ વધારો બુધવારે પણ કાયમ રહ્યો હતો.

આંતરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

બુધવારે દિલ્હીમાં પૅટ્રોલની કિંમત 72.43 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં 80.30 રૂપિયા પ્રતિ લીટર અને અમદાવાદમાં 71.80 રૂપિયા પ્રતિ લીટર નોંધાઈ હતી.

જ્યારે ડીઝલની કિંમત દિલ્હી ખાતે 63.38 રૂપિયા પ્રતિ લીટર અને અમદાવાદ ખાતે 68 રૂપિયા પ્રતિ લીટર નોંધાઈ હતી.

વધી રહેલા પૅટ્રોલ અને ડીઝલના ભાવને કારણે મોંઘવારી વધે નહીં તે હેતુથી કેન્દ્ર સરકાર પૅટ્રોલ-ડીઝલ પર લેવાતી એક્સાઈઝ ડ્યુટીમાં કાપ મૂકી તેવી પણ શક્યતા છે. .

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો