રાજપૂતોની આન-બાન-શાનનું સત્ય શું છે?

મહારાણા પ્રતાપનું રેખાચિત્ર Image copyright Getty Images
ફોટો લાઈન મહારાણા પ્રતાપનું રેખાચિત્ર

સાહિત્યના એક પાત્ર પદ્માવતી સંબંધે રાજપૂતોની પ્રતિષ્ઠાના રક્ષણની વાતો આજકાલ રસ્તાઓ અને ટીવી ચેનલો પર કરવામાં આવી રહી છે.

સવાલ એ છે કે ઇતિહાસમાં રાજપૂતની પ્રતિષ્ઠા જેવી કોઈ બાબત હતી? હતી તો તે કલ્પના હતી કે સત્ય?

રાજપૂતો કદી હારતા નથી, પીઠ દેખાડતા નથી. તેઓ યુદ્ધ જીતીને આવે છે અથવા જીવ આપી દે છે, એવું માનવામાં આવે છે.

આ ધારણાનું સત્ય તપાસીએ તો એવા ઘણા પ્રસંગો છે, જેમાં એ ધારણા માત્ર માન્યતા બની રહે છે.

1191ના તરાઈન યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. 1192માં ફરી એ જ સ્થળે યુદ્ધ લડાયું હતું, તેમાં પૃથ્વીરાજ ચૌહાણે હારનો સામનો કરવો પડ્યો હતો.

એ પછી તો મુઘલો સાથે, સુલ્તાનો સાથે અને મરાઠાઓ સાથે રાજપૂતોનાં યુદ્ધ થતાં રહ્યાં હતાં પણ તેઓ એકેય યુદ્ધ જીત્યા ન હતા એ ઐતિહાસિક સત્ય છે.

રાજપૂતો યુદ્ધ જીતીને જ પાછા આવે અથવા વીરગતિને પ્રાપ્ત કરે એ વાત સંપૂર્ણપણે સાચી નથી.

Image copyright Getty Images

પૃથ્વીરાજ ચૌહાણ જેવા મહાયોદ્ધા બીજી લડાઈમાં હારી ગયા હતા અને તેમને પકડી લેવામાં આવ્યા હતા. તેનો અર્થ એ થયો કે પૃથ્વીરાજ ચૌહાણ વીરગતિને પામ્યા ન હતા.

મહારાણા પ્રતાપ પણ હલ્દીઘાટીના યુદ્ધમાં અકબર સામે હારી ગયા હતા. તેમણે તેમના ચેતક ઘોડા પર સવાર થઈને ભાગવું પડ્યું હતું.

ઔરંગઝેબના જમાનામાં મહારાજા જસવંત સિંહે પણ હાર સ્વીકારવી પડી હતી.

તેથી રાજપૂતો યુદ્ધ જીતે અથવા તો વીરગતિને પ્રાપ્ત કરે એવી માન્યતા ખોટી છે.

બીજી માન્યતા એવી છે કે રાજપૂતો જે વચન આપે તેનું પાલન કોઈ પણ સંજોગોમાં કરે જ અને કોઈ સાથે દગો ન કરે.

આ માન્યતા સાચી ઠરાવતું કોઈ ઉદાહરણ પણ ઇતિહાસમાંથી મળતું નથી.

તેનાથી વિપરીત એક ઉદાહરણ મળે છે અને એ કથા દર્દનાક છે.

દારાશિકોહનાં પત્ની નાદિરાએ 1659ની આસપાસ તેમનાં સ્તન પરથી પાણી ફેરવીને રાજસ્થાનના રાજા સરુપ સિંહને દૂઘ સ્વરૂપે પીવડાવ્યું હતું. નાદિરા સરુપ સિંહને પુત્ર માનતા હતાં.

એ જ નાદિરા સાથે સરુપ સિંહે દગો કર્યો હોવાનું કહેવાય છે. નાદિરાના પુત્ર સુલેમાન શિકોહની ઔરંગઝેબના કહેવાથી સરુપ સિંહે હત્યા કરી હતી.

તેથી એવું પણ ન કહી શકાય કે રાજપૂત જે વચન આપે છે તેનું સંપૂર્ણપણે પાલન કરે છે.


રાજપૂતોનું યોગદાન

Image copyright Getty Images

બાબર માનતો હતો કે રાજપૂતો મરવાનું જાણે છે, પણ જીતવાનું જાણતા નથી.

ઇતિહાસ માન્યતાઓને સત્ય સાબિત કરવાના પ્રયાસ ક્યારેક કરતો નથી અને માન્યતાઓને આધારે વાત કરે છે.

ઇતિહાસ માન્યતાઓથી અલગ રહીને વાત કરતો હોય છે એ સત્ય છે.

માન્યતાઓ રચવામાં આવે છે. તેને લોકમાનસમાં રોપવામાં આવે છે. રાજપૂતો શાસકો હતા એટલે તેમના વિશેની માન્યતાઓ રચાય એ આપણને આશ્ચર્યજનક લાગતું નથી.

આધુનિક ભારતના નિર્માણમાં પણ રાજપૂતોએ કોઈ ખાસ ભૂમિકા ભજવી નથી.

ઇતિહાસમાં રાજપૂતોની ભૂમિકાનું મૂલ્યાંકન કરીએ તો મુઘલ શાસનને સ્થાયી બનાવવામાં અને તેના વિસ્તારમાં રાજપૂતોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

અકબરના જમાનાથી માંડીને છેક છેલ્લે સુધી રાજપૂતોએ મુઘલોના શાસનને સ્થિરતા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

રાજપૂતો મુઘલ શાસનનો અતૂટ હિસ્સો બની ચૂક્યા હતા. અકબર પહેલાં તો રાજપૂતો લડાઈઓ લડતા જ રહેતા હતા. રાજપૂતો લગભગ 300 વર્ષ સુધી સુલતાનો સાથે લડતા રહ્યા છે.

રાજપૂતોનો સાથ મેળવીને આગળ વધવાની નીતિ અકબરે બનાવી હતી અને એ નીતિને કારણે અકબરને તેના સામ્રાજ્યના વિસ્તાર તથા સ્થિરતામાં ફાયદો થયો હતો.

અકબર અને ઔરંગઝેબના ટોચના યોદ્ધાઓમાં મહારાજા જય સિંહ અને જસવંત સિંહનો સમાવેશ થાય છે. તેઓ છેલ્લે સુધી તેમની સાથે રહ્યા હતા.

ઔરંગઝેબે 1679માં ફરી જજિયાવેરો લાદ્યો હતો, જેને બહાદુરશાહ ઝફરે સત્તા સંભાળતાની સાથે જ પાછો ખેંચી લીધો હતો.

ઔરંગઝેબના જમાનામાં કેરળને બાદ કરતાં આખા ભારત પર મુઘલ રાજ કરતા હતા અને તેમાં રાજપૂતોની ભૂમિકા પણ હતી. આ વાતનો સ્વીકાર મુઘલ પણ કરે છે.


રાજપૂતો હંમેશા મોગલોની સાથે રહ્યા

Image copyright Getty Images

રાજપૂતોનું પોતાનું જે સાહિત્ય છે તેમાં તેઓ મુઘલો સાથેના તેમના સંબંધને ગૌરવપૂર્વક દર્શાવે છે. રાજપૂતોએ મુઘલોની સાથે રહ્યા એ જણાવવામાં તેમને કોઈ શરમ ન હતી.

મુઘલ બાદશાહો સાથે ખભેખભા મેળવીને ચાલવામાં રાજપૂતો ગૌરવ અનુભવતા હોવાનું રાજપૂત સાહિત્યમાં પણ દર્શાવવામાં આવ્યું છે.

મોહતા નૈનસી મહારાજા જસવંત સિંહના સહાયક હતા. મોહતા નૈનસીએ બે પુસ્તકો લખ્યાં છે. તેમાં મારવાડ વિગત અને નૈનસી દી ખ્યાતનો સમાવેશ થાય છે.

રાજપૂતોએ શું કર્યું અને તેમણે મુઘલોનો સાથ શા માટે આપ્યો એ વિશે આ પુસ્તકોમાં કોઈ ખેદ કે અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો નથી.

રાજપૂતોના એ ગર્વને શરમમાં બદલવાનું અંગ્રેજ ઓફિસર જેમ્સ ટોડે શરૂ કર્યું હતું.

રાજપૂતો મુઘલોના ગુલામ બની ગયા હતા અને અંગ્રેજોએ તેમને ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા, એવી માન્યતા બનાવવાનું જેમ્સ ટોડે શરૂ કર્યું હતું.

તેનો અર્થ એ થયો કે મુઘલો સાથેના સંબંધ બાબતે રાજપૂતોમાં શરમની ભાવના સ્થાપવાનું કા અંગ્રેજોએ શરૂ કર્યું હતું.

પદ્માવતીની ઈજ્જત બચાવવા માટે જૌહર જેવી વાતો ફેલાવવાનું પણ જેમ્સ ટોડે જ શરૂ કર્યું હતું.

એ વાતો બંગાળ સુધી ફેલાઈ ગઈ હતી. પદ્માવતીના કથિત જૌહરનો રાજપૂતોના સાહિત્યમાં કોઈ ઉલ્લેખ સુદ્ધાં નથી.


આઝાદીના લડાઈમાં ક્યાં હતા રાજપૂતો?

Image copyright Getty Images

આઝાદીની લડાઈમાં રાજપૂતોએ કોઈ ભૂમિકા ભજવી ન હતી. એટલું જ નહીં, રાજપૂત રાજાઓએ અંગ્રેજોને જ સાથ આપ્યો હતો.

એ સમયે જેટલા રાજાઓ હતા એમાંથી બે-ચારને બાદ કરતાં કોઈ રાજાએ અંગ્રેજો સામે લડાઈ લડી ન હતી.

રાણી લક્ષ્મીબાઈ તો છેલ્લે અંગ્રેજો સામે મેદાને પડ્યાં હતાં. પહેલાં તો લક્ષ્મીબાઈએ પણ અંગ્રેજો સાથે સમજૂતીના પ્રયાસ કર્યા હતા.

સમજૂતી ન થઈ ત્યારે તેમણે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો હતો. લક્ષ્મીબાઈ શરૂઆતથી જ બાગી ન હતાં.

આપણે એવું રૂપક સર્જ્યું છે કે લક્ષ્મીબાઈએ બહાદુરી દેખાડીને દેશ માટે પોતાનું જીવન દાવ પર લગાવી દીધું હતું. આવાં રૂપકો આઝાદીની લડાઈ દરમ્યાન સર્જવામાં આવ્યાં હતાં.

વાસ્તવમાં તમામ રાજાઓ તેમનાં રાજ્યો માટે લડી રહ્યા હતા. એ વખતે દેશની કોઈ ધારણા પણ ન હતી એ દેખીતું છે.

આપણે જ્ઞાતિને આધારે કોઈને શ્રેષ્ઠ કે વીર ગણાવી શકીએ નહીં. રાજપૂતોને વીર કહી ન શકાય કે બ્રાહ્મણોને વિદ્વાન ન કહી શકાય.

બધાનો પોતપોતાનો સ્વાર્થ હોય છે અને તેના આધારે શાસકો કામ કરતા હોય છે.

જ્ઞાતિઓ સાથે જોડાયેલી માન્યતાઓ હકીકતથી ઘણી દૂર હોય છે અને ઇતિહાસમાં આવી માન્યતાઓને કોઈ સ્થાન હોતું નથી.


રાજપૂતનું લોહી

Image copyright Getty Images

મેડિકલ સાયન્સની દુનિયામાં હવે ડીએનએ જેવું સંશોધન આવી ગયું છે.

ભારતમાં શુદ્ર, બ્રાહ્મણ કે રાજપૂત પૈકીના 98 ટકાનું લોહી એકસમાન છે. બે ટકા લોકો અલગ હોઈ શકે છે.

રાજપૂતના લોહી અને શુદ્ધતાની વાતો તો એકદમ અયોગ્ય છે.

રાજપૂતોને મુઘલો સાથે સંબંધ હતો. બીજી વાત એ છે કે કોઈ એક જ્ઞાતિ તો રાજપૂત બનેલી નથી. અનેક જ્ઞાતિઓ રાજપૂત બની હતી. રાજપૂતોમાં અનેક જ્ઞાતિઓનો સમાવેશ થાય છે.

લોહી અને વંશનું મિશ્રણ તો શરૂઆતથી ચાલતું રહ્યું છે અને એ પ્રક્રિયા આજે પણ ચાલુ છે. તેનું આપણને ગૌરવ હોવું જોઈએ.

વંશની શુદ્ધતાની વાત તો હિટલર કરતો હતો. શુદ્ધતાની ધારણા હવે ખતમ થઈ ચૂકી છે.

રાજપૂતોની એક ખૂબીની નોંધ એ રીતે લેવી જોઈએ કે તેમણે વીરતાની સંસ્કૃતિની સ્થાપના કરી હતી. રાજપૂતોએ મુઘલ સંસ્કૃતિને પણ પ્રભાવિત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો