હિંદુઓેને બચાવનાર ગુજરાતના મુસ્લિમ ડ્રાઇવરને વીરતા પુરસ્કાર

સલીમ શેખની તસવીર Image copyright Azaz Mirza

ગુજરાતના શેખ સલીમ ગફુરને કેન્દ્ર સરકાર દ્વારા બહાદુરીના 'જીવન રક્ષા પદક' ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે.

ગુજરાતના વલસાડમાં રહેતા શેખ સલીમે વર્ષ 2017માં 52 અમરનાથ યાત્રીઓના જીવ બચાવ્યા હતા. તેમણે દાખવેલી આ બહાદુરી બદલ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે.

10 જુલાઈ, 2017ના રોજ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓની બસ પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં સાત લોકોનાં મૃત્યુ અને કેટલાક ઘાયલ થયા હતા.

સલીમ શેખ આ બસના ડ્રાઇવર હતા અને બસમાં મોટાભાગના યાત્રીઓ ગુજરાતના હતા.


'લોહીથી લથપથ બસ...'

Image copyright Azaz Mirza

ઍવોર્ડ મામલે બીબીસી સાથેની વાતચીતમાં સલીમ શેખે કહ્યું, "મને ઍવૉર્ડ મળી રહ્યો છે, આજે પણ એ વાતનું દુઃખ છે કે હુમલામાં સાત વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં."

"પાંચ વર્ષોથી યાત્રાળુઓને અમરનાથ લઈ જાવ છું. પણ જુલાઈ-2017માં જે થયું તે ખૂબ જ દુઃખદ હતું."

"ગોળીઓનો એ અવાજ અને બસમાં યાત્રીઓની બચવા માટેની બૂમો દુઃખની પરાકાષ્ઠા હતી."

"લોહીથી લથપથ બસ અને ઘાયલોનાં દૃશ્યો આજે પણ મારી આંખ સામે જીવંત છે."

તમને આ પણ વાંચવું ગમશે

"જોકે, મારા સાહસ બદલ મને ઍવૉર્ડ મળ્યો તેનાથી મારો પરિવાર ખુશ છે."

Image copyright @mha.nic.in/HOME MINISTRY

ઘટના સમયે પરિવારની સ્થિતિ અંગે સલીમ શેખે કહ્યું, "બસના યાત્રીઓને સુરક્ષિત આર્મી કેમ્પ લઈ ગયા બાદ ઘરે ફોન કર્યો હતો."

"મારા 12 વર્ષના પુત્રને ઓપરેશન કરવામાં આવ્યું હતું. આથી પરિવાર પહેલાથી જ ચિંતામાં હતો."

"પણ મારી પત્નીને મેં જાણ કરી હતી કે અમારી બસ પર હુમલો થયો છે."

"તદુપરાંત મેં મારી પત્નીને ટી.વી.માં સમાચાર ન જોવા કહ્યું હતું."

"કારણ કે કદાચ સમાચારમાં પરિસ્થિતિની વાસ્તવિકતા જાણી તેઓ ગભરાઈ ગયા હોત."


'જુલાઈમાં ફરી અમરનાથ જઈશ'

તેમણે ઉમેર્યું કે, "તેમના બે સહકર્મીના પણ આ હુમલામાં મૃત્યુ થયાં હતાં."આજે પણ તેઓ આ બન્નેને યાદ કરે છે.

ઍવૉર્ડ અંગે તેમણે કહ્યું કે, પહેલા સમાચાર અને પછી ગૂગલમાં સર્ચ કર્યા બાદ તેમને ખબર પડી કે તેમને આવો ઍવૉર્ડ મળ્યો છે.

હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજન આજે પણ સલીમ શેખના સંપર્કમાં છે. તેઓ એકબીજાને મળતા પણ રહે છે.

આગામી જુલાઈ મહિનામાં સલીમ શેખ ફરીથી યાત્રાળુઓને લઈને અમરનાથ યાત્રા માટે જશે.

ખૂબ જ આત્મવિશ્વાસથી તેમણે કહ્યું, "હા, હું જુલાઈમાં ફરીથી અમરનાથ જઈશ અને યાત્રાળુઓને દર્શન કરાવીશ. "

બુધવારે ગૃહ મંત્રાલય દ્વારા જીવન રક્ષા પદક ઍવૉર્ડ માટે પંસદ કરવામાં આવેલા વ્યક્તિઓની યાદી જાહેર કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ દ્વારા ઉત્તમ જીવન રક્ષા પદક માટે મંજૂર કરવામાં આવેલાં આ નામોમાં સલીમ શેખનું નામ પણ સામેલ હતું.

10 જુલાઇના રોજ કાશ્મીરના અનંતનાગ પાસે આંતકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં 8 યાત્રાળુઓ મૃત્યુ પામ્યાં હતાં.

આતંકવાદી હુમલો થયા બાદ ડ્રાઇવર સલીમ શેખે બસને ઊભી ના રાખી અને બહાદુરી બતાવતા તેઓ બસને અનંતનાગથી મિલેટરી કૅમ્પ સુધી હંકારી ગયા હતા.

Image copyright EPA

હુમલામાં બચી ગયેલા તમામ યાત્રીઓએ સલીમ શેખની પ્રશંશા કરી હતી.

કારણ કે ગંભીર પરિસ્થિતિ છતાં સલીમે બસ હંકારી અને યાત્રીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા.

બચી ગયેલા યાત્રીઓનું કહેવું હતું કે જો સલીમે હિંમત કરીને બસ હંકારી ન હોત તો હુમલામાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હોત.

હુમલા બાદ સલીમે શ્રીનગર-જમ્મુ હાઇ-વે પર બે કિલોમીટર સુધી બસ હંકારી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સલીમની બહાદુરીને બિરદાવી હતી અને ઍવૉર્ડ માટે તેમના નામની ભલામણ કરવાનું આશ્વાસન આપ્યું હતું.


જીવન રક્ષા પદક ઍવોર્ડ

Image copyright EPA

વર્ષ 2017 માટે કુલ 44 વ્યક્તિઓનાં નામ પંસદ કરવામાં આવ્યાં છે.

જેમાં સાત વ્યક્તિને સર્વોત્તમ જીવન રક્ષા પદક, 24 વ્યક્તિઓની જીવન રક્ષા પદક માટે પંસદગી કરવામાં આવી છે.

વળી ઉત્તમ જીવન રક્ષા પદક માટે 13 વ્યક્તિઓની પંસદગી કરવામાં આવી છે. જેમાં સાત મરણોત્તર 'મેડલ'નો પણ સમાવેશ થાય છે.

કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે બહાદુરીનું કાર્ય કરનાર વ્યક્તિને પ્રંશસનીય કાર્ય બદલ જીવન રક્ષક પદક ઍવૉર્ડઝથી નવાજવામાં આવે છે.

જેમાં રોકડ ઇનામ, મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ