#HerChoice: 'જ્યારે મારા માતા-પિતાએ તેમના પ્રેમસંબંધ માટે મને ત્યજી દીધી'

સાંકેતિક ચિત્રાંકન

#HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાની શ્રેણી છે. મહિલાઓની આ કથાઓ 'આધુનિક ભારતીય નારી', તેની પસંદગી, આકાંક્ષા, અગ્રતા અને ઇચ્છાઓ વિશેની કલ્પનાને પડકારે છે તથા વિસ્તારે છે.

જે ખાદ્ય પદાર્થો આપણને ભાવતા નથી અથવા તો જે કપડાં હવે આપણને ફીટ નથી થતાં, તેને આપણે છોડી દઇએ છીએ.

મારી સાથે પણ એવું જ થયું છે. હું બાળકી હતી, ત્યારે જ મારા માતા-પિતાએ મને છોડી દીધી હતી

શું તેમનું મૃત્યુ થઈ ગયું છે? ના. હું અનાથ નથી, એટલે જ મને વધારે તકલીફ થાય છે.

મારા માતા-પિતા હયાત છે અને મારા ગામમાં જ રહે છે.

તે છતાં મને ઓળખતાં પણ ન હોય એવો વ્યવ્હાર કરે છે.

તમને આ પણ વાંચવું ગમશે

હું હજુ ઘોડિયામાં હતી ત્યારે જ મને ત્યજી દીધી. હું ભૂખથી ચિચિયારીઓ પાડતી હતી, રડતી હતી.

હું હાલરડાંની રાહ જોતી હતી, જે મને શાંત કરાવી શકે.

એ સમયે હું તકલીફનો અનુભવ કરી શકતી ન હતી. તેને શબ્દોના માધ્યમથી વ્યક્ત કરી શકતી ન હતી.


'મારા માતા-પિતા ને અપરિચિતની નજરે જોતાં'

મારા જન્મ બાદ મારા પિતાએ મારી માતાને છોડી બીજી મહિલા સાથે લગ્ન કરી લીધાં અને નવો પરિવાર વસાવી લીધો હતો.

ત્યારબાદ મારી મા પણ મને છોડીને જતી રહી હતી. તેમને પણ બીજા પુરુષમાં તેનો પ્રેમ મળી ગયો હતો.

અને હું? મને તો એ પણ ખબર નથી કે પ્રેમ શું છે.

મારો ઉછેર મારા મામાના ઘરમાં થયો હતો. હું મોટી થઈ એટલે તેઓ મને મારા માતાપિતા પાસે લઈ ગયાં હતાં.

મારા માતાપિતાની આંખોમાં મેં ઉદાસીભરી નજરે જોયું. મને લાગ્યું કે મને જોતાં જ તેઓ મને ભેંટી પડશે.

પરંતુ તેમણે મને એવી નજરે જોઈ જાણે હું કોઈ અજાણી વ્યક્તિ હોઉં.

તે દિવસે સાબિત થઈ ગયું કે હું કોઈની બાળકી નથી. મારા મામાએ મને NGO દ્વારા સંચાલિત હોસ્ટેલમાં મૂકી દીધી.

એ હોસ્ટેલમાં વધુ એક આંચકો મારી રાહ જોઈને બેઠો હતો.

કેમ કે, મારા પિતાએ મારી સાવકી બહેનને પણ એ જ હોસ્ટેલમાં જ પ્રવેશ અપાવ્યો હતો.


'મારાં પિતા મારી સામે જોતા પણ નથી'

તેને જોઈને મને વારંવાર એક જ વાત યાદ આવતી હતી કે હું અનિચ્છનીય બાળકી છું.

મારા મનમાં મારી સાવકી બહેન માટે કોઈ દ્વેષની ભાવના નથી. ઘણી વખત અમે વાતો પણ કરીએ છીએ.

તે જાણે છે કે હું કોણ છું અને હું જાણું છું કે તે કોણ છે. પરંતુ હા, તે ખૂબ પીડાદાયક હતું.

મારા પિતા ઘણી વખત તેને મળવા આવતાં હતાં અને રજાઓ દરમિયાન તેને ઘરે પણ લઈ જતાં હતાં.

હું શાંતિથી રાહ જોતી અને વિચારતી કે શું તેઓ મને પણ ઘરે લઈ જવા માટે બોલાવશે?

જોકે, મારી પ્રતિક્ષા હંમેશા વ્યર્થ જ સાબિત થઈ છે. તેઓ તો મારી તરફ જોતા પણ નથી.

મને નથી ખબર કે તેમના મનમાં મારા માટે પ્રેમની લાગણી છે કે નહીં.

મને એ પણ નથી ખબર કે મારી સાવકી માતા મને તેમના ઘરમાં પ્રવેશ કરવા દેશે કે નહીં.

હું હંમેશા તેમની સામે જવાનું ટાળું છું અને એકલતામાં રડી લઉં છું. બીજા બાળકોની જેમ હું ક્યારેય રજાઓની રાહ જોતી નથી.

મારા માટે રજાઓ માત્ર કામ કરવા માટે છે, જેથી થોડી કમાણી કરી શકું. નહીં તો મને બે ટંકનું ભોજન પણ નહીં મળે.

ઘણી વખત હું પ્રાણીઓનો ઉછેર પણ કરું છું. જે કમાણી હું કરું છું તે પૈસા હું મારા મામાના ઘરે આપી દઉં છું.

તેના બદલામાં તેઓ મને ભોજન અને રહેવા માટે છત આપે છે.

આ સિવાય થોડા પૈસા હું બચાવું છું કે જેથી સ્કૂલ ખુલે ત્યારે હું જરૂરી વસ્તુઓ ખરીદી શકું.


પરિવાર સાથે તહેવારોની ઉજવણી એક સપનું

પરિસ્થિતિ આટલી ખરાબ હોવા છતાં હું આજે મારા માતાપિતાને પ્રેમ કરું છું. મને તેમનાં પર જરા પણ ગુસ્સો આવતો નથી.

આજે પણ હું તેમના પ્રેમ માટે તરસી રહી છું. હું ઘણી વખત મારા માતાપિતા સાથે તહેવારોની ઉજવણીનાં સપનાં જોવું છું.

પરંતુ તે સપનાં અધૂરા છે કેમ કે, બંનેનાં અલગઅલગ જીવનસાથીઓ અને પરિવાર છે.

ક્યારેય તેમનાં આંગણે મારું સ્વાગત થઈ શકે તેમ નથી. મને તેમનાં ઘરે જવાનો પણ ડર લાગે છે.

બસ, તહેવારો તો આવે છે અને જાય છે. પરિવાર સાથે તેની ઉજવણી વૈભવ ધનસંપત્તિ છે કે જેને મેળવવાની મારી હેસિયત નથી.

હું માત્ર મારી સખીઓએ સંભળાવેલી વાતોને સાંભળીને ખુશ થઉં છું. જે બાબતોનાં હું સપનાં જોઉં છું, તે સપનાં મારી બહેનપણીઓ વાસ્તવમાં માણે છે.

મારી બહેનપણીઓ જ મારા ભાઈબહેનો છે કે જેમની સાથે હું મારા બધા સુખ અને દુઃખ અંગે વાત કરી શકું છું.

હું મારી દરેક ભાવના તેમની સાથે શેર કરું છું. જ્યારે હું એકલી લડતાંલડતાં થાકી જઉં છું, ત્યારે તેઓ મારું ધ્યાન રાખે છે.


હોસ્ટેલના વૉર્ડને સમજાવ્યું, માનો પ્રેમ કેવો હોય છે

અમારાં વૉર્ડન મારી મમ્મી જેવાં છે. તેઓ એક એવાં મહિલા છે કે જેમની સાથે રહીને મેં સમજ્યું છે કે માનો પ્રેમ ખરેખર કેવો હોય છે.

જ્યારે મારી બહેનપણીઓ બીમાર પડે છે, તો તેઓ પોતાનાં પરિવારજનોને બોલાવે છે.

પરંતુ મારા માટે, મારાં વૉર્ડન જ મારા મમ્મી છે, મારો પરિવાર છે. તેઓ જે કાંઈ કરી શકે તે બધુંય મારા માટે કરે છે.

તેઓ મને સારા કપડાં લઈ આપે છે. એ ઘડીએ મને ખૂબ સારી લાગણીનો અનુભવ થાય છે. મને લાગે છે કે દુનિયામાં મને પણ કોઈ પ્રેમ કરે છે.

જોકે, જીવનની કેટલીક નાની નાની ખુશીઓ છે જેને હું જીવી શકી નથી. ઉદાહરણ તરીકે હું કોઈને પણ મારી પ્રિય વાનગી બનાવી આપવાનું કહી શકતી નથી.

અત્યારે હું નવમા ધોરણમાં અભ્યાસ કરું છું. આ હોસ્ટેલ માત્ર 10મા ધોરણ સુધીનાં બાળકોને જ રાખે છે.

મને એ નથી ખબર કે 10માં ધોરણ બાદ હું ક્યાં જઈશ. કદાચ મારા મામા પણ હવે મને તેમની સાથે રાખશે નહીં.

કદાચ મારા શિક્ષણ માટે મારે જાતે મહેનત કરીને કમાણી કરવી પડશે.


શિક્ષણના રસ્તે જીવનને નવી દિશા

હું એ બાબતે સ્પષ્ટ છું કે હું આગળ ભણીશ. કોઈ કારણોસર હું મારો અભ્યાસ છોડીશ નહીં.

શિક્ષણ જ એક રસ્તો છે કે જેની મદદથી હું મારાં જીવનને નવી દિશા આપી શકું છું. હું એક ડૉક્ટર બનવા માગું છું.

જો હું મારા ગામમાં પરત ફરીશ, તો કદાચ જબરદસ્તી મારા લગ્ન કરાવી દેવામાં આવશે.

એવું નથી કે હું લગ્ન કે પરિવાર ઇચ્છતી નથી, પરંતુ પહેલા હું કંઇક બનવા માગું છું.

હું જ્યારે મોટી થઈ જઇશ, ત્યારે હું મારી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરીશ.

હું એ સુનિશ્ચિત કરીશ કે એ વ્યક્તિ સાથે હું એક સુંદર પરિવાર વસાવું.

(આ દક્ષિણ ભારતમાં રહેતી એક કિશોરીની સત્યકથા છે, જે બીબીસી સંવાદદાતા પદ્મા મિનાક્ષી સાથે વાતચીત પર આધારિત છે. કિશોરીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ શ્રેણીના નિર્માતા દિવ્યા આર્યા છે. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો