#HerChoice છૂટાછેડા પછી પુનર્જન્મ થયાની પ્રેરણાદાયી કથા

મહિલાનું તેની પુત્રી સાથે સ્કેચ

#HerChoice એ ​​12 ભારતીય મહિલાઓની વાસ્તવિક જીવન ચરિત્રોની શ્રેણી છે. જે 'આધુનિક ભારતીય મહિલા'ના વિચારોને, તેમની પસંદને અને ઇચ્છાઓને પાંખો આપે છે.

પતિ તેમની સહકર્મચારી સ્ત્રીનાં પ્રેમમાં પડ્યા એટલે 15 વર્ષનાં પ્રેમલગ્ન સંબંધનો અંત આવ્યો.

બીબીસીની વિશેષ શ્રેણી #HerChoiceના ચોથા ભાગમાં આ સાચી સ્ટોરી. વાંચો એ 'આધુનિક ભારતીય મહિલા'ની વાત જે જીવન પસંદગી દર્શાવે છે.

તે દિવસે મારા પતિ અમારું ઘર અને અમને મૂકીને દૂર ચાલ્યા ગયા. મને લાગ્યું હતું કે જાણે મારા પર આભ તૂટી પડ્યું.

એ સમય અસામાન્ય મૌનનો હતો. એ તો જતા રહ્યા, પરંતુ ઘરમાં એકદમ સન્નાટો પ્રસરેલો હતો.

હું અને મારી 10 વર્ષીની પુત્રી ઊભા રહીને ભીંત પર ટાંગેલા ફોટાઓને નિહાળી રહ્યાં હતાં.

જીવનની એ યાદો જે છેલ્લા 17 વર્ષથી અમે એકમેકની સાથે શેર કરી હતી.

મેં તેમને વારંવાર બૂમો પાડીને બોલાવ્યા. ફોન કર્યા, પરંતુ તેમણે ફક્ત એમ કહ્યું કે અમારું લગ્ન સમાપ્ત થઈ ગયું છે.

મને કોઈ સ્પષ્ટતા આપવામાં આવી ન હતી, ત્યાં કોઈ અફસોસની લાગણી નહોતી.

મને તેમના મિત્ર મારફતે ખબર પડી હતી કે તે તેમના ઓફિસમાં કામ કરનારી સાથી મહિલા સાથે સંબંધો છે.

તમને આ વાંચવું પણ ગમશે:

આઘાત શબ્દ મારી વેદના સામે નાનો છે. હું જીવવા માંગતી નહોતી.

મેં દવા ખાઈને મરવાનો પ્રયત્ન કર્યો. હું મૃત્યુ પામી હોત, પરંતુ બચી ગઈ.


એકલા રહેવાની કલ્પના પણ નહોતી કરી

હું તેમના વિના જીવનની કલ્પના પણ કરી શકું તેમ નહોતી.

હું મારી જગ્યાએ બીજી સ્ત્રીને જોઈ શકું તેમ નહોતી. હું વાસ્તવિકતા સ્વીકારવા માંગતી નહોતી.

પીડા અને ઇર્ષ્યાએ મને ઘેરી લીધી હતી.

હું તે બીજી સ્ત્રીને મનોમન ધિક્કારતી હતી. એ પણ ભૂલી ગઈ હતી કે એ પણ એટલા જ ભાગીદાર હતા.


ના તો હું ખૂબ સુંદર હતી ના તો કમાઉં હતી

મને સમજાયું કે તેમનો આ સંબંધ અચાનક જ નહોતો બંધાયો.

ઘણાં બનાવો મને યાદ આવવા લાગ્યા. એક પછી એક કડીઓ જોડાવા લાગી હતી.

તેમણે મને નીચે દેખાડવાનું તો ક્યારનુંય શરૂ કરી દીધું હતું. ના તો હું ખૂબ સુંદર હતી ના તો કમાઉ હતી.

'હું નસીબદાર છું' કે તમે મારા જીવનસાથી છો એ વાત બદનસીબીમાં બદલાઈ ગઈ.


'સ્માર્ટ ગર્લફ્રેન્ડની સામે દેશી કોળું બની ગઈ'

'તમે સુંદર લાગો છો' એની જગ્યાએ આપણી જોડી સારી નથી લાગતી. એવું કહેવા લાગ્યા હતા.

હું શહેરની સ્માર્ટ ગર્લફ્રેન્ડની સામે એક દેશી કોળું બની ગઈ હોઉં એવું લાગ્યું હતું.

અચાનક, મારા કપડાં પહેરવાની સ્ટાઇલ જૂની થઈ ગઈ.

તેમણે મને કહ્યું હતું, 'તને અંગ્રેજી બોલતા નથી આવડતું. તને નોકરીમાં કોણ રાખશે?'

તેમની આવી વાતો સાંભળીને હું મારી જાતને ધિક્કારવા લાગી. મને લાગતું હતું કે કદાચ હું તેમને લાયક જ નથી.

હું તો ઘરકામ કરવા અને બીમારીમાં તેમની કાળજી લેવા માટે જ પૂરતી હતી.


પ્રેમ અદ્રશ્ય થઈ ગયો

તેમણે બહાર ડિનર પાર્ટી અને સામાજિક વર્તુળમાં મને લઈ જવાનું બંધ કર્યું.

જે વ્યક્તિને મેં સૌથી વધુ પ્રેમ કર્યો તેણે મને ત્યજી દીધી. મને દૂર ફેંકી દીધી. ધીમેધીમે, બધો પ્રેમ અદ્રશ્ય થઈ ગયો.

મને કંઇક ગંધ આવી અને મેં તેના પાછા વાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્ફળતા મળી અને એ રાત્રે તે અમને છોડીને દૂર ચાલ્યો ગયા.

મને છોડી ગયા પછી, તેમણે એક અલગ ઘરમાં રહેવાનું શરૂ કર્યું અને મેં મારી પુત્રી સાથે મારા સસરા સાથે રહેવાનું ચાલુ રાખ્યું.

આવું મેં એટલા માટે કર્યું કે મને આશા હતી કે તેઓ પાછા આવશે.

કોઈ દરવાજો ખટખટાવતું અને મને લાગતું કે એ હશે. પણ એ ક્યારેય પાછા ન આવ્યા.


બીજા વિશે વિચાર્યું જ નહોતું

મેં મારા આખી જિંદગી તેમના સિવાય બીજુ કંઈ વિચાર્યું જ નહોતું. મારી ઉંમર પણ વધી રહી હતી. નવી શરૂઆત કરવા માટેનો આ સમય નહોતો.

પરંતુ લડ્યા સિવાય મારી પાસે બીજો રસ્તો નહોતો. મેં એકલા લડવાનો નિર્ણય કર્યો.

મારી દીકરી મારી લાગણીઓને સમજવા માટે ખૂબ નાની હતી. તેમણે છૂટાછેડા માટે અરજી કરી હતી.

મને એ વાત સમજતા ત્રણ વર્ષ લાગ્યા કે હું લાંબો સમય પહેલા તૂટી ગયેલા લગ્નજીવનને બચાવવા લડી રહી હતી.

એક એવા માણસ માટે કે જેનું હવે મારા જીવનમાં અસ્તિત્વ જ નથી.

અંતે, હું થાકી ગઈ. કોર્ટ રૂમના ધક્કા ખાઈને. વકીલોનાં પ્રશ્નોનો જવાબ આપીને અને કાનૂની ખર્ચાઓની જોગવાઈ કરીને.

છેવટે હું પરસ્પર સહમતીથી છૂટાછેડા લેવા માટે સહમત થઈ અને એક નવો દરજ્જો મેળવ્યો 'ડિવોર્સી'નો.

એક એવું ટાઇટલ જેને અમારા રૂઢિચુસ્ત સમાજમાં કોઈ આદરથી જોતું નથી. હું ત્યારે 39 વર્ષની હતી.


પતિના બીજા લગ્ન

સૌથી પહેલો પડકાર ઘર શોધવાનો હતો. મને પ્રશ્નો પૂછવામાં આવતા, તમારા પતિ ક્યાં છે? તેમનો વ્યવસાય શું છે?

હું તેમને જવાબ આપવા માટે અસમર્થ હતી. મને એ સવાલોથી ભયંકર હતાશા થતી હતી.

મારી બહેનપણીઓ તથા નજીકના લોકોએ મને એમાંથી બહાર કાઢી. મારા જીવનમાં એ લોકો જાણે દેવદૂત બનીને આવ્યાં.

મને હિંમત આપી. સિંગલ મોમ તરીકે ઓળખાવા માટે મને તૈયાર કરી. એ બધું સરળ ન હતું.

મારા પતિએ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. દર વખતે હું તેમને સાથે જોતી અને મારા ઘાવ ફરીથી તાજા થઈ જતા.

એજ સમય દરમિયાન મારા માતા-પિતાનું પણ મૃત્યુ થઈ ગયું.


નોકરી શરૂ કરી

હવે મારા જીવનના માત્ર ધ્યેય હતા. એક મારી નોકરી અને બીજી મારી પુત્રી.

મેં મારી કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. મેં કોર્પોરેટ વર્લ્ડમાં પગ મૂક્યો.

મારા વિચારો વાંચવા અને બ્લૉગિંગમાં કેન્દ્રિત કર્યા. લેખનકળા મારો શોખ બની.

મારા પતિ માટે રસોઈ કરવાને બદલે, મેં બીજા લોકો માટે રસોઈ બનાવી આપવાનું શરૂ કર્યું.

નવા જીવનની નવી સ્મૃતિઓ એકત્ર કરવા મેં શોર્ટ ટ્રિપ્સ પર જવાનું શરૂ કર્યુ. ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા.

મેં મારા જીવનના ખાલીપણાને ભરવા વર્ચ્યુઅલ સ્પેસમાં મિત્રો બનાવવાની શરૂઆત કરી.


ડૉક્ટરેટ કર્યું

હું એક સ્વૈચ્છિક સંસ્થા સાથે કામ પણ કરું છું. જે પછાત બાળકો માટે કામ કરે છે . ત્યાંથી મને હકારાત્મક ઊર્જા મળે છે.

મને આત્મવિશ્વાસ પાછો મળ્યો અને મેં મારું ડૉક્ટરેટ સમાપ્ત કર્યું.

મારી પાસેથી જે કંઈ પણ લઈ લેવામાં આવ્યું હતું તેનાથી લજ્જિત થવાના બદલે મેં સામાજિક મેળાવડા અને લગ્નોમાં જવાનું શરૂ કર્યું.

મેં સારાં કપડાં પહેરવાનું શરું કર્યું. હું સરસ સાડી પહેરીને તૈયાર થઈને જતી.

'છૂટાછેડા' મેળવેલી સ્ત્રીઓએ હંમેશાં દુઃખી દેખાવાનું એવી આશા મારી પાસે રાખવામાં આવતી હતી પણ મેં બધાને મૌન કરી દીધા.

તેમની આંખોમાં સવાલ ઉઠતા અને મારી આંખો આત્મવિશ્વાસથી વધારે ચમકતી.

મેં બીજુ એક સુંદર ઘર બનાવ્યું છે. હું અન્ય દેશોમાં ઓફિસ તરફથી સત્તાવાર પ્રવાસે જાઉં છું.


છૂટાછેડા પછી મારો પુનર્જન્મ

ચાર વર્ષ પછી, મને બીજી નોકરી મળી અને મે મારું શહેર છોડીને બીજે ક્યાંક સ્થાળાંતર કરવાનો નિર્ણય લીધો.

એક સ્વતંત્ર મહિલા તરીકે મારો પુનર્જન્મ થયો છે.

આજે, મને કોઈ ખભાની જરૂર નથી. હું એકલા, આત્મવિશ્વાસથી, 'અંધારામાં' પણ જઈ શકું છું!

(દક્ષિણ ભારતમાં રહેતી એક મહિલાના જીવનની આ સાચી કથા છે. બીબીસીના રિપોર્ટર પદ્મા મીનાક્ષીએ તેમની સાથે વાતચિત કરીને આ સ્ટોરી તમારા સુધી પહોંચાડી છે. આ સિરિઝ #HerChoice દિવ્યા આર્યા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો