દૃષ્ટિકોણ : મહાત્મા ગાંધીનો ધર્મ શું હતો?

ગાંધી અભિયાનની તસવીર

ગાંધીજીને કોઈ એક ઓળખ સાથે જોડીને તેમની જાદુઈ અસરને ઓછી કરવાના પ્રયાસો અગાઉ પણ થયા હતા અને આજે પણ થાય છે.

છતાંય ત્યારે પણ ગાંધીજીની અસર સમાજ પર હતી અને આજે પણ સમાજ પર તેની અસર જોવા મળે છે.

સામાન્ય રીતે અન્ય કોઈ વાત કે મુદ્દે એકબીજાની સાથે જોવા મળતા ન હોય તેવા જૂથો પણ આ પ્રયાસમાં એક થઈ જાય છે.

સનાતની હિંદુ અને કટ્ટટર મુસ્લિમો એકમત હતા કે ગાંધીજીને તેમના ધાર્મિક મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો અધિકાર નથી.


ગાંધીજી 'સાચા અછૂત' હતા

Image copyright KEYSTONE/GETTY IMAGES

દલિત માનતા હતા કે બિન દલિત ગાંધીજીને તેમના વિશે કંઈ પણ કહેવા કે કરવાનો અધિકાર કેવી રીતે મળે છે?

ખ્રિસ્તીઓ પણ ધર્માંતરણના મુદ્દે ગાંધીજીનો વિરોધ કરી રહ્યા હતા.

બાબા સાહેબ આંબેડકરે તો છેલ્લું તીર જ ચલાવ્યું હતું અને ગાંધીજી સામે સવાલ ઉઠાવ્યો હતો કે, 'તમે જો ભંગી નથી તો અમારી વાત કેવી રીતે કરી શકો છો!'

જવાબમાં ગાંધીજીએ એટલું જ કહ્યું કે, 'તેના પર મારું તો કોઈ નિયંત્રણ છે નહીં, પરંતુ જો ભંગીઓ માટે કામ કરવાનો એકમાત્ર આધાર એ જ છે કે કોઈ જન્મથી ભંગી છે કે નહીં, તો હું ઇચ્છીશ કે મારો બીજો જન્મ ભંગીના ઘરમાં થાય.'

તમને આ પણ વાંચવું ગમશે

આંબેડકર ત્યારે નિરુત્તર થઈ ગયા હતા. આ પહેલાં પણ આંબેડકરે ત્યારે મૌન સાધવું પડ્યું હતું. એ સમયે ખુદ અછૂત હોવાનો દાવો કરી, રાજકીય રોટલા શેંકવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.

ત્યારે ગાંધીજીએ કહ્યું હતું, "હું તમારા કરતા વધારે પાક્કો અને સાચો અછૂત છું કેમ કે, તમે જન્મથી અછૂત છો, પણ મેં મારા માટે અછૂત હોવાની પસંદગી કરી છે."


ગાંધીત્વ અને હિંદુત્વને સમર્થન?

Image copyright CENTRAL PRESS/GETTY IMAGES

ગાંધીજીએ જ્યારે કહ્યું કે તેઓ 'રામરાજ' લાવવા માગે છે, તો હિંદુત્વ ધરાવતા લોકોની ખુશીનો પાર ન રહ્યો. તેમણે વિચાર્યું- હવે ગાંધી ખરા ફસાયા.

પરંતુ તુરંત જ ગાંધીજીએ એ વાત પણ સ્પષ્ટ કરી દીધી કે તેમના રામ એ જ નહીં કે જેઓ રાજા દશરથના પુત્ર છે.

તેમણે કહ્યું કે જનતામાં એક આદર્શ રાજની કલ્પના રામરાજના નામે બેઠી છે અને હવે તેઓ એ સર્વમાન્ય કલ્પનાને સ્પર્શવા માગે છે.

દરેક ક્રાંતિકારી વ્યક્તિમાં માન્ય પ્રતીકોમાં નવો અર્થ સામે આવે છે અને એ જૂના માધ્યમથી એ નવા અર્થને સમાજમાં માન્ય કરાવવાના પ્રયાસ કરવામાં આવે છે.

એ માટે ગાંધીજીએ કહ્યું કે તેઓ સનાતની હિંદુ છે, પરંતુ હિંદુ હોવાની જે કસોટી તેમણે બનાવી, તે એવી હતી કે કોઈ સામાન્ય હિંદુ તેને ઝાટકવાની હિંમત ન કરી શક્યા.


જાતિ પ્રથાનો મામલો

Image copyright Getty Images

સાચ્ચો હિંદુ કોણ છે? ગાંધીએ સંત કવિ નરસિંહ મહેતાનું ભજન સામે મૂકી દીધું. "વૈષ્ણવ જન તો તેને કહીએ જે, પીડ પડાઈ જાણે રે!"

અને પછી એ શરત પણ બાંધી દીધી - "પર દુખે ઉપકાર કરે તોય, મન અભિમાન ના આણે રે!" પછી કોણ હિંદુત્વનો દાવો કરતી વ્યક્તિ આવતી ગાંધીજીની પાસે!

વેદાંતિઓએ પછી ગાંધીજીને ગાંધીજીથી મ્હાત આપવાનો પ્રયાસ કર્યો કે,

"તમારો દાવો સનાતની હિંદુ હિંદુ હોવાનો છે તો તમે વેદોને માનતા જ હશો, અને વેદોએ જ્ઞાતિ-પ્રથાનું સમર્થન કર્યું છે."

ગાંધીજીએ જવાબ આપ્યો, "વેદોના મારા અધ્યયન પ્રમાણે હું નથી માનતો કે તેમાં જ્ઞાતિ-પ્રથાનું સમર્થન કરવામાં આવ્યું છે.

"પરંતુ જો કોઈ વ્યક્તિ મને એ બતાવી શકે કે જ્ઞાતિ-પ્રથાને વેદોનું સમર્થન છે તો હું એ વેદોને માનવાનો ઇન્કાર કરું છું."


"હું કોઈ ધર્મવિશેષનો પ્રતિનિધિ નથી"

Image copyright STR/AFP/GETTY IMAGES

હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે વધતા રાજકીય અંતરને ભરવાના પ્રયાસ કરતી ઝીણા- ગાંધી મુંબઈ વાર્તા એ રીતે ટૂટી કે ઝીણાએ કહ્યું, "જે રીતે હું મુસ્લિમોનો પ્રતિનિધિ બનીને તમારી સાથે વાત કરું છું.

"તે જ રીતે તમે હિંદુઓના પ્રતિનિધિ બનીને મારી સાથે વાત કરશો, તો આપણે દરેક સમસ્યાનું નિરાકરણ લાવીશું."

"પરંતુ મુશ્કેલી એ છે મિસ્ટર ગાંધી કે તમે હિંદુ- મુસ્લિમ બન્નેના પ્રતિનિધિ બનીને મારી સાથે વાત કરો છો તે મને મંજૂર નથી."

ગાંધીએ કહ્યું, "આ તો મારી આત્મા વિરુદ્ધ હશે કે હું કોઈ ધર્મવિશેષ કે સંપ્રદાયવિશેષનું પ્રતિનિધિ બનીને કરાર કરું. એ ભૂમિકામાં હું કોઈ સાથે વાતચીત કરવા તૈયાર નથી."

ત્યાંથી પરત ફર્યા બાદ ગાંધીએ ક્યારેય ઝીણા સાથે વાત કરી ન હતી.

પુણે કરાર બાદ જ્યારે દરેકે પીછેહઠ કરી ત્યારે એકલા ગાંધી જ હતા કે જેઓ ઉપવાસ અને ઉંમરથી નબળી પોતાની કાયા સમેટીને દેશવ્યાપી હરિજન યાત્રા પર નીકળી પડ્યા હતા.

તેમણે કહ્યું હતું કે "હું તો પોતાને એ કરાર સાથે બાંધેલો માનું છું, એ કારણે જ હું શાંત કેવી રીતે બેસી શકું છું."


'વન મેન આર્મી' - ગાંધી

Image copyright KEYSTONE/GETTY IMAGES

'હરિજન યાત્રા' શું હતી, સમગ્ર દેશમાં જાતિ- પ્રથા, છૂત-અછૂત વિરુદ્ધ એક તોફાન સમાન હતી.

લોર્ડ માઉન્ટબેટને તો ઘણા સમય બાદ જાણ્યું કે તેઓ વન મેન આર્મી છે, પરંતુ 'એક વ્યક્તિની આ સેના'એ આખા જીવન દરમિયાન કેટલી લડાઈઓ એકલા હાથે લડી હતી.

તેમની 'હરિજન યાત્રા'ની તોફાની ગતિ અને દિનપ્રતિદિન તેમના વધતા પ્રભાવ સામે હિંદુત્વની દરેક નાત નિરુત્તર અને અસહાય બની ગઈ હતી.

તે બધાએ મળીને દક્ષિણ ભારતની યાત્રામાં ગાંધીને ઘેરી લીધા અને હરિજનોના મંદિરમાં પ્રવેશ અંગે સવાલ ઉઠાવ્યો કે તમારી આ પ્રકારની હરકતોથી તો હિંદુ ધર્મનો નાશ થઈ જશે.

ગાંધીએ ત્યાં જ લાખોની સભામાં તેનો જવાબ આપ્યો, "હું જે કરી રહ્યો છું, તેનાથી તમારા હિંદુ ધર્મનો નાશ થતો હોય તો થાય. મને કોઈ ચિંતા નથી.

"હું હિંદુ ધર્મને બચાવવા આવ્યો નથી. હું તો આ ધર્મનો ચહેરો બદલવા આવ્યો છું."

... અને પછી કેટલા મંદિર ખુલ્યા, કેટલા ધાર્મિક આચાર- વ્યવ્હાર માનવીય બન્યા અને કેટલી સંકીર્ણતાઓની કબર ખોદાઈ, તેનો હિસાબ લગાવવો જોઈએ.

સામાજિક- ધાર્મિક કુરીતિઓ પર ભગવાન બુદ્ધ બાદ જો કોઈએ સૌથી ઉંડો, ઘાતક પણ રચનાત્મક પ્રહાર કર્યો હોય તો તે ગાંધી જ છે.

અને ધ્યાન આપવા વાળી વાત એ છે કે આ બધું કરતા તેમણે ન તો કોઈ ધાર્મિક જમાત ઊભી કરી, ન તો કોઈ મતવાદ ઉભો કર્યો અને ન ભારતીય સ્વતંત્રતાનો સંગ્રામ શાંત પડવા દીધો.


સત્ય જ હતો ગાંધીનો ધર્મ

Image copyright CENTRAL PRESS/GETTY IMAGES

સત્યની પોતાની સાધનામાં ગાંધીએ એક એવી સ્થાપના દુનિયા સામે મૂકી કે જેવી પહેલા કોઈ રાજકીય ચિંતક, આધ્યાત્મિક ગુરૂ કે ધાર્મિક નેતાએ કરી ન હતી.

તેમની આ સ્થાપનાએ સમગ્ર દુનિયાના સંગઠિત ધર્મોની દિવાલો તોડી પાડી. બધી જ ધાર્મિક આધ્યાત્મિક માન્યતાઓના મૂળિયાં જ ઉખેડી નાખ્યા.

પહેલા તેમણે જ કહ્યું હતું, "ઇશ્વર જ સત્ય છે."

પછી તેઓ એ પરિણામ પર પહોંચ્યા, "પોત-પોતાના ઇશ્વરને સર્વોચ્ચ પ્રતિષ્ઠિત કરવાના દ્વંદે તો કોહરામ મચાવીને રાખ્યો છે.

"મનુષ્યને મારીનેસ અપમાનિત કરીને, તેને હિનતાના અંતિમ કિનારા સુધી પહોંચાડીને જે પ્રતિષ્ઠિત થાય છે, તે બધું ઇશ્વરના નામે જ તો થાય છે."


દુનિયાને ગાંધીની જરૂર

Image copyright GETTY IMAGES ARCHIVAL

એ માટે જ ગાંધીએ એક અલગ જ સત્ય સાર આપણી સામે ઉપસ્થિત કર્યો કે 'ઇશ્વર જ સત્ય છે'. એમ નહીં કે, 'સત્ય જ ઇશ્વર છે.'

"ધર્મ નહીં, ગ્રંથ નહીં, માન્યતાઓ- પરંપરાઓ નહીં, સ્વામી-ગુરુ-મહંત-મહાત્મા નહીં, સત્ય અને માત્ર સત્ય!"

સત્યની શોધ, સત્યની ઓળખ, સત્યને લોક-સંભવ બનાવવાની સાધના કરવી અને પછી સત્યને લોકમાનસમાં પ્રતિષ્ઠિત કરવું- એ છે ગાંધીનો ધર્મ.

એ થયો દુનિયાનો ધર્મ, માનવતાનો ધર્મ.

એવા ગાંધીની આજે દુનિયામાં જેટલી જરૂર છે, તેવી કદાચ અગાઉ ક્યારેય ન હતી.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો