બજેટ 2018 : શું દેશના ખેડૂતોએ પણ ટેક્સ ભરવો પડશે?

ચોખાના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોની પ્રાસંગિક તસ્વીર Image copyright Getty Images
ફોટો લાઈન આ વખતે બજેટમાં ખેડૂતો અને ખેતીને પ્રાધાન્ય આપવા પર પ્રાથમિકતા આપવામાં આવી રહી છે

મોદી સરકાર ફેબ્રુઆરીમાં નાણાંકીય વર્ષ 2018-19નું બજેટ રજૂ કરશે. આ વખતે બજેટમાં ખેડૂતો અને કૃષિક્ષેત્રને પ્રાથમિકતા અપાઈ રહી છે.

સરકાર આવકમાં વધારો કરવાના હેતુસર વધુને વધુ લોકોને કરપાત્ર બનાવવા માગે છે.

ઉપરોક્ત સંદર્ભે નીતિ આયોગે ગત વર્ષે સરકારને ખેતી અને કૃષિ ક્ષેત્રને પર કર વ્યવસ્થામાં સામેલ કરી લેવાની સલાહ આપી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

સરકારની આવકનો લગભગ ત્રીજો ભાગ 'કૉર્પોરેટ ટેક્સ' અને 'ઇન્કમ ટેક્સ'માંથી આવે છે.

જો તેમાં એક્સાઇઝ, કસ્ટમ અને સર્વિસ ટેક્સ ઉમેરવામાં આવે, તો સરકારી આવકનો 60 ટકાથી વધારે હિસ્સો કેન્દ્ર સરકારને આવા ટેક્સમાંથી આવતો હોય છે.

સરકારની અન્ય આવકો જાહેર ક્ષેત્રના એકમો જેવા કે રેલવે, સાર્વજનિક એકમોથી થતા નફા અને કરના અન્ય સ્રોત દ્વારા થાય છે.

એટલે કે ટેક્સ એ સરકારી કમાણીનું સૌથી મોટું સાધન છે.

ઉપરોક્ત કારણોસર ખેતી અને કૃષિ ક્ષેત્રને પણ ટેક્સમાં સામેલ કરવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

લોકસભામાં બજેટસત્ર શરૂ થતું હોવાથી ફરી એક વખત આવી ચર્ચાએ જોર પકડ્યું છે.

જોકે, કૃષિ પર કર લાદવાની દલીલ જૂની છે અને જ્યારે પણ તેની ચર્ચા થાય છે, ત્યારે સરકાર આવી વાતનું ખંડન કરે છે.


કૃષિ પર ટેક્સ, સરકારી દુવિધા

Image copyright Getty Images
ફોટો લાઈન ફક્ત વહીવટી અને રાજકીય કારણથી કૃષિ અને ખેતી ક્ષેત્રને કરજાળથી દૂર રાખવામાં આવે છે

નીતિ આયોગના સભ્ય બિબેક દેબરોયએ ગત વર્ષે કહ્યું હતું કે, આવક અંગે એક મર્યાદા નક્કી કરીને ખેતીમાંથી થતી આવકને પણ કર વ્યવસ્થામાં સમાવી લેવી જોઈએ.

મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યન પણ દેબરોયની આ વાત સાથે સહમત થયા હતા.

પરંતુ શાસક પક્ષ અને વિપક્ષ એમ બન્નેએ આ બાબતે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.

અંગ્રેજ પ્રશાસનના સમયકાળમાં વર્ષ 1925માં 'ભારતીય નાણાં અધ્યયન' સમિતિએ જણાવ્યું હતું કે, કૃષિથી થનારી આવક પર ટેક્સની છૂટ આપવાનું કોઈ ઐતિહાસિક કે સૈદ્ધાંતિક કારણ નથી.

ફક્ત વહીવટી અને રાજકીય કારણથી કૃષિ અને ખેતી ક્ષેત્રને ટેક્સ વ્યવસ્થાથી દૂર રાખવામાં આવે છે.

આજની તારીખે પણ આ બન્ને વાતો મહદંશે એટલી જ સાચી છે

એ સમિતિએ કૃષિ ક્ષેત્ર પર કર ઝીંકવાની ભલામણ ન કરી.

દેશની સ્વતંત્રતા બાદ પ્રથમ વખત વર્ષ 1972માં બનાવવામાં આવેલી કે. એન. રાજ સમિતિએ પણ કૃષિ પર ટેક્સ લાગુ કરવાની ભલામણ નહોતી કરી.

વર્ષ 2002માં નિમાયેલી કેલકર સમિતિએ પણ કહ્યું હતું કે, દેશમાં 95 ટકા ખેડૂતોની આવક એટલી નથી કે તેમને ટેક્સ-નેટ હેઠળ આવરી શકાય.

એટલે એ વાત સ્પષ્ટ છે કે પાંચ ટકા ખેડૂતોને ટેક્સના દાયરા હેઠળ આવરી શકાય.

ઉપરોક્ત બાબત જ દેબરોય અને સુબ્રમણ્યન દ્વારા આપવામાં આવેલી સલાહનું સૌથી મોટું કારણ છે.

આવકવેરા અધિનિયમ 1961ની કલમ 10 (1) હેઠળ ભારતમાં કૃષિ-ખેતીમાંથી થનારી આવક પર વેરો માફ કરવામાં આવ્યો છે.


70 ટકા ખેડૂતોની આવક1,600 રૂપિયા

Image copyright Getty Images
ફોટો લાઈન દેશના અડધાથી વધારે ભાગમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક 1,600 રૂપિયાથી થોડી વધુ છે

શું કૃષિ-ખેતી ક્ષેત્રને ટેક્સના દાયરા હેઠળ આવરી લેવું જોઈએ?

એ પ્રશ્નનો જવાબ આપતા ખેતી-વિષયક વિશેષજ્ઞ દેવેન્દ્ર શર્માએ બીબીસીને કહ્યું, "આ દેશમાં હંમેશા 70 ટકા ખેડૂતોને ટેક્સ-નેટ હેઠળ આવરી લેવાની વાત અવાર-નવાર કેમ ઉદભવે છે?

"એમની વાર્ષિક આવક વર્ષ 2016ના આર્થિક સર્વેક્ષણ મુજબ, 20 હજાર રૂપિયા જેટલી માંડ-માંડ થાય છે."

શર્મા જણાવે છે કે ઉપરોક્ત દર્શાવાયેલી પરિસ્થિતિ 17 રાજ્યોના ખેડૂત પરિવારોની છે અર્થાત દેશના અડધાથી વધારે ભાગમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક 1,600 રૂપિયાથી થોડીક જ વધુ છે.

શર્મા પૂછે છે, "આવા ખેડૂતોને ટેક્સ-નેટ હેઠળ શું કામ આવરી લેવાનો પ્રયત્ન થવો જોઈએ?"

કૃષિ-ખેતી દ્વારા થનારી આવક પર ટેક્સ ન લાગવાથી તેનો ફાયદો મોટા ખેડૂતોને થાય છે.

જેઓ સમૃદ્ધ છે અથવા તો આ ક્ષેત્રે કાર્યરત મોટી કંપનીઓને થાય છે, જેઓ જંગી કમાણી કરે છે.


મોટી કંપનીઓને છૂટ શા માટે?

Image copyright Getty Images
ફોટો લાઈન માત્ર ખેતી આધારિત જ આવક થતી હોય તો તેના પર શું કર લાદવો જોઈએ

સરકારની નીતિઓમાં ક્યાંક વિરોધાભાસ છે.

ટેક્સથી છૂટકારો મેળવવા માટે ખેતીલાયક જમીનમાંથી મળતા ભાડા, ખેતપેદાશો વેચવાથી થતી કમાણી, નર્સરીમાં ઉગાડીને વેચવામાં આવતા છોડવાઓ અને મહદંશે ફાર્મહાઉસથી થનારી કમાણી વગેરે આવરી લેવામાં આવે છે.

ઉપરોક્ત જોગવાઈને ધ્યાને લેતાં ખેતીમાંથી થનારી આવક દર્શાવીને મોટી કંપનીઓ ખૂબ મોટી આવક પર ટેક્સની છૂટ મેળવી લે છે.

નાણાંકીય વર્ષ 2014-15માં (એપ્રિલ 2014થી લઈને માર્ચ 2015 સુધીનું નાણાંકીય હિસાબી વર્ષ) કાવેરી સીડ્સે કૃષિમાંથી 186.63 કરોડ રૂપિયાની આવક દર્શાવી હતી.

તો બીજી તરફ મોન્સેન્ટો જેવી અમેરિકન મૂળની બહુરાષ્ટ્રીય કંપનીએ 94.4 કરોડ રૂપિયાની આવક ખેતપેદાશોમાંથી થઈ હોવાનું દર્શાવ્યું હતું.

આવકવેરા વિભાગની માહિતી અનુસાર, કૃષિ ક્ષેત્રમાંથી નાણાંકીય વર્ષ 2006-07થી માંડીને નાણાંકીય વર્ષ 2014-15 વચ્ચે 2,746 કિસ્સા બહાર આવ્યા હતા.

જેમાં કરોડો રૂપિયાથી વધુ આવક ખેતી-આધારિત આવક હોવાનું દર્શાવાયું છે.

પરંતુ ઉપરોક્ત કૃષિલક્ષી નાણાંકીય આવકમાંથી સરકારને ટેક્સ સ્વરૂપે એક પાઈની પણ આવક થઈ નથી.

દેવેન્દ્ર શર્મા કહે છે, "રાજકીય અથવા આર્થિક રીતે જે ખેડૂતો ટેક્સ બચાવવા માટે ખેતીનો આશરો લે છે, તેઓ પર સકંજો કસવાના બીજા અન્ય રસ્તાઓ પણ છે."

કંપનીઓને ખેતીલાયક આવકમાંથી ટેક્સ અથવા કરની છૂટછાટ કેમ આપવામાં આવે છે? તેવો પ્રશ્ન શર્મા કરે છે.

શર્મા પૂછે છે કે, મોન્સેન્ટો જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓને કૃષિ આધારિત આવકમાંથી ટેક્સની છૂટ શા માટે આપવામાં આવે છે?

પોતાના જ પ્રશ્નનો જવાબ આપતા શર્મા ઉમેરે છે કે, શું આવી કંપનીઓ કૃષિ ઉત્પાદન અર્થે બીજનું ઉત્પાદન કરે તો એ સરકારની ભૂલ છે?

શર્મા સૂચવે છે કે, જો કોઈની પણ આવક ખેતી સાથે અન્ય કોઈ સ્ત્રોતોમાંથી થતી હોય તો તેના પર કર લાદવો જોઈએ.

પણ સાથે-સાથે શર્મા એ પણ પૂછે છે કે, જો માત્ર ખેતી આધારિત જ આવક થતી હોય તો શું તેના પર કર લાદવો જોઈએ?


જીડીપીમાં કૃષિનું યોગદાન

Image copyright Getty Images
ફોટો લાઈન જો કોઈની પણ આવક ખેતી સાથે બીજા અન્ય સ્ત્રોતોમાંથી થતી હોય તો તેના પર કર લાદવો જોઈએ

શર્માનું કહેવું છે, "આગામી બજેટમાં દરેક વ્યક્તિ છૂટછાટની આશા રાખીને બેઠી છે."

શર્મા પૂછે છે, "કૉર્પોરેટ ટેક્સ પર છૂટછાટ મળે છે, ત્યારે જે ખેડૂત પાસે આવકનો અન્ય કોઈ સ્ત્રોત નથી તેની આવક પર ટેક્સ શા માટે લાદવો જોઈએ?"

શર્મા જણાવે છે કે, પહેલા ખેડૂતોને એ આવક તો આપો જેના પર કર લાદવાની વાત થઈ રહી છે.

કોઈપણ કચેરીમાં પટાવાળાનો પગાર પણ મહિને 18 હજાર રૂપિયા આસપાસ હોય છે.

શર્મા કહે છે, "જો આપણે એ નક્કી કરીએ કે કોઈ નવા સ્ત્રોતમાંથી ખેડૂતોને 18 હજાર રૂપિયા મહિનાની આવક આપવામાં આવે તો જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન 30-40 ટકા વધી જશે."

શર્મા ઉમેરે છે, "જરૂરિયાત છે 'ખેડૂત આવક પંચ'ની રચના કરવામાં આવે અને તે નક્કી કરે કે, ખેડૂતોની દર મહિને ઓછામાં ઓછા 18 હજાર રૂપિયાના કમાણી થવી જોઈએ."

"ત્યારે જ સૌનો સાથ સૌનો વિકાસ થશે."

શર્મા એવું મંતવ્ય ધરાવે છે કે, સરકારે ટેક્સ નહીં ચૂકવતી શહેરી વિસ્તારની 27 ટકા આબાદી પાસેથી પણ ટેક્સ વસૂલવાની જરૂર છે.


કૃષિ-ખેતી પર ટેક્સ ક્યાં-ક્યાં છે?

Image copyright Getty Images
ફોટો લાઈન ભારતમાં ખેડૂતો પાસે માત્ર એક હેકટર જમીન છે

અમેરિકા અને ઘણા યુરોપીયન દેશોમાં કૃષિ પર ટેક્સ લગાવવામાં આવે છે. પરંતુ ત્યાંના ખેડૂતોની સ્થિતિ ભારતના ખેડૂતોથી ઘણી અલગ છે.

દેવેન્દ્ર શર્મા કહે છે, "અમેરિકા અને યુરોપમાં સરકાર દ્વારા 65 હજાર ડૉલર એટલે કે અંદાજિત 41.33 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, અને પછી ટેક્સ લગાવવામાં આવે છે.

"ચીનમાં કૃષિ તથા આનુષંગિક ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે લાગુ કરવામાં આવેલી નીતિઓ વિષે ભારતમાં પણ ચર્ચા થવી જોઈએ.

"કારણ કે, ચીનમાં પહેલા કૃષિ ક્ષેત્રમાંથી થનારી આવક પર કર પ્રણાલી લાગુ કરવામાં આવી હતી.

"ત્યારબાદ વિપરીત સંજોગો ઊભા થતા એ જોગવાઈ હટાવી લેવામાં આવી હતી."

પૂર્વ કૃષિ સચિવ સિરાજ હુસૈન કહે છે, "મોટા દેશોમાં કૃષિ પર ટેક્સ હોય છે, જો ત્યાં ખેડૂતોનું ખેત-પેદાશોનું ઉત્પાદન ઘટે તો તેમને વીમાનું કવચ આપવામાં આવે છે."

હુસૈન ઉમેરે છે, જો બજારોમાં ખેતપેદાશોની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો પણ ખેડૂતોને વળતર આપવામાં આવે છે. ભારતમાં ખેડૂતો માટે આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.

તેઓ કહે છે, "અમેરિકામાં ખેડૂતો પાસે લગભગ સરેરાશ 250 હેકટર જમીન છે, જ્યારે આપણા દેશ ભારતમાં ખેડૂતો પાસે સરેરાશ માત્ર એક હેકટર જમીન છે."

હુસૈન માને છે કે ઉપરોક્ત કારણસર અમેરિકા કે અન્ય કોઈ વિકસિત રાષ્ટ્રના ખેડૂતોની ભારતના ખેડૂતો સાથે સરખામણી થઈ ન શકે.

એટલે જ વિકસિત રાષ્ટ્રોની જેમ ભારતમાં પણ ખેડૂતો પર કર નાખી ન શકાય.


સમૃદ્ધ ખેડૂત અને ટેક્સની ચોરી

Image copyright Getty Images
ફોટો લાઈન ખેતી પર ટેક્સની વાત થાય છે ત્યારે લોકોના માનસપટલ પર ગરીબ ખેડૂત જ આવે છે

જ્યારે પણ ખેતી પર ટેક્સની વાત થાય છે ત્યારે લોકોના માનસપટલ પર ગરીબ ખેડૂત જ આવે છે. પરંતુ ટેક્સ ચોરીની વાત સીમાંત નહીં સમૃદ્ધ ખેડૂતોના સંદર્ભમાં થાય છે.

આવા ખેડૂતો તેમની અન્ય આવકોને ખેતી અથવા આનુષંગિક આવક તરીકે દર્શાવે છે અને સરકાર દ્વારા આવકવેરામાં અપાતી છૂટછાટનો લાભ લઈ લે છે.

વિશ્વ બેંકમાં ટેક્સ રિફોર્મ પર કામ કરી રહેલા રાજુલ અવસ્થીનું માનવું છે કે, જો ભારતના ટોચના 4.1 ટકા ખેડૂતો પર 30 ટકાના દરે આવકવેરો લાગુ કરવામાં આવે, તો કૃષિ કર પેટે સરકારી ખજાનામાં 25 હજાર કરોડ રૂપિયાની આવક થશે.

મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પણ દેબરોયની વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, ખેડૂતો પર લાગુ કરાતા ટેક્સને એ દૃષ્ટિએ જોવો જોઈએ કે કમાણી કરનાર દેશના દરેક પૈસાદાર નાગરિકને કર વ્યવસ્થામાં સમાવી લેવામાં આવ્યો છે, પછી ભલે તે પૈસાદાર ખેડૂત જ કેમ ન હોય.


કૃષિ આવકનું નિર્ધારણ સરળ નથી

Image copyright Getty Images
ફોટો લાઈન વર્ષ 2019માં થનારી ચૂંટણીઓને ધ્યાને લેતા કેન્દ્ર સરકાર ખેતીલક્ષી આવક પર કર લાદવાનું કોઈ જોખમ ખેડે તેમ નથી

બીબીસી સાથે વાતચીત દરમિયાન પૂર્વ કૃષિ સચિવ સિરાજ હુસૈને કહ્યું, "વર્ષ 2019માં થનારી ચૂંટણીઓને ધ્યાને લેતા કેન્દ્ર સરકાર ખેતીલક્ષી આવક પર કર લાદવાનું કોઈ જોખમ ખેડે તેમ નથી."

હુસૈન કહે છે કે, પ્રવર્તમાન પરિસ્થિતિઓને જોતા ખેડૂતો પર આવકવેરાનો ભાર પડે તેવું નથી લાગતું.

તેઓ ઉમેરે છે કે, કૃષિ ક્ષેત્રે આવક માપવા માટે હાલ કોઈ માપદંડ પણ નથી. ઉપરાંત આવકવેરા વિભાગ માટે ખેડૂતોની આવકનું આકલન કરવું પણ સહેલું નથી.

હુસૈન કહે છે, "ખેડૂતોની આવક નક્કી કરવી સરળ નથી, પરંતુ જે લોકો તેમની બીજા કોઈ પ્રકારની આવકને કૃષિની આવક તરીકે દર્શાવીને જે છૂટછાટો લે છે તેને અટકાવવી જરૂરી છે."

હુસૈન ઉમેરે છે કે, 'સૌનો સાથ, સૌનો વિકાસ' કરવા માટે એ જરૂરી છે કે જે લોકો દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અથવા તો જેમના જીવનનો આધાર કૃષિ પર છે, તેમની આવક વધારવા માટે નીતિ બનાવવી જોઈએ.


ખેડૂતો માટે બજેટમાં શું જરૂરી છે?

Image copyright Getty Images
ફોટો લાઈન બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ખેતીલક્ષી બજાર વ્યવસ્થાનો સંપૂર્ણપણે અભાવ છે

હુસૈન કહે છે, "સરકારે કૃષિ માર્કેટિંગમાં સુધારો કરવાની જરૂર છે."

હુસૈન ઉમેરે છે, દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપની સરકાર હોવાથી ઉપરોક્ત ખેડૂત અને કૃષિ-ખેતી પ્રોત્સાહિત નીતિ અંતર્ગત આમ કરવું શક્ય છે.

તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે સમગ્ર દેશમાં કૃષિ પેદાશોના મૂલ્યમાં ઘટાડો થયો હતો, ત્યારે ઝારખંડના ગુમલામાં ભાવ ઘટયા નહોતા, કારણ કે તે પ્રદેશમાં પેદાશ જ નહિવત્ પ્રમાણમાં હતી.

"જેનો સીધો અર્થ એ થાય છે કે, સમગ્ર દેશ માટે એકંદરે સમાન કૃષિ નીતિ અમલમાં મૂકવામાં આવી નથી."

હુસૈન જણાવે છે, "કપાસના ખેડૂતોની અલગ સમસ્યા છે, તો ક્યાંક પાણીની સમસ્યા છે."

Image copyright Getty Images
ફોટો લાઈન કપાસના ખેડૂતોની અલગ સમસ્યા છે, તો ક્યાંક પાણીને લઈને સમસ્યાઓ છે

બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ખેતીલક્ષી બજાર વ્યવસ્થાનો સંપૂર્ણપણે અભાવ છે.

હુસૈન માને છે કે એક મોટી સમસ્યા પાક વીમા વિશે પણ છે. પ્રવર્તમાન સંજોગોમાં ખેડૂતોની આવકના સ્ત્રોતો વધારવાની જરૂર છે.

ઉપરોક્ત પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીનું તે ચૂંટણીલક્ષી વચન યાદ આવે છે, જેમાં તેમણે સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ ખેડૂતોને ખેતપેદાશો પર પડતર કિંમતના 50 ટકા નફો આપવાનું વચન આપ્યું હતું.

સિરાજ હુસૈન કહે છે, "સરકારે કૃષિલક્ષી ઉપકરણોની કિંમત ઘટાડવા માટે વિચારવું જોઈએ."

ઉપરાંત કીટનાશક દવાઓ પર જીએસટી ઘટાડવો જોઈએ અને ડ્રિપ ઇરિગેશનને પ્રોત્સાહન આપવા તેની વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો