BUDGET SPECIAL: મોદી રાજમાં ભારતીય સેના કેટલી મજબૂત થઈ?

ભારતીય સેના Image copyright Getty Images

ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં બીએસએફ જવાન તેજ બહાદુર યાદવે જમ્મૂની સરહદે ફરજ બજાવતી વખતે ખરાબ ભોજનનો મળવાનો આરોપ લગાવતા સોશિઅલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ વીડિયોને લઈને સરકારની ટીકાની સાથે જવાનોની સ્થિતિ પર ઘણો વિવાદ થયો હતો.

જોકે, બીએસએફ અર્ધ સૈનિક દળ છે, પરંતુ આ વિવાદે ભારતીય જવાનોના મામલે પણ એક ચર્ચાને જન્મ આપ્યો હતો.

તો બીજી તરફ ભારતની સુરક્ષા અંગેની તૈયારીઓ પર સીએજીનો રિપોર્ટ ગયા વર્ષે 21 જુલાઈના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

આ રિપોર્ટમાં ભારતીય સેના અને સુરક્ષાની તૈયારીઓ પર ગંભીર ચિંતા પ્રગટ કરવામાં આવી હતી.

રસપ્રદ વાત એ છે કે જ્યારે ભૂટાનમાં ડોકલામ સરહદ પર ભારત અને ચીનના સૈનિકો આમને સામને હતા, ત્યારે સીએજીએ ભારતીય સેનાની ક્ષમતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

Image copyright Getty Images

સીએજીની તરફથી આઇએલ 76 ટ્રાન્સપોર્ટ એરક્રાફટની કાળજીમાં ત્રુટિઓ સાથે જૂના થતા લડાકુ વિમાન અને ભારતીય મિસાઇલ સિસ્ટમની વિશ્વસનીયતા પર ચિંતા પ્રગટ કરી હતી.

'વૉલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ પ્રમાણે ભારતીય સેનાએ ચીન અને પાકિસ્તાનનો સામનો કરવા માટે 42 જહાજો અને લગભગ 750 એરક્રાફટની માગ કરી છે.

પરંતુ, મિગ-21 જેવા જૂના જેટથી જ ભારતીય સેના કામ ચલાવી રહી છે. મિગ-21નો ઉપયોગ પહેલીવાર 1960ના દાયકામાં કરવામાં આવ્યો હતો.

ભારતીય વાયુદળને ટૂંક સમયમાં જ મિગ-21થી છુટકારો મળે તેવી શક્યતા છે.

પરંતુ એક રિપોર્ટ મુજબ 2032 સુધી માત્ર 22 વિમાનોનો કાફલો જ મળે તેવી શક્યતા છે.


ભારતીય સેના પાસે કેટલાં અસરકારક હથિયાર?

Image copyright Getty Images

ભારત પાસે જૂના સૈન્ય વિમાન છે જે હંમેશાં દુર્ઘટનાનો ભોગ બનતા રહે છે.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જાહેર થયેલી માહિતી પ્રમાણે, તેના પહેલાનાં ચાર વર્ષોમાં 39 પ્લેન ક્રેશ થયાં હતાં.

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બે મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં.

સીએજીના રિપોર્ટ અનુસાર, ભારત ઇલેક્ટ્રૉનિક લિમિટેડ પાસેથી 80 મિસાઇલ સિસ્ટમ મળશે.

જેમાં 30 ટકા આકાશ મિસાઇલ સિસ્ટમ પ્રારંભિક પરીક્ષણમાં જ નિષ્ફળ રહી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મિસાઇલ લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી અને તેની ગતિ પણ ઓછી હતી.

બે મિસાઇલ તો બૂસ્ટર નોઝલને કારણે જ્યાં હતી ત્યાં જ પડી રહી.

માર્ચ 2017ના સીએજીના આ રિપોર્ટ પર ભારતીય વાયુ સેનાએ કહ્યું હતું કે અસફળ મિસાઇલોને બદલવાનું કામ ચાલી રહ્યું છે.

સીએજીએ એ વાતની પણ નોંધ લીધી હતી કે ભારત સરકારે 2016માં આકાશ મિસાઇલને ભારત-ચીન સરહદ પર તૈનાત કરવાની જાહેરાત કરી હતી.

પરંતુ એક પણ જગ્યાએ પણ તેને સ્થાપિત કરવામાં સફળતા મળી ન હતી.

આ રિપોર્ટ અનુસાર, આ મિસાઇલોની નિષ્ફળતાનો દર આંતરરાષ્ટ્રીય માપદંડોથી ઘણો વધારે છે.


'અઢી મોરચા પર લડવા માટે સૈના તૈયાર'

Image copyright Getty Images

ભારતને સંરક્ષણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા અને હથિયારોની આયાતને ઓછી કરવાની દિશામાં વડાપ્રધાન મોદીની 'મેક ઇન ઇન્ડિયા' યોજના માટે સીએજીનો રિપોર્ટ આંચકા સમાન હતો.

આટલું બધું થવા છતાં ભારતના આર્મી પ્રમુખ બિપિન રાવત અનેકવાર કહી ચૂક્યા છે કે ભારતીય સેના અઢી મોરચા પર એકસાથે લડવા માટે પૂરી રીતે તૈયાર છે.

સેના પ્રમુખના આ નિવેદન પર દેશમાંથી જ વાતો શરૂ થઈ કે તેઓ કયા આધાર પર અઢી મોરચા પર એકસાથે યુદ્ધ માટે તૈયાર હોવાનું કહી રહ્યા છે.

સીએજીએ ત્યાં સુધી કહ્યું હતું કે ભારતીય સેના પાસે માત્ર 10 દિવસો સુધી લડવા માટે જ દારૂગોળો છે. કદાચ ચીને પણ સીએજીના રિપોર્ટનો અભ્યાસ કર્યો જ હશે.

ડોકલામ વિવાદ વખતે ચીન સતત કહેતું રહ્યું કે ભારતીય સેના પાછળ હટી જાય નહીં તો ગંભીર પરિણામ ભોગવવાં પડશે.

જેએનયુમાં સાઉથ એશિયન સ્ટડી સેન્ટરના પ્રોફેસર સવિતા પાંડે કહે છે કે કોઈપણ દેશ માટે બે મોરચે યુદ્ધ લડવું સહેલું નથી હોતું.

તેમણે કહ્યું, 'એક શક્તિશાળી દેશ માટે બે મોરચે યુદ્ધ લડવું મુશ્કેલ હોય છે.'

Image copyright Getty Images

એક તરફ ભારતીય આર્મી પ્રમુખનું આવું કહેવું અને બીજી તરફ યુદ્ધ તૈયારીઓમાં ભારે અછત વચ્ચે સંરક્ષણ બજેટમાં ફાળવવામાં આવેલી રકમ પર પણ ચર્ચા થઈ રહી છે કે ભારત આટલા બજેટમાં ચીન અને પાકિસ્તાન સામે એકસાથે કઈ રીતે હરિફાઈ કરી શકશે.

છેલ્લા નાણાંકીય વર્ષમાં કુલ બજેટની 12.22 ટકા રકમ સંરક્ષણ ક્ષેત્રે ફાળવવામાં આવી હતી, જે ટકાવારીની દ્રષ્ટીએ બે દાયકામાં સૌથી ઓછી હતી.

1988માં સંરક્ષણ ક્ષેત્રે જીડીપીના 3.18 ટકા રકમ ફાળવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સતત તેમાં ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા બજેટમાં ભારતના કુલ જીડીપીનો 1.6 ટકા હિસ્સો સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો ,જ્યારે વૈશ્વિક સ્તરે આ માપદંડ 2.25 ટકાનો છે.

ભારતની સરખામણીએ ચીને પોતાના જીડીપીનો 2.1 ટકા હિસ્સો, જ્યારે પાકિસ્તાને 2.36 ટકા હિસ્સો સંરક્ષણ ક્ષેત્રે ફાળવ્યો હતો.


ચીનની સરખામણીએ ક્યાં છે ભારતીય સેના?

Image copyright Getty Images

ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ એનાલિસિસના લક્ષ્મણ કુમાર બેહરાએ તેમના ઘણા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે આર્મીના આધુનિકીકરણ માટે ફાળવવામાં આવેલી રકમમાં 0.9 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ભારતીય સેના લડાકુ વિમાન, રાઇફલ્સ, હથિયાર, બુલેટ-પ્રૂફ જેકેટ્સ, હોવિત્ઝર, મિસાઇલ્સ, હેલિકૉપ્ટર્સ અને યુદ્ધ જહાજોની અછતની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહી છે, એવા સંજોગોમાં આવી સ્થિતિ પ્રવર્તે છે.

'ધી ડિપ્લોમેટ'ના રિપોર્ટ મુજબ, "સૈન્ય તાકાતના મામલામાં ચીન ભારતથી ઘણું આગળ છે. ચીનની સૈન્ય ક્ષમતા સામે ભારત ક્યાંય ટકી શકે એમ નથી."

"ચીન પાસે ભારતની સરખામણીમાં દસ લાખ વધારે સૈનિક છે. પાંચ ગણી વધારે સબમરીન અને તોપો છે."

"લડાકુ વિમાન પણ ભારતથી બે ગણા કરતા પણ વધારે છે અને યુદ્ધ જહાજો પણ બે ગણા છે. ભારતની સરખામણીમાં ચીન પાસે ત્રણ ગણા વધારે પરમાણુ હથિયાર છે."

"ચીનનું સંરક્ષણ બજેટ 152 અબજ ડૉલર જ્યારે ભારતનું માત્ર 51 અબજ ડૉલર છે."

આ વખતના બજેટને લઈને પણ કહેવામાં આવી રહ્યું છે અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે સરકાર સંરક્ષણ બજેટ પર વધારે ખર્ચ કરવાની સ્થિતિમાં નથી.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, ભારત સંરક્ષણ બજેટ પર જેટલી રકમ ફાળવે છે તેનો 80 ટકાથી વધારે હિસ્સો સુરક્ષાકર્મીઓના પગાર અને અન્ય ભથ્થાઓમાં ખર્ચ થઈ જાય છે.

તેવામાં આધુનિકીકરણ માટે ખૂબ જ ઓછું ફંડ બાકી રહે છે. તેમ છતાં ગયા વર્ષે સંરક્ષણ બજેટની 6,886 કરોડ રૂપિયાની રકમ આર્મી ઉપયોગમાં લઈ શકી ન હતી.


હથિયાર આયાત કરવામાં સૌથી ઉપર ભારત

Image copyright Getty Images

મોદી સરકારમાં સંરક્ષણ પ્રધાન રહેલા મનોહર પર્રિકરે આર્મીમાં સુધારા કરવા માટે લેફ્ટનન્ટ જનરલ શેકટકરના વડપણ હેઠળ એક સમિતિની રચના કરી હતી.

આ સમિતિની 99 ભલામણોમાં સરકારે 65ને 2019માં સુધીમાં લાગુ કરવાનું કહ્યું છે.

આ કમિટિએ સેનામાં સંખ્યાબળ ઘટાડવા અને ખર્ચાંમાં ઘટાડો કરવાની ભલામણો કરી છે. હાલ ભારતીય સેનામાં કુલ 14 લાખ જેટલું સંખ્યાબળ છે.

'વૉલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ પ્રમાણે, ભારતના સંરક્ષણ ઉદ્યોગમાં છેલ્લાં 14 વર્ષોમાં માત્ર 50 લાખ ડૉલર એફડીઆઈ (સીધું વિદેશી મૂડીરોકાણ) આવ્યું છે.

જ્યારે આ સમયગાળામાં ટેલિકૉમ્યુનિકેશન અને ઑટોમોબાઇલ ક્ષેત્રે 10-10 અબજ ડૉલરનું એફડીઆઈ આવ્યું હતું.

ભારત હાલ પણ વિશ્વના અગ્રણી હથિયાર આયાત કરતા દેશોમાં એક છે.

'ઇન્ડિયન ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ ઍન એજન્ડા ફૉર મેકિંગ ઇન ઇન્ડિયા'ના લેખક લક્ષ્મણ કુમાર બેહરાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે ભારત હાલ પણ પોતાની જરૂરિયાતના 60 ટકા હથિયારોને આયાત કરે છે.


હથિયારોની વૈશ્વિક આયાત

Image copyright Getty Images

સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના રિપોર્ટ અનુસાર 2010થી 2014 દરમિયાન હથિયારોની વૈશ્વિક આયાતમાં ભારતની 15 ટકા ભાગીદારી હતી.

આ સાથે જ ભારત હથિયાર આયાતના મામલે પહેલા નંબર પર હતું.

બીજી તરફ ચીન ફ્રાંસ, જર્મની, અને બ્રિટનને પાછળ છોડી વિશ્વના ત્રીજા સૌથી મોટા હથિયાર નિર્યાતક દેશના રૂપમાં ચીન સામે આવ્યું છે.

વર્ષ 2005માં ભારતે પોતાની જરૂરિયાતના હથિયારોનો 70 ટકા ભાગ દેશમાં બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યુ હતું જે હજુ સુધી માત્ર 35થી 40 ટકા સુધી જ પહોંચ્યો છે.

ધ સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચના રિપોર્ટ અનુસાર સમગ્ર દુનિયામાં સૈન્ય ખર્ચમાં દર વર્ષે લગભગ 1.2 ટકાનો વધારો થાય છે.

આ રિપોર્ટના આધારે દુનિયાભરના સૈન્ય ખર્ચમાં એકમાત્ર અમેરિકા 43 ટકા ભાગ સાથે સૌથી આગળ છે.

ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચાર સ્થાયી સભ્ય આવે છે. જોકે, બાકીના સભ્ય અમેરિકાની આસપાસ જોવા પણ મળતા નથી.

Image copyright Getty Images

ચીન સાત ટકા સાથે બીજા નંબરે છે. ત્યારબાદ બ્રિટન, ફ્રાન્સ અને રશિયા લગભગ ચાર ટકાની નજીક છે.

આ રિપોર્ટના આધારે ચીનની સૈન્ય સંખ્યા લગભગ 23 લાખ છે. જોકે, આટલી મોટી સંખ્યા હોવા છતાં ચીનનો સેના પર ખર્ચ અમેરિકાની સરખામણીએ કંઈ જ નથી.

અમેરિકા અને ચીનના સૈન્ય ખર્ચમાં આ મોટા અંતરને સમજવું એટલું મુશ્કેલ કાર્ય નથી.

અમેરિકાની જેમ ચીન ઘણાં આંતરરાષ્ટ્રીય મિશનો અથવા સૈન્ય હસ્તક્ષેપમાં પોતાના સૈનિકોને આગળ કરતું નથી.

આ સાથે જ અમેરિકાની જેમ સમગ્ર દુનિયામાં તેના સંખ્યાબંધ છાવણીઓ પણ નથી.

ચીને પોતાને રાષ્ટ્રીય અને ક્ષેત્રીય સૈન્ય અભિયાનો સુધી જ મર્યાદિત રાખ્યું છે.

ઘણાં વિશ્લેષકો માને છે કે ભારત અત્યારે કાશ્મીર અને ચીન સાથે પારંપરિક સીમા વિવાદમાં ઉલજાયેલું છે.

પરંતુ ચીન હિંદ મહાસાગર, દક્ષિણ ચીન સાગરથી માંડીને આર્કટિક સુધી પોતાનો પગપેસારો કરી ચૂક્યું છે.

મોદી સરકાર જ્યારે એક ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે તો તે આ પડકારોની અવગણના કરી શકશે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો