શું તમે 'પૅડ વુમન' માયાને ઓળખો છો?

મહિલાઓ સાથે માયા

"મેં 26 વર્ષની ઉંમર સુધી સેનેટરી પૅડનો ઉપયોગ કર્યો ન હતો. તેને ખરીદવા માટે મારી પાસે પૈસા પણ ન હતા અને જાણકારી પણ ન હતી.

તેના કારણે મારે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો."

આ આપવીતી છે અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં રહેતાં માયા વિશ્વકર્માની.

માયા મૂળ તો ભારતીય છે અને જીવનના શરૂઆતી દિવસો તેમણે મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં વિતાવ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

માયાને તેમના વિસ્તારના લોકો 'પૅડ વુમન' તરીકે ઓળખે છે.

તો શું માયા, 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનારી ફિલ્મ 'પૅડમેન'થી પ્રભાવિત છે?


અમેરિકાથી ભારત સુધીની સફર

આ સવાલ પર માયા કહે છે, "હું છેલ્લાં બે વર્ષથી મેન્સ્ટ્રુએશન હાઇજીન પર કામ કરી રહી છું. ફિલ્મ અને મારા કામ વચ્ચે કોઈ સંબંધ નથી. પણ હા, મારા કામ મામલે હું અરુણાચલમ મુરુગનાથમને મળી હતી."

માયા આગળ જણાવે છે કે તેમનું કામ હાલ પ્રાથમિક તબક્કામાં છે. પરંતુ તેઓ પૅડ મેનથી નહીં, પોતાના જીવનના અનુભવોથી પ્રેરિત છે.

માયા માસિક ધર્મ અંગે હજુ પણ પોતાના મા સાથે ખુલ્લા મને વાત કરી શકતાં નથી.

મા-દીકરી, પતિ-પત્ની અને મહિલા તેમજ પુરુષ વચ્ચે આ જ મૂંઝવણને માયા તોડવા માગે છે.

આંકડા શું કહે છે?

હાલ જ જાહેર કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4ના રિપોર્ટ અનુસાર

  • 15થી 24 વર્ષની ઉંમર ધરાવતી છોકરીઓમાં 42 ટકા મહિલાઓ સેનિટરી પૅડનો ઉપયોગ કરે છે.
  • પીરિયડ્સ દરમિયાન 62 ટકા મહિલાઓ કપડાંનો ઉપયોગ કરે છે.
  • આશરે 16 ટકા મહિલાઓ લોકલ સ્તરે બનાવવામાં આવેલા પૅડનો ઉપયોગ કરે છે.

માયા પોતે પણ દેશની એ 62 ટકા મહિલાઓમાં સામેલ છે.


માયાની પ્રેરણા

માયા કહે છે, "પહેલી વખત માસિક દરમિયાન 'મારે કપડાનો ઉપયોગ કરવાનો છે' તે વાત મારી મમ્મીએ મને કહી હતી.

પરંતુ કપડાનો ઉપયોગ કરવાના કારણે મને ઘણાં પ્રકારનાં ઇન્ફેક્શન થયાં. એ ઇન્ફેક્શન ચાર-છ મહિના સુધી રહેતાં હતાં."

દિલ્હીમાં AIIMSના શિક્ષણ દરમિયાન માયાને ખબર પડી કે તેમનાં ઇન્ફેક્શન પાછળનું કારણ પીરિયડ્સ દરમિયાન વાપરવામાં આવતા કપડાં હતાં.

ત્યારબાદ માયાએ સેનેટરી પૅડ્સ અને તેના ઉપયોગ, તેમજ શું કરવું, શું ન કરવું તે અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવાનું બીડું ઉઠાવ્યું.

બે વર્ષ પહેલાં માયા નરસિંહપુર પરત ફર્યાં હતાં અને ભારતમાં પૅડ મેન નામે પ્રખ્યાત અરૂણાચલમ મરુગનાથમ સાથે તેમણે વાત કરી હતી.

પરંતુ મશીનની મદદથી પૅડ બનાવવાનો તેમનો વિચાર માયાને પસંદ ન પડ્યો.

માયાએ બીબીસીને જણાવ્યું કે અરુણાચલમ મુરુગનાથમ પૅડ બનાવવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેમાં હાથનું કામ ખૂબ વધારે છે. માયાને તેના કરતાં વધારે સારા મશીનની જરૂર હતી.

તેના માટે તેમણે કેટલાક મિત્રો પાસેથી પૈસા ઉધાર લીધા અને થોડા પૈસાની વ્યવસ્થા ક્રાઉડ ફંડિંગથી કરી હતી.

Image copyright Thinkstock

ત્યારબાદ તેમણે મશીન ખરીદ્યું. આજે બે રૂમનાં મકાનમાં માયા સેનેટરી પૅડ બનાવવાનું કામ કરે છે. દરરોજ અહીં 1000 પૅડ બનાવવામાં આવે છે.

પોતાનાં કામ વિશે માયા જણાવે છે, "અમે બે પ્રકારનાં પૅડ બનાવીએ છીએ. એક તો વુડ પલ્પ અને કૉટનનો ઉપયોગ કરીને અને બીજા પ્રકારના પૅડમાં પૉલીમર શીટનો ઉપયોગ થાય છે."

"આ દરમિયાન કામ કરતી મહિલાઓ અને અન્ય લોકોના હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે."


શું પૅડમેન જેવી ફિલ્મ તેમનાં કામનો પ્રચાર કરે છે?

Image copyright HYPE PR

આ સવાલના જવાબમાં માયા કહે છે, "એ વાત સાચી છે કે આ પ્રકારની ફિલ્મો યુવાનોને પીરિયડ્સ જેવા વિષયો પર જાગૃત કરે છે. પરંતુ જે વિસ્તારોમાં હું કામ કરું છું ત્યાં ન તો લાઇટ છે, ન થિયેટર, ન ઇન્ટરનેટ."

માયા કહે છે, "નરસિંહપુર જેવા આદિવાસી વિસ્તારમાં જ્યાં હું કામ કરું છું ત્યાં આ પ્રકારની ફિલ્મોથી કામ નહીં ચાલે. ત્યાં જમીન પર કામ કરનારા પૅડ મેન અને પૅડ વુમનની જરૂર છે."

'પૅડ મેન' ફિલ્મની રિલીઝ પહેલાં પૅડ વુમન તરીકે ઓળખ મળવા પર માયા કહે છે, "મને લોકો ગમે તે નામથી બોલાવે, તેનાથી મને કોઈ ફેર પડતો નથી.

હું ઇચ્છું છું કે લોકો પીરિયડ્સ અને પૅડ બન્ને વિશે બધું જ જાણે અને સમજે. પછી ભલે તે પૅડ વુમનના નામે સમજે. તેમાં કંઈ ખોટું નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ