એક વર્ષનો તૈમૂર આખરે જિમમાં શું કરશે?

કરીના કપુર, સૈફ અલી ખાન અને તૈમૂર અલી ખાન Image copyright Getty Images

તૈમૂર અલી ખાન જિમ જવા લાગ્યો છે...

સમાચાર સાંભળીને પહેલા તો લાગ્યું કે તૈમૂર, મમ્મી કરીના કપૂર સાથે જતો હશે. મમ્મી જીમમાં વર્કઆઉટ કરતાં હશે અને તૈમૂર નૈની આન્ટી સાથે વેઇટીંગ ઝોનમાં રાહ જોતો હશે. પરંતુ એવું નથી.

એક વર્ષ કરતા થોડી વધારે ઉંમર ધરાવતો તૈમૂર જિમ જવા લાગ્યો છે અને ફીટ રહેવા માટે વર્કઆઉટ કરવા લાગ્યો છે.

મુંબઈના બાંદ્રા (પશ્ચિમ)માં તૈમૂર એક જિમની બહાર જોવા મળ્યો હતો. જિમની બહાર નૈનીની સાથે તેમની તસવીર એકાએક જ વાઇરલ થઈ ગઈ છે.

Image copyright INSTAGRAM/THEREALKAREENAKAPOOR

ઘણા લોકો માટે એ મોટો સવાલ પણ હતો કે 'શું એક વર્ષના બાળક માટે પણ જિમ હોય છે? એક બાળક કે જે હજુ સારી રીતે ઊભું પણ થઈ શકતું નથી, તે આખરે વર્કઆઉટ કેવી રીતે કરતું હશે?'

આ સવાલોના જવાબ મેળવવા માટે અમે એ જિમના ડાયરેક્ટર અને હેડ ઑફ ઑપરેશન મોનિયા મેહરા સાથે વાત કરી.

તેમણે કહ્યું, "આ ફિટનેસ સેન્ટર/ જિમ ખાસ રૂપે બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. ઘણા લોકોને લાગે છે કે આ પ્લે-સ્કૂલ છે, પરંતુ એવું નથી. આ એક ફિટનેસ સેન્ટર છે કે જે સંપૂર્ણપણે બાળકોના વિકાસને પ્રોત્સાહિત કરે છે."

તમને આ પણ વાંચવું ગમશે

અહીં 6 અઠવાડિયાથી માંડીને 10 વર્ષનાં બાળકો આવે છે. સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલુ રહેતા આ જિમમાં દરેક સેશન એક કલાકનું હોય છે.

ત્રણ મહિનાના કોર્સ માટે 18 હજાર રૂપિયા ફી લેવામાં આવે છે.

જો કોઈએ એક વર્ષની મેમ્બરશીપ લીધેલી છે તો તેમણે 56 હજાર રૂપિયા જમા કરાવવાના હોય છે.


જિમમાં શું કરે છે બાળકો?

Image copyright INSTAGRAM/THEREALKAREENAKAPOOR

મોનિયા જણાવે છે કે અહીં બાળકોને મસલ્સ પુલ, જિમ્નાસ્ટિક, ટમ્બલિંગ, ફૉરવર્ડ રોલ, બેકવર્ડ રોલ અને બેલેન્સિંગ શીખવવામાં આવે છે.

તેઓ કહે છે, "જુઓ, જૂના જમાનામાં બાળકોની માલિશ કરવામાં આવતી હતી કે જેથી તેમની માંસપેશીઓનો યોગ્ય વિકાસ થઈ શકે. અહીં અમે બાળકોના સંપૂર્ણ વિકાસ પર ધ્યાન આપીએ છીએ."

"ફક્ત માંસપેશીઓનો વિકાસ જ જરૂરી નથી. બાળકનું દરેક અંગ યોગ્ય આકારમાં વધે તે જરૂરી છે."

Image copyright FACEBOOK/MY GYM BANDRA

"અહીં અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે બાળકો સંપૂર્ણપણે સુરક્ષિત રહે. અહીં કંઈ પણ એવું નથી કે જેનાથી બાળકોને ઇજા પહોંચે. અહીં બાળક વર્કઆઉટ કરે છે અને સુરક્ષિત પણ છે."

મોનિયા કહે છે, "મને ખબર નથી કે લોકોને તેમાં નવાઈ શા માટે લાગે છે? વર્કઆઉટની જરૂર તો દરેકને હોય છે. બાળકોને પણ. સામાન્યપણે ઘરોમાં બાળકોને માત્ર ભોજન આપવામાં આવે છે."

"ત્યારબાદ તેમને સુવડાવી દેવામાં આવે છે અથવા તો રમવા માટે છોડી દેવાય છે. તેનાથી બાળકોની એનર્જી બર્ન થતી નથી અને તેમાં ચિડચિડાયપણું જોવા મળે છે."

"વર્કઆઉટથી એનર્જી બર્ન થાય છે જેનાથી તે પૉઝિટિવ રહે છે."


શું દાવોકરાયો છે?

Image copyright FACEBOOK/MONIA MEHRA

આ જિમની ઔપચારિક વેબસાઇટ પર દાવો કરવામાં આવ્યો છે કે 30 કરતાં વધારે દેશોમાં તેમની 100થી વધારે શાખાઓ છે.

ભારતમાં મુંબઈ સિવાય અમદાવાદમાં પણ તેની એક બ્રાન્ચ છે. સામાન્ય દિવસોમાં ત્યાં વર્કઆઉટ પર ધ્યાન અપાય છે.

તો વીકેન્ડ પર ડાન્સ- મ્યૂઝીક ક્લાસ, ગેમ્સ અને સોશિયલ સ્કીલ્સ પર ધ્યાન આપવામાં આવે છે.

એક તરફ મોનિયા માને છે કે આ જિમ બાળકોના 'વ્યક્તિગત વિકાસ'ને પ્રમોટ કરે છે. તો બાળકોના મનોવૈજ્ઞાનિક તેમાં બીજી વાતો પણ જોડે છે.

બાળકોના મનોવિજ્ઞાન પર કામ કરતાં ડૉક્ટર અનુજા કપૂર માને છે કે આ એક સારો પ્રયાસ છે.

તેઓ કહે છે, "આજકાલ માતા પિતા બાળકોને વ્યસ્ત રાખવા માટે તેમના હાથમાં મોબાઇલ આપી દે છે. તેમને ચાર દિવાલની વચ્ચે બંધ કરી રાખવામાં આવે છે. બાળક વીડિયો ગેમ્સ રમવા માગે છે. તેના કરતા સારું છે કે તે વર્કઆઉટ કરે."

ડૉ. અનુજા માને છે કે ભલે આ કૉન્સેપ્ટ વેસ્ટર્ન છે, પરંતુ તે નુકસાનકારક નથી.

"આજકાલ બાળકો જન્મ લે છે, અને તુરંત તેમના હાથમાં ગેજેટ્સ રાખી દેવામાં આવે છે. બાળકો બહાર જતા નથી. તેમનું કોઈ સોશિયલ સર્કલ રહેતું નથી. પરિણામ એ આવે છે કે તેઓ ક્રિમિનલ એક્ટિવિટિ સાથે સંકળાઈ જાય છે."


સતર્કતા જરૂરી

Image copyright ANUJA KAPOOR

જોકે, ડૉક્ટર અનુદા કપૂર એ વાતને પણ નકારતા નથી કે આ પ્રકારની જગ્યાએ વધુમાં વધુ સતર્ક રહેવું જરૂરી છે.

ડૉ. અનુજા કહે છે કે આ એક સારો પ્રયાસ છે, પણ નાની લાપરવાહી ખતરનાક સાબિત થઈ શકે છે.

તો આ તરફ ત્રણ વર્ષીય જ્યોતિનાં મમ્મી જણાવે છે કે આ પ્રકારના ફીટનેસ સેન્ટર માત્ર પૈસા કમાવવાનું માધ્યમ છે.

તેઓ માને છે કે બાળકોને ફિટનેસ સેન્ટર મોકલવા તેમનાં પર દબાણ નાખવા જેવું થશે.

જો તમે બાળકને ઘરે સમય આપી શકો છો, તો તેના કરતાં વધારે સારું કંઈ જ નથી.


બાળકોના ડૉક્ટર શું માને છે?

Image copyright Getty Images

આ મામલે અમે સર ગંગારામ હૉસ્પિટલના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ કનવ આનંદ સાથે વાત કરી.

કનવ માને છે કે વર્કઆઉટ કરવામાં કંઈ જ ખોટું નથી. બસ, એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે વર્કઆઉટ બાળકની ઉંમર હિસાબે કરવામાં આવે.

જો એક નાના બાળક પાસેથી ભારે વર્કઆઉટ કરાવવામાં આવે તો તેનાથી ફાયદો થવાની બદલે નુકસાન થશે.

ડૉ. આનંદ કહે છે, "જો ફાયદાની વાત કરવામાં આવે તો વર્કઆઉટથી બાળકોને બેલેન્સ કરવામાં, કો-ઓર્ડિનેશન કરવા અને મેદસ્વિતાથી દૂર રહેવામાં મદદ મળે છે."

આ તરફ નુકસાનની વાત કરવામાં આવે તો જો વર્કઆઉટ બાળકની ઉંમરના અનુપાતમાં ન હોય તો બાળકને બોન-ઇંજરી થઈ શકે છે કેમ કે બાળકના હાડકાં ખૂબ મુલાયમ હોય છે.

આ સિવાય માંસપેશીઓ પણ ખેંચાઈ શકે છે. ડૉ. આનંદ માને છે કે બાળક માટે એક કલાકનું વર્કઆઉટ યોગ્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો