ગોંડલ આગ: 'દસ દિવસ પહેલાં જ કહ્યું હતું આગ લાગશે'

ગોંડલ ખાતે ઉમવાડા રોડ પર મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની તસ્વીર Image copyright Nilesh Sisangya
ફોટો લાઈન ગોંડલ પાસે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ

સંદેશના અહેવાલ મુજબ ગોંડલ પાસે મગફળીનાં ગોડાઉનમાં લાગેલી આગ પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ આ ગોડાઉનમાં આગ લાગશે તેવી શંકા વ્યક્ત કરી હતી.

જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય હર્ષદ રીબડીયા, ઉપરાંત ધારાસભ્યો જવાહર ચાવડા સાથે કોંગ્રેસના અન્ય નેતાઓએ 20મી જાન્યુઆરીના રોજ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદનપત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે મગફળીનો જથ્થાનો જ્યાં સંગ્રહ કરવામાં આવ્યો છે તે સ્થળે કથિત મોટા કૌંભાડના પુરાવાનો નાશ કરવા માટે આગ લાગી શકે છે.

કોંગ્રેસનો આક્ષેપ છે કે તેમ છતાં પણ સત્તાવાળાઓએ કોઈ પગલાં લીધાં ન હતાં.

ગોંડલમાં લાગેલી આગ મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે.


ગુજરાતમાં પદ્માવત રિલીઝ કરવા હાઇકોર્ટમાં અરજી

Image copyright Reuters
ફોટો લાઈન પદ્માવત ફિલ્મ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ ગુજરાતમાં 'પદ્માવત' ફિલ્મ દર્શાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ફિલ્મને દર્શાવવા સત્તાવાળાઓ જરૂરી સુરક્ષા પુરી પાડે તેવી માગ સાથે ફિલ્મ રિલીઝના હક્કો ધરાવતી કંપનીએ આ અરજી કરી છે.

વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અને ધંધા રોજગાર વેપારના મૂળભૂત અધિકાર અન્વયે આ રિટ કરવામાં આવી છે.

આ રિટની આજે સુનાવણી હાથ ધરાય તેવી સંભાવના છે.

રાજપૂત સમાજ અને કરણી સેનાના વિરોધના પગલે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં અમદાવાદ શહેરમાં પાંચ જેટલાં મલ્ટીપ્લેક્સમાં ભારે તોડફોડ અને આગની ઘટનાઓ બની હતી.

ઉપરોક્ત કારણોસર સુપ્રીમકોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થઈ શકી ન હતી.


મુંબઈનું રન-મશીન

ફોટો લાઈન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તાનિષ્ક ગવતેએ 1,045 રન ફટકાર્યા

નવગુજરાત સમયના અહેવાલ મુજબ મુંબઈમાં યોજાયેલી ઇન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટમાં તાનિષ્ક ગાવતે નામના એક ખેલાડીએ 1,045 રન ફટકાર્યા હતા.

તાનિષ્કે 515 બોલમાં 149 બાઉન્ડ્રી અને 67 સિક્સરો ફટકારી હતી.

સામાન્ય પણે વન ડાઉન બેટ્સમેન તાનિષ્કને તેની વિનંતી પર ઓપનિંગ બેટ્સમેન તરીકે પીચ પર ઉતારવામાં આવ્યો હતો.

આ કોઈ સત્તાવાર મેચ ન હોવાથી તાનિષ્કે રમેલી ઇંનિંગ્સની એન્ટ્રી કોઈ રેકોર્ડ બુકમાં નોંધાશે નહીં.

તાનિષ્કે કહ્યું હતું કે તે ભવિષ્યમાં આ પ્રકારનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો