રાજસ્થાન- પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણીમાં ભાજપ પરાજય તરફ

મમતા બેનરજી, રાહુલ ગાંધી અને વસુંધરારાજે સિંધિયાની તસવીર Image copyright AFP/Getty Images

પશ્ચિમ બંગાળની નોઆપાડા વિધાનસભા બેઠક પર સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો છે. અગાઉ આ બેઠક કોંગ્રેસ પાર્ટી પાસે હતી.

ઉપરાંત તૃણમુલ કોંગ્રેસે ઉલુબેરિયા લોકસભા બેઠક જાળવી રાખી છે. પાર્ટીના સાંસદ સુલતાન અહેમદના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી.

મુસ્લિમોની બહુમતીવાળી આ બેઠક પર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર સાજીદા અહમદે ભાજપના અનુપમ મલિકને સાડા ચાર લાખ મતે પરાજય આપ્યો હતો.

બંને બેઠકો પર ભાજપ બીજા ક્રમે રહ્યો હતો, જ્યારે સીપીએમ (કમ્યૂનિસ્ટ પાર્ટી માર્કસિસ્ટ) ત્રીજા ક્રમે ધકેલાઈ ગયો હતો.


રાજસ્થાનના પરિણામો

Image copyright Getty Images

રાજસ્થાનની અલવર તથા અજમેર લોકસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી વિજય તરફ અગ્રેસર છે.

વર્ષ 2014ની ચૂંટણીઓ દરમિયાન ભાજપે આ બંને બેઠકો જીતી હતી.

બીજી બાજુ, રાજસ્થાનની માંડલગઢ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીના વિવેક ધાકડનો વિજય થયો છે.

તેમણે ભાજપના શક્તિસિંહ હાદાને 12 હજારથી વધુ મતે પરાજય આપ્યો હતો.


સોશિયલ મીડિયા પર ચર્ચા

પેટા ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન અંગે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ. લોકોએ પરાજય તરફ અગ્રેસર ભાજપને ટોન્ટ માર્યા.

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ લખ્યું, "રાજસ્થાનની પેટા ચૂંટણીમાં પરાજીત ઉમેદવારોએ મોદીના ભજીયાવાળા રોજગાર પર જ આધાર રાખવો પડશે."

અર્ચનાએ લખ્યું, "કોંગ્રેસ ત્રણેય બેઠકો પર આગળ છે. ભાજપની કરણી સેનાની નૌટંકીનો કોઈ લાભ ન થયો. રાહુલ ગાંધી માટે સુપર કમબેક કરવાનો સમય છે."

જિતેન્દ્ર નારાયણે ફેસબુક પર લખ્યું, "કરણી સેનાની કરણીથી રાજસ્થાનની ચૂંટણીઓમાં ભાજપને કોઈ લાભ ન થયો?"

કોંગ્રેસે તેના સત્તાવાર હેન્ડલ પર લખ્યું, "દેશના અર્થતંત્રને ખાડે ધકેલનાર સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ, હવે દેશની જનતા આમને હાંકી કાઢશે; રાજસ્થાનમાં તેની શરૂઆત થઈ ગઈ છે."

વિવેકાનંદે ફેસબુક પર લખ્યું, "હારશે તો વસુંધરાથી લોકો નારાજ હતા. અને જીતે તો 'મોદી લહેર નહીં સુનામી' યથાવત છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો