વ્યંગ: શું છે બજેટની આલિયા ભટ્ટ ખેત મજૂર યોજના?

બજેટ ભાષણની ગરીબના જીવન પર વ્યંગ કરતું કાર્ટૂન

હિંદીના જાણીતા વ્યંગકાર આલોક પુરાણિકે બજેટ વિશે એક ગરીબનો કાલ્પનિક ઈન્ટર્વ્યૂ કર્યો છે. એ વાંચીને મલકતા રહો.

બજેટ વિશે એક શ્રેષ્ઠ ગરીબ સાથે અમે વાત કરી હતી. એ ઇન્ટરવ્યૂના મુખ્ય અંશ આ મુજબ છે.

સવાલઃ ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ લાખ વાઈ-ફાઈ હોટસ્પોટ બનાવવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે.

શ્રેષ્ઠ ગરીબઃ યુવાનો ફેસબૂક, વોટ્સએપ ચેટિંગમાં રમમાણ થઈ જશે તો રોજગારની માગણી જાતે જ ખતમ થઈ જશે. રોજગારની સમસ્યાનો અંત.

સવાલઃ બજેટમાં ગરીબો માટે બહુ બધું કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવે છે. તમે શું માનો છો?

શ્રેષ્ઠ ગરીબઃ ગરીબો માટે બહુ બધું કરવામાં ન આવ્યું હોય એવું બજેટ ક્યું હતું? ગરીબો માટે જોગવાઈઓ તો ઘણી કરવામાં આવે છે. તેનો અમલ થતો નથી. ગરીબોનો આ દેશ બહુ અડિયલ છે. એ ગરીબી છોડવા રાજી જ નથી.

ગરીબોને ગરીબીમાં મજા પડવા લાગી છે. આ દેશના ગરીબો સ્ટારડમના ભૂખ્યા થઈ ગયા છે. તેમને ખબર છે કે તેમની ગરીબી હટી જશે તો 'પીપલી લાઈવ' જેવી ફિલ્મોનાં કેન્દ્રમાં ગરીબ માણસ નહીં રહે.


જીએસટીવાળા ગરીબ છે

સવાલઃ તમે મજાક કરી રહ્યા છો. હું બુદ્ધિગમ્ય સવાલ પૂછી રહ્યો છું. ગરીબોને આ બજેટ પાસેથી શું આશા હતી?

શ્રેષ્ઠ ગરીબઃ જુઓ, દેશમાં ગરીબીનો કન્સેપ્ટ બદલાઈ ગયો છે. હવે આ દેશમાં દરેક વ્યક્તિ ગરીબ છે. અલ્ટો કારવાળી વ્યક્તિ મર્સીડિઝવાળા સામે ગરીબ છે. બે સાદી રોટલીવાળા મેકડોનાલ્ડ્ઝના બર્ગર સામે ગરીબ છે.

હું આ સમૃદ્ધ વિસ્તારના હનુમાન મંદિરમાં બેસીને ભીખ માગી રહ્યો છું, પણ મારા માટે ગરીબ વિસ્તારના હનુમાન મંદિરનો ભિખારી ગરીબ છે. અમેરિકામાંના સ્વામિનારાયણ મંદિર સામે ભીખ માગતા ભિખારી સામે હું ખુદને ગરીબ ગણું છું. બધા ગરીબ છે.

યાદ રાખો કે ગરીબો માટે બહુ બધું થઈ રહ્યું છે. આપણા ટોચના ઉદ્યોગપતિઓ અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓ સામે ગરીબ છે. આપણા ટોચના ઉદ્યોગપતિઓની ગરીબી દૂર થઈ રહી છે. તેમની સંપત્તિ વધી રહી છે.

ગરીબી દૂર થઈ રહી છે. જે નેતાઓ ભૂતકાળમાં રિઝર્વમાં સ્કૂટર ચલાવતા હતા, તેઓ પચાસ પેટ્રોલ પમ્પોના માલિક છે. તેઓ પણ ગરીબ છે, કારણ કે તેમને 100 પેટ્રોલ પમ્પના માલિક બનવું છે. તેથી બધા ગરીબ છે. હું ઓરિજિનલ ગરીબ છું.

મારી સાથે જે ભાઈ બેઠા છે એ સેન્સેક્સવાળા ગરીબ છે. શેર બજારમાં બધું હારીને અહીં બેઠા છે. પેલી તરફ દૂર બેઠા છે તે નોટબંધીવાળા ગરીબ છે. તેમની બધી ચલણી નોટો નોટબંધીમાં નકામી થઈ ગઈ હતી.

આ તરફ જે બેઠા છે તે જીએસટીવાળા ગરીબ છે. જીએસટીને કારણે તેમનો આખો ધંધો રેકોર્ડ પર આવી ગયો તેથી તેઓ ગરીબ થઈ ગયા છે, પણ હું ઓરિજિનલ ગરીબ છું. જીએસટી કે નોટબંધીના નખરાં વિનાનો ગરીબ.


કેટરિના કિસાન પ્રોત્સાહક યોજના

સવાલઃ ખેતીની સુધારણા માટે શું કરવું જોઈએ? આ બજેટમાં ગરીબી હટાવવાની કઈ યોજના હોવી જોઈતી હતી?

શ્રેષ્ઠ ગરીબઃ ખેતીમાં સુંદરીઓને હવે રસ રહ્યો નથી. પચાસના દાયકામાં વૈજયંતીમાલા જેવી સુંદરીને ખેતીમાં રસ હતો. 1957ની 'નયા દૌર' ફિલ્મમાં વૈજયંતીમાલા દિલીપકુમારને ખેતીમાં મદદ કરતી હતી. નવી સુંદરીઓ ખેતીનું કામ નથી કરતી.

કેટરીના કૈફ કિસાન પ્રોત્સાહન યોજના બનાવવાની જરૂર હતી. સુંદરીઓને ખેતી માટે સબ્સિડી આપવી જોઈતી હતી. કેટરીના કૈફના ચક્કરમાં અનેક ઊર્જાવાન યુવાનો ખેતીમાં જોડાયા હોત. એ રીતે ખેતીનો સર્વાંગી વિકાસ થયો હોત. આપણે કંઈક અનોખું વિચારવાની જરૂર છે.

આલિયા ભટ્ટ, કેટરીના કૈફ વગેરે વૈજયંતીમાલાના કામમાંથી પ્રેરણા લઈને ગામડાં તરફ વળે અને ખેતી કરે તેવી આશા હું રાખું છું. આગામી બજેટમાં આલિયા ભટ્ટ ખેત મજૂર યોજના પણ બનાવી શકાય.


આટલી વાત કર્યા પછી શ્રેષ્ઠ ગરીબ બીજી ટીવી ચેનલોને બાઇટ આપવામાં વ્યસ્ત થઈ ગયા હતા. સામાન્ય બજેટનો દિવસ હોવાથી દરેક ચેનલને શ્રેષ્ઠ ગરીબની બાઇટની અનિવાર્યપણે જરૂર હોય છે.

(લેખક દિલ્હી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર અને આર્થિક બાબતોના જાણકાર છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા