દૃષ્ટિકોણઃ ‘બજેટમાં માત્ર સપનાં વેચવાનો પ્રયાસ’

નાણા પ્રધાન અરુણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી. Image copyright Getty Images
ફોટો લાઈન નાણા પ્રધાન અરુણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

કેન્દ્રના નાણાંપ્રધાન અરુણ જેટલીએ નરેન્દ્ર મોદી સરકારની પહેલી ટર્મનું છેલ્લું બજેટ ગુરુવારે રજૂ કર્યું હતું.

આ બજેટ સાથે તેમણે એવો સંદેશો આપી દીધો છે કે આ વર્ષે યોજાનારી વિધાનસભાઓની અને આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદી સરકાર તૈયાર છે.

રાજકીય વિશ્લેષકો પણ માને છે કે લોકસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાઈ શકે છે તેવો સંકેત આ બજેટે આપ્યો છે.

દેશમાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે એટલે આ બજેટમાં અરુણ જેટલી કૃષિ માટે કંઈક કરશે એવું અનુમાન હતું. આ વર્ષે કૃષિ ક્ષેત્રમાં 0.91 ટકા વૃદ્ધિની આશા છે.

ભારત સરકાર ખેડૂતો પાસેથી ધાન્ય અને ઘઉં ટેકાના લઘુતમ ભાવે (એમએસપી) ખરીદે છે. મોટાભાગના ખેડૂતો તેનો સીધો લાભ લઈ શકતા નથી, કારણ કે સમગ્ર દેશમાં સરકારી ખરીદી કેન્દ્રોની પહોંચ મર્યાદિત છે.

નાણા પ્રધાને વચન આપ્યું છે કે બીજા પાકની ખરીદી પણ એમએસપીને આધારે કરવામાં આવશે. ખેડૂતો એમએસપીથી તેમનો પાક વેચવામાં નિષ્ફળ રહેશે તો તેમને વળતર આપવામાં આવશે.


વળતરના ખર્ચની વ્યવસ્થા ક્યાંથી થશે?

Image copyright Getty Images

એમએસપીથી પણ પોતાનો પાક વેચી ન શકેલા ખેડૂતોને વળતર આપવાનો વિચાર સરકાર માટે બહુ ખર્ચાળ સાબિત થશે.

જોકે, એ વળતરના ખર્ચની વ્યવસ્થા ક્યાંથી થશે તેની કોઈ સ્પષ્ટતા અરુણ જેટલીએ કરી નથી.

સરકાર 22,000 ગ્રામ્ય બજારો વિકસાવવા અને તેમને વિસ્તારવા વિચારી રહી છે. એ ગ્રામ્ય બજારોમાં ખેડૂતોને તેમનો પાક સીધો ગ્રાહકો તથા જથ્થાબંધ વેપારીઓને વેચવાની સગવડ મળશે.

આ ઉપરાંત બજેટમાં બીજી ખાસ બાબત એ હોય છે કે તેમાં નાણા પ્રધાન લાંબા સમયગાળાની મોટી નીતિઓની જાહેરાત કરતા હોય છે.

ભારતમાં કૃષિ ક્ષેત્રે વ્યાપક બેરોજગારી છે. તેથી ભારતીય કૃષિને આ પ્રકારની નીતિની તાતી જરૂર છે.

સરકારના આર્થિક વિચારમંડળ નીતિ આયોગે તાજેતરમાં એક અહેવાલ બહાર પાડ્યો હતો.

એ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે દેશના અંદાજે 8.4 કરોડ લોકોને આર્થિક રીતે સક્ષમ કરવા માટે કૃષિમાંથી અન્યત્ર વાળવાની જરૂર છે.

આ પ્રમાણ દેશના ગ્રામ્ય કાર્યદળના લગભગ 25 ટકા જેટલું છે.

આ લોકો અકુશળ કે અર્ધ-કુશળ છે. આ સમસ્યાના નિરાકરણનો વિચાર અત્યાર સુધી સરકારે કર્યો નથી.

અન્ય દેશોમાં કૃષિ ક્ષેત્રમાં બહાર નિકળેલા લોકોને નિર્માણ તથા રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં રોજગારી મળી છે.


જીડીપીની તુલનાએ રોકાણનું પ્રમાણ

Image copyright Getty Images

મુશ્કેલી એ છે કે ભારતમાં કુલ ઘરેલુ ઉત્પાદન(જીડીપી)ની સરખામણીએ રોકાણનું પ્રમાણ છેલ્લા 11 વર્ષથી ઘટી રહ્યું છે.

તાજેતરના આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર, જીડીપીની સરખામણીએ ભારતમાં રોકાણ "2007માં 35.6 ટકા સાથે તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. 2017માં એ ઘટીને 26.4 ટકા થઈ ગયું હતું."

ટોચ પરથી આ 9.2 ટકાનો ઘટાડો બહુ મોટો છે.

રોકાણ ફરી શરૂ ન થાય ત્યાં સુધી નોકરી અને રોજગારની તકો ફરી સર્જાઈ શકે નહીં.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) મારફત રોકાણ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ અરુણ જેટલીએ જરૂર કર્યો છે.

આ યોજના હેઠળ 2018-19માં 51 લાખ ઘરના નિર્માણની યોજના છે. તેને લીધે રોજગારનું સર્જન જરૂર થશે.

માર્ગોના નિર્માણની એક મોટી યોજનાની જાહેરાત સરકાર અગાઉ કરી ચૂકી છે. તેથી તેને પણ મદદ મળવી જોઈએ.


રોજગાર માટે રોકાણ જરૂરી

Image copyright Getty Images

ખાનગી રોકાણ વધારવાની જરૂર છે, પણ એવું અત્યાર સુધી થતું નથી.

જોકે, તાજેતરના આર્થિક સર્વેક્ષણમાં આ બાબતે ધ્યાન જરૂર ખેંચવામાં આવ્યું હતું.

આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું, "ભારતમાં ઘટતા રોકાણને વધારવાનું મુશ્કેલ લાગે છે, કારણ કે તે બેલેન્સ શીટમાંના તણાવને કારણે સર્જાયેલું લાગે છે અને એ પ્રમાણ સામાન્ય રીતે મોટું હોય છે."

"અન્ય દેશોનાં ઉદાહરણ દર્શાવે છે કે રોકાણમાં ઘટાડાને કારણે તેજીનો અભાવ આપોઆપ સર્જાય છે. રોકાણની ગતિ જેટલી ધીમી હોય એટલું જ ધીમું તેનું વળતર મળતું હોય છે."

ખાનગી રોકાણ ફરીથી વધારવા માટે અનેક સુધારા કરવા જરૂરી છે, જેમાં શ્રમ તથા કર કાયદાઓનો આસાન બનાવવાનો સમાવેશ થાય છે.

બિઝનેસ કરવાનું આસાન બનાવવાની સાથે જમીન સંપાદન સંબંધી કાયદાઓને સરળ બનાવવાની તથા તેનો સખ્તાઈપૂર્વક અમલ કરવાની જરૂર છે.

અરુણ જેટલીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે તેમણે વ્યાપાર સંબંધી ખાસ 372 સુધારાઓને ઓળખી કાઢ્યા છે.

આ બધું વધારે મહત્વનું એટલા માટે બની જાય છે કે ભારત પર વધતી વસતી સાથે બોજ વધી રહ્યો છે.

કામ કરનારાઓની સંખ્યામાં દર મહિને 10 લાખ લોકોનો વધારો થાય છે. એ લોકો માટે રોજગારની કમી ભારત માટે સૌથી મોટી સમસ્યા છે.

નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં આપેલાં સંખ્યાબંધ નિવેદનો પરથી એ સાબિત થાય છે કે તે આ સમસ્યાનો સ્વીકાર કરવા તૈયાર નથી.

અરુણ જેટલીએ પણ તેમના બજેટ ભાષણમાં આ સમસ્યાનો સ્વીકાર કર્યો નથી.


શિક્ષણ ક્ષેત્ર પર ધ્યાન નથી

Image copyright Getty Images

વિકાસમાં અડચણનું બીજું મુખ્ય કારણ શિક્ષણ છે.

તાજેતરના આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 2011-12માં જીડીપીના 3.2 ટકા નાણાં શિક્ષણ માટે ખર્ચ્યાં હતાં. એ પ્રમાણ 2017-18માં ઘટીને 2.7 ટકા થઈ ગયું હતું.

કેન્દ્ર સરકારે બેન્કોને નાણાં આપવાનું ચાલુ રાખ્યું છે એ પણ આશ્ચર્યજનક નથી.

21 સરકારી બેન્કોને તેમની આર્થિક હાલત સુધારવા માટે 2009થી અત્યાર સુધીમાં 1,500 અબજ રૂપિયા સરકારે આપ્યા છે.

આ બેન્કોને વેચી મારવાની સરકારની કોઈ યોજના નથી. અરુણ જેટલીએ જણાવ્યું તેમ, "બેન્કોને રિકેપિટલાઈઝ કરવાથી વિકાસને વધારે વેગ મળશે."

સરકારે બેન્કોને જે નાણાં આપ્યાં છે એ બીજું જ કોઈ લઈ જશે તેમાં શંકા નથી.

એ ઉપરાંત નુકસાન કરતા અનેક એકમોને ચલાવવાનું પણ સરકારે ચાલુ રાખ્યું છે.

આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર, સરકારી બેન્કો અને એકમો ચલાવવા માટે જે નાણાંની જરૂર હોય છે એ નાણાં શિક્ષણ તથા આરોગ્ય માટે ફાળવવામાં આવેલા ભંડોળમાં મૂકાતા કાપમાંથી આવે છે.

ભારતીય શિક્ષણ પરંપરામાં બાળકોના શિક્ષણ સંબંધે જે આંકડા બહાર આવી રહ્યા છે તેમાં પણ મોટો ઘટાડો જોવા મળે છે.

2017-18ના આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર, "ગણિત અને ભણતરના સંદર્ભમાં ગ્રામ્ય ભારતના ત્રીજાથી આઠમા ધોરણના 40-50 ટકા વિદ્યાર્થીઓ શિક્ષણના મૂળભૂત માપદંડ અનુસારના પણ નથી."

"સમય જતાં તેમાં વધારો થશે અને એ ઘટાડો ઘણા અંશે ગણિતના સંદર્ભમાં થશે."

પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના માધવ ચવ્હાણે 2015ના આગલા દસ વર્ષના આંકડાને ટાંકીને જણાવ્યું હતું કે 10 કરોડ બાળકોએ વાંચવાની પ્રાથમિક આવડત વિના અને ગણિત ભણ્યા વિના પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું.

અરુણ જેટલીએ આ સમસ્યાનો સ્વીકાર કર્યો હતો અને બજેટ ભાષણમાં જણાવ્યું હતું, "20 લાખથી વધુ બાળકોને આવરી લેતા સર્વેક્ષણના તારણ વિશે અમે જાણીએ છીએ."

"જિલ્લા સ્તરે શિક્ષણની ગુણવત્તા સુધારવાની વ્યૂહરચના ઘડવામાં એ તારણો અમને મદદરૂપ બનશે."

અરુણ જેટલીએ શિક્ષકોની ગુણવત્તા સુધારવાની વાત પણ કરી હતી. અલબત, આ વિશે અગાઉ પણ વાત કરવામાં આવી છે.

પ્રાથમિક શાળાઓને નાણાં ફાળવવા ઉપરાંત ભારતીય શાળાઓમાં બાળકોને જે રીતે ભણાવવામાં આવે છે તેમાં પણ વ્યાપક પરિવર્તનની જરૂર છે.

શિક્ષણના અધિકાર લીધે સર્જાયેલી પરિસ્થિતીમાં બાળકોને લખતા, વાંચતા અને ગણિત શિખવવાને બદલે શિક્ષકોનું ધ્યાન અભ્યાસક્રમ પૂરો કરવા પર હોય છે.

સરકાર આ વિશે શું માને છે એ જાણવાનું રસપ્રદ હશે.


એજ્યુકેશન વાઉચરનો વિચાર

Image copyright Getty Images

દરેક મહોલ્લામાં સરકારી શાળા શરૂ કરવાને બદલે સરકાર વિદ્યાર્થીઓના વાલીઓને એક એજ્યુકેશન વાઉચર આપી દે એ વિકલ્પ વધારે સારો છે.

વાલીઓ એ વાઉચરનો ઉપયોગ કરીને તેમનાં બાળકોને પાડોશમાંની કોઈ પણ સ્કૂલમાં મોકલી શકશે.

આ પ્રકારની વ્યવસ્થાથી વાલીઓને ભાવતાલની તાકાત મળશે અને તેઓ ઈચ્છશે તે સ્કૂલમાં તેમનાં બાળકોને મોકલી શકશે.

માર્કેટલક્ષી નિરાકરણ કોઈ પણ ભારતીય સરકારને પસંદ પડ્યું નથી.

આરોગ્યના મોરચે સરકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંરક્ષણ યોજના શરૂ કરવાની છે. એ યોજના હેઠળ 10 કરોડ ગરીબ અને જરૂરતમંદ લોકોને આવરી લેવામાં આવશે.

સરકાર આ યોજના હેઠળ દરેક પરિવારના આરોગ્ય સંબંધી પાંચ લાખ રૂપિયા સુધીના ખર્ચની ભરપાઈ કરશે.

જોકે, આ યોજનાના અમલ વિશે અરુણ જેટલીએ વિગતવાર માહિતી આપી નથી.


સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી બજેટ

Image copyright Getty Images

આ બજેટ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી છે, જેમાં વિગતવાર કશું જણાવવામાં આવ્યું નથી.

સરકારે જાહેર કરેલી યોજનાઓના ખર્ચની વ્યવસ્થા ક્યાંથી થશે એ જણાવ્યા વગર નાણા પ્રધાને માત્ર સપનાં વેચવાનો પ્રયાસ કર્યો છે.

અગાઉનાં બજેટોની માફક આ બજેટે પણ ભારતની જંગી માળખાકીય સમસ્યાઓના ઉકેલ માટે ખાસ કશું કર્યું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો