#HerChoice: ‘મેં લિવ ઈન રિલેશનશિપના પરિણામ સ્વરૂપ બાળકને જન્મ આપ્યો’

સાંકેતિક ચિત્રાંકન

પ્રેમ થયો ત્યારે એ મારા દેશનો ન હતો, મારા ધર્મનો ન હતો કે મારી જ્ઞાતિનો ન હતો એવી વાતોથી કોઈ ફરક પડ્યો ન હતો.

અમારી લિવ ઈન રિલેશનશીપ તૂટ્યાને એક મહિનો થઈ ગયો હતો અને હું તેના બાળકની મા બનવાની હતી.

મારા બધા દોસ્તો માનતા હતા કે હું પાગલ થઈ ગઈ છું, કારણ કે હું -21 વર્ષની કુંવારી છોકરી- એ બાળકને જન્મ આપવા ઇચ્છતી હતી.

મને પણ લાગતું હતું કે હું ગાંડી થઈ જઈશ. કંઈક બહુ ખરાબ થવાનું હોય એમ મન ગભરાતું હતું, પણ જે થવાનું હતું એ થઈ ચૂક્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

મુસ્તફાને મળી ત્યારે હું 19 વર્ષની હતી. ઉત્તર-પૂર્વમાંના મારા નાનકડા શહેરને છોડીને દેશના બીજા હિસ્સામાં એક કોલ સેન્ટરમાં મેં નોકરી શરૂ કરી હતી.

મુસ્તફા આફ્રિકન મૂળનો હતો. છોકરીઓને ગમતા 'ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ' પુરુષોની કેટેગરીમાં એ બરાબર ફિટ બેસતો હતો.

તેનામાં જબરું આકર્ષણ હતું. મારું જુવાન હૈયું તેના પ્રત્યે આકર્ષાયું હતું. દોઢ વર્ષની દોસ્તી પછી અમે સાથે રહેવાનું શરૂ કર્યું હતું.

હું ખ્રિસ્તી છું અને એ મુસલમાન. અમે એકમેકને પ્રેમ કરતાં હતાં, પણ લગ્નની વાત વિચારવાની હિંમત અમારા બન્નેમાં ન હતી.

અમે સપનાંની એ દુનિયામાં જીવતાં હતાં, જ્યાં આગળની જિંદગી બાબતે કંઈ વિચારવાનું નિરર્થક લાગતું હતું.

તેના ઘણા દોસ્તો હતા, જે અમારા ઘરે આવતા હતા. હું તેમની સાથે મોકળા મનથી હસતી-વાત કરતી હતી.

શંકાનાં બીજ રોપાયાં

ખબર નહીં, મુસ્તફાના મનમાં શંકાનાં બીજ કેમ રોપાયાં? મુસ્તફાને લાગતું હતું કે તેના દોસ્તો સાથે મારું અફેર છે. એ મુદ્દે અમારી વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા.

એ ઝઘડાને લીધે એટલી કડવાશ આવી ગઈ હતી કે અમે રોજ એકમેક પર બરાડતાં હતાં. આખરે અમે સંબંધ તોડીને અલગ થઈ ગયાં હતાં.

હું બહુ દુઃખી રહેતી હતી, કલાકો સુધી રડતી રહેતી હતી અને તેની અસર મારા કામ પર પણ થવા લાગી હતી. તેમાં મારી નોકરી છૂટી ગઈ.

મુસ્તફા સાથે હું જે નાનકડા અપાર્ટમેન્ટમાં રહેતી હતી તેને અને તેની સાથે જોડાયેલા અનુભવોથી હું દૂર જવા ઇચ્છતી હતી.

મેં નક્કી કર્યું કે હું ઘરે પાછી જઈશ, પણ એ મહિને મારા પીરિયડ્ઝ ન આવ્યા, એટલે મારું બધું પ્લાનિંગ ફેઈલ થઈ ગયું.

બાજુની દુકાનમાંથી પ્રેગનન્સિ ટેસ્ટ કિટ લાવીને પરીક્ષણ કર્યું તો મારો ભય સાચો સાબિત થયો હતો. પ્રેગનન્સિ ટેસ્ટનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું હતું.

હું પ્રેગનન્ટ હતી. મુસ્તફા સાથે રહ્યાના સમયમાં હું બીજીવાર પ્રેગનન્ટ થઈ હતી.

પહેલીવાર મુસ્તફાના દબાણને કારણે મેં ગર્ભપાત કરાવી નાખ્યો હતો, પણ આ વખતે....

ગર્ભપાત નહીં કરાવવાનો નિર્ણય

મેં મુસ્તફાને ફોન કરીને એક કેફેમાં મળવા બોલાવ્યો હતો. અમે સામસામે બેઠાં અને મેં તેને પ્રેગનન્સિની વાત કરી ત્યારે મારા પર બરાડવા લાગ્યો હતો કે મેં સાવચેતી કેમ રાખી ન હતી?

તેણે મને સંખ્યાબંધ કારણો ગણાવ્યાં અને ગર્ભપાત કરાવવા માટે મનાવવાના પ્રયાસ કર્યા હતા.

મુસ્તફાએ તો ત્યાં સુધી કહેલું કે હું તેની સાથેના સંબંધને લીધે ગર્ભવતી થઈ છું તે વાત એ કેવી રીતે માની લે!

મેં જીદ પકડી રાખી હતી. પહેલીવાર ગર્ભપાત કરાવ્યો ત્યારે મને એવું લાગ્યું હતું કે જાણે મેં કોઈનું ખૂન કર્યું છે.

પોતાના બાળકનું ખૂન ફરી કરવાની હિંમત મારામાં ન હતી. હું ડરતી ન હતી એવું નથી. મારાં આંસુ રોકાતાં ન હતાં.

હું પરણેલી ન હતી અને મારી પાસે કોઈ સારી નોકરી પણ ન હતી. બાળકનો બાપ તો તેને પોતાનું માનવા પણ તૈયાર ન હતો.

સાથે એવું પણ લાગતું હતું કે ભગવાન કદાચ મને એક નવી જિંદગી શરૂ કરવાની તક આપી રહ્યા છે.

એ સમય સુધી હું એક બેદરકાર યુવતીની જિંદગી જીવી રહી હતી. બધાને શંકા હતી કે હું મારા સંતાનનું પાલનપોષણ નહીં કરી શકું.

મારો માર્ગ આસાન નહીં હોય એ મને પણ ખબર હતી. વળી જવાબદાર બનવા માટે હવે મારી પાસે એક કારણ પણ હતું.

મારા ગર્ભમાં આકાર લેતા બાળકનો પ્રેમ તેને આ દુનિયામાં લાવવા મને કહેતું હતું.

#HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાઓની શ્રેણી છે. આ કથાઓ 'આધુનિક ભારતીય મહિલા'ના વિચાર, તેની પસંદ, આકાંક્ષાઓ, અગ્રતાક્રમ અને ઈચ્છાઓને પડકારે છે તથા વિસ્તારે છે.

પરિવારની નારાજગીનું કારણ

મેં મારા પરિવારને આ વાત ડરતાં-ડરતાં કરી હતી. મુસ્તફા વિશે તેમને ખબર હતી, પણ મારી પ્રેગનન્સિની વાત જાણીને તેઓ બહુ ગુસ્સે થયા હતા.

હું લગ્ન પહેલાં મા બનવાની છું એ વાતે એટલા નારાજ ન હતા. મારા ગર્ભમાંનું બાળક એક અશ્વેત, વિદેશી અને અન્ય જ્ઞાતિના પુરુષ સાથેના સંબંધનું પરિણામ હતું એ કારણે તેઓ નારાજ હતાં.

મેં તેમને ખાતરી આપી હતી કે હું બધું સંભાળી લઈશ. તેમણે પણ મદદ માટે ફરી પૂછ્યું ન હતું.

એ મુશ્કેલ સમયમાં મારી એક સખીએ બહુ મદદ કરી હતી. તેની સ્કૂટી ચલાવીને હું મેડિકલ ચેક-અપ માટે ડૉક્ટર પાસે જતી હતી.

મારો ખર્ચ કાઢવા માટે હું એક દુકાનમાં સેલ્સ-ગર્લ તરીકે નોકરી કરવા લાગી હતી.

એ દરમ્યાન મુસ્તફાએ મને મનાવવાના પ્રયાસ ચાલુ રાખ્યા હતા, પણ મારો નિર્ણય પાક્કો હતો.

ડિલિવરીના દિવસે મારી સખી મને સ્કૂટી પર બેસાડીને હોસ્પિટલે લઈ ગઈ હતી.

એક કલાક બાદ સિઝેરિયન ઓપરેશન મારફત મારા બાળકનો જન્મ થયો હતો.

હું ભાનમાં આવી ત્યારે મારું બાળક મારી સખીના ખોળામાં હતું અને ડૉક્ટર મારી પાસે ઊભાં રહીને સ્મિત કરતાં હતાં.

હું બહુ ખુશ હતી. બધું સારું થશે એવું લાગતું હતું.

સાંજે મુસ્તફા પણ હોસ્પિટલે આવ્યો હતો. તેણે બાળકને ખોળામાં લીધું હતું અને તેના દોસ્તોને ફોન કરીને જણાવ્યું હતું કે એ એક બાળકનો પિતા બની ગયો છે.

મુસ્તફાને આટલો રાજી થયેલો જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જોકે, મુસ્તફા બાળક વિશે તેના પરિવારને જાણ કરવાની હિંમત કરી શકતો ન હતો.

મુસ્તફાએ ફરી સંબંધ શરૂ કરવાની વાત કરી હતી. એ બાળકને મુસ્લિમ નામ પણ આપવા ઇચ્છતો હતો, પણ મેં ઈનકાર કર્યો હતો અને બાળકને ખ્રિસ્તી નામ આપ્યું હતું.

હું મુસ્તફા પર વિશ્વાસ કરી શકતી ન હતી.

નવા જીવનની શરૂઆત

થોડા દિવસ પછી મારી મમ્મી અને પિતરાઈ બહેન પણ મારી પાસે આવી ગયાં હતાં. હવે હું એકલી ન હતી.

એ પછીના વર્ષે મુસ્તફા ભારતથી તેના દેશમાં પાછો ગયો હતો અને મારી જિંદગીમાં ક્યારેય પરત આવ્યો નહીં.

હવે હું 29 વર્ષની છું અને મારો દીકરો છ વર્ષનો થવામાં છે.

એ વર્ષો બહુ મુશ્કેલ હતાં, પણ દીકરાનો ઉછેર કરતાં-કરતાં હું નિડર થઈ ગઈ છું.

હવે હું લોકોને બેધડક કહું છું કે મારાં લગ્ન નથી થયાં અને એક દીકરાની માતા છું. મારા દીકરાને પણ હું કહું છું કે તારા પપ્પાનું નામ મુસ્તફા છે.

મને મારા નિર્ણય બદલ કોઈ પસ્તાવો નથી. હું ખુશ છું.

મારો દીકરો મારી મમ્મી સાથે રહે છે, કારણ કે હું અહીં મારી કૅરિયર બનાવી રહી છું.

હું હવે પાર્ટીઓ અને ઇવેન્ટ્સમાં ગીતો ગાઉં છું. પૈસા એકઠા કરીને મારા દીકરાનું ભાવિ સલામતીભર્યું બનાવવાના પ્રયાસ કરું છું.

મારો દીકરો બહુ વહાલો લાગે એવો છે. મુસ્તફા સાથેનો મારો સંબંધ હંમેશ માટે ખતમ થઈ ગયો છે, પણ એ હંમેશા ખાસ બની રહેશે.

એ સંબંધને કારણે હું જીવતાં શીખી છું. હું બધું ભુલીને આગળ વધવાના પ્રયાસ કરી રહી છું.

હું ફરી પ્રેમ કરવા, લગ્ન કરવા ઇચ્છું છું, પણ તેની ઉતાવળ નથી. નસીબમાં હશે તો એ પણ થઈ જશે.

(આ ઉત્તર ભારતમાં રહેતી એક યુવતીની સત્યકથા છે. એ યુવતીએ બીબીસીનાં સંવાદદાતા સિંધુવાસિની ત્રિપાઠીને આ જીવનકથા જણાવી હતી. યુવતીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે અને પુરુષનું નામ બદલવામાં આવ્યું છે. આ શ્રેણીનાં નિર્માતા દિવ્યા આર્યા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો