દૃષ્ટિકોણ: શિવસેનામાં મહિલાઓને શા માટે મોટી જવાબદારી નથી મળતી?

  • સુજાતા આનંદન
  • વરિષ્ઠ પત્રકાર

શિવસેનાના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન મનોહર જોશીના શબ્દોમાં કહીએ તો શરૂઆતથી જ શિવસેના 'પુરુષ પ્રધાન પાર્ટી' રહી છે.

પાર્ટીની સ્થાપનાથી માંડીને લગભગ 1990ના દાયકા દરમિયાન ફાયર બ્રાન્ડ પુરુષોની બોલબાલા રહી હતી.

તેઓ ગમે તે ભોગે પાર્ટીના સંસ્થાપક બાલ ઠાકરેના ફરમાનોનું પાલન કરવા તૈયાર રહેતા.

પાર્ટીમાં કથિત રીતે નાજુક અને કોમળ મહિલાઓ માટે કોઈ સ્થાન ન હતું.

ત્યારબાદ 1980ના દાયકાના અંતભાગમાં પરિસ્થિતિઓ બદલાવા લાગી.

'પુરુષો કરતાં મહિલાઓ વધુ આક્રમક'

વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ પસાર કર્યું.

એટલે શિવસેનાએ પાર્ટીમાં જ મહિલાઓ તથા પુરુષો વચ્ચેનું અંતર ઘટાડવા માટે 'મહિલા અઘાડી'ની સ્થાપના કરવી પડી.

1992-93ના મુંબઈ હુલ્લ્ડો દરમિયાન મહિલાઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. એ ભૂમિકા કોમળ અને નાજુક છાપથી તદ્દન વિપરીત હતી.

કેટલીક ઘટનાઓ દરમિયાન પુરુષ કાર્યકર્તાઓ કરતાં શિવસેનાની મહિલા કાર્યકરો વધારે આક્રમક હતી.

આ મહિલાઓએ પુરુષોને ઘરની બહાર નીકળીને મુસલમાનો સામે વેર વાળવા ઉશ્કેર્યા.

મહિલાઓએ તેમનાં પતિઓને ઉશ્કેરવા તેમની સામે બંગડીઓ ધરી હતી, સાથે જ કહ્યું કે પાયજામાના બદલે પેટીકોટ પહેરી લે.

એટલું જ નહીં હુલ્લડ બાદ જ્યારે પોલીસ હુલ્લડખોરોને શોધવા આવતી, ત્યારે મહિલાઓ તેમની ઢાલ બની જતી હતી.

મહિલાઓ તેમની સાડીઓની આડશ બનાવીને પુરુષોને છૂપાવી દેતી હતી.

પોલીસ આ મહિલાઓ સાથે કડકાઈથી પૂછપરછ કરી શકતી ન હતી.

ઠાકરેએ મહિલાઓને 'રણરાગિણી' કહેલી

મહિલાઓનું આ સ્વરૂપ જોઈને ઠાકરે સ્તબ્ધ થઈ ગયા હતા, તેમણે આ મહિલાઓને 'રણરાગિણી' (મહિલા યોદ્ધા)ની ઉપાધિ આપી હતી.

આમ છતાંય પાર્ટીમાં મહિલાઓ માટે કોઈ સ્પષ્ટ ભૂમિકા નક્કી કરવામાં આવી ન હતી.

મહિલાઓ માટે અનામત બેઠકો પર ટિકિટ આપવામાં આવે અને મહિલા માટે અનામત બેઠકો પર મહિલાઓ મેયર બને, એવો ઘાટ હતો.

બાલ ઠાકરેના રાજકીય વારસ અને તેમના પુત્ર ઉદ્ધવ પણ 'મહિલા અઘાડી' વિશે કોઈ નિર્ણય લઈ શક્યા નથી અને આ મુદ્દે અસમંજસમાં જ રહે છે.

1960ના દાયકામાં ઉગ્રપંથી સંગઠન તરીકે શિવસેનાની સ્થાપના થઈ હતી.

તેના મુખ્ય મુદ્દા સ્થાનિક લોકોના હિતોની રક્ષા કરવાનો અને તેમની સમસ્યાઓને વાચા આપવાનો હતો.

ઉપરાંત તેમના રોજગાર તથા તેમની સાથેના ભેદભાવ વગેરે હતા. આ વિશે શિવસેનાએ ખાસ્સું કામ કર્યું હતું.

મહિલાઓ સંગઠિત બની

'મહિલા અઘાડી'ની શરૂઆત ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલાઓના સંગઠન તરીકે થઈ હતી.

જેનો મુખ્ય હેતુ દહેજપીડિત મહિલાઓ કે કાર્ય સ્થળે જાતીય શોષણની પીડિત મહિલાઓને મદદ કરીને તેમનામાં સંગઠન શક્તિ ઊભી કરવાનો હતો.

મુંબઈના હુલ્લડો બાદ ઉચ્ચ વર્ગ અને સામાન્ય રીતે આરામ પસંદ જીવન જીવવા ટેવાયેલી મહિલાઓ પણ સંગઠનમાં સામેલ થઈ.

હુલ્લડ સમયે સમાજના તમામ વર્ગો ભયભીત હતા.

એ સમયે મહિલા અઘાડીના માધ્યમથી મધ્યમ વર્ગ તથા ઉચ્ચ વર્ગની મહિલાઓને સંગઠનમાં સામેલ થવાની તક દેખાઈ.

મહિલાઓના આ સંગઠને શિવસેનાના અનેક આંદોલનોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જેમ કે, સરકારી અધિકારીઓના ચહેરા પર મેશ લગાડવાની હોય કે સ્કૂલ-કોલેજમાં પ્રિન્સિપાલો સમક્ષ રજૂઆત કરવાની હોય કે વાંધાજનક ફિલ્મોનું પ્રદર્શન અટકાવવા માટે થિયેટર્સને બંધ કરાવવાના હોય.

આમ છતાંય મહિલાઓનાં આ કામને માત્ર રસ્તા પર ઉતરીને દેખાવો કરવા પૂરતી જ માન્યતા મળી.

જો કોઈ મહિલા આ પ્રકારના આંદોલનોમાં સામેલ ન થાય, તો તેને કોઈ પૂછનાર ન હતું.

મહિલાઓને જવાબદારી નહીં

બાલ ઠાકરેના સલાહકારો સમાજના દરેક વર્ગના લોકો હતા.જેમાં સમાજવાદી, વકીલો, ડૉક્ટર્સ, પ્રોફેસર, વ્યવસાયિકો, પછાત વર્ગ તથા અન્ય પછાત વર્ગના લોકોનો પણ સમાવેશ થતો હતો.

આજે ઉદ્ધવ ઠાકરેના સલાહકારોમાં અનેક મહિલાઓ સામેલ થઈ શકે તેમ છે,પરંતુ તેમની મુખ્ય સમસ્યા એ છે કે તેઓ નજીકના લોકો સિવાય કોઈની ઉપર ભરોસો નથી કરી શકતા.

આથી જ તેઓ પાર્ટીમાં કોઈ મહિલાને મોટી જવાબદારી આપતા ખચકાય છે.

તેમની પાર્ટીમાં નીલમ ગોરહે જેવા અનુભવી નેતા છે, છતાંય તેમને પાર્ટીમાં આંતરિક રીતે મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું નથી.

પિતાની જેમ જ ઉદ્ધવ ઠાકરેએ પણ તેમના પત્ની રશ્મિ ઠાકરેને મહિલા અઘાડીના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે.

1990માં પહેલી વખત પોતાની તાકત દેખાડનારી મહિલા અઘાડીએ હજુ સુધી ખાસ પ્રગતિ કરી નથી.

એનું એક કારણ એ પણ છે કે, 1990ના હુલ્લડો દરમિયાન મહિલાઓની સક્રિય ભૂમિકાનો શિવસેનામાં સામેલ પુરુષોએ ભારે વિરોધ કર્યો હતો.

પુરુષોને હંમેશા લાગતું હતું કે મહિલાઓ એ ઘરમાં રહીને કામકાજ કરવું જોઈએ.

આદિત્ય ઠાકરે પરિવર્તન લાવશે?

શિવસેનાના નેતાઓ તથા ઉદ્ધવ ઠાકરેએ પણ સમજવું જોઈએ કે મહિલાઓ કોઈપણ રીતે ઉતરતી નથી. મહિલાઓની સમજણશક્તિથી પાર્ટીને વધુ બળ મળે તેમ છે.

ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય પાસેથી પરિવર્તનની અપેક્ષા રાખી શકાય? અત્યારસુધી તો તેમના તરફથી આવા કોઈ અણસાર નથી મળ્યા.

આદિત્ય ઠાકરે તેમની સ્ટાઇલ અને ફેશનને કારણે ખાસ્સા લોકપ્રિય છે, પરંતુ તેમની લોકપ્રિયતા ચૂંટણીમાં વિજય અપાવી શકે છે, એવું નથી લાગતું.

ગત વર્ષે બીએમસી (બૃહૃદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન)ની ચૂંટણીઓ દરમિયાન માલાબાર હિલ્સ, જૂહુ અને બાંદ્રા જેવા વિસ્તારોમાં શિવસેનાનો પરાજય થયો હતો.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, આ વિસ્તારોમાં ધનવાન તથા ફેશનેબલ લોકો રહે છે.

જો આદિત્ય ઠાકરે તેમની પાર્ટીમાં સામેલ મહિલાઓની ક્ષમતા પર ભરોસો મૂકે અને તેમના કૌશલ્યનો સારી રીતે ઉપયોગ કરે તો મહારાષ્ટ્રમાં શિવસેનાની શાખ સુધરી શકે તેમ છે.

આ પાર્ટીને હાલમાં ગુડાઓની પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે. આદિત્ય ઠાકરે સમગ્ર મહારાષ્ટ્રમાં પાર્ટીનો વ્યાપ વિસ્તારવા માગે છે.

જો આવું થયું તો શિવસેના તેના ભૂતકાળને બદલી શકશે અને આપબળે ચૂંટણીઓ લડી શકશે, ત્યારે ભાજપ કે અન્ય ગઠબંધનોની કાખઘોડીની જરૂર નહીં રહે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો