બ્લૉગ: શું છે જે મોદીને 'મહાન' બનતા અટકાવે છે?

  • ઝુબૈર અહમદ
  • બીબીસી સંવાદદાતા

સાંભળ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય વારસો છોડી જવા માગે છે. સો વર્ષ પછી તેમના વારસાને કેવી રીતે જોવામાં આવશે?

જ્યારે મોદીકાળનો ઇતિહાસ લખવામાં આવશે, ત્યારે તેમને કઈ રીતે યાદ રાખવામાં આવશે?

ગત 100 વર્ષ દરમિયાન ઇતિહાસના પન્નામાં અમર થઈ ગયેલા પાંચ નેતાઓના નામ ગણાવવા હોય તો એ નામ કોના હોય શકે?

આપની યાદી અલગ હોય શકે, પરંતુ મારી યાદી આ મુજબ છે: મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, બી. આર. આંબેડકર, ઇંદિરા ગાંધી અને ડૉ. મનમોહનસિંઘ.

આ નામો પર કદાચ સર્વસંમતિ ન હોય. પહેલા ત્રણ નામો માટે કદાચ બેમત ન હોવા જોઈએ.

જોકે, છેલ્લા બે નામો માટે લોકોના અભિપ્રાય અલગ અલગ હોય શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇંદિરા ગાંધી એટલા માટે કે તેમણે બાંગ્લાદેશને આઝાદ કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

આ માટે તેમને દુર્ગા તરીકે પણ સંબોધવામાં આવ્યા હતા, પરંતુ 1975થી 1977 સુધીની કટોકટી તેમના પ્રદાનને કમજોર કરી દે છે?

રાજકારણમાં પુરુષોનો દબદબો છે, છતાંય ઇંદિરા ગાંધીનું કદ ખૂબ જ ઊંચું હતું અને તેઓ ખરેખર શક્તિમાન નેતા હતા. તેમની હસ્તીમાં આત્મવિશ્વાસ છલકાતો હતો.

મનમોહનસિંઘને પાંચ નેતાઓની યાદીમાં સામેલ કરવાથી કેટલાક લોકોને આશ્ચર્ય થઈ શકે છે, પરંતુ તેમનું સૌથી મોટું પ્રદાન વડાપ્રધાન તરીકે નહીં, પરંતુ નાણાંમંત્રી તરીકે રહ્યું હતું.

નાણાંમંત્રી તરીકે મનમોહનસિંઘે ભારતના અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડ્યું અને વિદેશી રોકાણકારોને ભારત લાવવામાં સફળ રહ્યા.

આજે આપણને સમજાય છે કે, જો 1991માં મનમોહનસિંઘ ઉદારીકરણનો નિર્ણય યોગ્ય હતો.

તે નિર્ણય 'ગેમ ચેન્જર' સાબિત થયો હતો. ડૉ. સિંઘના એ નિર્ણયથી જ ભારત નવા યુગમાં પ્રવેશી શક્યું હતું.

એ.પી.જે અબ્દુલ કલામ તથા અટલ બિહારી વાજપેયીના નામોનો સમાવેશ પણ સર્વશ્રેષ્ઠ પાંચ નેતાઓની યાદીમાં થઈ શકે છે.

નરેન્દ્ર મોદીના અનેક ટીકાકાર છે અને તેની સંખ્યા દિવસેદિવસે વધી રહી છે, છતાંય તેઓ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવવાની પાત્ર ધરાવે છે.

મોદીએ તેમની '56 ઇંચની છાતી' દેખાડવાના બદલે, તેમનું કદ મોટું કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ અને ક્ષુલ્લક રાજકારણથી દૂર રહેવું જોઈએ.

ગાંધીજીને તેમની હયાતીમાં જ 'મહાત્મા'ની ઉપાધિ મળી ગઈ હતી અને જવાહરલાલ નહેરુ 'ચાચા નહેરુ' બની ગયા હતા.

વડાપ્રધાનની નજીકના લોકોને લાગે છે કે મોદી પણ એ તર્જ પર વારસો મૂકી જવા માગે છે.

નરેન્દ્ર મોદીમાં અનેક ગુણ છે, જે તેમને મહાનતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે.

તેમના ટીકાકારો પણ સ્વીકારે છે કે, મોદી સૌથી સારા વક્તાઓમાંથી એક છે અને સામાન્ય જનતા સાથે ઓતપ્રોત થઈ જવાની ક્ષમતા ધરાવે છે.

ક્યારેક તેઓ બિનપરંપરાગત રીતે કામ કરવાની હિંમત દેખાડે છે. તેમાં દરેક વખતે સફળતા નથી મળતી, છતાંય તેમની હિંમત તૂટતી નથી.

વડાપ્રધાન મહેનતુ છે અને મોડે સુધી કામ કરતા રહે છે, તેમનું આરોગ્ય પણ સારું છે.

મને યાદ નથી આવતું કે જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા છે, તેમણે ક્યારેય રજા લીધી હોય.

બીજી બાજુ, તેમના હરીફ એવા રાહુલ ગાંધી ચાર વર્ષ દરમિયાન અનેક વખત રજાઓ ગાળવા વિદેશોની યાત્રાઓ ખેડી ચૂક્યા છે.

વડાપ્રધાન બન્યા બાદ મોદીએ ડઝનબંધ દેશોના સત્તાવાર પ્રવાસ ખેડ્યા છે.

આ વિશે લોકો તેમની ટીકા પણ કરે છે અને કેટલાક તેમની મજાક પણ ઉડાવે છે, પરંતુ તેમના સતત વિદેશપ્રવાસોથી બે લાભ થયા.

પહેલો એ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું કદ વધ્યું છે.

તાજેતરમાં જ હું એવા બે રાષ્ટ્રો સંયુક્ત આરબ અમિરાત તથા ઇઝરાયલથી પરત ફર્યો છું. નરેન્દ્ર મોદીએ આ રાષ્ટ્રોના સત્તાવાર પ્રવાસ ખેડ્યા હતા.

આ બન્ને રાષ્ટ્રોમાં અનેક લોકોએ મને કહ્યું કે મોદીના પ્રવાસ બાદ તેમના મનમાં ભારત પ્રત્યેનું સન્માન વધ્યું છે. તેઓ મોદીને પસંદ પણ કરે છે.

બીજો લાભ એ થયો કે વિદેશમાં વસતા ભારતીયોનો વતન પ્રત્યેનો લગાવ વધ્યો છે.

આપણે જાણીએ છીએ કે મોદી જ્યાં જાય છે, ત્યાં વસતા ભારતીયોને ઉષ્માભેર મળે છે અને તેમને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ પાઠવે છે.

સંયુક્ત આરબ અમિરાત તથા ઇઝરાયલમાં વસતા ભારતીય મૂળના લોકો નરેન્દ્ર મોદીને તેમના હીરો માને છે. તેમાં ખ્રિસ્તીઓ તથા મુસ્લિમોનો પણ સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ઉત્તમ વારસો છોડી જવાની તક છે. જો તેઓ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીઓમાં વિજય મેળવે તો તેમની પાસે સમય છે, આરોગ્ય છે અને ભાષણ પણ છે.

સાથે જ લોકો સાથે તાદાત્મ્ય સાધવાની અદા પણ છે.

આ માટે તેમણે લાંબા સમય સુધી સત્તા પર રહેવું ઘટે, કેટલાક 'ગેમ ચેન્જિંગ' આઇડિયાઝ પણ લાવવા પડશે અને તેની ઉપર સફળતાપૂર્વક અમલ પણ કરાવવો પડશે.

તેમની પાસે શબ્દ છે. તેઓ જબદરસ્ત ભાષણ આપનાર નેતા છે.

મોદીમાં કદ્દાવર નેતા બનવાના અનેક ગુણ છે, પરંતુ તેઓ ઇતિહાસના પન્નાઓમાં નામ લખાવવાની તથા અમર થવાની તક ગુમાવી રહ્યા છે.

ગત ચાર વર્ષ દરમિયાન જાતિ અને સંપ્રદાયના આધારે સમાજ વિભાજિત થઈ ગયો છે.

જેના માટે મોદી ખુદ જ જવાબદાર છે. ઇતિહાસકારો પણ તેમને જ જવાબદાર ઠેરવશે.

ગૌરક્ષકોના હિંસાચાર માટે તેઓ જ જવાબદાર ઠરશે. તેમનું મૌન જ તેમને મહાન બનતા અટકાવે છે.

વડાપ્રધાન વારંવાર કહે છે કે તેઓ 130 કરોડ ભારતીયોના વડાપ્રધાન છે.

જોકે, એમ કહેવું અસ્થાને નહીં હોય કે તેઓ ખુદને પાર્ટીના સમર્થકો અને તેમના 'ભક્તો'ના જ વડાપ્રધાન માને છે.

ભવ્ય વારસો છોડી જવા માટે તેમણે બધાયના વડાપ્રધાન બનવું પડશે. ભારતીય સમાજના વિખેરાઈ રહેલા તાણાવાણાને ફરી જોડવા પડશે.

તુચ્છ વિચાર તથા તુચ્છ રાજકારણ ત્યજવા પડશે.

ફરી એક ગેમ ચેન્જર આઇડિયા લાવો પડશે. જેથી કરીને દેશ નવા યુગમાં પ્રવેશી શકે.

આપણે બધાય જાણીએ છીએ કે ખુદને મહાન કહેવાથી કે વિચારવાથી કોઈ મહાન નથી બની જતું.

જ્યારે દેશ કોઈને મહાન કહે, ત્યારે તે મહાન બને છે. ત્યારે જ આવનારા સમયમાં ઇતિહાસકારો તેમના પ્રદાનને પિછાણશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો