કાસગંજ ગ્રાઉન્ડ રિપોર્ટ: મારા ભાઈને મોદી-યોગી ખૂબ પસંદ હતા - ચંદન ગુપ્તાના બહેન કીર્તિ

ચંદન ગુપ્તાના ઘરે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે મૂકવામાં આવેલી તસવીર, જેની પાછળ તિરંગો ચોંટાડવામાં આવ્યો છે.

"મારા ભાઈ માટે મોદી અને યોગી જ બધું હતા. એમના માટે જ મારો ભાઈ આ બધું કરી રહ્યો હતો, ચૂંટણીમાં યોગીજીને (આદિત્યનાથ) જીતાડવા માટે મારા ભાઈએ ખૂબ મહેનત કરી હતી."

આટલું બોલતાં ચંદનના મોટાં બહેન કીર્તિ ગુપ્તા ઉદાસ થઈ જાય છે અને ઉમેરે છે, "યોગીજી મુખ્યપ્રધાન બન્યા હતા, ત્યારે તેણે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી."

"યોગીજી ન આવ્યા. મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું, પણ તેઓ ન આવ્યા. એમણે આવવું જોઈતું હતું."

તમને આ પણ વાંચવું ગમશે

"તેઓ મંદિરે જાય છે, કોઈ સંમેલનના ઉદ્દઘાટનમાં જાય છે પણ મારા ઘરે શોક હતો, ત્યારે તેઓ ન આવ્યા."

26મી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના કાસગંજ શહેરમાં કેટલાક યુવાનોએ તિરંગા યાત્રા કાઢી હતી અને ચંદન ગુપ્તા તેમાં સામેલ થયા હતા.


ચંદન ગુપ્તાના ઘરની સ્થિતિ

ફોટો લાઈન ચંદન ગુપ્તાના પિતા શિશિર ગુપ્તા

તિરંગા યાત્રા દરમિયાન વિવાદ થયો હતો. ત્યારે કથિત રીતે કોઈકે ચંદન ગુપ્તાને ગોળી મારી દીધી હતી.

ચંદન ગુપ્તાના મૃત્યુ સંદર્ભે અત્યાર સુધીમાં અનેક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે સલીમ નામનો શખ્સ મુખ્ય આરોપી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

સાંજે છ વાગ્યાનો સમય થયો છે. ચંદન ગુપ્તાના ઘરની બહાર પોલીસનો ખડકલો છે.

ઘરમાં પ્રવેશ કર્યો તો સામે જ ફૂલહાર ચડાવેલી ચંદનની તસવીર નજરે પડી. તસવીરની પાછળ દિવાલ પર તિરંગો ચોંટાડેલો છે અને સામે દીવો ચાલુ હતો. પાસે સુશીલ ગુપ્તા બેઠા છે.

સુશીલ ગુપ્તા કહે છે કે તેમનો દીકરો તિરંગો લઈને ગયો હતો અને તિરંગામાં લપેટાઈને આવ્યો હતો. તેમની માગ છે કે સરકાર તેમના દીકરાને 'શહીદ' જાહેર કરે.


રાજકારણ અને દેશભક્તિ

ફોટો લાઈન ચંદન ગુપ્તાની બહેન કીર્તિ

શું ચંદનના પિતા સુશીલ ગુપ્તા સરકારથી નારાજ છે? તેઓ કહે છે, "ના, સરકાર સામે કોઈ નારાજગી નથી."

તેમણે સ્પષ્ટ રીતે પોલીસ સામે નારાજગી વ્યક્ત નહોતી કરી.

20 વર્ષના ચંદન શહેરની કોલેજમાં બીકૉમમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા.

મેં ચંદનની નોટબુક જોવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે સુશીલ તેમના પુત્રી કીર્તિ ગુપ્તાને બોલાવ્યાં.

કીર્તિના કહેવા પ્રમાણે, ચંદનનું લખાણ બરાબર ન હતું, તેઓ ભણવા પ્રત્યે ગંભીર ન હતા. જોકે, કીર્તિ ચંદનની નોટબુક લઈને આવ્યાં.

કીર્તિ ગ્રેજ્યુએશન બાદ દિલ્હીમાં બેન્ક જોબ માટે તૈયારી કરી રહ્યાં છે. કીર્તિ દિલ્હીથી કાસગંજ આવતાં, ત્યારે તેમના ભાઈને અંગ્રેજી શીખવતાં હતાં.

રાજકારણ, દેશભક્તિ અને રાષ્ટ્રવાદ વિશે ચંદન શું વિચારતા હતા?


યોગીના વિજયની ઉજવણી

Image copyright SAMIRATMAJ MISHRA/BBC

કીર્તિ કહે છે, "એક વખત અમે બેઠા હતા, ત્યારે તેણે આર્મીમાં જવાનો વિચાર વ્યક્ત કર્યો, એટલે મેં કહ્યું કે તો આર્મી માટે તૈયારી કર."

"બાદમાં તેને યાદ આવ્યું કે તો કહ્યું, 'મેડિકલ એગ્ઝામમાં પાસ નહીં થઈ શકું.' ચંદન એક વખત પડી ગયો હતો અને તેનો હાથ ભાંગી ગયો હતો. બાદમાં તેણે વિચાર્યું કે દેશ માટે બીજું કંઈક તો કરી શકાય."

કીર્તિ તેમના ભાઈ ચંદનના રાજકીય વિચારો અંગે કહે છે, "તે યોગીજીને પસંદ કરતો હતો. વોટિંગ દરમિયાન તેણે તનતોડ મહેનત કરી હતી. તે આખો દિવસ વ્યસ્ત રહેતો હતો.

"એના માટે બીજેપી જ બધું હતી. તેને યોગીજી બહુ પસંદ હતા. તે કહેતો કે, યુપીમાં માત્ર અને માત્ર યોગીજી જીતવા જોઈએ. યોગીજી સીએમ બન્યા, ત્યારે તેણે આતશબાજી કરીને ઉજવણી કરી હતી."


''પોઝિટિવ થિંકિંગ'

Image copyright ASHOK SHARMA/BBC

કીર્તિએ ભાઈ વિશે કહ્યું, "યુપીમાં ભાજપનો વિજય થતા હું ખુશ થઈ હતી કે ભાઈ જે પાર્ટી ઇચ્છતો હતો, તે પાર્ટીનો વિજય થયો છે.

"વડાપ્રધાન મોદી વિશે પણ તે સારો અભિપ્રાય ધરાવતો હતો. તે કહેતો હતો દુનિયાભરમાં મોદી અજોડ છે. તેઓ સારી રીતે દેશને ચલાવી રહ્યા છે.

"પરંતુ તેમની નીચે જે લોકો છે, તેઓ ભ્રષ્ટાચાર આચરે છે. મોદી દરેક બાબત પર નજર ન રાખી શકે. દેશમાં આટલી મોટી વસતિ છે. કેટલા પર ધ્યાન આપે?

"મોદીજી વિશે માત્ર એજ નહીં, હું પણ સકારાત્મક વિચાર ધરાવું છું. આપ પણ જાણો છો કે મોદીજી કેવા છે.

"લાગે છે કે દેશને હવે એવા નેતા મળ્યા છે જે ઇન્ડિયા માટે કંઈક કરી શકે તેમ છે."


પોલીસની ભૂમિકા

ફોટો લાઈન ચંદન ગુપ્તાા ઘરની બહાર પોલીસ બળ

કીર્તિ કહે છ કે, ચંદનને મોદીજી પર પૂર્ણ વિશ્વાસ હતો. તેને લાગતું હતું કે જે કંઈ થશે તે સારું જ થશે.

સુશીલ ગુપ્તાની જેમ જ તેમના દીકરી કીર્તિ પણ પોલીસની ભૂમિકાથી અસંતુષ્ટ છે.

કીર્તિનું કહેવું છે કે તિરંગા યાત્રા દરમિયાન જે સ્થળે તેના ભાઈને ગોળી મારવામાં આવી હતી, ત્યાંથી પોલીસ સ્ટેશન ખૂબ જ નજીક છે, પરંતુ પોલીસ આ ઘટનાને અટકાવી ન શકી

"હું 100 ટકા માનું છું કે પોલીસથી ચૂક થઈ છે. મારો ભાઈ પંદરમી ઓગસ્ટે પણ એ રસ્તે જ ગયો હતો."


મુસ્લિમ વિસ્તારમાં હોબાળો

Image copyright SAMIRATMAJ MISHRA/BBC

કીર્તિ કહે છે, "આ વખતે ત્યાં જે કાંઈ થયું તે ઇરાદાપૂર્વક થયું હતું. તિરંગા યાત્રાને અટકાવવામાં આવી હતી."

શહેરમાં અનેક લોકો માને છે કે, ચંદન બજરંગ દળ સાથે સંકળાયેલા હતા. જોકે, શહેરમાં બજરંગ દળના નેતા કૌશલ સાહૂ આ વાતને નકારે છે.

સાહૂના કહેવા પ્રમાણે, "26મી જાન્યુઆરીના મુસ્લિમ વિસ્તારમાં હોબાળો થયો, ત્યારે મેં પોલીસને ફોન કર્યો હતો.

"પોલીસે કહ્યું કે ભાઈ આપ ત્યાં છો તો લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરો. અમે પહોંચીએ છીએ."

ચંદનના પિતા સુશીલ ગુપ્તા હિંદુ જાગરણ મંચ સાથે સંકળાયેલા છે.


શહેરમાં તણાવ

ફોટો લાઈન પુરેંદ્ર સોલંકી

કાસગંજ જિલ્લા ભાજપના અધ્યક્ષ પુરેન્દ્ર સોલંકીનું કહેવું છે, "ચંદન ગુપ્તા અમારા કોઈ સંગઠન સાથે સંકળાયેલા ન હતા, પરંતુ તેમના પરિવાર સાથે અમારી વૈચારિક નિકટતા છે.

સોલંકી કહે છે કે શહેરમાં તણાવ ન ફેલાય તે માટે ચંદન ગુપ્તા શહેરમાં આવશે તો ચોક્કસપણે તેમના ઘરે જશે.

જે મુસ્લિમ વિસ્તારમાં બડ્ડુ નગરમાં 26 જાન્યુઆરીના આ બધું ઘટ્યું, તે વિસ્તારના લોકોનું કહેવું છે કે તેઓ પણ જાણવા માગે છે કે કોણે ચંદન ગુપ્તાને ગોળી મારી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો