પશ્ચિમ બંગાળમાં ભાજપ બીજા નંબરનો પક્ષ કેવી રીતે બની ગયો?

  • અમિતાભ ભટ્ટાસાલી
  • બીબીસી સંવાદદાતા, કોલકતા
ઇમેજ કૅપ્શન,

પશ્ચિમ બંગાળ પેટા ચૂંટણીમાં ભાજપ બીજા નંબર પર રહ્યું.

તાજેતરમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મીડિયાએ રાજસ્થાનની બે લોકસભા બેઠકો અને વિધાનસભાની એક બેઠક વિશે ભારે ચર્ચા કરી હતી.

જોકે, પશ્ચિમ બંગાળની લોકસભા અને વિધાનસભાની એક-એક બેઠકની ચૂંટણી વિશે ખાસ ચર્ચા થઈ ન હતી, આ બંને બેઠકો પર ભાજપને પરાજય સાંપડ્યો હતો.

ઉલબેરિયા લોકસભા તથા નોઆપાડા વિધાનસભા બેઠક પર સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)નો વિજય થયો હતો.

પરિણામોમાં કંઈ આશ્ચર્યજનક ન હતું. તમામ રાજકીય વિશ્લેષકોને આ વાતનો અંદાજ હતો.

બન્ને બેઠકો પર ભાજપ બીજા ક્રમે રહ્યો છે. વિજેતા ઉમેદવાર તથા ભાજપના ઉમેદવારના મતોની વચ્ચે ખાસ્સો તફાવત રહ્યો હતો.

જોકે, ભાજપના મતની ટકાવારી વધી છે. આ વાત પર રાજકીય વિશ્લેષકોની નજર પડી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

ભાજપનું કદ વધ્યું

ઇમેજ કૅપ્શન,

પાર્ટી પ્રમુખ અમિત શાહે સંગઠને મજબૂત કરવા માટે અનેક વાર સમય સીમા નક્કી કરી છે

2014ની ચૂંટણીમાં ઉલુબેરિયા બેઠક પર ભાજપને 11.5 ટકા મત મળ્યા હતા. હવે આ ટકાવારી 23.29 પર પહોંચી છે.

નોઆપાડા બેઠક પર 2016માં ભાજપને 13 ટકા મત મળ્યા હતા, જ્યારે આ વખતે 20.7 ટકા મત મળ્યા છે.

બંને બેઠકો પર સત્તારૂઢ ટીએમસીના મતોની ટકાવારી પણ વધી હતી.

બીજી બાજુ, ડાબેરી પક્ષો તથા કોંગ્રેસના મતની ટકાવારીમાં જંગી ઘટાડો નોંધાયો છે.

અગાઉ પણ રાજ્યની ચૂંટણીમાં ભાજપ બીજા ક્રમે રહ્યો છે.

રાજનીતિશાસ્ત્રના પ્રાધ્યાપક બિમલ શંકર નંદા પશ્ચિમ બંગાળની ચૂંટણીઓના અભ્યાસુ છે.

તેમના કહેવા પ્રમાણે, "ભાજપ બીજા ક્રમે રહ્યો કે નહીં, તે મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેના મતોની ટકાવારી વધી છે, જે રસપ્રદ બાબત છે."

ગત વર્ષે કોંતઈ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપને 30 ટકા મત મળ્યા હતા, એ બેઠક પર પણ ભાજપ બીજા ક્રમે રહ્યો હતો.

ઓગસ્ટ 2017માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પણ ભાજપ બીજા ક્રમે રહ્યો હતો.

કઈ રીતે ભાજપ મજબૂત બન્યો?

ઇમેજ કૅપ્શન,

ભાજપનો વોટ વધવો એક ટ્રેન્ડ

વરિષ્ઠ પત્રકાર તથા રાજકીય વિશ્લેષક શુભાશિષ મોઇત્રાના કહેવા પ્રમાણે, "2016ની વિધાનસભાની ચૂંટણીથી ભાજપની મતોની ટકાવારી સતત વધી રહી છે.

"હવે ભાજપ બીજા ક્રમે રહેવા માટે સક્ષમ થઈ ગયો છે. જોકે, ભાજપ અને વિજેતાના વતો વચ્ચે જંગી અંતરનું વલણ જોવા મળે છે.

"મને લાગે છે કે, ભાજપને ટીએમસી વિરોધી મતો મળી રહ્યા છે."

મોઇત્રા કહે છે, "અત્યારસુધી ટીએમસી વિરોધી મત ડાબેરી પક્ષો કે કોંગ્રેસને મળતા હતા. ધીમેધીમે સ્થિતિ બદલાઈ રહી છે.

"જેટલા પ્રમાણમાં ડાબેરી પક્ષો કે કોંગ્રેસના મત ઘટ્યા છે, એટલા જ પ્રમાણમાં ભાજપના મત વધ્યા છે.

"આનો એવો પણ મતલબ છે કે ભાજપને પરંપરાગત રીતે આ બે રાજકીય પક્ષોને મત આપતા લોકોના વોટ મળી રહ્યા છે."

રાજકીય કાર્યકર્તાઓનું માનવું છે કે કોમવાદને કારણે પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્થિતિ મજબૂત બની છે.

મોઇત્રા કહે છે, "તેઓ અમુક અંશે કોમી ધ્રુવીકરણ કરવાની રણનીતિ અપનાવે છે.

"જો આપ તાજેતરની કેટલીક કોમી હિંસાની ઘટનાઓ અને રેલીઓની ઉપર ધ્યાન આપો તો તે હિંદુવાદી તત્વો દ્વારા આયોજિત કરવામાં આવી હતી.

"આપ જોઈ શકો છો કે કેવી રીતે કોમવાદી કાર્ડ રમવામાં આવે છે, પરંતુ ભાજપનું કદ વધવા માટે આ એકમાત્ર કારણ જવાબદાર નથી."

બંગાળમાં હિંદુવાદ

ઇમેજ કૅપ્શન,

સત્તામાં રહેલી ટીએમસીથી બહુ પાછળ છે ભાજપ

મોઇત્રા કહે છે, "આ ધરતી રામમોહન રાય, વિદ્યાસાગર તથા રવિન્દ્રનાથની ધરતી છે. માત્ર કોમવાદના આધારે પશ્ચિમ બંગાળની જનતાનું ધ્રુવીકરણ ન થઈ શકે."

જોકે, પ્રો. નંદા માને છે કે પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંદુવાદના મૂળિયા સ્વતંત્રતા આંદોલનથી જ ઊંડા ઉતરેલા છે.

તેમના મતે, "આમા કાંઈ નવું નથી. સ્વતંત્રતાની ચળવળ દરમિયાન દિગ્ગજો દ્વારા હિંદુત્વના પ્રતીકોનો મુક્ત રીતે ઉપયોગ કર્યો હતો.

"જનસંઘની નિષ્ફળતા રહી કે સ્વતંત્રતા બાદ તેને આગળ વધારી શક્યા ન હતા.

"તેમણે દેશના વિભાજન બાદ પૂર્વ બંગાળથી આવેલા શરણાર્થીઓનો મુદ્દો ક્યારેય ઉઠાવ્યો ન હતો.

"જોકે, ડાબેરીઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારે લોકપ્રિયતા હાંસલ કરી હતી."

નબળું સંગઠન

ઇમેજ કૅપ્શન,

મુકુલ રૉય ટીએમસી છોડીને ભાજપમાં ગયા છે

બંગાળના રાજકારણમાં ભાજપના મતોની ટકાવારી વધી છે, પરંતુ પાર્ટીનું સંગઠન હજુ મજબૂત નથી.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ સ્થાનિક સંગઠનને મજબૂત કરવા માટે સમયમર્યાદા જાહેર કરી ચૂક્યા છે. અનેક વખત આ સમયમર્યાદા લંબાવવામાં આવી છે.

આમ છતાંય ભાજપના સ્થાનિક નેતાઓને લક્ષ્યાંક સુધી પહોંચવામાં ખાસ્સી તકલીફ પડી રહી છે.

એક સમયે મુકુલ રૉયને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની નજીક માનવામાં આવતા હતા. હવે તેઓ ભાજપની સાથે છે.

ભાજપમાં એક વર્ગને લાગે છે કે, રૉયના આગમનથી પાર્ટીનું માળખું મજબૂત કરવામાં મદદ મળશે.

ટીએમસીનું માળખું રૉયે જ ઊભું કર્યું હતું અને મજબૂત બનાવ્યું હતું. રૉયે જ મમતા બેનર્જીની ઓળખ ઊભી કરવામાં મદદ કરી હતી.

જોકે, નવી પાર્ટી (ભાજપ)માં નોઆપાડા વિધાનસભા બેઠક પરથી રૉયતેમની પસંદગીનો ઉમેદવાર પણ ઉતારી શક્યા ન હતા.

રસપ્રદ બાબત એ પણ છે કે નૉઆપાડામાં મુકુલ રૉયનું ઘર પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો