PNB કૌંભાડ: ગુજરાતી મૂળના આરોપી નીરવ મોદી વિશે આ બધું જાણો છો?

ઇમેજ સ્રોત, Getty Images
સેલિબ્રિટિ જ્વેલર અને હીરાના મોટા વેપારી નીરવ મોદીનું નામ કરોડોની છેતરપીંડીના કૌભાંડમાં આવ્યું છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલો અનુસાર સીબીઆઈએ પંજાબ નેશનલ બેંક (PNB)ની ફરીયાદ બાદ કાર્યવાહી હાથ ધરી છે.
બેંકનો દાવો છે કે નીરવ, તેમના ભાઈ નિશાલ, પત્ની અમી અને મેહુલ ચીનુભાઈ ચોકસીએ બેંકના અધિકારીઓ સાથે મળીને કરોડો રૂપિયાની છેતરપીંડી કરી છે.
આ ચારેય સામે ભારતીય દંડ સહિતાની વિવિધ કલમ અનુસાર કેસ દાખલમાં આવ્યો છે.
ઇન્કમ ટેક્સ(આઈટી) વિભાગના અધિકારીઓએ 31 જાન્યુઆરીએ તેમને ત્યાં દરોડો પાડ્યો હતો. દિલ્હી, સુરત અને જયપુરમાં તેમની ઓફિસો પર આઈટી વિભાગની નજર પહેલેથી જ હતી.
આ જ્વેલરી ડિઝાઈનર 2.3 અબજ ડોલરની કંપની ફાયરસ્ટાર ડાયમંડના સ્થાપક છે. તેમના ગ્રાહકોમાં દુનિયાની જાણીતી હસ્તીઓ સામેલ છે.
કોણ છે આ ગુજરાતી નીરવ મોદી?
ઇમેજ સ્રોત, FACEBOOK/NIRAVMODI
અંગ્રેજી વેબસાઇટ લાઇવમિન્ટ.કૉમના અહેવાલ અનુસાર નીરવ મોદીનો જન્મ હીરાના વેપારીઓ, ફૂલોના અત્તર અને ગુજરાતી શાયરી માટે જાણીતા પાલનપુરમાં એક જૈન પરિવારમાં થયો હતો.
તેમના દાદા ઉત્તર ભારતમાં 1930-40ના સમયગાળા દરમિયાન હીરાનો વેપાર કરતા હતા. ત્યારબાદ તેઓએ સિંગાપુર જતા રહ્યા હતા.
બેલ્જિયમના એન્ટવર્પમાં તેમના પિતા દીપક મોદીએ આ વ્યવસાયની સ્થાપ્યો હતો. નીરવ મોદીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર બેલ્જિયમમાં થયો છે.
એમ કહેવાય છે કે યુવા ઉંમરથી જ તેમની રુચિ આર્ટ અને ડિઝાઇનમાં હતી અને તે યૂરોપના અલગ અલગ મ્યૂઝિયમ્સની મુલાકાતો લેતા હતા.
ભારતમાં વસી જવા અને ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસની ટ્રેનિંગ લીધા બાદ 1999માં તેમણે ફાયરસ્ટારનો પાયો નાખ્યો હતો.
ઇમેજ સ્રોત, Getty Images
આ કંપનીને પ્રખ્યાત બનાવવા માટે તેમણે યોગ્ય હીરાની પસંદગી અને તે પ્રમાણે દાગીના ડિઝાઇન કરવા અનેક મહિનાઓ પસાર કર્યા હતા.
એ સમયે તેમને અનુભવ થયો કે જ્વેલરીને લઈને ઝનૂન અને કલા બંને તેમનામાં રહેલી છે ત્યારે તેમણે બ્રાંડ બનાવવા તરફ એક પગલું આગળ ભર્યુ હતું.
2010માં તેઓ ક્રિસ્ટી અને સદબીના કેટલોગમાં સ્થાન પામનારા પ્રથમ ભારતીય જ્વેલર બન્યા હતા.
2013માં તેમને ફોર્બ્સ લિસ્ટ ઓફ ઇન્ડિયન બિલિયનર્સમાં સ્થાન મળ્યું અને ત્યારથી તેમણે આ યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
ક્યાં છે મોદીના સ્ટોર્સ?
ઇમેજ સ્રોત, HTTP://WWW.NIRAVMODI.COM/
નીરવ મોદીનાં ડિઝાઇનર જ્વેલરી બૂટીક્સ લંડન, ન્યૂયોર્ક, લાસ વેગાસ, હવાઈ, સિંગાપુર, બેઇજિંગ અને મકાઉમાં છે. ભારતમાં તેમના સ્ટોર મુંબઈ અને દિલ્હીમાં છે.
2014માં નીરવ મોદીએ દિલ્હીની ડિફેન્સ કૉલોનીમાં પ્રથમ ફ્લેગશિપ સ્ટોર ખોલ્યો હતો અને 2015માં મુંબઈના કાલા ઘોડા વિસ્તારમાં સ્ટોર ખોલ્યો હતો.
2015માં જ નીરવ મોદીની કંપનીએ ન્યૂયોર્ક શહેર અને હોંગકોંગમાં બૂટીક ખોલ્યાં હતાં. લંડનની બૉન્ડ સ્ટ્રીટ અને એમજીએમ મકાઉમાં પણ તેમના બૂટીક સ્ટોર્સ તાજેતરમાં ખૂલ્યા હતા.
વેબસાઇટ niravmodi.com અનુસાર નીરવ મોદીને આ વ્યવસાય આવવા પાછળ તેમના પરિવારમાં રાત્રી ભોજન દરમિયાન થતી વાતચીતની અસર હતી.
આ ઉપરાંત તેમણે તેમના માતા પાસેથી પણ પ્રેરણા મળતી હતી. તેમના માતા ઇન્ટીરિયર ડિઝાઇનર હતાં.
નીરવે પોતાનાં નામથી જ 2010માં ગ્લોબલ ડાયમંડ જ્વેલરી હાઉસનો પાયો નાખ્યો હતો. કંપનીની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે.
આ સ્ટાર્સ છે નીરવ મોદીના ગ્રાહકો
ઇમેજ સ્રોત, Getty Images
નીરવ મોદી કંપનીનાં આભૂષણો કેટ વિંસ્લેટ, રોઝી હંટિંગટન-વ્હૉટલી, નાઓમી વૉટ્સ, કોકો રોશા, લીઝા હેડન અને એશ્વર્યા રાય જેવા ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાઇલ આઇકન પહેરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો