અમિત શાહ રાજ્યસભામાં પહેલી વખત બોલ્યા

અમિત શાહ Image copyright Getty Images

ભાજપના પ્રમુખ અમિત શાહે રાજ્યસભામાં તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું.

લગભગ સવા કલાકના પ્રવચનમાં તેમણે કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. તેઓ વિરોધપક્ષ પર આક્રમણ કરવાનું ચૂક્યા ન હતા.

તેમણે બેરોજગારી, વીમા સુરક્ષા કવચ, જીએસટી સહિતના મુદ્દાઓને તેમના ભાષણમાં આવરી લીધા હતા.

અમિત શાહ રાજ્યસભાના સભ્ય બન્યા બાદ આ તેમનું પહેલું ભાષણ હતું.

જ્યારે વિપક્ષના સભ્ય ભાષણની વચ્ચે-વચ્ચે બોલતા હતા તો તેમણે ટીખળ પણ કરી કે હવે મને છ વર્ષ સુધી બોલતા રાજ્યસભાના અધ્યક્ષ સિવાય કોઈ નહીં રોકી શકે.


કેવું રહ્યું શાહનું ભાષણ?

Image copyright RSTV VIDEO GRAB

આ વિશે જ્યારે બીબીસીએ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સાથે વાત કરી તો તેમના મતે અમિત શાહનું વક્તવ્ય આક્રમક હતું.

તેમના મુજબ અમિત શાહે તીખા તેવરમાં મોદી સરકારનો દરેક મુદ્દે બચાવ કર્યો અને ધારદાર દલીલ કરી હતી.

તમને આ વાંચવું પણ ગમશે:

તેમણે કહ્યું કે અમિત શાહ એક નીવડેલા વક્તા છે અને તેઓ પરફેક્ટ હોમવર્ક સાથે આવ્યા હતા.

Image copyright Getty Images

અન્ય વરિષ્ઠ પત્રકાર રાશીદ કિડવાઈએ બીબીસી સાથેની વાતમાં જણાવ્યું કે અમિત શાહે સભામાં બોલવા માટે પક્ષને મળતા સમયનો મોટા ભાગનો સમય લઈ લીધો.

તેમના મતે આ પ્રથમ ભાષણથી અમિત શાહે સારી શરૂઆત કરી અને રાજ્યસભામાં નેતા કોઈપણ હોય પણ કેપ્ટન તો તે જ રહેશે તે સાબિત કર્યું.

તેમણે આ સમગ્ર ભાષણને રાજનૈતિક અને લોકોને સાંભળવું ગમે તેવું ગણાવ્યું હતું.


અમિત શાહે શું કહ્યું ભાષણમાં?

પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમના ટ્વીટ 'મુદ્રા બેંક પાસે કોઈએ ભજીયાની લારી લગાવી છે, શું આને રોજગાર કહેવામાં આવે છે?'

જેના પર અમિત શાહે કહ્યું " હા, હું માનું છું કે બેરોજગારી કરતાં તે વધુ સારું છે કે એક યુવાન મજૂરી કરી ભજીયા બનાવી શકે છે.

શું તમે તેને ભિખારી સાથે સરખાવશો? ભજીયા બનાવવા શરમજનક બાબત નથી, તેને ભિખારી સાથે સરખાવવું શરમજનક છે."

તેમણે કહ્યું કે કોઈપણ દેશની સરકારમાં 50 લાખ લોકોને વીમા સુરક્ષા પૂરી પાડવાની હિંમત નથી. આથી લોકો 'આયુષ્યમાન ભારત'ને હવે 'નમો હેલ્થકેર'ના નામથી ઓળખશે.

જેના પર નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદે કહ્યું કે તેના પર કંઈ મળવાનું નથી.

અમિત શાહે કહ્યું કે ભાજપે ક્યારેય જીએસટીનો વિરોધ કર્યો નથી. તેની પદ્ધતિઓનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સેસના ઘટાડાને કારણે રાજ્યોને થયેલી ખોટથી રાજ્યોને નુકસાન થયું હતું. તેમને યુપીએ સરકારે ચૂકવણી કરવાની હતી, પરંતુ ન કરી. 37 હજાર કરોડ એનડીએએ ચૂકવણી કરી.

Image copyright Getty Images

જીએસટીને સર્વસંમતથી નક્કી કરવામાં આવ્યું છે. જે કાયદાથી બનાવેલો ટેક્સ છે.

જે લોકો તેને 'ગબ્બર સિંહ ટેક્સ' કહે છે તેમને કહીશ કે આ પૈસા ગરીબો, મહિલાઓ, સેનાના જવાનોને માટે જાય છે. લોકોને કર ન આપવા ઉત્તેજન આપવું સારી વાત છે?

જીએસટી કાઉંસિલની વાત કરતી વખતે તેઓ 'દરેક રાજ્યના નાણાંમંત્રી'ના બદલે 'દરેક દેશના નાણાંમંત્રી' બોલ્યા હતા. જેનાથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

દેશના જવાનો ચાલીસ વર્ષથી 'વન રેન્ક વન પેન્શન'ની માગણી કરી રહ્યા હતા. ઘણી સરકારો આવી, કોઈએ કંઈ કર્યું નહીં. અમારી સરકારે આ માટે એક હજાર કરોડ આપ્યા છે.

રાજકીય ઇચ્છાશક્તિને રજૂ કરી વડાપ્રધાને સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો નિર્ણય કર્યો અને તે કરી બતાવી.

દેશની ત્રણેય સેનાને અમારી સરકારે મોર્ડનાઇઝ્ડ કરી. હું કહી શકું છું કે છેલ્લા પાંત્રીસ વર્ષોમાં કાશ્મીર સૌથી સુરક્ષિત અને શાંત છે.

પછાત વર્ગ આયોગ પર કોંગ્રેસે સાથ ન આપ્યો તેવા તેમના નિવેદન પર કોંગ્રેસના સભ્યોએ વિરોધ કરી કહ્યું કે તેમણે સંશોધનની વાત કરી હતી.

ટ્રિપલ તલાકનો પણ કોંગ્રેસ વિરોધ કરતી હોવાનું કહ્યું. તેમણે કહ્યું કે ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમને કારણે દર વર્ષે સરકારના 57 હજાર કરોડ બચે છે.

Image copyright Getty Images

ઇસરોની 104 ઉપગ્રહ છોડવાની વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું કે અમારા સમયગાળામાં હજુ સુધી વિપક્ષ અમારા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકી નથી.

કાળા નાણાં પર પણ તેમણે કહ્યું કે તેમની સરકાર આવ્યા બાદ તરત જ એસઆઈટી બનાવી હતી અને બેનામી નાણાં સહિતના કાયદા બનાવ્યા.

નોટબંધીનો પણ તેમણે ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.

તેમણે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો પણ ઉલ્લેખ કર્યો અને રાષ્ટ્રવ્યાપી તેના વિશે ચર્ચા કરવાની અપીલ કરી હતી.

તેમણે હાલમાં થયેલી ચૂંટણીઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે સરકાર બરાબર ચાલી તે જે જનાદેશ મળ્યો છે તેના પરથી જાણી શકાય છે.

આ સંબોધન પૂર્ણ થતાં રાજ્યસભા અધ્યક્ષ વેંકૈયા નાયડૂએ 'મિત્રોં' કહ્યું હતું. તો તેના પર વિપક્ષે વિરોધ કરતા તેમણે માફી માગી.

જે બાદ તેમણે 'માનનીય સદસ્યો' કહીને પોતાની વાત કરી હતી.


સોશિયલ મીડિયા પર શાહના ભાષણની ચર્ચા

સુમિત શેઠ્ઠી જણાવે છે કે ભજીયા વેચવા શરમજનક વાત નથી. 2019 પછી તમે ચા-ભજીયા જ વેચજો.

અમિત ટ્વિટર પર લખે છે કે ભણવાની જરૂર નથી, ભજીયા વેચો

આઝાદ હિન્દ સેના નામના ટ્વિટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે આ ભાષણમાં સરકારના કામની ચર્ચા ઓછી અને રાહુલ ગાંધીની ચર્ચા વધારે હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ