મહિલાઓ જ્યારે દારૂ ખરીદવા જાય ત્યારે શું થાય?

મહિલાના હાથમાં દારૂના ગ્લાસની તસવીર

આપણા જેવી ઘણી મહિલાઓ માટે ભારતમાં શોપ પરથી દારૂ ખરીદવાનો અનુભવ ઘણો જુદો હોય છે.

જ્યારે તમે ત્યાં દારૂ ખરીદવા માટે જાવ, ત્યારે તમારે પહેલાંથી જ નક્કી કરી રાખવું પડતું હોય છે.

તમને ત્યાં સરળતાથી વિકલ્પ વિચારવાનો સમય નથી મળતો અને શક્ય તેટલા જલદી તમારે ત્યાંથી બહાર નીકળી જવું પડતું હોય છે.

દારૂની શોપ પર તમે તમારા મિત્ર સાથે સહજતાથી વિકલ્પો વિશે વાત નથી કરી શકતા અને બોટલ પરત આપવા જવાનું પણ વિચારી નથી શકતા.

જો મહિલાઓએ કોઈ વસ્તુ ખરીદવી હોય, જે કાયદેસર છે, તો તેમણે આવા અનુભવમાંથી કેમ પસાર થવું પડે છે?

તમને આ પણ વાંચવું ગમશે


શ્રીલંકામાં મહિલાઓના દારૂ ખરીદવા પર રોક

શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ મહિલાઓના દારૂ ખરીદવા પર રોક લગાવી છે.

ત્યાં મહિલાઓના દારૂ ખરીદવાની પ્રવૃતિને ગેરકાનૂની જાહેર કરવામાં આવી છે.

વળી મહિલાઓના એક ગ્રાહક તરીકે અધિકારો પર ચર્ચા કર્યા વગર જ આ બાબત લાગુ કરી દેવામાં આવી છે.

તમને આ પણ વાંચવું ગમશે

રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાએ ગયા મહિને એક રેલીમાં જણાવ્યું હતું કે, તેમણે સરકારને આ સુધારા પાછા ખેંચી લેવાનો આદેશ આપ્યો હતો.

જેમાં મહિલાઓને કોઈ પણ પરમિટ વિના બારમાં કામ કરવાની છૂટ આપવામાં આવી હતી.

60 વર્ષ બાદ પ્રથમ વખત થયેલા એ સુધારા અનુસાર 18 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓને કાયદેસર રીતે દારૂ ખરીદવાની છૂટ આપવામાં આવી હતી.


ભારતમાં શું સ્થિતિ છે?

ભારતમાં કાનૂન દ્વારા નિર્ધારિત વય પછીની કોઈ પણ વ્યક્તિ દારૂ ખરીદી શકે છે.

પણ મહિલાઓ માટે આનો અનુભવ આનંદની વાત નથી.

અમે નવી દિલ્હીમાં દારૂની શોપ પરથી દારૂ ખરીદીને જાતે જ અનુભવ કરવાનું નક્કી કર્યું.

અમે જાણવાની કોશિશ કરી કે, જ્યારે મહિલા દારૂ ખરીદવા માટે લાઇનમાં ઊભી રહે તો શું થાય છે.

પ્રથમ અમે પશ્ચિમ દિલ્હીના એક મોલમાં આવેલી કથિત મહિલા વાઇન શોપમાં ગયા.

પ્રમોદ કુમાર યાદવ આની બાજુની એક સામાન્ય વાઇન શોપમાં કામ કરે છે. બન્ને શોપના માલિક એક જ વ્યક્તિ છે.

ખરેખર બાજુની બીજી વાઇન શોપમાં પાછળની બાજુથી એક અન્ય દરવાજો હતો, જે મહિલાઓ માટેની ખાસ વાઇન શોપમાં લઈ જતો હતો.


મહિલા વાઇન શોપ

મહિલાઓ માટેની આ ખાસ શોપમાં મહિલા 'અટેન્ડન્ટ' ફરજ પર રહેતી હોય છે.

પણ અમે જ્યારે મુલાકાત લીધી ત્યારે તે રજા પર હતી.

આથી પ્રમોદ કુમાર પાછલા દરવાજેથી આવ્યા અને અમને તેમણે અમને 'અટેન્ડ' કર્યા.

તેમણે દાવો કર્યો , "આખા દેશમાં આ એકમાત્ર મહિલા વાઇન શોપ છે."

અમે વિવિધ બ્રાન્ડ અને ઓફર જાણવા માટે સ્ટોરમાં અંદર ગયા.

અન્ય સામાન્ય વાઇન શોપ કરતાં અહીં વિવિધ બીયર, વાઇન જોવા મળ્યા.

ત્યાં એક સોફા પણ હતો જ્યાં કોઈ મિત્ર સાથે બેસીને કંઈ પણ ચર્ચા થઈ શકે.

આ એક એવો અનુભવ હતો કે, જાણે અમે મિત્ર સાથે મોલમાં જીન્સ ખરીદવા આવ્યા હોઈએ.

તમે કંઈ ખરીદો કે ન ખરીદો પણ તમારો અનુભવ ઘણો સારો રહેશે.

અમે કેટલીક મોંઘીદાટ બોટલો સાથે સેલ્ફી પણ લીધી.

વળી શોપમાં આવતા ગ્રાહકો સાથે વાતચીત પણ કરી.


મહિલા ગ્રાહકનો અનુભવ

ભૂતકાળમાં કેટલીક વખત આ શોપની મુલાકાત લઈ ચૂકેલી એક મહિલાએ ઓળખ જાહેર નહીં કરવાની શરતે કહ્યું,"હું મહિલાઓ માટેની ખાસ વાઇન શોપના આઇડિયા સાથે સંમત નથી."

"વળી જે મહિલા 'અટેન્ડન્ટ' હોય છે તેમને પણ દારૂ વિશે વધુ જાણકારી નથી હોતી."

"તે મદદ કરવામાં અસમર્થ હોય છે. આથી ઘણી વખત હું સામાન્ય શોપ પર જાઉં છું, કેમકે ત્યાંનો સ્ટાફ આ બાબતે જાણકાર હોય છે."

"જોકે, મહિલા માટે ખાસ વાઇન શોપમાં અંદર સુરક્ષિત વાતાવરણ હોય છે, પણ બીજી તરફ શોપની બહાર કંઈક જુદી જ સ્થિતિ હોય છે."

"એક વખત તમે બોટલ તમારા હાથમાં લઇને શોપની બહાર નીકળો, પછી તમારે લોકોના વિચિત્ર હાવભાવનો સમાનો કરવો પડે છે."

"તેમના હાવભાવ પરથી લાગે કે, તેઓ પૂછી રહ્યા હોય કે, એક મહિલા દારૂ કઈ રીતે ખરીદી શકે અથવા કઈ રીતે તેનું સેવન કરી શકે."

"તમે મહિલાઓ માટેની ખાસ વાઇન શોપમાં ઊભા હોવ , ત્યારે પણ લોકોના આ પ્રકારના હાવભાવનો સામનો કરવો પડે છે."

"જ્યાં સુધી માનસિકતા નહીં બદલાય, ત્યાં સુધી આ પરિસ્થિતિમાં બદલાવ નહીં આવશે."

"મહિલાઓ માટે ખાસ વાઇન શોપ ખોલવા કરતાં તેમના માટે સુરક્ષિત વાતાવરણ સર્જવું જોઈએ."


પુરુષનો અનુભવ

મહિલા સાથે વાઇન શોપમાં આવેલા આલમ ખાનના વિચારો આ અંગે અલગ છે.

અત્રો નોંધવું રહ્યું કે, ખાસ મહિલા વાઇન શોપમાં પુરુષ તો જ પ્રવેશ લઈ શકે, જો તેમની સાથે કોઈ મહિલા હોય છે.

તેમણે કહ્યું, "જો કરવું જ હોય, તો તમે મહિલાઓ સાથે દારૂ ખરીદવા જવાનું રાખો."

તેમની સાથે આવેલી મહિલાએ કહ્યું, "તમે મહિલાઓને દારૂનું સેવન કરવાથી રોકી ન શકો, તો તેમના માટે સુરક્ષિત વાતાવરણનું સર્જન કરો."

"મહિલાઓમાં દારૂના સેવનનું પ્રમાણ વધી રહ્યું હોવાથી આ પ્રકારની વધુ શોપ હોવી જોઈએ."

દરમિયાન પ્રમોદ કુમાર શાંતિથી પ્રતિક્ષા કરી રહ્યા હતા.

તેમણે કહ્યું, "અહીં મહિલા ગ્રાહકોને ક્યારેય પણ કોઈ ખરાબ અનુભવ નથી થયો."

"તેમની પસંદની વસ્તુ ખરીદવા માટે આ સુરક્ષિત જગ્યા છે."

તેમને પૂછ્યું કે શું તેઓ સામાન્ય વાઇન શોપમાં પણ મહિલાઓને દારૂનું વેચાણ કરે છે? ત્યારે તેમણે ઇન્કાર કર્યો.

"એવું નથી કે અમે તેમને દારૂ નથી વેચતા પણ અમે તેમને મહિલાઓ માટેની ખાસ વાઇન શોપમાંથી ખરીદવા કહીએ છે."

"આ સારું અને સુરક્ષિત હોય છે, વળી ભીડ રહેતી હોય તેવા દિવસોમાં ખાસ કરીને આ બાબત ઠીક રહે છે. તદુપરાંત બન્ને શોપ સરખી જ છે."

અમે માત્ર મહિલાઓ માટેની ખાસ વાઇન શોપ ઉપરાંત સામાન્ય શોપની પણ મુલાકાત લીધી.

મેટ્રો લાઇન પાસેની એક શોપની અમે મુલાકાત લીધી.


જ્યારે સામાન્ય વાઇન શોપની મુલાકાત લીધી

અમારી સાથે પુરૂષ મિત્ર પણ આવ્યા હતા અને પહેલાંથી જ આ અંગે અમને ચેતવણી અને સલાહ આપવામાં આવી હતી.

જેના અનુસાર પહેલાં પુરૂષ મિત્ર અંદર જશે અને માહોલનો તાગ મેળવશે. જો બધું બરાબર હશે, તો જ અમે અંદર જઈશું.

વળી એવી શરત હતી કે અમે દિવસ દરમિયાન જ આવી શોપમાં જઈશું

આથી અમે મયુર વિહારમાં આવેલી એક અન્ડરગ્રાઉન્ડ શોપમાં ગયા.

ત્યાં કાઉન્ટર પર રહેલા વ્યક્તિએ તેનું નામ પપ્પુ સિંઘ જણાવ્યું.


શું અહીં મહિલાઓ દારૂ ખરીદવા માટે આવે છે?

Image copyright Getty Images

અમે તેમને પૂછ્યું, "શું અહીં મહિલાઓ દારૂ ખરીદવા માટે આવે છે?"

"તેની પ્રતિક્રિયા એવી હતી કે જાણે અમે કોઈ બીજા ગ્રહથી આવ્યા હોઈએ."

"તેઓ અહીં શા માટે આવશે, આ મહિલાઓ માટેની જગ્યા નથી."

અમે અમારા સવાલ પર મક્કમ રહ્યા અને ફરી પૂછ્યું,"અરે! દારૂ ખરીદવા માટે. કેમકે મહિલાઓ પણ તો દારૂનું સેવન કરતી હોય છે?"

"હા, આજકાલ તેઓ દારૂનું સેવન કરતી હોય છે."

તો પછી તેમને દારૂ ક્યાંથી મળે છે? શું તેઓ તમારી શોપ પર આવે છે?

જવાબમાં તેમણે કહ્યું કે, ના અહીં મહિલાઓ નથી આવતી.

"મહિલાઓ શોપમાં નથી આવતી, એનો અર્થ એવો થોડો કે તેઓ ખરીદતી નથી."

તેમણે વધુમાં કહ્યું, "મોટાભાગે તેઓ તેમના કોઈ મિત્રને મોકલતી હોય છે."

"જો તેમની સાથે કોઈ ન હોય, તો તેઓ કોઈ પુરૂષ ગ્રાહકને ખરીદવા કહે છે અને પોતે શોપની બહાર ઊભા રહે છે."

Image copyright Getty Images

એટલામાં એક રિક્ષા ડ્રાઇવરે તેની વાત કહી.

તેણે કહ્યું, "એક દિવસ એક આધેડ વયની મહિલા મારી રિક્ષામાં બેઠી હતી."

"તેમણે મને કહ્યું કે, જો હું તેમના માટે દારૂ ખરીદવા જાઉં, તો તે મને બક્ષીસ આપશે."

ડ્રાઇવરે કહ્યું કે મને મહિલાએ કહ્યું હતું,"બેટા પૈસાની ચિંતા ન કરતો."


જૂની માન્યતાઓ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત એક સર્વે અનુસાર ભારતમાં પાંચ ટકા મહિલાઓ દારૂનું સેવન કરતી હોય છે.

જેટલા પ્રમાણમાં પુરુષો તેનું સેવન કરતા હોય છે, તેના કરતા મહિલાઓનું પ્રમાણ 26 ટકા ઓછું હોય છે.

વળી એક અથવા એકથી વધુ વખત દારૂનું સેવન કરનારી મહિલાઓની સંખ્યા નોંધપાત્ર છે.

જોકે, ટૂંક સમયમાં ભારતમાં મહિલાઓના દારૂ સેવન અંગેની ખોટી માન્યતાઓ દૂર થઈ જાય એવું નથી લાગતું.

કેમકે પ્રાચીન સમયથી મહિલાઓ અંગે આ પ્રકારનો અભિગમ રાખવામાં આવ્યો છે.

હિંદુ ધર્મના પ્રાચીન પુસ્તક 'મનુસ્મૃતિ' મુજબ દારૂનું સેવન કરતી મહિલા પાપી છે.

પુસ્તક અનુસાર મહિલાના પતન માટે જવાબદાર છ કારણોમાં દારૂના સેવનને પણ એક કારણ તરીકે ગણાવવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો