'મારું ખતના તો થયું, મારી દીકરીઓ સાથે એવું નહીં થવા દઉં'

  • સિન્ધુવાસિની
  • બીબીસી સંવાદદાતા
ઇમેજ કૅપ્શન,

સાંકેતિક તસ્વીર

તમારા શરીરનો હિસ્સો કોઈ બળજબરીથી કાપી નાખે તો? તેને કોઈ પણ રીતે યોગ્ય સાબિત કરી શકાય? ન કરી શકાય, પરંતુ ભારત સહિતના વિશ્વના ઘણા દેશોમાં આવું કરવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રના પૂણેમાં રહેતી નિશરીન સૈફ સાથે આવું કરવામાં આવ્યું હતું.

એ ઘટનાને યાદ કરતાં નિશરીન કહે છે, "એ વખતે હું સાત વર્ષની હતી. મને બરાબર યાદ નથી, પણ એ ઘટનાની ધૂંધળી તસ્વીર આજે પણ મારી સ્મૃતિમાં છે."

નિશરીને બીબીસીને જણાવ્યું, "મારી મમ્મી મને સાથે લઈને નીકળી હતી. અમે એક નાનકડા ઓરડામાં પહોંચ્યાં હતાં, જ્યાં એક સ્ત્રી પહેલેથી બેઠી હતી."

"તેમણે મને સુવડાવીને મારી પેન્ટી ઉતારી નાખી હતી."

નિશરીને ઉમેર્યું હતું, "એ સમયે તો બહુ પીડા થઈ ન હતી. એવું લાગ્યું હતું કે કોઈ સોઈ ભોંકી રહ્યું છે."

"ખરી પીડાનો અનુભવ બધું પુરું થયા બાદ થયો હતો. પેશાબ કરવામાં એ પછી ઘણાં દિવસો સુધી તકલીફ થતી હતી. તીવ્ર પીડાને કારણે હું રડી પડતી હતી."

તમને આ પણ વાંચવું ગમશે

નિશરીન મોટાં થયાં ત્યારે ખબર પડી હતી કે તેમનું ખતના કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે પુરુષોનું ખતના કરવામાં આવતું હોય છે, પણ દુનિયાના કેટલાક દેશોમાં સ્ત્રીઓએ પણ આ ખતરનાક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

આ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતમાં બોહરી એટલે કે વોહરા મુસ્લિમ સમુદાય(દાઉદી અને સુલેમાની બોહરા)માં આ પ્રથા ચલણમાં છે.

ભારતમાં વોહરા સમુદાયના લોકો મોટેભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વસે છે.

કુલ દસ લાખથી વધુ લોકોની વસતી ધરાવતો આ સમુદાય ઘણો સમૃદ્ધ છે. દાઉદી વહોરા સમુદાય ભારતમાં સૌથી વધુ શિક્ષિત સમાજ પૈકીનો એક છે.

નિશરીન સૈફ વોહરા સમુદાયમાંથી આવે છે અને એ કારણસર બાળપણમાં તેમનું ખતના કરવામાં આવ્યું હતું.

મહિલાઓનું ખતના એટલે શું?

ઇમેજ કૅપ્શન,

સાંકેતિક તસ્વીર

ખતનાને 'ખફ્દ' અથવા 'ફીમેલ જેનિટલ મ્યુટિલેશન' (એફજીએમ) પણ કહેવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રની પરિભાષા અનુસાર, 'એફજીએમની પ્રક્રિયામાં છોકરીના જનનાંગના બહારી હિસ્સાને કાપી નાખવામાં આવે છે અથવા તેની બહારની ત્વચા કાઢી નાખવામાં આવે છે.'

આ પ્રક્રિયાને સંયુક્ત રાષ્ટ્રસંઘ માનવાધિકારનું ઉલ્લંઘન ગણે છે.

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 2012ના ઓગસ્ટમાં એક ઠરાવ પસાર કર્યો હતો. એફજીએમની પ્રક્રિયા પર સમગ્ર વિશ્વમાં પૂર્ણવિરામ મૂકવાનો સંકલ્પ એ ઠરાવમાં કરવામાં આવ્યો હતો.

મહિલાઓ પરના ખતના બાબતે જાગૃતિ ફેલાવવા અને તેને રોકવાના હેતુસર સંયુક્ત રાષ્ટ્રસંઘે દર વર્ષની છઠ્ઠી ફેબ્રુઆરીને 'ઈન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર એફજીએમ' જાહેર કર્યો છે.

કઈ રીતે કરવામાં આવે છે ખતના?

ઇમેજ કૅપ્શન,

ખતના માટે પરંપરાગત રીતે બ્લેક કે ચાકુનો ઉપયોગ કરવામાં આવે છે.

છોકરીઓનું ખતના તેઓ કિશોરાવસ્થામાં પ્રવેશે એ પહેલાં એટલે કે છ-સાત વર્ષની હોય ત્યારે જ કરી નાખવામાં આવે છે.

ખતના અનેક રીતે કરવામાં આવે છે. તેમાં ક્લિટરિસના બહારના હિસ્સામાં કાપ મૂકવામાં આવે છે કે તેના બહારના હિસ્સાની ત્વચા કાઢી નાખવામાં આવે છે.

ખતના કરતાં પહેલાં એનેસ્થૅસિયા આપવામાં આવતો નથી. તેથી ખતના વખતે બાળકીઓ પૂર્ણપણે જાગૃત અવસ્થામાં હોય છે અને પારાવાર પીડાને કારણે ચીસો પાડતી રહે છે.

ખતના માટે પરંપરાગત રીતે બ્લેડ કે ચાકુનો ઉપયોગ કરવામાં આવે છે.

ખતના કર્યા બાદ હળદર, ગરમ પાણી અને મલમ લગાડીને પીડા ઘટાડવાના પ્રયાસ કરવામાં આવે છે.

વોહરા સમુદાયનાં ઈંસિયા દરીવાલાના જણાવ્યા અનુસાર, 'ક્લિટરિસ'ને વોહરા સમાજમાં 'હરામ કી બોટી' કહેવામાં આવે છે.

ઈંસિયા દરીવાલા કહે છે, "ક્લિટરિસ કાઢી નાખવાથી છોકરીની કામેચ્છામાં ઘટાડો થશે અને એ લગ્ન પહેલાં સેક્સ માણશે નહીં એવું માનવામાં આવે છે."

ખતના માટે છેતરામણી

ઇમેજ કૅપ્શન,

ઈંસિયા દરીવાલા

ઈંસિયા નસીબદાર છે, કારણ કે તેમનાં મમ્મીએ તેમને ખતનાની પીડા સહન કરવામાંથી બચાવી લીધાં હતાં.

ઈંસિયા કહે છે, "મારી મમ્મીએ મને બચાવી લીધી હતી, પણ મારાં મોટાંબહેનને બચાવી શક્યાં ન હતાં."

"અમારા પરિવારનાં એક મહિલા મારાં મોટાંબહેનને ફિલ્મ દેખાડવાના બહાને લઈ ગયાં હતાં અને તેમના પર ખતનાં કરાવ્યું હતું."

ઈંસિયાનાં મમ્મી ખ્રિસ્તી સમુદાયનાં છે. તેથી તેઓ ખતના બાબતે કશું જાણતાં ન હતાં.

પોતાની મોટી દીકરીનું ખતના છેતરામણીથી કરાવવામાં આવ્યું હોવાની ખબર પડી અને દીકરીને પારાવાર પીડા સહન કરતી જોઈ ત્યારે તેમણે નાની દીકરીનું ખતના નહીં થવા દેવાનો નિર્ણય કર્યો હતો.

ઈંસિયા કહે છે, "મમ્મીના નિર્ણયથી પરિવારના વડીલો પહેલાં બહુ નારાજ હતા, પણ એ વાત ધીમે-ધીમે ભૂલાવી દેવામાં આવી હતી."

"મેં મારાં બહેનની પીડા નજીકથી નિહાળી છે એટલે હું એ ક્રૂર પ્રથા સામે આજે ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહી છું."

40 વર્ષનાં નિશરીન પણ બે બાળકીઓનાં માતા છે અને તેમણે પણ તેમની દીકરીઓનું ખતના નહીં કરાવવાનો નિર્ણય કર્યો છે.

નિશરીન કહે છે, "ખતનાનું કૃત્ય તો બાળકોની જાતીય સતામણી જેવું છે. મારું ખતના તો થયું પણ મારી દીકરીઓ સાથે એવું નહીં થવા દઉં."

ખતના અને સ્ત્રીઓની જિંદગી

ઇમેજ કૅપ્શન,

સાંકેતિક તસ્વીર

નિશરીન કહે છે, "ખતનાને લીધે સ્ત્રીઓએ શારીરિક પીડા તો ભોગવવી જ પડે છે. એ ઉપરાંત મહિલાઓ જાતજાતની માનસિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે."

"ખતનાને કારણે તેમની સેક્સ લાઇફ પર માઠી અસર થાય છે અને તેઓ સેક્સ માણી શકતાં નથી."

નિશરીન માને છે કે બાળપણમાં ખતના થયા બાદ છોકરીઓ માટે કોઈનો ભરોસો કરવાનું મુશ્કેલ બની જાય છે, કારણ કે મોટેભાગે ઘરના જ લોકો તેમને ફોસલાવીને ખતના માટે લઈ જતા હોય છે.

નિશરીન કહે છે, "બાળપણમાં પેદા થયેલો અવિશ્વાસ લાંબા સમય સુધી યથાવત રહે છે અને તેની અસર સ્ત્રીઓના જીવન પર કોઈને કોઈ સ્વરૂપે જોવા મળતી રહે છે."

'સહિયો' અને 'વી સ્પીક આઉટ' જેવી સંસ્થાઓ ભારતમાં એફજીએમને ગુનો જાહેર કરવાની અને તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી રહી છે.

ઑસ્ટ્રેલિયા, કેનેડા, બેલ્જિયમ, બ્રિટન, અમેરિકા, સ્વીડન, ડેન્માર્ક અને સ્પેન જેવા અનેક દેશો ખતનાને ગુનો જાહેર કરી ચૂક્યા છે.

ભારતમાં પ્રતિબંધ કેમ નથી?

ઇમેજ કૅપ્શન,

'વી સ્પીક આઉટ'નાં સ્થાપક માસૂમા રાનાલવી.

સુપ્રીમ કોર્ટે એફજીએમ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક અરજીની તાજેતરમાં નોંધ લઈને મહિલા તથા બાળ કલ્યાણ મંત્રાલયનો જવાબ માગ્યો હતો.

મંત્રાલયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દેશના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્ઝ બ્યૂરો (એનસીઆરબી)માં એફજીએમ સંબંધી કોઇ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી. તેથી સરકાર એ બાબતે કોઈ નિર્ણય લઈ શકે નહીં.

'વી સ્પીક આઉટ'નાં સ્થાપક માસૂમા રાનાલવી કહે છે, "દેશમાં એફજીએમને ગુનો નહીં ગણવામાં આવે ત્યાં સુધી એનસીઆરબી પાસે તેના આંકડા ક્યાંથી આવે, એ સરકાર સમજતી નથી."

માસૂમા ઉમેરે છે, "બીજી વાત, છોકરીઓ નાની હોય ત્યારે જ તેમના પર ખતના કરવામાં આવે છે. એ વયમાં પોલીસને એફજીએમ બાબતે કઈ રીતે જણાવવું એ છોકરીઓ ખબર હોતી નથી."

"એ ઉપરાંત છોકરીઓ પર ખતના તેમના ઘરવાળા જ કરાવતા હોય છે ત્યારે તેની વાત બહાર કઈ રીતે આવશે?"

ઈંસિયા સૂચવે છે કે સરકારે વોહરા સમુદાય અને એફજીએમ સંબંધે કરવામાં આવેલા સંશોધનનો અભ્યાસ કરવો જોઈએ. એ કામ કરનારાઓ સાથે વાત કરવી જોઈએ અને ફેંસલો કરવો જોઈએ.

ડોક્ટરો પણ સામેલ

ઇમેજ કૅપ્શન,

સાંકેતિક તસ્વીર

ઈંસિયા કહે છે, "સરકારે વોહરા સમુદાયના ધાર્મિક નેતાઓ સાથે પણ વાત કરવી જોઈએ. આ અમાનવીય પરંપરા પર પૂર્ણવિરામ મૂકવાનું ધાર્મિક નેતાઓની દરમ્યાનગીરી વિના અશક્ય છે."

માસૂમાના જણાવ્યા અનુસાર, ખતના સંબંધે હવે નવી રીત જોવા મળી રહી છે.

શિક્ષિત અને હાઈ પ્રોફાઈલ વોહરા પરિવારો તેમની દીકરીઓ પર ખતના કરાવવા માટે ડોક્ટરો પાસે લઈ જાય છે.

માસૂમા કહે છે, "ખતના મેડિકલ પ્રેક્ટિસ નથી. તેથી ડોક્ટરો એ વિશે કશું જાણતા હોતા નથી. તેમ છતાં પૈસા માટે તેઓ ખતના કરી આપતા હોય છે."

"આ બધું ગૂપચૂપ કરવામાં આવે છે અને એ વિશે કોઈ વાત કરતું નથી."

માસૂમાએ આ સંબંધે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે, પણ તેનો કોઈ પ્રત્યુતર મળ્યો નથી.

માસૂમા કહે છે, "એફજીએમ રોકવા માટે આપણે ડોક્ટરોની મદદ લેવી પડશે."

"જે રીતે બાળકના જન્મ પહેલાં લીંગ પરીક્ષણને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું છે એ રીતે ખતનાને પણ ગેરકાયદે જાહેર કરવું જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો