મળો સુરતની યુવતીઓનાં 'પૅડદાદી'ને

મીના મહેતાની તસવીર Image copyright ATUL MEHTA

"ભારતમાં લોકો ઘણી વસ્તુઓનું દાન કરે છે પણ સૅનિટરી પૅડ અને આંતરવસ્ત્રોનું દાન સૌથી ઓછું કરવામાં આવે છે, પણ જેઓ આ વસ્તુ ખરીદવા માટે અસમર્થ હોય તેમની પરિસ્થિતિ શું હશે?"

આ ચિંતાજનક વિચાર સુરતના 62 વર્ષીય મીના મહેતાનો છે.

જેમને સુરતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતી કિશોરીઓ 'પૅડવાલી દાદી' અને સ્લમ વિસ્તારની યુવતીઓ 'પૅડવાલી બાઈ'ના હૂલામણા નામથી ઓળખે છે.

આપ 'પૅડમૅન' વિશે તો જાણતા હશો પણ આ પૅડવાલી દાદી વિશે તમને કદાચ ખબર નહીં હોય.

દર મહિને 5000 પૅડ વહેંચતા મીના મહેતા સ્કૂલેસ્કૂલે ફરીને જરૂરિયાતમંદ કિશોરીઓને અને સ્લમ વિસ્તારોમાં રહેતી યુવતીઓને મફતમાં એક કિટ આપે છે.

આ કિટ એવી છે જેના વિશે જાણીને ઇન્ફોસિસના સુધામૂર્તિ પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.

Image copyright ATUL MEHTA
ફોટો લાઈન અભિયાનને લીધે કિશોરીઓમાં પીરિયડ્સને લઈને સમજ પણ વિકસી છે

દાદીનું કહેવું છે, "કેટલાકનું માનવું છે કે, 'પૅડદાદી'નાં કિટ અને અભિયાન અસરકારક છે અને તેનાથી સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓની હાજરી વધવા લાગી છે અને કિશોરીઓમાં પીરિયડ્સને લઈને સમજ પણ વિકસી છે."

તેમનું માનવું છે કે માત્ર પૅડ આપવાથી સમસ્યા ખતમ નથી થઈ જતી.

આથી તેઓ પૅડવાળી એક કિટ આપે છે જેમાં આઠ સૅનિટરી પૅડ, બે અન્ડર વેર, શેમ્પૂના ચાર પડીકી અને એક સાબુ હોય છે.

આ સમગ્ર અભિયાન અંગે મીના મહેતાએ બીબીસી સાથે વાતચીત કરી.

Image copyright ATUL MEHTA
ફોટો લાઈન પૅડ વહેંચી રહેલા મીના મહેતા

પણ ગરીબ પરિવારની મહિલાઓ-કિશોરીઓ તેમના પીરિયડ્સ દરમિયાન સૅનિટરી પૅડ ખરીદવા અસમર્થ હોય તેમનું શું?

કેમ કે, આનું દાન તો કોઈ ખાસ કરતું જ નથી. આથી પૅડ અને આંતરવસ્ત્રોના અભાવને લીધે તેમને ઇન્ફેક્શન થાય છે.

જે ભવિષ્યમાં બાળકના જન્મ વખતે નુકશાનકારક પુરવાર થઈ શકે છે.


કઈ રીતે થઈ અભિયાનની શરુઆત?

Image copyright ATUL MEHTA

મીના મહેતાઓ કહ્યું, "વર્ષ 2012માં મેં આ અભિયાનની શરૂઆત કરી હતી પણ તેને શરૂ કરવાનો વિચાર મને 2004માં આવ્યો હતો."

"2004માં ચેન્નાઇમાં ત્સુનામી આવી હતી અને લોકોના ઘર અને સામાન બરબાદ થઈ ગયા હતા.

"આથી ઇન્ફોસિસના સુધામૂર્તિએ ચેન્નાઇમાં ચાર ટ્રક ભરીને સૅનિટરી પૅડ મોકલ્યા હતા.

"સુધામૂર્તિનો વિચાર હતો કે લોકો તરફથી અસરગ્રસ્તોને ખોરાક અને અન્ય સમાન મળશે પણ સૅનિટરી પૅડ કોણ ડોનેટ કરશે.

"જેમના ઘર જ નથી તેવી કિશોરીઓને પીરિયડ્સ આવશે તો તેઓ શું કરશે?

"આ વિચાર અને ઘટનાએ મને મારું અભિયાન શરૂ કરવા પ્રેરણા આપી હતી."

Image copyright ATUL MEHTA
ફોટો લાઈન મદરેસાની વિદ્યાર્થીની તેમની પૅડવાલી દાદી સાથે

"ત્યારબાદ એક અન્ય ઘટના બની પછી મેં ફાઇનલી અભિયાન શરૂ કરી દીધું."

"બન્યું એવું હતું કે મેં બે કિશોરીઓને કચરામાંથી બે પૅડ લેતી જોઈ."

"મેં તે બન્નેને પૂછ્યું કે, 'આ પૅડનું તેઓ શું કરશે?' જવાબ મળ્યો કે, અમને અહીંથી વપરાયેલા પૅડ મળે એટલે અમે તેને ઘરે લઈ જઈને ધોઈને ઉપયોગમાં લઈએ છીએ."

"આમ કચરામાંથી પૅડ શોધતી બાળકીઓને જોઈને મારું દિલ ભરાઈ આવ્યું હતું."

Image copyright ATUL MEHTA

તેમણે વધુમાં ઉમેર્યું, "પ્રારંભમાં અમારું ઘરકામ કરતી મહિલા, ફૂલવાળી અને અન્ય પાંચ કિશોરીઓને વિતરણ કરીને શરૂઆત કરી હતી."

"ત્યાર બાદ સ્કૂલના મંચથી તેને વિસ્તારવાનો પ્રયાસ કર્યો."

"શરુઆતમાં મારા પતિએ 25 હજાર રૂપિયા આપ્યા હતા તેનાથી પૅડ ખરીદતી હતી. પણ પછીથી લોકો તરફથી મદદ મળવા લાગી."

"મારા પતિ અતુલ મહેતાની મદદ વગર આ બધું શક્ય જ ન હતું. અમે બન્ને સાથે જ પૅડ વહેંચવા માટે બધે જઇએ છીએ"


જ્યારે ઇન્ફોસિસના સુધામૂર્તિએ પ્રસંશા કરી

Image copyright ATUL MEHTA
ફોટો લાઈન વિદ્યાર્થિનીઓ સાથે મીના મહેતા

સુધામૂર્તિ સાથેના અનુભવ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, જ્યારે હું તેમને મળી ત્યારે મારી કિટમાં 'પેન્ટી' કેમ આપું છું તે વિશે સુધાજીને આશ્ચર્ય હતું.

આથી મેં તેમને સાથે એક ઘટના વિશે જણાવતા કહ્યું કે, એક દિવસ હું જ્યારે સ્કૂલમાં પૅડ વહેંચવા ગઈ હતી, ત્યારે એક કિશોરીએ મને આવીને કાનમાં એક વાત કહી હતી.

તેણે કહ્યું હતું કે, દાદી તમે પૅડ, તો આપો છો પણ અમારી પાસે તેને પહેરવા માટે પેન્ટી જ નથી.

"એટલા માટે હું કિટમાં પેન્ટી પણ આપું છું. આ વાત સાંભળીને સુધાજીએ કહ્યું કે, તેઓ આટલા વર્ષોથી મહિલાઓની સહાય માટે કામ કરે છે પણ તેમને ક્યારેય આવો વિચાર કેમ ન આવ્યો?"

"આટલું કહીને તેમણે તેમના હાથમાં રહેલો ગુલદસ્તો મને આપી દીધો અને સન્માન કર્યું. "

"તેમણે બે વખત મને એક એક લાખ રૂપિયાના પૅડ મોકલી આપ્યા હતા."


આફ્રિકા-હોંગકોંગથી મદદ આવી

Image copyright HYPE PR
ફોટો લાઈન ફિલ્મ 'પૅડમૅન'નું દ્રશ્ય

તેમને અભિયાન માટે આર્થિક સહાય વિશે તેમણે કહ્યું કે, તેમને આફ્રિકા અને હોંગકોંગથી બે વ્યક્તિ શોધતી શોધતી સુરત આવી હતી.

આ બન્નેએ તેમનું કામ જોયું અને પૅડ ખરીદવા માટે સહાય કરી હતી.

વળી લંડનમાં સ્થાયી થયેલા સુરતના લોકો જ્યારે ગુજરાત આવે છે ત્યારે તેમને સહાય કરે છે.

આ નાણાંથી તેમણે એક માનુની ફાઉન્ડેશન બનાવ્યું જે વિવિધ સામાજિક કાર્ય માટે કામ કરે છે.


પૅડ મેળવતી કિશોરીઓની વાત

Image copyright ATUL MEHTA

"અમે અત્યાર સુધી પાંચ વર્ષમાં એક લાખથી વધુ પૅડ આપી ચૂક્યા છીએ."

"પૅડ લેનારી મહિલાઓ જાતે જ કહે છે કે તેમના હવે ખંજવાળ નથી આવતી અને તેઓ સારી રીતે કામ કરી શકે છે."

"હું આ બધું પ્રસિદ્ધિ માટે નથી કરતી. લોકોને ભેગા કરીને તસવીરો પડાવવામાં નથી માનતી. "

"રસ્તે જતી કિશોરીને પણ હું પૂછી લઉં છું કે તેને પૅડની જરૂર છે કે કેમ. મારી ગાડીમાં પણ ચાર પૅડ સાથે જ રાખું છું."

"જ્યારે મેં શરૂઆત કરી ત્યારે આ વિષય સંવેદનશીલ હતો. કોઈ તેના અંગે ચર્ચા નહોતું કરતું. "

"લોકો મને કહેતા કે જમવાનું આપો કે ધાબળા-કપડાં આપો પણ મને લાગ્યું કે ના મારે પૅડ જ આપવા છે."

વધુમાં તેઓ સ્લમની કિશોરીઓને આંતરવસ્ત્રો પણ આપે છે.

તેઓ સ્લમમાં રહેતી 4થી 11 વર્ષની નાની બાળાઓને આંતરવસ્ત્રો અને કપડાં પણ આપે છે.

કેમકે તેમનું કહેવું છે કે આ કિશોરીઓના માતાપિતા કામ પર જતા રહેતા હોય છે આથી જાતીય સતામણીની ભીતિ રહેતી હોવાના કારણે હું આંતરવસ્ત્રો આપું છું.


પીરિયડ્સ વિશે મીનાબહેનનો મત

Image copyright ATUL MEHTA
ફોટો લાઈન મીના મહેતા

તેઓ આ અંગેની માનસિકતાના વિરોધમાં સવાલ સાથે પૂછે છે, "શું પાપડના ગૃહ ઉદ્યોગમાં મહિલાઓ કામ કરે છે, તો શું પાપડ લાલ થઈ જાય છે."

"શું શાકભાજી લેવા જાવ છો ત્યારે શાકભાજીવાળીને પૂછો છો કે તે પીરિયડમાં છે કે કેમ?"

"ગરીબ દીકરીઓ નોકરી પર નહીં જશે તો તેમનું ઘર કઈ રીતે ચાલશે.?"

"આથી પીરિયડ્સમાં તેમને ઘરના એક ખૂણામાં બેસાડી દેવું અયોગ્ય છે.

તેમણે સ્લમની બાળાઓ અને મહિલાઓ માટે પૅડમેન ફિલ્મના બે શૉ બુક કરાવ્યા છે.

એક શૉ સ્લમના પરુષો માટે બુક કરવા તેઓ કોશિશ કરી રહ્યા છે પણ પુરુષો સંમત નથી થઈ રહ્યા.

તે સ્લમમાં રહેતા પુરુષો સમક્ષ તેમની પુત્રી-પત્ની કઈ પીડામાંથી પસાર થાય છે તે બતાવવા માંગે છે.

અંતે તેઓ તેમના કામના મંત્ર વિશે કહે છે,"અવેરનેસ આપવાથી ફેલાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ