બીબીસી સ્પેશિયલ: 'અમને દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી'

  • હૃદય વિહારી
  • બીબીસી તેલુગૂ સંવાદદાતા, અનંતપુર

'અમને 80 હજાર રૂપિયામાં વેચવામાં આવ્યાં હતાં.'

'મને દોઢ લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી.'

'મને પાંચ લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી.'

આ કોઈ વસ્તુના ભાવ નથી, પણ એ છોકરીઓના ભાવ છે, જેમને દલાલોએ દેહ વ્યાપારીઓને વેચી મારી હતી.

આંધ્ર પ્રદેશના રાયલસીમા વિસ્તારમાંના અનંતપુર અને કડપ્પા જિલ્લાઓ કારમા દુષ્કાળથી પ્રભાવિત છે.

આ જિલ્લાઓમાંથી છોકરીઓને દિલ્હી, મુંબઈ તથા પૂણે જેવાં શહેરોમાં લઈ જઈને વેચી મારવામાં આવે છે.

બિન-સરકારી સંગઠનોનો દાવો છે કે છોકરીઓની તસ્કરીની આ જાળ છેક સાઉદી અરેબિયા જેવા દેશો સુધી ફેલાયેલી છે, પણ પોલીસ કહે છે કે પરિસ્થિતિમાં હવે સુધારો થયો છે.

બીબીસીએ દેહવિક્રય વ્યવસાયમાંથી મુક્ત કરાવવામાં આવેલી અનંતપુર જિલ્લાની ત્રણ છોકરીઓ સાથે વાત કરી હતી.

આ છોકરીઓએ લાંબા સમય સુધી શારીરિક તથા ભાવનાત્મક પીડા ભોગવી હતી. એ છોકરીઓની આપવીતી તેમના જ શબ્દોમાં વાંચો.

તમને આ પણ વાંચવું ગમશે

રમા દેવીની શોષણકથા

"મારું નામ રમાદેવી છે. હું બાર વર્ષની હતી ત્યારે મને પરણાવી દેવામાં આવી હતી.

"સાસરીમાં મારું શોષણ કરવામાં આવ્યું હતું. એક દીકરીને જન્મ આપ્યા પછી પણ એ શોષણ ચાલતું રહ્યું હતું.

"એ માનસિક તાણ સહન ન થઈ ત્યારે હું મારા પિયર પાછી આવી ગઈ હતી.

"પિયરમાં મારી મુલાકાત પુષ્પા સાથે થઈ હતી. પુષ્પા વિકલાંગ હતી અને એક હોટેલમાં કામ કરતી હતી.

"એક મહિલા રોજ અમારા ખબરઅંતર પૂછતી હતી. એક દિવસ એ મહિલા અમને ફિલ્મ જોવા લઈ ગઈ હતી.

"હું મારી દીકરીને મારા માતા પાસે છોડીને ફિલ્મ નિહાળવા ગઈ હતી.

"અમે ભાનમાં આવ્યાં, ત્યારે એક અજાણી જગ્યાએ હતાં. ત્યાં લોકો હિંદીમાં વાત કરતા હતા, જે અમે સમજી શકતાં ન હતાં.

"ત્રણ દિવસ પસાર થયા પછી અમને ખબર પડી હતી કે એ મહિલાએ મને અને પુષ્પાને 80,000 રૂપિયામાં મહારાષ્ટ્રના ભિવંડીમાં વેચી માર્યાં હતાં.

"અમે બહુ વિનવણી કરી પણ કોઈને અમારા પર દયા ન આવી. એ વખતે મારી દીકરી માત્ર છ વર્ષની હતી.

"મારાં ઘરેણાં ઉતરાવી લેવામાં આવ્યાં હતાં. તેમાં મારાં મંગલસૂત્ર અને પગમાં પહેરવાનાં વીંછિયાનો સમાવેશ થતો હતો.

"તેમણે પુષ્પા પર પણ દયા દાખવી ન હતી.

"અમારા નવા માલિકો તેમને ત્યાં આવતા પુરુષોને લલચાવવા કહેતા હતા.

"છ મહિના પસાર થઈ ગયા. એ દરમ્યાન હું મારી દીકરીને યાદ કરીને બહુ રડતી હતી.

"મેં એકવાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પણ મને પકડી પાડવામાં આવી હતી.

તેમણે મારા હાથ-પગ બાંધી દીધાં હતાં. તેઓ મારી આંખોમાં મરચાંની ભૂકી પણ નાખી દેતા હતા. તેથી પારાવાર પીડા થતી હતી.

"તેમણે અમને ક્યારેય પેટ ભરીને ભોજન આપ્યું ન હતું. અપૂરતી ઉંઘ અને ખોરાક વિનાની એ હાલતમાં હું એક વર્ષ રહી હતી.

"મારા બળવાખોર સ્વભાવને કારણે મને મુક્ત કરવા તેઓ એકવાર તૈયાર થઈ ગયા હતા, પણ પુષ્પાને છોડવા રાજી ન હતા.

"પુષ્પાની મુક્તિ માટે પણ મારે લડવું પડ્યું હતું.

"તેમણે અમને બે હજાર રૂપિયા આપ્યા હતા અને જણાવ્યું હતું કે એ અમારી એક વર્ષની કમાણી છે.

"હું ઘરે પાછી ફરી ત્યારે પરિવારજનોએ કહ્યું હતું કે તેઓ હું મરી ગયાનું માનતા હતા.

"મારા પરિવારજનો અત્યંત ગરીબ અવસ્થામાં હતા. તેમની પાસે મારું અને મારી દીકરીનું પેટ ભરવાની કોઈ આવક ન હતી.

"મેં મારી દીકરીને ખોળામાં લઈને પૂછ્યું કે તારી મા ક્યાં છે તો તેણે કહ્યું કે મા તો મરી ગઈ છે.

"એ વખતે હું મારી લાગણીને કાબૂમાં રાખી શકી ન હતી. દીકરીનો જવાબ સાંભળીને મને આપઘાત કરવાનો વિચાર આવ્યો હતો.

"પછી મને સમજાયું કે મારી માફક કેટલીય છોકરીઓ ભિવંડીનાં વેશ્યાલયોમાં પીડાનો સામનો કરી રહી છે.

"મેં એવી છોકરીઓને ઉગારવાનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધીમાં ભિવંડીમાંથી અમે કુલ 30 છોકરીઓને ઉગારી છે."

છોકરીઓની સન્માનજનક જિંદગી છીનવી લેનારા લોકોની ધરપકડ કરવી જોઈએ એવું રમા દેવી કહે છે.

રમા દેવી વેશ્યાલયના નરકમાંથી 2010માં બહાર નીકળી શક્યાં હતાં, પણ તેમને સરકારી સહાય મળવામાં બે વર્ષ લાગ્યાં હતાં.

2012માં તેમને 10,000 રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવ્યા હતા.

રમા દેવી વેશ્યાલયમાંથી બહાર આવી ગયાં છે, પણ તેમના જીવનસ્તરમાં કોઈ સુધારો થયો નથી.

રમા દેવી હાલ તેમના પતિ સાથે રહે છે અને બન્ને મજૂરી કરે છે.

પાર્વતીની પીડાની કથા

"મારું નામ પાર્વતી છે અને હું બે સંતાનોની માતા છું.

"મારા પતિને પેરેલિસિસ થયો હતો. તેથી ઘર ચલાવવા હું સાઉદી અરેબિયા ગઈ હતી.

"મેં વિચાર્યું હતું કે નોકરાણી તરીકે કામ કરીને હું થોડા પૈસા કમાઇશ અને તેમાંથી મારું ઘર ચાલતું રહેશે.

"એક દલાલે નોકરીના નામે મને સાઉદી અરેબિયાના એક પરિવારને વેચી મારી હતી.

"શરૂઆતમાં એક અઠવાડિયા સુધી મને ઘરમાં રાખવામાં આવી હતી, પણ પછી જે જગ્યાએ મોકલવામાં આવી એ જગ્યા નરક જેવી હતી.

"એ નવા ઘરમાં અનેક પુરુષો રહેતા હતા. 90 વર્ષના એક પુરુષે ત્યાં મારા પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો, પણ હું તેની ચુંગાલમાંથી છટકી ગઈ હતી.

"બીજા દિવસે ઘરના માલિકના દીકરાએ મારા પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. તેમણે મારા શરીર પર સિગારેટ વડે ડામ દીધા હતા.

"ઘરમાં રહેતા લોકોની વાત સાંભળું એ માટે તેમણે મને મજબૂર કરી હતી.

"મારે મારા દીકરાની વયના છોકરા સાથે સહશયન કરવું પડ્યું હતું.

"એ છોકરાએ મારા પર બળાત્કાર કર્યો, ત્યારે તેને તેનો બાપ મોબાઇલ ફોન પર પોર્ન વીડિયો દેખાડી રહ્યો હતો.

"તેમણે એક અઠવાડિયા સુધી મને ભોજન આપ્યું ન હતું. પાણી પણ મેં બાથરૂમની ટાંકીમાંથી પીધું હતું.

"મેં વિચારેલું કે આવો અત્યાચાર સહન કરવા કરતાં ઝેર ખાઈને આપઘાત કરી લેવો જોઈએ.

"હું પીરિયડમાં હોઉં, ત્યારે પણ તેઓ મને છોડતાં ન હતાં.

"ઘરમાં જે મહેમાનો આવતા હતા તેઓ પણ મારું શોષણ કરતા હતા.

"તેઓ દિવસે મારી પાસે નોકરાણીની માફક કામ કરાવતાં હતાં, જ્યારે રાતે મારું શારીરિક શોષણ કરતાં હતાં."

"આ વાત મેં મારા વચેટિયાને કરી, ત્યારે તેણે જણાવ્યું હતું કે મને પાંચ લાખ રૂપિયામાં વેચવામાં આવી છે.

"એક દિવસ મેં એ ઘરમાંથી બહાર નીકળવાનો અને તેમની સામે અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો.

"આખરે તેમણે મને મુક્ત કરી હતી અને પોલીસની મદદ વડે ભારત પરત આવી શકી હતી.

"હવે અમે માત્ર બાજરો ખાઈને જીવી રહ્યા છીએ.

"મેં અને મારા પતિએ કેરળ જઈને મજૂરી કરવાનો નિર્ણય કર્યો છે. કેરળમાં દિવસના 500 રૂપિયા મજૂરી મળે છે એવું સાંભળ્યું છે.

"કામ મળશે તો ત્યાં જઈશ. નહીં મળે તો ભીખ માગીને પેટ ભરીશ.

"મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી."

પાર્વતીને 2016માં સાઉદી અરેબિયામાંથી મુક્ત કરાવવામાં આવ્યાં હતાં. 2017માં તેમને સરકારી સહાય તરીકે 20,000 રૂપિયા આપવામાં આવ્યા હતા.

મામાએ કર્યું લક્ષ્મીનું શોષણ

વેશ્યાવૃત્તિની જાળમાં ફસાયેલી આવી જ એક મહિલા છે લક્ષ્મી.

લક્ષ્મીનાં લગ્ન તેના સગા મામા સાથે કરવામાં આવ્યાં હતાં. દક્ષિણ ભારતનાં કેટલાય જિલ્લાઓમાં મામા-ભાણેજનાં લગ્નની પરંપરા છે.

લક્ષ્મીના જણાવ્યા અનુસાર, મામા તેના પર હંમેશા શંકા કરતા કરતા હતા અને શોષણ પણ કરતા હતા.

લક્ષ્મીએ કહ્યું હતું, "એક દિવસ મામાએ મારી શરીર પર કેરોસીન રેડ્યું હતું

"તેઓ મને આગ ચાંપે એ પહેલાં હું ઘરમાંથી બહાર ભાગી ગઈ હતી.

"એમ છતાં તેમણે મને છોડી ન હતી. તેમણે રસ્તા વચ્ચે મારાં બધાં વસ્ત્રો કાઢી નાખ્યાં હતાં.

"એક મહિલાને મારા પર દયા આવી હતી. તેણે મને હૈદરાબાદમાં કામ અપાવવાનું વચન આપ્યું હતું.

"એ મહિલા મને હંમેશા સમજાવતી કે હું મારા પતિને છોડીને હૈદરાબાદ જાઉં તો મહિને 10,000 રૂપિયા સુધીની કમાણી કરી શકું.

"હું મારાં માતા-પિતા પર બોજ બની રહી હોવાનું એ મહિલા મને વારંવાર કહેતી હતી.

"એ મહિલાની વાત ધીમે-ધીમે મારા ગળે ઉતરી હતી. હું ઘરમાં કોઈને કહ્યા વિના હૈદરાબાદ કામ કરવા ચાલી ગઈ હતી."

"અગાઉ ક્યારેય હું હૈદરાબાદ ગઈ ન હતી. હું એ મહિલા સાથે હૈદરાબાદ પહેલીવાર ગઈ હતી.

"અમે બસમાં પ્રવાસ કરીને કાદિરીથી ધર્માવરમ પહોંચ્યાં હતાં, જ્યાં એ મહિલાએ મારી મુલાકાત બે પુરુષો સાથે કરાવી હતી.

"એ પુરુષોએ મને બુરખો પહેરી લેવા જણાવ્યું હતું.

"તેનું કારણ મેં પૂછ્યું ત્યારે તેમણે મને જણાવ્યું હતું કે કોઈ મને જોઈ જશે તો સાથે લઈ જશે.

"ધર્માવરમથી અમે ટ્રેનમાં બેઠાં હતાં. મને પછી ખબર પડી હતી કે હૈદરાબાદને બદલે હું દિલ્હી પહોંચી ગઈ છું.

"દિલ્હી ટ્રેનમાંથી ઉતર્યા બાદ એક મહિલા અમને તેના ઘરે લઈ ગઈ હતી. એ દિલ્હીનો જી. બી. રોડ વિસ્તાર હતો.

"એ ઘરમાં લગભગ 40 છોકરીઓ હતી. બધી છોકરીઓએ જીન્સ કે મિનિ સ્કર્ટ પહેર્યાં હતાં. લિપસ્ટિક લગાવી હતી.

"એક દિવસ એ મહિલા મને બ્યૂટી પાર્લરમાં લઈ ગઈ હતી. મેં તેનું કારણ પૂછ્યું તો એ મહિલાએ મને જણાવ્યું હતું એ મને પણ પેલી છોકરીએ જેવી બનાવી દેશે.

"મારી સાથે જે થઈ રહ્યું હતું તેનો મેં એક મહિના સુધી વિરોધ કર્યો હતો.

"મને ભૂખી રાખવામાં આવી હતી. એક ખુરશી પર બેસાડીને મારા હાથ-પગ બાંધી દેવામાં આવ્યાં હતાં.

"મારી આંખોમાં મરચાંની ભૂકી નાખવામાં આવતી હતી અને મારા મોંમાં પણ બળજબરીથી મરચાંની ભૂકી ઠૂંસી દેવામાં આવતી હતી.

"એ કારણે મારા મોંમાં અલ્સર થઈ ગયું હતું. હું એક મહિના સુધી જમી શકી ન હતી."

"આખરે હું હારી ગઈ હતી. જીવ બચાવવા માટે મારે તેમની વાત માનવી પડી હતી.

"મને ગ્રાહકો પાસે મોકલવામાં આવી એ અનુભવ પણ નરક જેવો હતો.

"ગ્રાહકો મારા શરીર પર સિગારેટથી ડામ આપતા હતા. પોતાની ઇચ્છાઓ સંતોષવા મને ઇશારા પર નચાવતા હતા.

"જે છોકરીઓ તાબે થતી ન હતી તેમને સેક્સ માટે ઉત્તેજનાનાં ઇન્જેક્શન આપવામાં આવતાં હતાં. મારી સાથે પણ એવું કરવામાં આવ્યું હતું.

"ઘરની રખેવાળી કરતા એક ગાર્ડે મને 1,000 રૂપિયા આપીને મને એક દિવસ ભગાડી મૂકી હતી.

"તણાવ અને શોષણના એ સમય બાદ હું ફરી એકવાર મારા મામાના ઘરે પાછી પહોંચી, ત્યારે મારો સ્વીકાર કરવા કોઈ તૈયાર ન હતું.

"થોડા દિવસ હું એકલી રહી અને પછી જેણે મારો સોદો કર્યો હતો એ વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પણ પોલીસે થોડા સમયમાં જ તેને છોડી મૂક્યો હતો.

""રોજગારના બહાને અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. મારા જેવી અનેક સ્ત્રીઓ આવી જગ્યાએ શોષણનો શિકાર બની રહી છે.

દુકાળ ન પડ્યો હોત તો અમે આવી પરિસ્થિતિમાં ધકેલાયાં ન હોત. અમારું જીવન થોડું સારું હોત."

લક્ષ્મી એ નરકમાંથી 2009માં બહાર આવ્યાં હતાં, પણ સરકારી મદદ મેળવવામાં તેમને લાંબો સમય લાગ્યો હતો.

તેમને 2017માં 20,000 રૂપિયા આર્થિક મદદ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

આજકાલ લક્ષ્મી એકલાં રહે છે અને મજૂરી કરે છે.

દુકાળ અને ગરીબીનો ફાયદો ઉઠાવી રહ્યા છે દલાલો

ઇમેજ કૅપ્શન,

આંધ્ર પ્રદેશના અનંતપુર અને કડપ્પા જિલ્લા કારમા દુકાળથી પ્રભાવિત છે.

દેશના અનેક હિસ્સાઓમાં મહિલાઓની તસ્કરી ચાલ્યા જ કરે છે.

તસ્કરીની શિકાર બનેલી મહિલાઓને મદદ 'રેડ્સ' સંસ્થા છેલ્લાં વીસ વર્ષથી મદદ કરી રહી છે.

રેડ્સ સાથે સંકળાયેલાં જુડી ભાનુજાના જણાવ્યા અનુસાર, "રાયલસીમા વિસ્તારમાં મહિલાઓની તસ્કરીનાં કેટલાંક ખાસ કારણો છે.

"રાયલસીમામાં ઓછો વરસાદ પડવાને કારણે દુકાળની પરિસ્થિતિ સર્જાઈ છે."

"સતત દુકાળને કારણે બેરોજગારી છે, જે મહિલાઓને દલાલોની ચૂંગાલમાં ફસાવે છે."

જુડીના જણાવ્યાં મુજબ, "તેમની સંસ્થા ભિવંડી, મુંબઈ અને દિલ્હીનાં વેશ્યાલયોમાંથી 318 છોકરીઓને બચાવી ચૂકી છે.

"પોલીસ તથા તપાસ સંસ્થાઓની મદદને કારણે તેઓ છોકરીઓને બચાવી શક્યાં છે.

"વેશ્યાલયોમાંથી ઉગારવામાં આવેલી મહિલાઓને આર્થિક મદદ સ્વરૂપે સરકાર 20,000 રૂપિયા આપે છે."

ભાનુજા ઉમેરે છે, "પીડિત મહિલાને આ સરકારી મદદ અપાવવામાં બેથી ત્રણ વર્ષ લાગી જાય છે, જે યોગ્ય નથી.

"જેલમાંથી છૂટ્યા બાદ દલાલો ફરી સક્રિય થઈ જાય છે. પોલીસ પણ આ પ્રકારની ગતિવિધિ રોકવામાં નિષ્ફળ રહી હોવાનું જુડી ભાનુજા જણાવે છે.

"દલાલોનો જેલમાંથી છૂટકારો થાય એ માટે પોલીસ જ પીડિત મહિલાઓ પર કેસ પાછો ખેંચી લેવાનું દબાણ કરતી હોય છે.

"2015માં તેમના ઘરમાં આગ ચાંપવામાં આવી હતી. સદનસીબે એ વખતે ઘરમાં કોઈ ન હતું.

"એ પછી કેટલાક શકમંદો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી."

જુડી ભાનુજા દાવો કરે છે, "એક વ્યક્તિ મારી પાસે આવી હતી અને કેસ પાછો ખેંચવાના બદલામાં મને દસ લાખ રૂપિયા આપવાની ઓફર તેણે કરી હતી."

'પરિસ્થિતિમાં સુધારો'

મહિલાઓની તસ્કરી ચાલી રહી હોવાનું અનંતપુર જિલ્લાના પોલીસ વડા જીવીજી અશોક કબૂલે તો છે, સાથે પરિસ્થિતિમાં સુધારો થયાનું પણ જણાવે છે.

જીવીજી અશોક દાવો કરે છે કે પોલીસે મહિલાઓની તસ્કરીને ખતમ કરી નાખી છે. હવે અખાતી દેશોમાં મહિલાઓને છેતરપિંડી કરીને લઈ જવામાં આવ્યાની ફરિયાદો આવતી નથી.

જીવીજી અશોક કહે છે, "છોકરીઓની તસ્કરી રોકવા માટે કાદિરી ગામમાં એક વિશેષ અધિકારી નિમવામાં આવ્યા છે.

"અનંતપુર જિલ્લાના તમામ ગામોમાં મહિલા વોર્ડન તહેનાત કરવામાં આવી છે, જે છોકરીઓની તસ્કરી પર ચાંપતી નજર રાખે છે.

"એ ઉપરાંત સમગ્ર જિલ્લામાં 1500 સ્વયંસેવકો તહેનાત કરવામાં આવ્યા છે. તેમને દર મહિને 1,000 રૂપિયા પગાર આપવામાં આવે છે.

"પીડિત મહિલાઓ મદદ માટે આ સ્વયંસેવકોનો સંપર્ક સાધી શકે છે.

"એ ઉપરાંત છોકરીઓની તસ્કરી કરતા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો