મોદી એ કહ્યું એમ ગાંધીએ 'કોંગ્રેસ મુક્ત' ભારતની વાત કરી હતી?

  • પ્રકાશ ન શાહ
  • રાજકીય વિશ્લેષક, બીબીસી ગુજરાતી માટે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદ જોગ સંબોધન અંગે આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ વાળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિલકુલ લડાયક જુસ્સામાં આવી ગયા : વક્તૃત્વની સઘળી કળાકામગીરી સમેત એમની જે એક આક્રમક મુદ્રા પ્રગટ થઈ, ખાસ કરીને કૉંગ્રેસને ધ્વસ્ત અને ભારતને કૉંગ્રેસમુક્ત કરવાની રીતે, એ જોતાં સાફ જણાઈ આવ્યું કે તેઓ 2019નું બ્યુગલ બજાવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભામાં, ચૂંટણી મોરચે બાલ બાલ બચી ગયા છતાં લાગેલો ઝાટકો સ્વાભાવિક જ મોટો છે.

રાજસ્થાનમાંથી લોકસભાની બે બેઠકો પરની ચૂંટણીની કળ હજું હમણાં જ ખોઈ છે. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર અને ફુલપુરથી માંડીને અન્ય રાજ્યોમાં મળીને લોકસભાની સાત પેટાચૂંટણી આવવામાં છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને હરિયાણા એ છે રાજ્યોમાં એણે એન્ટી-ઈન્કમ્બન્સીનો સામનો કરવો રહેશે.

શિવ સેના, તેલુગુ દેશમ અને અકાલી દળ ઓછેવત્તે અંશે એનડીએ સાથે રહેવા છતાં કંઇક અંતર બનાવી રહ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ બધું જોતાં 2019ની લોકસભામાં અત્યાર કરતાં ઓછી બેઠકો મળે એ સંભાવના ભાજપના સંદર્ભમાં વાસ્તવિક છે.

વડાપ્રધાને કોંગ્રેસને કેમ ખાસ નિશાન પર લીધો?

જો 2014ના પોણા ચાર વર્ષે સંજોગો પૂર્વવત નથી જણાતાં એ સંજોગોમાં વડાપ્રધાનને પક્ષે ચિંતા અને આક્રમકતા બન્ને રીતે એક લોજિક પણ છે.

બુધવાર, સાતમી ફેબ્રુઆરીએ વડાપ્રધાને કોંગ્રેસ પક્ષને કેમ ખાસ નિશાન પર લીધો હશે એનો ખુલાસો વળતે દિવસે - ગુરૂવારે, આઠમી ફેબ્રુઆરીએ અણધાર્યો જ મળી રહ્યો.

સોનિયા ગાંધીએ કૉંગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીને સંબોધતા સ્પષ્ટ કહ્યું કે ભાજપને હરાવવા કૉંગ્રેસ સમ-મનસ્ક (લાઇક માઇન્ડેડ) પક્ષો સાથે સહકાર કરવા ઈચ્છે છે.

આ રીતે જોઈએ તો સાદો હિસાબ છે કે કૉંગ્રેસની છબી હજુ વધુ ખરડી શકાય તો બીજા વિપક્ષ એની સાથે ન જોડાવામાં સલામતી જુએ.

આમ તો, લોકસભામાં કૉગ્રેસ બે જ આંકડામાં સમેટાઈ ગઈ છે. પણ એનો એક ઐતિહાસિક વારસો છે જે પૂર્વવત પ્રભાવક ન હોય તો પણ દેશવ્યાપી છે.

જો એનું પ્રતિમાખંડન ત્રણે પાળીમાં જારી રહે (અને કૉગ્રેસ એ માટેનાં કારણો નથી આપતી એવું પણ નથી.) તો યુપીએ થ્રી જેવું કાંક બનતું રોકી તો જરૂર શકાય.

વડાપ્રધાને બુધવારે ગૃહમાં પહેલી જ વાર આટલી હદે હો-હલ્લાનો મુકાબલો કર્યો. પોતે જે કંઈ કહ્યું તે ધીરગંભીર અને સંયત્ ઢબે કહેવાનું એમણે માનો કે વિચાર્યું હોય તો પણ અવરોધ-ઘોંઘાટ વચ્ચે મૂળ ગતમાં એટલે કે ઊંચે સાદે અને આક્રમક તેવરમાં ચાલવું એમને સારુ કદાચ અનિવાર્ય પણ બની રહ્યું હોય.

લોકસભામાં કૉંગ્રેસ નેતા ખડગે, કેમકે તેઓ કર્ણાટકના છે અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આવવામાં છે, મોદીને માટે એક ઠીક ઓઠું બની રહ્યા.

લોકશાહી, લોકશાહી શું કરો છો (કૉંગ્રેસની વંશપરંપરાગત પદ્ધતિ સામે) તમારે ત્યાંની ઇતિહાસ પરંપરામાં ધર્મજન એવા રાજપુરૂષ બસવેશ્વરે નાતજાતને ઊંચનીચના ભેદ વગર સૌને સારુ ખુલ્લા ગૃહ જેવો જે એક રવૈયો અખત્યાર કર્યો હતો એ જુઓ ને.

કૉંગ્રેસને અતિક્રમીને કર્ણાટક જોગ કેમ જાણે આ એક સીધી અપીલ હતી.

કટોકટીરાજનો પ્રિય મુદ્દો

વડાપ્રધાન, પછીથી, કટોકટીરાજનો એમનો પ્રિય મુદ્દો ઉછાળ્યા વગર કેમ રહી શકે - અને મુદ્દો પણ છે તો કૉંગ્રેસને બોક્સમાં મૂકતો અને ભાજપ (જનસંઘ)ને બોક્સમાં ઝળહળાવતો.

વાત એમ છે કે જેઓ આજે ભાજપની સામે કૉંગ્રેસની સાથે જવા ઇચ્છે એમાં ઠીક-ઠીક પરિબળો એવાં છે જે કૉંગ્રેસ શાસનમાં કટોકટીરાજના ભોગ ભોગવી ચૂક્યાં હતાં.

ભાજપના હાલના રંગઢંગ, આ પરિબળોને - બીજો વિકલ્પ ન દેખાય એ સંજોગોમાં, કહો કે ટીના (ધેર ઈઝ નો ઓલ્ટરનેટિવ) ફેક્ટર વશ - કૉંગ્રેસ ભણી જવાં પ્રેરતાં હોય ત્યારે કટોકટીનો ચીપિયો ખખડાવી એમને તેમ કરતાં ખાળવાનો વ્યૂહ જરૂર અસરકારક થઈ શકે.

જો કે, તપાસની અને જાહેર સહવિચારની બાબત ખરું જોતાં એ છે કે જેઓ કટોકટીરાજના વિરોધી હતા તે પૈકી ઘણા બધા ભાજપથી કેમ પાછા પડતા હશે. ભાજપને પોતાને આ બાબતે કોઈ આત્મનિરીક્ષણની જરૂર કદાચ ના પણ લાગતી હોય.

શીખવિરોધી રમખાણનો મુદ્દો

કૉંગ્રેસ સામે મોદી 1984ના શીખવિરોધી રમખાણનો મુદ્દો લઈ આવ્યા.

અકાલી દળને સાથે રાખવામાં તેમ એક પોગ્રોમ સામે ભલી લોકલાગણી જગાવવામાં એનો ખપ છે.

અને કૉંગ્રેસ એ મુદ્દે ટીકાના દાયરામાં પણ છે. પણ મોદી ભાજપની સઘળી વક્તૃત્વ શક્તિ પાસે બે વાતે ગળે ઊતરે તેવો કોઈ જ જવાબ નથી.

એક તો, યુપીએ 1, 2 પૂર્વે એનડીએનાં છ-છ વાજપેયી વરસોમાં પણ આ નૃશંસ સંહાર માટે જવાબદાર લોકો લગભગ છૂટા રહ્યા હતા.

વળી હાલના એનડીએ બેમાં, મોદી શાસનના લગભગ ચાર વરસે પણ કાનૂની કારવાઈ અને નસિયતનું ચિત્ર ખાસ બદલાયું નથી.

બીજી વાત એ કે 1984 વિશે ઉછળી ઉછળીને બોલનારાઓ બાબતે વાજબીપણે જ એવી અપેક્ષા રહે કે તે 2002 બાબતે પણ એટલા જ સ્પષ્ટ હોય.

જ્યાં સુધી ભાજપનો સવાલ છે, આ બાબતમાં એની દાનત એટલી જ સાફ છે જેટલી 1984 વિશે કૉંગ્રેસના કિસ્સામાં હશે.

ભેદ જ કરવો હોય તો એ રીતે કરી શકાય કે 2002ના ગુજરાતમાં નાગરિક સમાજ કંઇક પણ અસરકારક બની શક્યો, 1984ના દિલ્લી - પંજાબમાં પણ એણે કહેવાનું કહ્યું જરૂર, પરંતુ એની અસરકારકતા ઓછી પડી.

ગમે તેમ પણ, રાજકીય - શાસકીય અગ્રવર્ગ તરીકે ગુજરાત અને પંજાબના પોગ્રોમ બાબતે બોલવાનો ભાજપનો નૈતિક અધિકાર સવાલિયા દાયરામાં છે.

કૉંગ્રેસે પણ શીખ મામલામાં આત્મનિરીક્ષણની કોઈ બુનિયાદી સાબિતી આપી નથી.

માત્ર, ભાજપ કરતાં એનું જુદાપણું (અને એથી કંઇક સરસાઈ) એટલાં પૂરતાં હોઈ શકે છે કે બન્ને કિસ્સામાં વેર અને બદલાનું મનોવિજ્ઞાન કામ કરતું હતું પણ કૉંગ્રેસ પાસે એવું કોઈ અસલીનકલી વિચારધારાકીય સૅક્શન કે સમર્થન નહોતું જેવું ભાજપે પોતાને વાજબી ઠરાવવા વખતોવખત પ્રયોજ્યું છે.

ગાંધીની હિમાયત વિસર્જન કરતાં વધુ તો નવસર્જન માટે

કૉંગ્રેસ સામેનો ત્રીજો મોદી પ્રહાર (જે સર્વપ્રથમ પણ હોઈ શકે) એ હતો અને છે કે દેશને કૉંગ્રેસમુક્ત કરવાની હિમાયત કંઈ અમારી નથી.

એ તો ખુદ મહાત્મા ગાંધીએ કહ્યું હતું એ જ અમે દોહરાવીએ છીએ.

વાત પણ સાચી કે 1947 ઉતરતે અને 1948 બેસતે ગાંધી કૉંગ્રેસના વિસર્જનની રીતે વિચારવા લાગ્યા હતા અને હત્યાના આગલા દિવસોમાં એમણે આ સંબંધે નોંધ પણ કરી - કરાવી હતી.

પણ એમની વિસર્જન હિમાયત અને ભાજપ ઇચ્છે છે એવી ચૂંટણીહાર તત્ત્વતઃ જુદાં છે.

ગાંધીની હિમાયત વિસર્જન કરતાં વધુ તો નવસર્જન માટે હતી.

મોદી ભાજપનું કૉંગ્રેસમુક્તિ અભિયાન

વિસર્જન સાથે સૂચિત નવસર્જન વાટે જે લોક સેવક સંઘ અસ્તિત્વમાં આવવાનો હતો એણે મતાધિકારને પાત્ર કોઈ નોંધણી વગરનું ન રહે અને નોંધાયેલ સૌ ચૂંટણીમાં યોગ્ય ધોરણે મતદાન કરી શકે તે સહિતની સામાજિક સારસંભાળ સાથે ખુદ રાજ્ય પર પણ દબાણ રાખવાની હતી.

લોકશાહી સ્વરાજની શુધ્ધિ અને પુષ્ટિને વરેલી એ એક કર્મશીલ નાગરિક મંડળી હોવાની હતી.

મોદી ભાજપનું કૉંગ્રેસમુક્તિ અભિયાન, પોતાના ચૂંટણી હરીફને ધ્વસ્ત કરવા માટે અને એકચક્રી આણ ફેલાવવા માટે હશે.

પરંતુ એમાં લોકશાહી અને સ્વરાજની એ સારસંભાળ નથી જે ગાંધીમાં હતી. જો કંઈ હોય તો સતત જીતવાની ઇચ્છાની સાથે કેવળ અને કેવળ 'કિલર ઇન્સ્ટિંક્ટ' હોઈ શકે છે.

કૉંગ્રેસની ટીકાને પૂરતો અવકાશ હતો, છે અને રહેશે. પણ ગાંધી જો નવભારતને સારુ કૉંગ્રેસના વિસર્જન ને નવસર્જનની રીતે વિચારતા હતા તો સંઘ શ્રેષ્ઠીઓ અને ભાજપ પાસે ખુદના વિસર્જન (અને નવસર્જન)ની હિંમત કે તૈયારી છે? આપણે જાણતા નથી.

જે જાણીએ છીએ તે માત્ર એટલું જ કે જેમ જેમ મે 2019 નજીક આવે છે તેમ તેમ મે 2014 જેવા પરિણામની ભાજપની આશા કંઇક પાછી પડે છે.

હવે વિકાસ અને સિધ્ધિની ચર્ચા ગૌણ અને એકચક્રી આણવાળી ચૂંટણીની ચિંતા ને વ્યૂહ મુખ્ય છે.

રાષ્ટ્રપતિના સંબોધન સબબ આભાર પ્રસ્તાવમાં વડાપ્રધાન મોદીની પ્રસ્તુતિનો આ સિવાય બીજો કોઈ સંદર્ભ ઉપસતો નથી.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો