મદુરાઈ મીનાક્ષી મંદિરના સરકારના સંચાલન પર સવાલ?
- મુરલીધરન કાશી વિશ્વનાથન
- બીબીસી તામિલ

2જી ફેબ્રુઆરીના રોજ મદુરાઈ મીનાક્ષી મંદિરમાં આગની દુર્ઘટના બાદ કેટલાક લોકો રાજ્યના હિંદુ રિલિજસ એન્ડ ચૅરિટબલ એન્ડાઉમેન્ટ (સખાવતી અને ધર્માર્થ દાન સંબંધિત) વિભાગ વિશે સોશિયલ મીડિયામાં કૉમેન્ટ કરી રહ્યા છે.
અત્રે નોંધવું રહ્યું કે, 2જી ફેબ્રુઆરીના રોજ રાત્રે જસ વાગ્યાની આસપાસ મીનાક્ષી અમ્મા મંદિરની પૂર્વ તરફ આવેલી એક દુકાનમાં મોટી આગ ફાટી નીકળી હતી.
જેમાં 30થી વધુ દુકાનો નષ્ટ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વીરા વંસતરાયર મંડપ (મંદિરનો મહત્ત્વનો ભાગ) તૂટી ગયો હતો.
હિંદુ રિલિજસ એન્ડ ચૅરિટબલ એન્ડાઉમેન્ટ વિભાગ સામે સૂત્રોચ્ચાર
જ્યારે આગને બુઝાવવાની કોશિશ થી રહી હતી ત્યારે કેટલાક હિંદુ જૂથના લોકોએ મંદિર બહાર એકઠા થઇને હિંદુ રિલિજસ એન્ડ ચૅરિટબલ એન્ડાઉમેન્ટ વિભાગ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
તેમણે ત્યારે સરકારનો આ વિભાગ મંદિર છોડીને જતો રહે તેવી માંગણી કરી હતી.
વળી તેમણે 'ભારત માતા કી જય'ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
બીજા દિવસે આ સરકારી વિભાગની મંદિર નજીકની જગ્યાઓ પર કેટલાક પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
વળી ફેસબુક પર એક અલગ પેજ પણ બનાવવામાં આવ્યું. જેમાં હિંદુ રિલિજસ એન્ડ ચૅરિટબલ એન્ડાઉમેન્ટ વિભાગ સામે કૉમેન્ટ કરવામાં આવી.
દરમ્યાન જ્યારે દુર્ઘટના સ્થળની સમીક્ષા કરવામાં આવી ત્યારે ભાજપના રાષ્ટ્રિય સચિવ એચ. રાજાએ કહ્યું હતું કે હિંદુ રિલિજસ એન્ડ ચૅરિટબલ એન્ડાઉમેન્ટ વિભાગના સંચાલન હેઠળ મંદિરની આવી હાલત છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે મંદિર ખોટા લોકોના હાથમાં છે.
રાજ્ય સરકારને રિપોર્ટ
સોમવારના રોજ કેટલાક અખબારોએ અહેવાલ પણ પ્રકાશિત કર્યા હતા.
અહેવાલો હતા કે મદુરાઈ જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કર્યો છે.
ખરાબ સંચાલનના કારણે દુર્ઘટના ઘટી હોવાની ફરિયાદોના આધાર પર રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હોવાના આ અહેવાલ હતા.
જોકે, મદુરાઈ કલેક્ટર કચેરીના સૂત્રોએ આ પ્રકારનો કોઈ રિપોર્ટ સુપરત કર્યો હોવાની વાતને રદિયો આપ્યો હતો.
ભાષા સંબંધિત હક-હિત માટે ઝુંબેશ ચલાવતા આઝી સેન્થિલ્નાથાન આ અંગે ટિપ્પણી કરતા કહે છે, "લાંબા સમયથી તામિલનાડુમાં મંદિરો અને તેની મિલકત જાહેર સંપત્તિ છે."
"હિંદુ ધર્મ અબ્રાહમિક(મુસ્લિમ-ખ્રિસ્તિ અને યહૂદી) ધર્મોની જેમ નથી. હિંદુ રિલિજસ એન્ડ ચૅરિટબલ એન્ડાઉમેન્ટ પ્રકારની સંસ્થાઓ તેને આ પ્રકારનું બનાવવાની કોશિશ કરી રહી છે."
"ઘણા લાંબા સમયથી તામિલનાડુમાં મંદિરો પર સરકારનું નિયત્રણ છે."
'ઉત્તર ભારતની જેમ આ મંદિરોનું નિયંત્રણ'
"પણ કેટલાક લોકો ઉત્તર ભારતની જેમ આ મંદિરોનું નિયંત્રણ કરવા માંગે છે."
"હિંદુ સંગઠનની તાજેતરની ઘટનાને આ કાર્યક્રમનો જ એક ભાગ તરીકે જોવી જોઈએ."
હાલ રાજ્યમાં 38,635 મંદિરો છે. અને તેનું સંચાલન હિંદુ રિલિજસ એન્ડ ચૅરિટબલ એન્ડાઉમેન્ટ કરે છે.
તેમાં 17 જૈન મંદિરો પણ સામેલ છે. વળી આ મંદિરોની માલિકીની 4.78 લાખ હેક્ટર જમીનની જાળવણી પણ આ વિભાગ જ કરે છે.
પ્રસિદ્ધ પ્રકાશક અને લેખક બદરી શેશાદ્રીએ કહ્યું, "દરેક બાબતમાં કેંદ્રિય નિયંત્રણ રાખવાનો સરકારનો ઈરાદો ખોટો છે."
"શા માટે સરકાર આટલા બધા મંદિરોનું સંચાલન કરે છે?"
"સરકારે સ્થાનિક સ્તરે મંદિરો માટે ટ્રસ્ટીની નિમણૂક કરવી જોઈએ. વળી આનાથી લોકોની ફરિયાદોને વાચા મળી શકશે. હાલ લોકો સત્તાધિશો સાથે તેમની સમસ્યા શેર કરી શકતા."
તમિલનાડુમાં મંદિરોના સંચાલનનો ઇતિહાસ
તામિલનાડુમાં મંદિરોના સંચાલનમાં નિયંત્રણ રાખવાનું ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમયથી ચાલતું આવ્યું છે.
1817માં કાયદો લાગુ કરવામાં આવ્યો હતો જેમાં સરકારને મર્યાદિત નિયંત્રણ માટેનો અવકાશ મળ્યો હતો.
પણ બાદમાં 1863માં બ્રિટિશ શાસન હેઠળ એક બીજો કાયદો લાવવામાં આવ્યો હતો.
આઝાદી મળી પછી 1951માં સરકાર દ્વારા મંદિરોના સંચાલનમાં નિયંત્રણનો કાયદો પસાર કરવામાં આવ્યો.
આ કાયદો પણ 1959માં વધુ વ્યાપક કરી દેવાયો.
આમ 1959થી હિંદુ મંદિરોનું સંચાલન હિંદુ રિલિજસ એન્ડ ચૅરિટબલ એન્ડાઉમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો