મહિલાનો આક્ષેપ: દહેજ ન આપ્યું તો પતિએ કિડની ચોરી લીધી

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સરકારી અને સામાજિક સ્તરે ભલે દહેજ વિરુદ્ધ અવાજ ઉઠતો હોય, પરંતુ દહેજના દાનવો દેશના કોઈને કોઈ ખૂણામાં દરરોજ દીકરીઓને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.

દહેજ માટે વહુ સાથે મારપીટના સમાચાર તમે સાંભળ્યા હશે, પરંતુ પશ્ચિમ બંગાળમાં એક એવો મામલો સામે આવ્યો, જેને સાંભળીને દાનવોને પણ શરમ આવી જાય.

અહીં દહેજની માગ પૂરી ન થવા પર પતિ અને સાસરી પક્ષે મહિલાની કિડની વેચી નાખી. પીડિત મહિલાનું નામ રીતા સરકાર છે.

રીતાનો આરોપ છે કે તેમના પતિ તેમજ સાસરી પક્ષે દહેજની માગ કરી હતી. જ્યારે દહેજ ન મળ્યું તો દગાથી તેમની કિડની લઈ લીધી.

તમને આ પણ વાંચવું ગમશે

પોલીસે મહિલાના પતિ તેમજ તેમના ભાઈની ધરપકડ કરી લીધી છે.

સ્થાનિક મીડિયાની માહિતી અનુસાર લગભગ બે વર્ષ પહેલા રીતાના પેટમાં દુખાવો થયો હતો અને ત્યારે તેમનાં પતિએ એપેંડિક્સનું ઑપરેશન કરાવ્યું હતું.

'સર્જરીની વાત છૂપાવવા પતિએ કહ્યું હતું'

ઇમેજ સ્રોત, Getty Images

2017માં રીતાના બે મેડિકલ પરીક્ષણ થયા હતા જેમાં ખબર પડી કે તેમની એક કિડની ગુમ થઈ ગઈ છે.

રીતાનું કહેવું છે કે તેઓ છેલ્લા ઘણાં વર્ષોથી દહેજ માટે શોષણ અને ઘરેલું હિંસા સહન કરી રહ્યાં છે.

તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું, "મારા પતિ મને કોલકાતાના એક નર્સિંગમાં લઈ ગયા હતા. ત્યાં મેડિકલ સ્ટાફે મને કહ્યું કે તેઓ સર્જરી કરીને એપેંડિક્સ કાઢશે.

રીતાએ કહ્યું હતું "મારા પતિએ મને આ સર્જરી વિશે કોઈને વાત ન કરવા કહ્યું હતું."

થોડા મહિના બાદ રીતાની તબિયત લથડી ત્યારે પરિવારજનો તેમને ડૉક્ટર પાસે લઈ ગયા.

પરીક્ષણ થયા બાદ ખબર પડી કે કિડની ગુમ હતી. ફરી એક વખત પરીક્ષણ કરવામાં આવ્યું તો તેમાં પણ એ જ રિપોર્ટ સામે આવ્યો હતો.

રીતાએ કહ્યું, "આ બધું થયા બાદ મને ખબર પડી કે મારા પતિએ સર્જરીની વાત છૂપાવવાનું કેમ કહ્યું હતું. અમે દહેજ ન આપી શક્યા તે માટે તેમણી મારી કિડની વેચી નાખી."

ઇમેજ સ્રોત, Getty Images

પોલીસ ઇન્સ્પેક્ટર ઉદયશંકર ઘોષે 'ધ ટેલિગ્રાફ' દૈનિકને જણાવ્યું કે રીતાના પતિ કોઈ કિડની રેકેટમાં સામેલ હોવાની તેમને શંકા છે.

તેમણે જણાવ્યું કે મહિલાના પતિ સહિત ત્રણ લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને ટોર્ચરનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો