#HerChoice ‘તે પોર્ન વીડિયો જોઈને કંઈક શિખવાની સલાહ આપતો’

મને એવું લાગતું હતું કે એ રાત ક્યારેય વીતશે જ નહીં. મારા માથામાં જોરદાર પીડા થતી હતી અને હું સતત રડતી હતી.
રડતાં-રડતાં ક્યારે ઊંઘી જવાયું એ ખબર જ ન પડી. સવારે છ વાગ્યે આંખ ખુલી ત્યારે મારા પતિ આગલી રાતનો સવાલ લઈને મારી સામે હતા.
તેમણે પૂછ્યું, "..તો પછી તેં શું વિચાર્યું? તારો જવાબ 'હા' છે કે 'ના'?" મને કંઈ સમજાતું ન હતું.
આખરે હિંમત કરીને મેં કહ્યું, "તમે આજે ઓફિસ જાઓ, પ્લીઝ. હું સાંજ સુધીમાં તમને ફોન કરીને જણાવીશ. વચન આપું છું."
તેમણે ધમકીભર્યા અવાજમાં કહ્યું, "ઠીક છે. હું ચાર વાગ્યે તને ફોન કરીશ. મને જવાબ જોઈએ અને જવાબમાં 'હા' જોઈએ. નહીંતર રાતે સજા ભોગવવા તૈયાર રહેજે."
તમને આ પણ વાંચવું ગમશે
- શું કોલ્ડ શાવર લેવાથી કોઈ લાભ થાય છે?
- ‘ઇરફાનની બીમારી’ પર શું બોલ્યાં તેમના પત્ની?
- 'હું લૅસ્બિયન છું અને મારી માતાને તેની ખબર છે'
તેમના માટે સજા શબ્દનો અર્થ થતો હતો 'એનલ સેક્સ' (ગુદા મૈથુન).
મને તેનાથી બહુ પીડા થતી હતી એ તેમને ખબર હતી. તેથી તેમણે મને ત્રાસ આપવા એનલ સેક્સને સાધન બનાવ્યું હતું.
સવારે નવ વાગ્યા સુધીમાં મારા પતિ અને તેમના મોટા બહેન બન્ને ઓફિસ ચાલ્યાં ગયાં હતાં. હું ઘરમાં એકલી હતી.
કલાકો સુધી વિચાર કર્યા બાદ મેં મારા પપ્પાને ફોન કર્યો અને જણાવ્યું કે હું હવે મારા પતિ સાથે રહી શકું તેમ નથી.
#HerChoice બાર ભારતીય મહિલાઓની સત્યકથાઓની શ્રેણી છે. આ કથાઓ 'આધુનિક ભારતીય મહિલા'ના વિચાર, તેની પસંદ, આકાંક્ષાઓ, અગ્રતાક્રમ અને ઇચ્છાઓને પડકારે છે તથા વિસ્તારે છે.
મને ડર હતો કે પપ્પા નારાજ થશે, પણ તેમણે કહ્યું, "તું બેગ લઈને ત્યાંથી નિકળી જા."
હું મારાં 'ઓરિજિનલ સર્ટિફિકેટ્સ' તથા એક પુસ્તક લઈને બસ ડેપો તરફ ભાગી છૂટી હતી.
પતિને મેસેજ મોકલીને જણાવ્યું, 'મારો જવાબ 'ના' છે. હું મારા પિયર જઈ રહી છું.' પછી ફોન સ્વિચ-ઑફ કરી નાખ્યો.
- 'ચીનને ટક્કર આપવા ફ્રાન્સનો સાથ જરૂરી''મારા પતિને સેક્સ સિવાય કોઈ વાતમાં રસ નહોતો'
- જાણો, કોરિયા તણાવમાં શું થયું અને શું થઈ શકે?
થોડીવાર પછી હું મારાં પરિવારજનોની વચ્ચે પપ્પાના ઘરમાં હતી. મેં લગ્નના બે મહિનામાં જ મારા પતિનો ઘર છોડી દીધું હતું.
ગુલાબી રોમાન્સનો અંત
મારા પતિનું નામ સાહિલ. આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હું સાહિલને મળી હતી.
સાહિલ બહુ હસમુખો હતો. મને તેની સાથે રહેવાનું ગમતું હતું અને સાથે રહેવામાં જ તેની સાથે પ્રેમ થઈ ગયો હતો.
અમે ફરવા જતાં, કલાકો સુધી ફોન પર વાતો કરતાં. જિંદગી કંઈક વધારે મહેરબાન હતી, પણ એ ગુલાબી રોમાન્સ લાંબો સમય ટકી શક્યો નહીં.
સાહિલ સાથેનો સંબંધ હું ઇચ્છતી હતી તેવો એટલે કે સમાનતાનો ન હતો, એવું હું ધીરે-ધીરે અનુભવવા લાગી હતી.
સાહિલ સાથેનો મારો સંબંધ, મારા મમ્મી અને પપ્પા વચ્ચેના સંબંધ જેવો થતો જતો હતો. ફરક એટલો હતો કે મમ્મી કંઈ કહેતી ન હતી અને હું ચૂપ રહી શકતી ન હતી.
પપ્પા નાની-નાની વાતોમાં મમ્મી પર બરાડતા હતા, હાથ ઉપાડતા હતા. મમ્મી રડતી રહેતી હતી.
સાહિલ સાથે દલીલબાજી થતી, ત્યારે મોટેભાગે એ ધક્કામુક્કી કરતો હતો અને બળજબરીથી નજીક આવવાનો પ્રયાસ કરતો હતો.
હું તેને રોકતી ત્યારે તે બરાડવા લાગતો હતો.
એકવાર તેણે મને પૂછ્યું હતું, "હું તારા પર ક્યારેક હાથ ઉઠાવીશ તો...?"
હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મહામહેનતે ગુસ્સો કાબૂમાં રાખીને મેં જવાબ આપ્યો હતો, "એ દિવસે હું તારાથી અલગ થઈ જઈશ."
સાહિલે તરત કહ્યું હતું, "તેનો અર્થ એ કે તું મને પ્રેમ નથી કરતી. પ્રેમમાં તો કોઈ શરત ન હોય."
એ પછી લગભગ એક મહિના સુધી અમારી વચ્ચે વાતચીત થઈ ન હતી.
અમારા વચ્ચેના ઝઘડા ધીમે-ધીમે વધવા લાગ્યા હતા. સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાના પ્રયાસ મેં ઘણી વખત કર્યા હતા, પણ એ દર વખતે માફી માગી લેતો હતો.
હું કાયમ સાહિલથી દૂર જવા ઇચ્છતી હતી, પણ એવું શા માટે કરી શકતી ન હતી એ ખબર નથી.
લગ્ન કરવાનું દબાણ
એ દરમ્યાન મારા પર લગ્ન કરી લેવા દબાણ વધવા લાગ્યું હતું.
હું ટીચર બની ગઈ હતી. હું ક્લાસમાં હોઉં ત્યારે મમ્મી-પપ્પાના ફોન આવતા હતા.
ફોન પર દરેક વખતે એક જ વાત થતી હતીઃ "લગ્ન વિશે શું વિચાર્યું? સાહિલ સાથે લગ્ન કરી લે.
"તેની સાથે ન કરવાં હોય તો અમારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લે. તારી બે નાની બહેનોનો વિચાર તો કર..."
ઘરમાં કંઈ ગડબડ થતી તો તેને પણ મારા લગ્ન ન કરવા સાથે જોડી દેવામાં આવતી હતી.
મમ્મીની તબિયત બગડી, કારણ કે હું લગ્ન નથી કરતી. પપ્પાના બિઝનેસમાં નુકસાન થયું, કારણ કે હું લગ્ન નથી કરતી.
હું એટલી ત્રાસી ગઈ હતી કે આખરે એક દિવસ મેં લગ્ન માટે 'હા' પાડી દીધી હતી.
લગ્ન માટે હું ત્યારે પણ તૈયાર ન હતી. મને દુઃખ થાય તેવું કોઈ કામ પોતે કરશે નહીં તેવું વચન સાહિલે આપેલું પણ તેના પર ભરોસો કરી શકતી ન હતી.
ડર બન્યો વાસ્તવિકતા
સાહિલ સાથેના લગ્ન પછી મારો ડર વાસ્તવિકતા બનીને સામે આવવા લાગ્યો હતો.
સાહિલ મને કઠપૂતળીની માફક તેના ઇશારા પર નચાવવા લાગ્યો હતો.
મને કવિતાઓ લખવાનો શોખ હતો. હું ફેસબૂક પર મારી કવિતાઓ શેર કરતી હતી.
સાહિલે તેવું કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. સાહિલ ઇચ્છે એ જ ડ્રેસ હું પહેરી શકતી હતી.
મને યાદ છે. તેણે એકવાર કહેલું, "તારે ભણવા-લખવાનું કામ રાત સુધીમાં પુરું કરવાનું. મને ખુશ નહીં રાખે તો હું ક્યાંક બીજે જઈશ."
સાહિલ કહેતો હતો કે હું તેને ખુશ રાખી શકતી નથી. એટલે પોર્ન વીડિયો જોઈને તેમાંથી કંઈક શિખવાની સલાહ મને આપતો હતો.
પછી સાહિલને હીરો બનવાનો શોખ જાગ્યો હતો. એ મને છોડીને મુંબઈ જવા ઇચ્છતો હતો.
તેણે કહ્યું હતું, "તું અહીં રહીને નોકરી કરજે અને મને પૈસા મોકલજે. પછી હું તારા નામે લોન લઈને ઘર પણ ખરીદીશ."
એ માટે સાહિલ મારી સંમતિ ઇચ્છતો હતો. એ રાતે મારી 'હા' સાંભળવા માટે તેણે ધક્કો મારીને મને પલંગ પર પાડી દીધી હતી અને પછી બળજબરીનો પ્રયાસ કર્યો હતો.
સાસરું છોડ્યાનો ફફડાટ
સાહિલે એક હદ ઓળંગી ગયો હતો. બીજી સવારે જ મેં મારા પતિને છોડી દીધો હતો.
હું ભણેલી-ગણેલી છોકરી હતી. જાતે કમાઈ શકતી હતી. આપબળે જીવી શકતી હતી.
સાહિલનું ઘર છોડીને નિકળી, ત્યારે મનમાં જોરદાર ફફડાટ હતો.
સમાજ ઉપરાંત મારાં પરિવારજનોનો ડર પણ હતો, છતાં મારાં હૈયામાંની પીડાનું પ્રમાણ એ ડરથી વધારે હતું.
મમ્મી-પપ્પા અને બે બહેનોથી ઘેરાયેલી હું મારા ઘરે પહોંચી હતી.
મારા વાળ વિખેરાયેલા હતા અને આખી રાત રડતા રહેવાને લીધે મારી આંખો સૂજી ગઈ હતી.
સામાન્ય રીતે લગ્નનાં બે મહિના પછી તેના પિયર જાય ત્યારે તેના ચહેરા પર અલગ જ રોનક હોય છે, પણ મારો ચહેરો મૂરઝાયેલો હતો.
પાડોશીઓની ચતુર આંખોને સચ્ચાઈ પામી જવામાં બહુ વાર લાગી ન હતી.
સંખ્યાબંધ લોકો અમારે ત્યાં આવવા લાગ્યા હતા. બધા કહેતા હતા કે અમારી સાથે બહુ ખોટું થયું.
કેટલાક લોકો એવી આશા બંધાવતા હતા કે સાહિલ જાતે આવીને મને પાછી લઈ જશે.
કેટલાક લોકો એવું કહેતા હતા કે આટલા નાના કારણોસર સાસરું છોડવાનો મોટો નિર્ણય ન કરવો જોઈએ.
જેટલાં મોં એટલી વાતો, પણ તેમની વાતો મારો નિર્ણય બદલી શકી ન હતી.
બહેતર ભવિષ્યની આશા
સાહિલનું ઘર છોડ્યાને સાત મહિના થઈ ગયા છે અને હવે હું મારો પોતાનો માર્ગ નક્કી કરી રહી છું.
મને ફેલોશીપ મળી છે, હું નોકરી કરી રહી છું અને સાથે અભ્યાસ પણ કરી રહી છું.
એ બધાની સાથે પોલીસ સ્ટેશન અને કોર્ટનાં ચક્કર લગાવતા રહેવું પડે છે, કારણ કે છૂટાછેડાની પ્રક્રિયા કાયદાકીય રીતે હજુ પૂર્ણ થઈ નથી.
હું હજુ પણ રાતે ઊંઘમાંથી ચોંકીને જાગી જાઉં છું. મને અત્યારે પણ ખરાબ સપનાં આવે છે.
મારી સાથે જે થયું તેને હું હજુ ભૂલી શકી નથી, પણ આગળ વધવાના મારા પ્રયાસ ચાલુ છે.
સંબંધ અને પ્રેમમાંનો મારો ભરોસો ડગમગ્યો જરૂર છે, પણ તૂટ્યો નથી.
ખુદને કમસેકમ ત્રણ વર્ષનો સમય આપવાનું મેં વિચાર્યું છે. એ દરમ્યાન હું મારો તમામ પ્રેમ જાત પર લૂંટાવીશ અને ખુદને મજબૂત કરીશ.
હું ચૂપ ન રહી, શોષાતી ન રહી, પણ સંબંધ સમયસર તોડી નાખ્યો તેનો મને ગર્વ છે.
તેથી મને ખાતરી છે કે મારું ભવિષ્ય મારા ભૂતકાળ અને વર્તમાન કરતાં બહેતર હશે.
(આ પશ્ચિમ ભારતમાં રહેતી એક મહિલાની સત્યકથા છે. એ મહિલાએ બીબીસીનાં સંવાદદાતા સિંધુવાસિની ત્રિપાઠીને આ જીવનકથા જણાવી હતી. મહિલાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ શ્રેણીનાં નિર્માતા દિવ્યા આર્યા છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો