#HerChoice: યુવતી અપરણિત હોય એટલે ‘ચારિત્ર્યહીન’ અને ‘અવેલેબલ’?

પ્રતિકાત્મક રેખાંકન

મારા ભાઈનાં લગ્ન માટે એક અખબારમાં પ્રકાશિત કરવામાં આવેલી જાહેરાતને હું તાકી રહી હતી.

તેમાં લખ્યું હતું કે 'પરિવારમાં એક મોટી અપરણિત બહેન છે.' એ લાઇન પર અમારા એક સગાએ લાલ શાહીથી કુંડાળું દોર્યું હતું.

એ સગાએ કહ્યું હતું, "મોટી બહેન અપરણિત હોવાથી આપણા દીકરા માટે યોગ્ય કન્યા શોધવામાં બહુ મુશ્કેલી સર્જાશે."

મારા હૃદયમાં કોઈએ તીર ભોંક્યું હોય એવી અનુભૂતિ એ સાંભળીને મને થઈ હતી. મેં કમકમાટી અનુભવી હતી અને આંસુને રોકી રાખ્યાં હતાં.

જોરદાર ગુસ્સો આવતો હતો. મારા સગાના વિચાર આવા જૂનવાણી કઈ રીતે હોઈ શકે?

મારો અપરણિત રહેવાનો નિર્ણય મારા ભાઈ માટે યોગ્ય જીવનસાથી શોધવામાં નડતરરૂપ કઈ રીતે બની શકે એવો સવાલ બરાડીને હું લોકોને પૂછવા ઇચ્છતી હતી.

જોકે, એ પરિસ્થિતિમાં મૌન રહેવું યોગ્ય હતું અને મેં એવું જ કર્યું હતું.

સગાના વલણનો મારો ભાઈ અને પપ્પા વિરોધ કરશે એવી મને આશા હતી, પણ અન્ય સગાંઓની માફક તેઓ પણ મારી પીડા પ્રત્યે ઉદાસીન હતા.

મારી મમ્મી મને બરાબર સમજતી હોવાથી તેણે એ સંવાદ અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

પોતાનો દીકરો પરણવાનો હોવાની વાતથી મમ્મી ખુશ હતી. મારા મમ્મી-પપ્પાએ મારાં લગ્નનાં સપનાં પણ સેવ્યાં હતાં.

બે સંતાનોમાં હું મોટી હોવાને કારણે તેઓ મને પહેલા પરણાવવા ઇચ્છતા હોય એ દેખીતી વાત છે, પણ હું લગ્ન કરવા ઇચ્છતી નથી.

લગ્ન નહીં કરવાનો નિર્ણય મારાં મમ્મી-પપ્પાની ખુશી છીનવી લેવા જેવો હતો અને એ નિર્ણયને કારણે અમારા વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષથી ટેન્શન હતું.

એ ટેન્શન મારાં અન્ય સગાંઓ અને દોસ્તો સુધી લંબાયું હતું.

કેટલાકનો પ્રતિભાવ અપેક્ષિત હતો પણ કેટલાકના પ્રતિભાવથી મને આશ્ચર્ય થયું હતું.

આ તે કેવી 'મદદ'?

સ્કૂલ સમયના એક દોસ્તે મને એક દિવસ કહ્યું હતું, "તું પરણવા નથી ઇચ્છતી એ હું જાણું છું, પણ તારી કેટલીક ચોક્કસ 'જરૂરિયાત' હશે. તું ઇચ્છે તો એ સંતોષવામાં તને મદદ કરવા હું તૈયાર છું."

તેણે જણાવ્યું હતું કે એવું કરવાનું તેને જરૂર ગમશે. સાથે એવી શરત મૂકી હતી કે એ વ્યવસ્થા બાબતે તેની પત્ની અને બાળકોને ક્યારેય ખબર પડવી ન જોઈએ.

એ સાંભળીને હું દિગ્મૂઢ થઈ ગઈ હતી.

હા, મારી એ 'જરૂરિયાત'થી હું વાકેફ ન હતી અને તેઓ એમ માનતા હતા કે મને સાથીની જરૂર છે.

અલબત, હું 'સુલભ' છું એવું કોઈ ધારે એ મને અસ્વીકાર્ય છે.

એ ઉપરાંત સ્કૂલના સમયનો કોઈ જૂનો દોસ્ત આવી દરખાસ્ત મૂકશે એવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું.

તેની દરખાસ્તથી મને ગુસ્સો આવ્યો ન હતો, પણ એવા વિચારથી મેં પારાવાર નિરાશા અનુભવી હતી.

દોસ્તે મને આ પ્રકારની મદદની ઓફર કરી એ હાસ્યાસ્પદ હતું.

તેને કારણે અમારા સંબંધમાં ખટાશ આવી ગઈ હતી. અમારી દોસ્તીમાં નિર્દોષતા રહી ન હતી.

દોસ્તને મળવાનો વિચારમાત્ર મને ડરાવતો હતો અને તેની સાથે વાત કરવામાં સંકોચ થતો હતો.

હું અપરણિત છું એવું લોકો જાણે છે ત્યારે મારા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. તેમનું વર્તન અને લહેકો ફરી જાય છે. મને કૉફી તથા લંચ સાથે લેવાના આમંત્રણ મળવા લાગે છે.

એ સારું છે. હવે હું તેનાથી ટેવાઈ ગઈ છું. મારા નિર્ણય હું લઉં છું. પસંદગી પણ હું જ કરું છું અને અસ્વીકાર પણ હું જ કરું છું.

હવે હું 37 વર્ષની થઈ છું અને અપરણિત રહેવાના નિર્ણયનો મને કોઈ રંજ નથી.

"દીકરીનાં લગ્ન ક્યારે કરવાનાં છો?"

અપરણિત રહેવાની ઇચ્છા પહેલીવાર મારી મમ્મી પાસે વ્યક્ત કરી, ત્યારે હું 25 વર્ષની હતી.

એ સમયે હું કમાતી થઈ હતી અને મારાં સપનાં સાકાર કરવા તથા નવી ઉંચાઈ આંબવા ઇચ્છતી હતી.

મમ્મી મારી લાગણીને બરાબર સમજે છે, પણ બીજા લોકો તેમને સવાલ પૂછે છે ત્યારે નિઃસહાય બની જાય છે.

લોકો મમ્મીને પૂછે છેઃ "દીકરીનાં લગ્ન ક્યારે કરવાનાં છો?"

"તમને યોગ્ય મુરતિયો ન મળતો હોય તો અમને કહેજો. અમે મદદ કરીશું."

મારી કારકિર્દી આગળ વધી તેમ મારા માટે મૂરતિયાની શોધે પણ વેગ પકડ્યો હતો.

બધા મારાં મમ્મી-પપ્પાને કહેતા હતા તેનાથી વિપરીત રીતે હું માત્ર સલામતી ખાતર કોઈને પરણવા ઇચ્છતી ન હતી.

લગ્ન માટે યોગ્ય ગણાતી વયથી હું મોટી થઈ ગઈ હતી અને મમ્મી-પપ્પા સાથે જ રહેતી હતી. એ કારણે મારાં મમ્મી-પપ્પાની મનોદશા કેવી હશે એ હું બરાબર જાણતી હતી.

#HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાઓની શ્રેણી છે. આ કથાઓ 'આધુનિક ભારતીય મહિલા'ના વિચાર, તેની પસંદ, આકાંક્ષાઓ, અગ્રતાક્રમ અને ઈચ્છાઓને પડકારે છે તથા વિસ્તારે છે.

ઇમેજ કૅપ્શન,

માતા બધાયના સવાલોના જવાબ નથી આપી શકતી

હું 'ઠરીઠામ' થઈ જાઉં એવું મારા પપ્પા ઇચ્છતા હતા એટલે મેં એક-બે કે ત્રણ નહીં 15 છોકરાઓ જોયા હતા.

તેમની ચિંતાનો હું આદર કરતી હતી, પણ એકેય મુરતિયો મને પસંદ પડ્યો ન હતો.

હું પરણવા શા માટે નથી ઇચ્છતી તેની સ્પષ્ટતા કરવાની મોકળાશ એ પરિસ્થિતિને કારણે સર્જાઈ હતી.

મારા મમ્મી-પપ્પા સમજી ગયાં હતાં, પણ અન્ય લોકોએ મારી પસંદગી બાબતે ધારણાઓ બાંધવાનું ચાલુ રાખ્યું હતું.

લોકો માનતા હતા કે હું 'નખરા કરું છું, અભિમાની છું, સ્વચ્છંદ છું' અને 'મારા મમ્મી-પપ્પાની વાત સાંભળતી નથી.'

લોકો કહેતા રહ્યા હતા કે હું 'બેવકૂફ' અને 'અસંસ્કારી' છું. 'ભ્રમણામાં રાચું છું.' મારા પર આવાં લેબલ લગાવીને તેમને કઈ ખુશી મળતી હશે, એ હું સમજી શકતી ન હતી.

આ બધાં લેબલ નિરર્થક સાબિત થયાં ત્યારે તેમણે મારાં 'ચારિત્ર્ય' બાબતે ચર્ચા શરૂ કરી હતી.

મારો અંતરાત્મા એકદમ શુદ્ધ હતો. કોઈના પ્રેમમાં હોવું કે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું તેમાં કંઈ ખોટું નથી. દુનિયા ઘણી આગળ વધી ગઈ છે.

આકાશમાં વિહરતું મુક્ત પક્ષી

મને ઇચ્છા થાય ત્યારે હું 'આનંદદાયક પ્રવૃત્તિ' કરી શકું છું. સ્ત્રીઓ હવે જાતને પાંજરામાં પૂરી રાખતી નથી.

હું મુક્ત રહેવા ઇચ્છું છું. લગ્ન મને એક જાતની ગુલામી જેવાં લાગે છે. હું આકાશમાં ઉડતા મુક્ત પંખી જેવી બની રહેવા ઇચ્છું છું.

મારી જિંદગી મારી રીતે જીવવા ઇચ્છું છું. ઇચ્છું તો આખો દિવસ ઘરમાં રહું અને ઇચ્છું તો આખી રાત બહાર પસાર કરું.

ક્લબ, ડિસ્કો, મંદિર કે પાર્કમાં જાઉં. ઘરનું કામ કરું કે ન કરું. ઇચ્છા થાય તો રાંધુ પણ નહીં.

રોજ સવારે સાસુમા માટે ચા કે પતિ માટે નાસ્તો બનાવવાની અથવા બાળકોને સ્કૂલે મોકલવાની ચિંતા હું કરવા ઇચ્છતી નથી.

મને અપરણિત રહેવું બહુ ગમે છે. હું મારી સ્વતંત્રતાને ચાહું છું. બધા મને સમજે એ માટે હું વારંવાર આ કહેવા તૈયાર છું.

બાળકો અને મોટો પરિવાર ધરાવતી હોવા છતાં એકલતા અનુભવતી અનેક પરણિત મહિલાઓને મેં જોઈ છે.

હું એકલતા અનુભવતી નથી. મારો પરિવાર છે, દોસ્તો છે. મને આનંદ આપે એવો સંબંધ મારા માટે મૂલ્યવાન છે.

અપરણિત યુવતીને આપણા સમાજમાં બોજો ગણવામાં આવે છે, પણ હું ક્યારેય બોજો ન હતી.

હું દુનિયાભરમાં પ્રવાસ કરું છું. હું કમાઉં છું અને કમાયેલા નાણાંને કેવી રીતે ખર્ચવા એ માત્ર મારે જ નક્કી કરવાનું હોય છે.

મેં કાર્યક્ષેત્રે આગવું સ્થાન બનાવ્યું છે અને મને વખાણતા લેખો લખવામાં આવે છે.

હું અપરણિત હોવા બદલ અખબારો મારી મજાક કરતાં હતાં. એ જ અખબારો અપરણિત રહેવાની મારી હિંમતને હવે બિરદાવે છે.

મારાં મમ્મી-પપ્પા મારા માટે ગર્વ અનુભવે છે અને તેમના દોસ્તોની દીકરીઓ માટે મને સફળતાનું ઉદાહરણ ગણાવે છે.

મારી પસંદગી વિશે લોકો શું વિચારે છે તેની મને પરવા નથી.

અપરણિત રહેવાનો નિર્ણય મેં કર્યો હતો અને તેને મેં સુયોગ્ય સાબિત કરી દેખાડ્યો છે.

(આ ઉત્તર-પશ્ચિમ ભારતમાં રહેતી એક યુવતીની સત્યકથા છે. એ યુવતીએ બીબીસીનાં સંવાદદાતા અર્ચના સિંહને આ જીવનકથા જણાવી હતી. યુવતીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ શ્રેણીનાં નિર્માતા દિવ્યા આર્યા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો