ગુગલ ફ્લાઇટ રિઝલ્ટ્સમાં ભારતીય યૂઝર્સને છેતરતી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ગુગલને રૂ. 1.36 અબજનો દંડ ફટકાર્યો છે. ભારતમાં સર્ચ એન્જિનમાં સત્તાધિકારની સ્થિતિનો દુરુપયોગ કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.
કમિશનની તપાસમાં બહાર આવ્યું હતું કે, જ્યારે યૂઝર ફ્લાઇટ ડિટેઇલ્સ વિશે સર્ચ કરતા, ત્યારે તેમને ગુગલના ખુદના 'ફ્લાઇટ સર્ચ પેજ' પર રિડાઇરેક્ટ કરવામાં આવતા હતા.
કમિશનના તારણ પ્રમાણે, આ પ્રકારના 'સર્ચ રિઝલ્ટ્સમાં પક્ષપાત'ને કારણે હરિફ ઉદ્યોગોને નુકસાન પહોંચ્યું હતું.
ગુગલના પ્રવક્તાએ સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું કે તેઓ સીસીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા છે.
સીસીઆઈએ તેના 190 પાનાના રિપોર્ટમાં નોંધ્યું છે કે, સર્ચ એન્જિન ક્ષેત્રે સત્તાધિકારનો કંપનીએ દુરુપયોગ કર્યો હતો. જેના કારણે હરિફોને તથા ગુગલ યૂઝર્સને પણ નુકસાન થયું છે.
વર્ષ 2012માં ભારતની વેબસાઇટ ભારત મેટ્રિમોની તથા ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલા એક સંગઠને આ સંબંધે ફરિયાદ દાખલ કરી હતી.
ગુગલના કહેવા પ્રમાણે, "અમારા યૂઝર્સની જરૂરિયાતને ધ્યાને રાખીને સતત સંશોધનો કરતા રહીએ છીએ."
પ્રવક્તાએ ઉમેર્યું હતું, "કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ જે મુદ્દા હાથ ધર્યા, તેમાં સ્વીકાર્યું છે કે કંપની સ્પર્ધાત્મક્તાને લગતા ભારતીય કાયદાઓનું પાલન કરે છે."
ખાસ નુકસાન નહીં
ઇમેજ સ્રોત, Getty Images
ગુગલના ભારતીય મૂળના સીઇઓ સુંદર પિચાઈ
આ દંડથી ગુગલને ખાસ અસર નહીં થાય. દંડની રકમ ગુગલને ભારતમાંથી મળતી સરેરાશ આવકના પાંચ ટકા જેટલી જ છે.
ગત સપ્તાહે ગુગલની મુખ્ય કંપની આલ્ફાબેટે 6.8 અબજ ડૉલર (રૂ. 438090000000)નો ત્રિ-માસિક નફો જાહેર કર્યો હતો.
અગાઉ 2017માં યુરોપિયન કમિશને કંપનીને 2.4 અબજ યુરો (રૂ.189436920000)નો દંડ ફટકાર્યો હતો.
કંપની પર આરોપ હતો કે તે ખુદના શૉપિંગ રિઝલ્ટ્સને અગ્રક્રમે દેખાડતી હતી અને તે સાબિત થયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો